શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૭

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ ભાગ અગાઉ ની  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલી માહિતી વાંચવા  અહીં ક્લિક કરો.   – નિતિન ]

 

પ્રભાવશાળી ગુરુદેવનું આદર્શ સાધુજીવન ઘણા લોકો સારુ પ્રેરણાદાયી બન્યું. તેમની પ્રેરણાથી કુલ ૫૦૦ મુમુક્ષુ ભવ્યત્માઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂજ્ય ગુરુદેવના ચારિત્ર્યપ્રભાવથી લગભગ ૧૮૦૦ જેટલા સાધુઓએ તમની પાવન નિશ્રામાં રહી ધર્મ સંવર્ધનનું કર્તવ્ય બજાવતા હતા. ત્યાગ, તપસ્યા અને તપના આદર્શ-મૂર્તિ બનેલા ગુરુદેવે પોતાનાં સાધુજીવનમાં કેટલીક સિધ્ધિઓ પણ હાંસલ કરી હતી, જેનો ઉપયોગ તેમણે સાધુઓના તથા શ્રાવકોના કલ્યાણ અર્થે કર્યો હતો. પૂજ્યાચાર્ય શ્રીમદહેમવિમલ સૂરિશ્વરજી મ.સા. ક્રાંતિકારી યુગનિર્માતા હતા.

આવા મહાન તપોનિષ્ઠ, ક્રાંતિકારી અને નીડર ગુરુદેવની તપસ્યા વિષે શંકાશીલ થયેલા માણેકશાએ તેમના ધૈર્યને સહનશીલતાની કસોટી કરવાનો નિશ્વય કર્યો હતો. મનોમન યોજના ઘડીને માણેકશા શેઠ તો ક્ષિપ્રા નદીના કિનારે આવેલાં સ્મશાન તરફ ઉપડ્યા.

કસોટી તો સોનાની થાય પિત્તળની નહીં. પ્રત્યેક યુગમાં સત્યવાદી સજ્જનો, સંતો, સાધુઓ અને ભક્તોની પરીક્ષા લેવાતી રહી છે. સતી સીતાની અગ્નિપરીક્ષા લેવાઈ હતી. મીરાને વિષપાન કરવું પડ્યું હતું. ભક્ત પ્રહલાદને અગ્નિમાં જીવતા જલાવવાનો પ્રયત્ન થયો હતો. નરસિંહ મહેતા જેવા ભક્તને નવઘણે કારાવાસમાં પૂર્યા હતા. આચાર્યશ્રી માનતુંગ સૂરિજીને ધર્મનું મહાત્મ્ય સાબિત કરી બતાવવા અંધારિયાઅ કૂવામાં ઉતારી દેવાયા હતા અને આ બધી મહાન હસ્તિઓની પરીક્ષા લેનારા સઘળા લોકો આખરે નાદાન સિધ્ધ થયા હતા. મણેકશા પણ સિધ્ધ ગુરુદેવની પરીક્ષા લેવા સ્મશાનભૂમિ પર પહોંચી ગયા.

મસાણમાં અહીં તહીં ફરતા માણેકશાએ થોડીવારમાં જ વૃક્ષો નીચે કાર્યોત્સર્ગ મુદ્રામાં શાંત ભાવે ધ્યાનમગ્ન થયેલા સાધુ ભગવંતોને જોયા. તેમણે આચાર્યદેવને ઓળખી કાઢ્યા. ધ્યાનસ્થ ગુરુદેવને નિહાળી માણેકશા મનોમન મલકાયા. કુટિલ સ્મિત વેરતા તે સ્વગત બબડ્યા…

‘હં…..હવે મઝા આવશે ગુરુજી….! તપ બધું ભુલાઈ જશે….તમારી સહનશક્તિ ને ક્ષમાના નાટક્નો હમણાં જ પર્દાફાશ થઈ જશે….થોડી જ વારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે….!’

