સાહિત્ય-લેખો

તમે પાંખ કાપી ને આકાશ અકબંધ રાખ્યું..ને તમે નામ એનું­­­ સંબંધ રાખ્યું!!!!!!

દરરોજ મારા ઘર સામે ના રસ્તા પરથી એક નાની છોકરી પસાર થાય છે. માંડ ૪-૫ વરસ ની ઉમર હશે. એનું રીયલ નામ તો મને નથી ખબર પણ પોન્ડ્સ ક્રીમ ની “ગુગલી વુગલી વુશ” ની એડ માં આવતી એક નાની બાળકી જેવો એનો એકદમ ક્યુટ, ઈનોશન્ટ, ચાર્મિંગ ચહેરો  હોવાથી એને હું ગૂગલી કહેતો. ખેતર માં જતી એની મમ્મી સાથે દરરોજ એ હસતી, કુદતી, ઉછળતી ચાલી જતી હોય. થોડા દિવસ પહેલા એક દિવસ જોયું તો ગુગલી ના માથા પર એક મોટું પોટલું હતું. મેં મારી મમ્મી ને કહ્યું કે “દેખ મમ્મી ગુગલી નાની છે તોય કેટલું મોટું પોટલું માથા પર ઉપાડી ને જાય છે” અને મમ્મી એ કહ્યું “ તો હવે તો એ ઉપાડે જ ને આવતા મહીને એના લગ્ન છે.” મેં જે સાંભળ્યું એના પર મને વિશ્વાસ જ ન બેઠો. મેં મમ્મી ને ફરીથી પૂછ્યું અને મમ્મીએ એજ ઉત્તર આપ્યો. આટલી નાની ઉમર માં લગ્ન??? મમ્મી એ કહ્યું કે એના કાકા ના છોકરા ના લગ્ન કરવા માટે ગૂગલી નું સાટું આપ્યું છે. આને “સાટા નો રીવાજ” કહે છે. કોઈ છોકરા ને લગ્ન માટે છોકરી ત્યારે જ મળે જયારે એના કુટુંબ માંથી કોઈ છોકરી આપે. ઇનશોર્ટ “જિંદગીઓની અદલાબદલી”.. વધારે સ્પષ્ટ શબ્દો માં કહું તો  “સંબંધો ની સોદેબાજી”

સંબંધ શબ્દ વિષે ખરેખર આજે ફરીથી વિચારવું જરૂરી લાગે છે. શું કોઈ વ્યક્તિ ની જિંદગી નો નિર્ણય  જાતે કરવો, કોઈક આંખો ના સપના છીનવી લેવા, એની ઈચ્છાઓને દૂધ-પીતી કરી દેવી, કોઈ ની લાગણીઓને કચડીને એની પાસે પોતાની મનમાની કરાવવી એને સંબંધ કહેવાય?? સંબંધ – સમ + બંધ (bond of equality”. બે સમાન જિંદગી વચ્ચે બંધાતો બંધ. સંબંધ માટે ઈંગ્લીશ માં બીજો એક વર્ડ છે “parralel-સમાંતર”.. કુદરત માં જીવાતા અસંખ્ય જીવન માંથી કુદરત કેટલાક ને એકબીજાને સમાંતર જીવવાનો ચાન્સ આપે છે અને એ દરમ્યાન એમની વચ્ચે એક બંધ બંધાય છે તેને સંબંધ કહેવાય. તેમ છતાય એ સમજવું જરૂરી છે કે તેઓ એક બીજાને સમાંતર છે. મતલબ કે તેમ ની વચ્ચે નિશ્ચિત પણે  કૈક અંતર તો હોવાનું જ. શ્રીકૃષ્ણ  એ ગીતા માં કહ્યું છે કે દરેક સજીવ મારામાંથી ઉદભવ્યો હોવાથી એક સમાન છે,છતાય તે દરેક પીંડ અલગ છે.  દરેક જીવ ના વિચારો, જીવન શૈલી, લાગણીઓ અને ઉદેશ અલગ હોય છે. અને દરેક ને પોતાની આ અલગતા સાથે જીવવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી એનું જીવન જીવવાનો આ અધિકાર ના છીનવી શકે. આમ તો દરેક સજીવ આ રીતે જ જીવન જીવે છે. દરેક જળચર પ્રાણી જયા સુધી એમની સંતતિ તરતા, દરિયો ખેડતા ના શીખે ત્યાં સુધી એમનું ધ્યાન રાખે છે, પાળે છે. પંખી પોતાના બચ્ચા ને પંખો ફફડાવતા , ઉડતા શીખવાડે છે. પરંતુ બચ્ચા ને ક્યાં તરવું, ક્યાં ઉડવું, ક્યાં જીવવું, કેમ જીવવું એ નથી શીખવાડતા. બસ એમને અનંત, અફાટ સમુદ્ર, મુક્ત વિશાળ ગગન આપી દેવાય છે જેની કોઈ સરહદ ના હોય, ક્ષિતિજો ના હોય.

