વ્યક્તિ-વિશેષ

શબ્દ સૂરને મેળે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

[ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી પ્રશાંત જાદવની રચનાઓ ઉપરનો આ લેખ તા.૧૬.૧૦.૨૦૧૩ ના ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયો હતો જે સાભાર અહીં મુકવામાં આવ્યો છે.]

 

કુમકુમના પગલાં પડયા….. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડીજાય……

ભીંતની તીરાડ….. ભીતરની તીરાડ….

ભેંત્યની તેડય તો ગારાથી હોંધીએ
માંયલીન ચ્યમ કરી હોંધવી!
ઊંઘનારું લોંબું ન પશેડી ટૂંકી
ઓંમ ટૂંટીયે તે રાત ચ્યંમ કાઢવી!!
તોય મનં ઇમ કો’ક ઉપા કરીએ
જો થોડા ઘણા ફેર કાંય થાય
(ુપણ) એટલામાં તેડય તો બાકોરુ થઇ જઇ,
મુ હં નાખું તો એ પુરાય!
દનિયોનાં કીધ તારો રાશ્યો ભરૃંહો
અવ તનજ લાજ જોઇય આવવી.
હૌના તો લેખ તમે લખો લલાટે
પણ મારા લસ્યા તમે ઓંશ્યે
ન- કાપાય પાસા એવા પાડયા
ક- મારઅ ચોમાહા રે’ હે બારમાશે
ઓંશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં
એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી
હારી થાચીન મીંતો મનનું મનાયું
ક-આપણ જ આપણાં ફોડવાં
પણ આ બધું ગન્યાંન તો ઘડી બે ઘડી
પસ મનં હાથે માથાં રોજ ફોડવાં
કાઠ્ઠાં થઇ પીડયા માં ભોમાં ભંડારી
તોય દેખાય તો ચ્યમની હંતાડવી ?
ભેંત્યની તેડય તો….
– પ્રશાંત કેદાર જાદવ