ત્યાર પછી માણેકશાએ સ્મશાનભૂમિમાં ચોતરફ દ્રષ્ટિપાત કર્યો. થોડા અંતરે એક જલતી ચિતા દ્રષ્ટિગોચર થઈ. માણેકશા ઝડપભેર ત્યાં પહોંચી ગયા. ચિતા લગભગ જલી ચૂકી હતી. ડાઘુઓ પણ ચાલ્યા ગયા હતા. તેમ છતાં ચિતામાં કેટલાક લાકડા હજી સળગી રહ્યાં હતાં. નિર્જન વાતાવરણમાં ચોપાસ નીરવતા છવાયેલી હતી. વચ્ચે વચ્ચે યદા કદા કોઈ પક્ષીનો અવાજ ગુંજી ઊઠતો હતો. માણેકશાએ ચારેબાજુ સાવધાનીથી દ્રષ્ટિપાત કર્યો. તેમને જોનાર ત્યાં કોઈ નહોતું. માણેકશાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

કાળજીપૂર્વક સળગતી ચિતા પાસે પહોંચીને માણેકશાએ એક સળગતું લાકડું ઉપાડી લીધું. લાકડું લઈને સીધા હેમવિમલસૂરિ પાસે પહોંચી ગયા. આસપાસના વાતાવરણથી તદ્દન અલિપ્ત ધ્યાનસ્થ ગુરુદેવનાં નેત્રો બિડાયેલાં હતાં. દિવ્ય તેજસ્વી મુખ પર શાંતિના ભાવ છવાયેલા હતા. તેમની લાંબી દાઢીના ચાંદી જેવા ચમકતા કેશ પવનની લહેરખીમાં લહેરાઈ રહ્યા હતા.

એક કુટિલ હાસ્ય વેરતા નાદાન માણેકશાએ ફટ લઈને સળગતું લાકડું ગુરુદેવની દાઢી પર ચાંપી દીધું. દાઢીના શ્વેત કેશ બળવા લાગ્યા કે તરત જ તેમણે લાકડાને દૂર ફગાવી દીધું. હવે તેમને પ્રતીક્ષા હતી, તમાશો જોવાની. પળ પળ વીતી રહી છે…દાઢીના વાળ સળગી રહ્યા છે…માણેકશાના મનમાં કુત્સિત વિચારો દોડી રહ્યા છે….‘હમણાં દાઝી ગયેલા ગુરુ બૂમાબૂમ કરી ઉઠશે…ક્રોધે ભરાઈને કોઈ અભિશાપ દેશે… અસહ્ય વેદનાથી ઉંહકારા ભરશે….’ આવુ વિચરતા માણેકશા આતુર નયને એકીટશે ગુરુદેવના મુખારવિંદ ભણી નિહાળી રહ્યા, પરંતુ એવું કંઈજ બન્યું નહીં. ન તો ગુરુદેવના મુખ પર વેદનાના ભાવ પ્રગટ્યા, ન કોઈ ચીસ કે બૂમ પડી, ન તેમના મુખેથી કોઈ શબ્દ સ્ફૂટ થયો. એ જ શાંત, નિર્લેપ ભાવમાં સ્થિર ગુરુદેવ અડોલ ધ્રુવતારકની જેમ ઊભા રહ્યા. ન તો તેઓ ધ્યાનભંગ થયા, ન કાઉસગ્ગ મુદ્રામાંથી વિચલિત થયા.

