ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સંસ્મરણો : ભાગ – ૨

GN Patel[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

(૧)

અદ્વિતિય લોકનેતા સ્વ. શ્રી ગલબાભાઈ ના. પટેલ – પીતાબંરભાઈ પઢિયાર

સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ગલબાભાઈ પટેલને હું ઘણા સમયથી ઓળખતો હતો. સ્વરાજ્યપ્રાપ્તિ પછી જ્યારે કાર્યકર્તાઓની સભા કે સંમેલનો યોજાય ત્યારે આડંબર વગરની સીધી, સાદી વાણીમાં ગામડાની જનતાની મુશ્કેલીઓ અને પ્રશ્નો તેઓ મક્કમતાપૂર્વક રજુ કરતા ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યક્તિવિશેષ અને જિલ્લાના આગેવાનો આ ખેડૂત નેતાની વાણી ધ્યાનથી સાંભળતા હતા તે હજુ પણ મારા સ્મરણમાં છે.

૧૯૫૨માં દેશમાં પ્રથમ ચૂંટણીઓ યોજવામાં આવી ત્યારે પાલનપુર-વડગામ-દાંતા-આબુરોડ મતદારમંડળની બે બેઠકો પૈકીની સામાન્ય બેઠક માટે સ્વર્ગસ્થશ્રીની થયેલી પસંદગીને સર્વત્ર આવકાર મળ્યો અને ગ્રામ જનતાના અપાર પ્રેમ અને ટેકાના કારણે તેઓ ન જેવા ખર્ચે વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૫૭માં પણ તેમને જ ટિકિટ મળી અને બન્ને વખતે વિધાનસભ્ય તરીકે ચૂંટાઈને જિલ્લાની જનતાની સાચા પ્રતિનિધિ તરીકે તેમણે લોકોનો અવાજ રજૂ કર્યો હતો.

સ્વર્ગસ્થ શ્રી ગલબાભાઈ જિલ્લા ખેડૂત મંડળના જીવનભર પ્રમુખ રહ્યા છે. તેઓ સપ્તાહમાં ચાર પાંચ વખત ખેડૂત મંડળની કચેરીમાં હાજરી આપતા. સદ્દભાગ્યે મારું ધંધાનું સ્થળ પણ ખેડૂત મંડળની કચેરીની સામે જ હોવાથી તેમની સાથેનો પરિચય ગાઢ બન્યો અને તે પછી દોઢેક માસ સુધી ખેડૂત મંડળ સંચાલિત ભારત દર્શન-યાત્રા ગાડીમાં તેઓશ્રી સાથે જવાનો સુયોગ પ્રાપ્ત થયો ત્યારે યાત્રિકોની તેઓશ્રીએ બજાવેલી ઉમદા સેવાઓથી મારા હર્દયમાં તેમના માટે ભારે માનની લાગણી ઊભી થવા પામી હતી.

સને ૧૯૬૮માં તેઓશ્રી બનાસકાંઠા જિલ્લા પંચાયાતના પ્રમુખપદે ચૂંટાયા પછી તરત જ મારા નિવાસ-સ્થાનમાં રહેવા આવ્યા. પછી તો મારો પરિચય વધુ ગાઢ બન્યો હતો. તે સમયના કેટલાંક સંસ્મરણો હજુ પણ મારા માનસપટ પર અંકિત થયેલા છે. તે પ્રમાણે તેઓ શ્રી પાસે કોઈ પણ મનુષ્ય કોઈ પણ સમયે આવી શક્તો અને વિના સંકોચે પોતાની મુશ્કેલીઓ રજુ કરી શક્તો. શોષિતો અને ગરીબો પરત્વે તેમને ખૂબ જ હમદર્દી હતી. તેમને તેઓ હસતાં મોંએ આવકાર આપતા અને તેમની હકીકત સાંભળી આશ્વાસન આપતા હતા. કેટલીક વખત હું તેમને કહેતો કે ‘મુરબ્બી, રાત્રે પણ લોકો આપને જંપવા દેતા નથી’ ત્યારે તેઓ કહેતા કે; ‘સૂઈગામ, વાવ અને વારાહી જેવા જિલ્લાના દૂર દૂરના સ્થળેથી ઘણી જ હાડમારીઓ વેઠીને બહુ જ લાંબી આશાઓ સાથે જે માણસ મને મળવા આવે તેમની હકીકત હું ધીરજપૂર્વક ન સાંભળું અને તમનું કામ ન કરું તો આ લીધેલો હોદ્દો મારા માટે શાપરૂપ છે.’