બનાસકાઠાંના વડગામ તાલુકાના કોદરામ ગામમાં જન્મેલા પ્રશાંત કેદાર જાદવનું નામ એટલું જાણીતું ન લાગે. મનોરંજન કરાવનારી જે ઉત્તમ લોક જાતિયો છે તેની તૂરી જાતિમાં કવિનો જન્મ. આ તૂરી જાતિના લોકો માટે કહેવાય છે કે તેમનું ધાવણું છોકરું જો રડતું હોય તો તે પણ સૂરમાં રડતું હોય. આ જાતિને સૂર ગળથૂથીમાં મળેલો છે. ૧૪ વર્ષની ઉંમર સુધી ડામરનો પાકો રોડ જોયેલો નહીં. પણ આજે તો આ કવિને આપણે તેના નામથી નહીં, તેના કામથી ખૂબ જાણીએ છીએ.
કુમકુમનાં પગલાં પડયાં….
માડી તારાં હેત જડયા
જોવા લોકો ટોળે વળ્યા રે,
માડી તારા આવવાના એંધાણા મળ્યા….
આ લોકગીત નથી. આ ગીત વગર એમ કહી શકાય કે નવરાત્રી અધૂરી. લોકોના હૈયે અને હોઠે આ કવિના અનેક ગીતો અને રચનાઓ રમે છે, રમતા આવ્યા છે.
જોડે રહેજો રાજ…
જોડે રહેશું રાજ
(ગુજરાતી ફિલ્મગીત…)
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય…
ના, ના, રે રહેવાય, ના, ના, રે સહેવાય,
મારા હૈયામાં કંઇ કંઇ થાય….
ઓઢણી ઓઢું….
ગુજરાતી ફિલ્મોમાં માત્ર સૌથી વધુ ટાઇટલ ગીત પ્રસિધ્ધિ મેળવી હોય તેવા આ કવિ છે. પણ કવિને ખબર છે કે શુદ્ધ કવિતા શું ચીજ છે. પ્રજાની નાડ પકડતા પણ આ કવિને આવડે છે અને શુદ્ધ કવિતાના ધબકારે ધબકતા પણ આવડે છે. આટલી પ્રારંભિક વાત એટલા માટે કરી કારણ કે ક્યારેક કવિતાઓ ખૂબ જાણીતી હોય છે અને કવિને કોઇ ઓળખતું જ નથી હોતું. પાલનપુર બાજુની ભાષામાં તેમણે લખેલા કાવ્યોમાં અસલી ગ્રામજીવનની અને તળભાષાની ખૂશ્બુ સમાયેલી છે અને આથી જ તેમની એવી કવિતા પસંદ કરી છે.
ભીતંની તીરાડ તો ગારાથી સાંધી શકાય પરંતુ હૃદયમાં પડેલા તીરાડોને કઇ રીતે સાંધવી? જ્યારે શરીર કરતા પછેડી ટૂંકી હોય અને ટૂંટિયું વાળીને આખી રાત કાઢવાની હોય તો તે રાત કેમની કાઢવી? અને પછી તોય મનમાં માણસ કોઇક ને કોઇક ઉપાય કરતો હોય છે એ જ આશાએ કે કદાચ જીવનમા થોડો ઘણો ફેરફાર થાય. ચાદર જેટલી જ સોંડ તાણવી જોઇએ એ વાત સાચી પરંતુ ભાગ્યમાં ચાદર જ ટૂંકી મળી હોય તો શું કરવું? આ હૃદયમાં પડેલી તીરાડ, માહ્યલામાં પડેલી તીરાડ જેમ-જૂમ પૂરવાના પ્રયત્ન કરીએ છીએ તેમ-તેમ મોટી ને મોટી થતી જાય છે. આપણી જાત આખ્ખી એમાં હોમી દઇએ તોય જીંદગીની આ તીરાડ એવી હોય છે કે પૂરાય તો કદાચ પૂરાય. અને આથી જ ભગવાનને કહી દેવાનું મન થાય છે કે હે ભગવાન દુનિયાના કહેવાથી તો તારા ભરોસે રહ્યો છું આજ સુધી, મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે હવે તનેય થોડીક શરમ આવી જોઇએ હોં!
આપણા ભાગ્ય આપણી હથેળીમાં રેખાઓના રૃપમાં લખાયા હોય છે. કપાળે પણ ભાગ્યના લેખ લખાયા હોય છે પણ કવિતો અહીં ફરિયાદ કરે છે મારા ભાગ્યના લેખ તમે મારી આંખોમાં લખ્યા છે. કપાળમાં ય કરચલીઓ હોય છે, હાથમાં હસ્ત રેખાઓ હોય છે બસ એવા જ કાપાઓ અને રેખાઓ તમે મારી આંખોમાં ચોમાસું રહે છે. રડી-રડીને હું સાવ ખાલી થતો જાઉં છું. જે પાણી આંખના હતા એ આંસુઓ હવે તો મારામાં છેક પાતાળ સુધી પહોંચી ગયા છે. ફૂવામાંથી પાણી બહાર કાઢવા માટે જે દોરડું વાપરવામાં આવે છે તેને રાશ કહે છે. કવિ અહીં ફરી પાછો પ્રશ્ન પૂછે છે આ આંખોના પાણી જે ઊંડે ખૂબ ઉતરી ગયા છે એને ખેંચીને બહાર લાવી શકાય એવું દોરડું ક્યાંથી લાવું? એવી રાશ ક્યાંથી લાવવી? હવે હારીને-થાકીને મેં મન મનાવી લીધું છે કે આપણે જ આપણું ફોડી લેવું પડે છે. બધાય જ્ઞાાન ઘડી- બે ઘડીના જ હોય છે પછી તો પોતાના મનની સાથે જ માથું ફોડવાનું હોય છે. છેલ્લે પ્રશ્ન પૂછે છે મન કઠ્ઠણ કરીને બધીએ પીડા જમીનમાં ખૂબ ઊંડે દાટી દીધી છે તે બધાને દેખાય જાય છે તેને કેમ કરીને સંતાડવી?
આ જ કવિનું શંકર ભગવાન ઉપરનું ખૂબ જાણીતું ગીત જોઇએ. આ ગીત પણ સોએ શ્રાવણ મહિનામાં સાંભળ્યું જ હશે.
હે ભોળાનાથ ત્રિપુરારિ કષ્ટ કાપ તું,
દેવાધિદેવ! સર્વનો છે મા ને બાપ તું.
છે રાજ તારૃં શંભુ
ત્રિલોક પર અચલ
આકાશ કે પાતાળ હો કે
હો ધરા પટલ
બ્રહ્માંડમાં જે શક્તિ છે,
એ અમાપ તું
દેવાધિદેવ!
હું તો છું તુચ્છ તરણું,
ભજું નવાઈ શી ?!
ખુદ રામ – કૃષ્ણ ભજતા
આતમ ઉંડાઈથી
હો રંક કે ઋષિની માળાનો જાપ તુ
ંદેવાધિદેવ !
સમુદ્ર મંથને પ્રભુ તું ભોળો રહી ગયો
અમૃત પીધું સૌએ તું વિષ પી ગયો
એથી બન્યો દેવોનો દેવ
આપોઆપ તું
દેવાધિદેવ!
કરમાં ત્રિશૂળ ડાક અને કંઠે સર્પમાળ
ગંગા ઝીલી જટામાં ધરા કરી રસાળ
‘પ્રશાંત’ તારો દાસ કહે
શરણું આપ તું
દેવાધિદેવ!
(સહયોગઃ હર્ષ બ્રહ્મભટ્ટ)

www.vadgam.com