ખલાસ…! માણેકશાના મોતિયાં મરી ગયા. તેમની સઘળી ગણતરીઓ ખોટી પડી હતી. ધારણાઓ ધ્વસ્ત થઈ હતી. તેમનું વદન વિલાઈ ગયું. આશ્ચર્યઘાતથી થોડીક ક્ષણો પૂરતા તેઓ અવાચક ને કિંકર્તવ્યમૂઢ થઈ ગયા. થોડી જ વારમાં ગુરુદેવની દાઢીના વાળ બળી જતાં અગ્નિ સ્વયં શાંત થઈ ગયો. માણેકશા આયોજિત પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરિણામ સામે જ હતું. ગુરુદેવ વિજયી થઈ સામે સ્થિર ઊભા હતા. જ્યારે માણેકશા પરાજિત થઈ ગ્લાની અનુભવતા હતા. અચાનક તેમની વિવેકબુધ્ધિ જાગૃત થઈ. પોતે અક્ષમ્ય અપરાધ કર્યાની અનુભૂતિ થઈ. અકારણ જ એક આચાર્યને યાતના આપવાનો પોતાને કોઈ અધિકાર નહોત, એમ વિચારતા માણેકશા દોષભાવથી પીડાવા લાગ્યા. થોડીવારે સભાન થતાં પોતાના દુષ્કૃત્ય પર મનોમંથન કરતા માણેકશા ત્યાંથી ઝડપથી રવાના થઈ ગયા. પારણાનું નિમંત્રણ આપવાની વાત પણ વીસરાઈ ગઈ. જેટલી ઝડપથી માણેકશા ચાલતા હતા, તેનાથી અનેક ગણી ગતિથી વિચારોનાં ઘોડાપૂર અંતરમાં ઉમટતાં હતાં…‘ગમે તેવો ધૈર્યવાન સામાન્ય માનવી કે સાધુ પણ અગ્નિથી દાઝતાં આવી સહનશીલતા ન દાખવી શકે….! અન્ય કોઈ કાળા માથાનો માનવી આવી ઘટનામાં નિર્લેપ ન જ રહી શકે…પૂજ્ય ગુરુદેવ સાચે જ ધૈર્યવાન ક્ષમાશીલ તપસ્વી છે. મતિભ્રષ્ટ થઈ મેં અધમ દુષ્કૃત્ય આચર્યુ છે….હું દુષ્ટ, પાપી, અવિચારી ધૃષ્ટ, આવુ પાપ આચરી કયા ભવે શી રીતે છૂટીશ ? સાધુ ભગવંત તો જીવંત તીર્થ ગણાય….! ગુરુ તો ભવતારક ગણાય….! તેમના દર્શન કરાય, તેમને વંદન કરાય….તેમની તો યથાશક્તિ સેવા કરી કૃપાશિષ મેળવાય….! મેં…આ શું કરી નાખ્યું…? સાચે જ હું મહાનીચ, ચંડાળ દાનવ છું…! હલકટ ને દુરાચારી રાક્ષસ છું…..! નહીં…નહીં…આ પાપનું પ્રાયશ્વિત મારે કરવું જ પડશે… ભલે પ્રાયશ્વિત રૂપે મારે મૃત્યુને પણ વહાલું કરવું પડે તો એ પણ મને કબૂલ છે….! ગુરુદેવ તથા શ્રીસંઘ સમક્ષ મારો અપરાધ કબૂલ કરીશ…ગુરુદેવની ક્ષમા માગીશ….સકળ સંધની ક્ષમા માગીશ….અને તેમની પાસે પ્રાયશ્ચિત માગીશ…!!’

ઘર આવતા કદમ તો અટકી ગયા, પરંતુ મસ્તિષ્કમાં ચાલતા વિચારોનું તોફાન ન શમ્યું. ભોજન કર્યા સિવાય માણેકશા સીધા શયનખંડમાં ઘૂસી ગયા. રાતભરજ પલંગમાં પડખા ફેરવતા ફેરવતા પારાવાર પસ્તાવો કરતા રહ્યા. ઊંઘ તેમની વેરણ બની હતી. દ્રષ્ટિ સમક્ષ વારંવાર એ જ દુષ્કૃત્ય નર્તન કરતું રહ્યું. છેવટે પરોઢે તેમણે પ્રાયશ્ચિત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો, ત્યારે જ તેમના અશાંત ચિત્તને શાંતિ મળી. મનનો કલ્મષ ધોવાઈ જતા નિર્મળ થયેલા માણેકશાની આંખ મળી ગઈ. પાપી જન માટે સાચું જ કહેવાયું છે….

‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે…..

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે……

સાચા અંતરથી પશ્ચાતાપ કરનારને પરમાત્મા ક્ષમા કરી દે છે, એ તો ખ્રિસ્તિ ધર્મનો પણ મૂળભૂત સિધ્ધાંત છે.

પ્રાત:કાળે પ્રભાતના આગમનની છડી પોકારતો કૂકડો બોલ્યો. પૂર્વાકાશમાં લાલિમા છવાઈ. ધીમો સુગંધિત સમીર વહેવા લાગ્યો. માણેકશાના ઉદ્યાનમાં પક્ષીઓ મધુર કલરવ કરવાં લાગ્યાં. પૂર્વ દિશામાં ઉગેલા સૂર્યના કોમળ કિરણો માણેકશાના મુખ પર પથરાતાં જ તેઓ જાગી ગયા. ઉઠતાં વેંત રાત્રે કરેલા સંકલ્પનું સ્મરણ થઈ આવ્યું. ઝડપથી પ્રાત:કર્મથી પરવારી તેઓ તૈયાર થઈ ગયા. ઘણા દિવસે તેમણે માતાનો ચરણસ્પર્શ કર્યો. જિનપ્રિયાની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. આશ્ચર્યઘાતથી પળવાર તેઓ અવાચક થઈ ગયા. પછી મનમાં ભાવ જાગતાં પુત્રને પ્રેમથી શુભાશિષ આપી અને સહજ ભાવે પૂછ્યું…..