સદ્દગત જિલ્લા પંચાયતના પ્રમુખ થયા ત્યારે કેટલાક શિક્ષિત ભાઈઓ કહેતા કે, આ બે ચોપડી ભણેલો માણસ જિલ્લાનો વહીવટ શી રીતે કરી શકવાનો છે ? પરંતુ સ્વર્ગસ્થે લગભગ પાંચ વર્ષ સુધી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી દુષ્કાળ જેવી વિષમ પરિસ્થિતિનો દ્રઢતાપૂર્વક પ્રતિકાર કરીને પોતાની આગવી સૂઝ અને હૈયા ઉકેલથી આ જિલ્લાને વિકાસલક્ષી બનાવવા માટે જે અથાક પ્રયાસો કર્યા હતા તે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તે નિશ્ચિત છે.

સ્વર્ગસ્થશ્રીએ સેવાકાર્યોથી જે લોકચાહના મેળવી હતી તે અદ્વિતિય હતી. આજ પૂર્વે બનાસકાંઠાના જ નહિ, પણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કોઈ રાજવી કે મોટા નેતાને માન મળ્યુ નથી તેટલુ ભવ્ય વિદાયમાન તેમને મરણોત્તર મળ્યું છે. સ્વર્ગસ્થશ્રીનો સ્મશામયાત્રામાં જે વિરાટ માનવ મહેરામણ ઉમટ્યો હતો તે કલ્પનાતીત હતો. સદ્દગતની સેવાની જ્યોત તેમના અનુયાયીઓ અને સાથીઓ પ્રકાશિત રાખે અને જિલ્લાને અગ્રેસર બનાવવાનું સદ્દગતનું અધૂરું સ્વપ્ન સાકાર બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.

 

(૨)

સત્પુરુષને વંદન : નટવરલાલ યાજ્ઞિક

 

ગલબાભાઈ ! કેવું ગામડિયું નામ દેખાવ પણ એવો જ. ઇસ્ત્રી વિનાનો ટિનોપલ રહિત ધવલતાવાળો ઝભ્ભો, ધોતિયું અને ઇસ્ત્રી હોય તો યે એના સળ ભાંગી જાય એ રીતે પહેરેલી ખાદીની ટોપી. ચહેરે મહોરે પણ સુધરેલા શહેરી ન લાગે. સ્વભાવ સહજ સરળતાથી હળે મળે. આ માણસ બનાસકાંઠાનો નેતા ! એમને વિશે આવી કંઈક મિશ્ર છાપ શરૂઆતમાં મને હતી. બનાસકાંઠાની એક વખતની એકમાત્ર કોલેજના આચાર્ય તેરીકે મારે પ્રસંગોપાત શ્રી ગલબાભાઈને મળવાનું થતું. ‘કેમ ચાલે છે કોલેજ ?’ એ પૂછતા. વાત આગળ વધતી નહીં. કોલેજ આર્થિક ટંચાઈ અનુભવતી હતી. કોલેજ-કેળવણીના વિકાસની ઘણી તકો આ કારણે જતી કરવી પડતી. શક્યતાઓ હતી, પણ એ તરફ જોવાનો ઓછાઓને સમય હતો. ગલબાભાઈ એ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. મને એમ થતું કે આમને સરખી રીતે કોલેજની વાત કરવી જોઈએ.