            પરંતુ માણસે ડગલે ને પગલે પરિવાર, સમાજ, જાતી, ધર્મ, વિસ્તાર, સંસ્કાર ના નામે બંધનો ઉભા કર્યા છે, સરહદો બનાવી છે. ખબર નથી મનુષ્ય ને બીજાના જીવન પર અધિકાર જમાવવાનો, કોઈ ની સ્વતંત્રતા પર તરાપ મારવાનો, કોઈ ના વતી પોતે નિર્ણયો કરવાનો આ અધિકાર કોને આપ્યો.??? બાળપણ માં બિસ્કીટ ની વાત હોય કે પછી ટીન-એજ માં એજ્યુકેશન ની, જીવન ના કેરિયર ની વાત હોય કે પછી જીવન-સાથી ની, આ બધું જ માતાપિતા, સમાજ, સંબંધીઓ કે વડીલો પસંદ કરે છે. સંસ્કાર ના નામે, સમાજ ના નામે, ઇઝ્ઝત ના નામે, અનુભવ ના નામે પોતાની પસંદ બીજા પર થોપી દેવાય છે. અરે માણસે ફક્ત માણસ ની જ નહિ બીજા સજીવો ની પણ સ્વતંત્રતા પણ છીનવી લીધી છે. ગાય-ભેંસ ને ખીલે બાંધી દે છે, બકરી ના બે પગ બાંધી દેવાય છે જેથી એ ચરી ના શકે. ઘોડા ને નાળ લગાવી દે છે જેથી એના કાબુ માં રહે ને જિંદગીભાર એનો બોજ ઉચકતો રહે. કુતરા ના ગળે પટ્ટો ને બિલાડી ને ઘંટડી બાંધે છે. જંગલ માં રહેતા પ્રાણીઓ ને પકડી ને પાંજરા માં કેદ કરે છે ને આકાશ માં ઉડતા પક્ષીઓને પિંજરામાં… અને પછી એવો માહોલ ક્રીએટ કરવામાં આવે છે જાણે કે બધું એમના સારા માટે કરવામાં આવતું હોય. ઘાસ ઉઘાડે છે, ચાર વાવે છે, ઘાસ લણે છે, કાપે છે પછી પોતાની ઘાય ભેંસ ના ખૂંટે જઈ ને એને ખવડાવે છે ને વિચારે છે હું આનું કેટલું બધું ધ્યાન રાખું છું. “અમે અમારા કુતરા ને “ગૂડ ડે ” કરતા પણ વધારે મોંઘા બિસ્કીટ ખવડાવિયે, બોલો”.. “અમારા મીટ્ટુ (વરસો થી પોપટ માટે આજ નામ વપરાય છે, હજીયે બદલાયું નથી J) માટે ૧૫૦૦ નું નવું પાંજરૂ લાવ્યા”.. અરે પણ મૂળ છે તો એ એક પાંજરૂ જ ને!!! એ પંખી હતું, એને ઉડવા માટે એક મુકત વિશાળ ગગન હતું,, એ એમાં એને મનફાવે તેમ આઝાદી થી ઉડતું હતું. આપણે એને કેદ કરીએ છીએ, એની પાંખો કાપી લઇએ, એને દોર બાંધી દિયે છીએ , એને પંખીમાંથી પતંગ બનાવી દિયે છીએ.