‘બેટા માણેક ! આજે આટલો વહેલો વહેલો તૈયાર થઈ શીદ ઉપડ્યો છે?’

‘બા ! કાલે હું ગુરુદેવ પાસે ગયો હતો, પરંતુ મેળ પડ્યો નહીં, એટલે આજે ફરીથી જાઉં છું.’

‘ભલે દીકરા ! પણ આજે ભૂલતો નહીં….’

‘નહીં ભૂલું બા ! ભરોસો રાખો.’

‘તારા પર પૂરો ભરોસો છે…..બેટા….જા, હવે ઝટ જા…’

માણેકશા પુન: પગે લાગ્યા. માતાનું હેતાળ હૈયું બોલી ઊઠ્યું…

‘તારી મનોકામનાઓ પૂર્ણ થાઓ….! સુખી થાઓ….!!’

જિનપ્રિયાદેવીનું અંતર આશિષ વરસાવી રહ્યું. સ્નેહસભર નયનો પુત્રને જતાં જોઈ રહ્યાં. તે સમયે બારણાંની ઓથે ઉભેલી આનંદરતિએ પણ માતા-પુત્રનો સ્નેહપૂર્ણ સંવાદ સાંભળ્યો હતો. પતિના વર્તનમાં થયેલા પરિવર્તનથી તેનું હૈયું નર્તન કરી ઊઠ્યું. અંગાંગમાં આનંદની લહેર વ્યાપી ગઈ. ઉત્સાહભેર જતા પતિદેવને તેણે તીરછી નજરે નીરખી લીધા. જતા જતા માણેકશાએ આનંદરતિ ભણી પ્રેમથી દ્રષ્ટિપાત કર્યો. આનંદરતિ શરમાઈ ગઈ. સમગ્ર શરીરમાં વીજળી દોડી ગઈ. આજે કેટકેટલા દિવસોને મહિનાઓ પછી માણેકશાએ, તેના પતિએ તેના ભણે પ્રેમથી જોયું હતું. કંઈક શુભ થવાના સંકેતરૂપે તેની ડાબી આંખ તથા ડાબી ભુજા ફરકવા લાગી. રાજીના રેડ થઈ આનંદરતિ દોડીને ઉપરના માળની અટારી પર પહોંચી ગઈ અને હવેલી બહાર નીકળતા પતિદેવને હાથ હલાવી, પ્રેમાળ દ્રષ્ટિથી નીરખતાં ભાવભરી વિદાય આપી.

આજે માણેકશા હળવાફૂલ થઈ ગયા હતા. પશ્ચાતાપના પાવક અગ્નિમાં પાપકર્મો જલી રહ્યાં હતાં. અંતરમાં પ્રાયશ્ચિત કરવાની ભાવના શીતળ લેપની અનુભૂતિ કરાવતી હતી. આજે ઘણા સમયે માતાને પગે લાગતા હૈયે અપાર શાંતિ ને સંતોષની લાગણી થતી હતી. પ્રેમાળ પત્નિના નિર્દોષ ભાવ નીરખી ચિત્તમાં આનંદને પ્રસન્નતા વ્યાપ્યાં હતાં. માણેકશાને પહેલીવાર સમજાયું કે પોતે અવળે માર્ગે ચઢીને પરિવારની ઉપેક્ષા કરતા હતા. આજે તેમનું મન પોતાના આચાર વિચાર અને ધાર્મિક સિધ્ધાંતોની પુન:સમીક્ષા કરી રહ્યું હતું. લોંકાગચ્છના ધર્મસિધ્ધાંતો પ્રત્યે શંકા સંશય જાગતાં હતાં…..

વિચારમગ્ન અવસ્થામાં જતા માણેકશાને ખબર જ ન પડી, કે તેઓ સ્મશાનભૂમિમાં પ્રવેશી રહ્યા છે. અચાનક ઠોકર લાગતાં તેમની વિચાર તંદ્રા તૂટી. સભાન થયેલા માણેકશાની ચાલ ધીમી પડવા લાગી. તેમનુ શરીર ભારેખમ થઈ ગયું. અકારણ જ લલાટ પર પ્રસ્વેદ બિંદુ ફૂટી નીકળ્યાં. પગોમાં સો સો મણની બેડીઓ પડી હોય તેમ એક એક ડગલું મુશ્કેલીથી ભરાતું હતું. ચહેરા પર સંકોચ, શરમ ને ક્ષોભના ભાવ ઉભરાતા હતા. પોતાના નિર્લજ્જ કૃત્યની યાદ તાજી થતાં લજ્જાથી તેમનું મસ્તક ઝૂકી ગયું. અચાનક થોડા અંતરે તેમણે ગુરુદેવને જોયા. ગુરુદેવ કોઈ ક્રિયા કરવાની તૈયારીમાં વ્યસ્ત હતા. ગુરુદેવ સમક્ષ જવાની હિમ્મત ન પડતાં માણેકશા રસ્તો બદલી તેમની પાછળથી આગળ વધ્યા. દશેક ફૂટના અંતરે આવતા તેમના ઊર્મિબંધના દરવાજા તૂટી ગયા.