એ દિવસોમાં બનાસડેરીના કુશળ મેનેજર શ્રી દેસાઈ મારી બાજુમાં જ રહેતા. ગલબાભાઈ પાસે એમને લગભગ દરરોજ જવાનું હોય. એમની સાથે હું એક વખત ગલબાભાઈના નિવાસે પહોંચી ગયો. મને જોઈને સ્વાભાવિક ઉમળકાથી પૂછ્યું, ‘કહો યાજ્ઞિક સાહેબ, કેમ આવવું થયું ?’ મેં કોલેજની વાત કાઢી. એ થોડા ઉદાસીન લાગ્યા. ત્યારે મેં અકળાઈને કહ્યું, ‘જો તમારે આમ જ રહેવું હોય તો તમે કોલેજની વ્યવસ્થાપક સમિતિમાં શા માટે રહ્યા જ છો ? તમારા થકી કોલેજને લાભ શો ? કોઈ દિવસ કોલેજ વિશે વધારે જાણવા પ્રયત્ન કર્યો છે ?” એ ચતુર પુરુષ વાતનું હાર્દ તરત પામી ગયા. કહે, ‘ભાઈ, કોલેજનું ધ્યાન રાખનાર છે, પછી અમારું શું કામ ?” મેં કહ્યું, ‘તમારું ઘણું કામ છે.’ પછી માંડીને બધી પરિસ્થિતિ કહી. અને એમણે શ્રદ્રેય આશ્વાસન આપતાં કહ્યું : ‘ એ આજથી કોલેજનું કામ ઉપાડ્યું. તમે તમારે નચિંત રહો. બીજે જ દિવસે કાર્યકર્તાઓને મળી એમની પાસેથી પરિસ્થિતિનો કયાસ કાઢી લીધો. કોલેજ માટે ફંડ કેમ થતું નથી ? ક્યાં અટક્યું છે ? બધું જાણી લીધું. એક અઠવાડિયામાં તો એમના પ્રયત્નોથી એક સભા થઈ. સૌ એ ખુલ્લે દિલે ગલબાભાઈની દોરવણી સ્વીકારી. ફંડ માટે મુંબઈ જવાનું નક્કી થયું. આ કામમાં જે કંઈ નડતું હોય તે એમણે પોતાની રીતે દૂર કર્યું. એખલાસભર્યા વાતાવરણમાં મળવાનું થયું. લાગ્યું કોલેજના ભાગ્ય ઊઘડ્યા ! પણ કોલેજનું દુર્ભાગ્ય આગળ આવ્યું જ ! સાતમી તારીખે મીટિંગ રાખી હતી, જેમાં સઘળી કાર્યવાહી નક્કી થવાની હતી. તે પહેલા ત્રીજી તારીખે એમનું આકસ્મિક નિધન થયું. એ હોત તો ? કોલેજ કોઈ જુદી જ સંપન્ન સ્થિતિમાં હોત ! મકાન હોત, હોસ્ટેલ હોત, નવા અભ્યાસક્રમો હોત અને એક મઝાનું વિદ્યાસંકુલ ફાલ્યું ફૂલ્યું હોત ! એમના સ્મારક ટ્રસ્ટનો ઉપયોગ કોલેજ માટે કરવાનું વિચારાઈ રહ્યું છે. એક રીતે ઘણું જ યથાર્થ અને સાંપ્રત છે.

શ્રી ગલબાભાઈની કર્તવ્યનિષ્ઠા, સ્વચ્છ હર્દય, સરળ નિર્વાજ્ય સ્વભાવ બનાસકાંઠામાં જોવા બાકી છે. એમના જવાથી જિલ્લાના રાજકારણ અને એવા ક્ષેત્રે જે ખોટ પડી છે એનો ખ્યાલ બહુ ઓછાઓને છે. બનાસકાંઠા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને જે ખોટ પડી છે એ તો ન પુરાય એવી છે.

એ સત્પુરુષને અનેક વંદન.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.