અને પછી આપણે ઈચ્છીએ કે એ ફરીથી ઉડે, એ પણ આપણી મરજી મુજબ.. આપણે ઢીલ આપીએ એટલી દુર જાય, આપણે ખેંચીએ તેમ ખેંચાય, આપણે નમાંવીયે તેમ નમે, આપણે ચડાવીએ એટલી ઉપર જાય, આપણે ઈચ્છીએ એની સાથે પેચ લડાવે… અને છતાય એમ વિચારીએ કે આ પતંગ ને ઉડાન મેં આપી.. અરે આપણે એને ઉડાન આપી નથી, એની ઉડાન કાપી છે. આપણે ક્યારેય વિચાર્યું છે કે પતંગ કપાયા પછી ઉપર કેમ નથી ચડતી?? નીચે કેમ આવે છે?? કારણ કે આ ઉડાન એ પતંગ ની મરજી ની ઉડાન છે જ નહિ. એની મરજી ની ઉડાન તો અલગ જ છે. પરંતુ એ તેમ ઉડી નથી સકતી કારણ કે તમે આપણે એની પાંખો કાપી લીધી છે, સપના દેખતી એની આંખો પર સમાજ અને સંસ્કાર ના નામે ગુલામી નો કાળો પાટો બાંધી દીધો છે, આઝાદી ના ગીતો ગાતા એના ગાળામાં તમારી મનમાની અને મરજી નો ડૂચો ઘાલી એને ખામોશ કરી દીધું છે. બસ હવે એ ઉડયા કરે છે એના ગળે બંધાયેલા સંબંધ નામ ની એક દોર ના ખાતર, એ બંધન ની ખાતર, એની આબરૂ ખાતર, ઇઝ્ઝત ખાતર.કારણ કે એ કપાશે તો આપણી ઇઝ્ઝત જશે, આપનું નાક કપાશે, લોકો આપણી હાંસી ઉડાવશે. પરંતુ સવાલ છે શું આપણા નાક ની કિંમ્મત, ઇઝ્ઝત ની કિંમત કોઈ ની જિંદગી કરતા વધારે છે?? સમાજ, સંસ્કાર, ઇઝ્ઝત ના નામે કોઈ ને એના અરમાનો નું, સપનાઓ નું ગળું ઘોંટી ચુપચાપ જીવતા લાશ ની જેમ જીવવા માટે મજબૂર કરીએ એને સંબંધ કહેવાય???

              દુર ખેતરો તરફ જઈ રહેલા ધૂળિયા રસ્તા પર જતી ગૂગલી સામે હું જોઈ રહ્યો. દરરોજ હવાની માફક વીંઝાતી, કુદતી, ઉછળતી “ગૂગલી” આજે લથડાતી, ઘસડાતી ચાલતી હતી. એના માથા પર હવે એક બહુ મોટું પોટલું હતું. કોઈ એ નક્કી કર્યું કે ગૂગલી હવે મોટી થઈ ગઈ… શું ખરેખર એ મોટી થઈ ગઈ  છે???

                                          પરફેક્ટ પીંચ

ફોરેન માં સંબંધો પીપરમીંટ જેવા હોય છે, ઇન્ડિયા માં ચ્યુંન્ગમ જેવા !!!

– સંદિપ બારોટ (નાંદોત્રા)