બન્ને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતા માણેકશાએ દોટ મૂકી. ગુરુદેવની સન્મુખ જતાં જ તેમના પગે વેલની જેમ વીંટળાઈને ‘ગુરુદેવ…!! ક્ષમા કરો…! મુજ પાપીને ક્ષમા કરો….ક્ષ…મા…..!’ બોલતા બોલતા માણેકશાને ગળે ડૂમો ભરાઈ ગયો અને તેઓ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. આંસુના ઘોડાપૂરમાં શબ્દો ખોવાઈ ગયા….માત્ર હીબકાં રહી ગયાં.

પળવાર તો ગુરુદેવ ચમકી ગયા. આકસ્મિક ઘટેલી ઘટના સમજતા તેમને થોડી વાર લાગી. તેમણે માણેકશાને ઓળખી લીધા. પ્રેમથી તેમના મસ્તક તથા પીઠ પર હાથ ફેરવતાં ગુરુદેવ સહેજ ઝૂક્યા. બનેં હાથથી માણેકશાના ખભા પકડી તેમને ઊભા કરતાં ગુરુદેવ મૃદુવાણીમાં બોલ્યા……

‘માણેકશા….! શાંત થાઓ….! જરા સ્વસ્થ થાઓ….! કોણે કહ્યું તમે દોષી છો ? એવો તો કયો અપરાધ થયો કે તમે રડો છો ?’

રડતી આંખે ગુરુદેવના તેજસ્વી મુખારવિંદભણી સહેજ દ્રષ્ટિપાત કરતા માણેકશા માંડ માંડ બોલ્યા…..

‘ગુરુદેવ ! આપ તો કરુણાનિધિ છો…! સાક્ષાત દયાના સાગર છો…ક્ષમાસિંધુ છો…..હા પાપી તો હું છું….દુષ્ટ છું….દોષી છું આપનો…! મેં અપરાધ કર્યો છે…..હા, ગુરુદેવ હું આપનો ગુનેગાર છું….!’

’ગુનો, અપરાધ, દોષ….આ બધું શું છે, માણેકશા ? પ્રથમ તો થોડું પાણી પી લો. મુખ ધોઈ સ્વસ્થ થઈ જાઓ. પછી નિરાંતે વાત કરીએ…’

માણેકશાએ દૂર જઈ મુખ ધોયું…બે ઘૂંટડા પાણી પીધું. પછી કંઈક સ્વસ્થ થઈને ગુરુદેવ પાસે આવ્યા. ભાવથી દંડવત પ્રણામ કરી સુખાસનમાં ગુરુચરણમાં બેઠા પછી ગંભીરતાથી બોલ્યા….

‘ગુરુદેવ ! હું આપનો અપરાધી છું. ગઈકાલે દુષ્ટ બુધ્ધિથી પ્રેરાઈને આપની સહનશીલતાની કસોટી કરવા મેં જ આપની દાઢી જલાવી હતી…’

‘એમ કે ! વારુ પછી શું થયું ?’ મધુર રમતિયાળ સ્મિત રેલાવતાં ગુરુદેવે પૂછ્યું. ગુરુદેવના પ્રશ્નથી નવાઈ પામતા નરવસ થયેલા માણેકશા બોલ્યા….

‘પણ…પણ આપ તો અવિચળ જ રહ્યા. ન કોઈ વેદનાની રેખા ન રોષની લકીર….આપના ચહેરા પર તો નિર્મળ શાંતિનો ભાવ જ વિલસતો હતો. ગુરુદેવ ! મેં આપને પીડા પહોંચાડી છે, અશાતા પહોંચાડી છે. મને ક્ષમ કરો….દયા કરો ગુરુદેવ ! મુજ દોષીને પ્રાયશ્ચિત આપશો તો જ મને શાંતિ થશે….હા ગુરુદેવ, મને સજા આપો.

અત્યાર સુધી  આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવા અહીં ક્લિક કરો.