ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

ધૂપસળી – મોતીભાઈ ર. ચૌધરી

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે, જે વડગામ વેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું.- નિતિન]

 

બનાસકાંઠા જિલ્લાનું નામ આવે ને સ્વ. ગલબાભાઈ નાનજીભાઇ પટેલની સ્મૃતિ થઈ આવે. એમનો સૂક્ષ્મ દેહ બનાસકાંઠા જિલ્લાની રજે રજમાં જાણે ઓતપ્રોત થઈ ગયો ન હોય ! તેવું લાગ્યા કરે છે. બનાસકાંઠા જિલ્લા માટે ‘ગલબાભાઈ નામ જાણે પર્યાય શબ્દ બની ગયું છે.

માણસનું મૂલ્ય, તેના ગયા પછી આંકવામાં આવે છે. તેણે બીજા માટે શું કર્યું ? બીજાને કેટલો ઉપયોગી થયો ? તે કેવી રીતે જીવ્યો ? આ બધી બાબતોથી તેની ચકાસણી થાય છે. ગલબાભાઈ માટે નિ:શંક કહી શકાય કે તેઓ લોકો માટે જીવ્યા, ખૂબ જ ઓછું પોતા માટે….

કોઈ પણ જાતની ભભક વિનાનાં વસ્ત્રો, ટૂંકું ખાદીનું ધોતિયું, સફેદ ગળી અને ઇસ્ત્રી વગરનો ઝભ્ભો અને ટોપી પહેરેલ, ગુલાબી હાસ્ય વેરતી નિર્દોષ ચહેરાવાળી વ્યક્તિને મળીએ તો તે ગલબાભાઈ જાણવા. ખૂબ જ સ્પષ્ટ અને ગામઠી ભાષામાં નાના-મોટા સૌ સાથે વાતો કરતા માલૂમ પડે. શ્રી ગલબાભાઈનો જન્મ અને ઉછેર ગામડામાં થયો હતો. ગ્રામ્ય જીવન તેમની રગેરગમાં વણાઈ ગયું હતું. ગામડાના લોકોના પ્રશ્નોના તેઓ પારખુ હતા. લોકો પણ જ્યારે તેઓને જુએ અને ઊમંગમાં આવી જાય, પોતાના ઘરના માણસ મળ્યાનો ઊમંગ થાય. પોતાની મુશ્કેલીઓ – પ્રશ્નો મન મુકીને તેઓને કહે. ગલબાભાઈ તેના જવાબ હસતાં-હસતાં આપે. પોતાની આગવી શૈલીમાં આગવી પધ્ધતિથી પ્રશ્નોનો ઉકેલ લાવી આપે અને મૂંઝાયેલા લોકોને હૈયાધારણા આપે. લોકોને પણ તેમના ઉપર અપાર પ્રેમ હતો. તેમની વાતમાં તેઓને વિશ્વાસ હતો. લોકો તેઓને સાચા ગાંધીવાદી પુરુષ તરીકે ઓળખતા હતા. બનાસકાંઠાની ગ્રામ્ય પ્રજાને બેઠી કરવા ગલબાભાઈએ પણ જાણે ભેખ ધારણ કર્યો હોય તેમ સમગ્ર જિલ્લાની ગ્રામોન્નતિ માટે દિનરાત જોયા વગર અવિરત કાર્ય કર્યું છે.

વ્યક્તિગત જીવનમાં ખૂબ જ સાદગીભર્યું જીવન કહી શકાય. ધેર ‘નળાસર’ માં હોય ત્યારે ખેતીનું કામ જાતે કરે. દુઝણી ભેંસોની પણ સંભાળ લે, જાતે મંડળીએ દૂધ ભરાવે. ખાવાપીવામાં પણ એવી જ સાદાઈ. ગામડાના બહુજન સમાજનું જે ભોજન હોય તે તેમનું હોય. ગામડે ફરતા હોય ત્યારે પણ કોઈ ઠાઠમાઠ નહીં. જમવાનો સમય થયો હોય તો જાણીતા ગામઆગેવાનને કહે: ‘ભાઇ રોટલા તમારે ત્યાં ખાઈશું. ‘સામેની વ્યક્તિ પણ આવા પ્રેમથી ખુશ થાય. તેના ઘેર જેવી રસોઈ હોય તેવી જ જમે. મહેમાન માટે ખાસ તૈયારે નહીં. આવો હતો એમનો મિલનસાર અને સરળ સ્વભાવ. અને તેથી જ તેઓ એ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હર્દયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે બીજા માટે ખરેખર દુર્લભ કહી શકાય.

બનાસકાંઠા જિલ્લો ગુજરાતના અન્ય પછાત જિલ્લાઓ પૈકીનો હોઈ તેના વિકાસની તેમને ભારે ચિંતા રહેતી. જિલ્લાના મુંબઈ વસતા, પૈસાપાત્ર ભાઇઓ સાથે પણ જિલ્લાના વિકાસમાં જરૂરી યોગદાન મેળવવા સંપર્ક જાળવી રાખતા. ખેડૂતના ઘેર જન્મ્યા હતા એટલે ખેડૂતો માટે તેમણે સૌથી વધુ લક્ષ્ય આપ્યું હતું. ગામે ગામ સિંચાઈનો સગવડો મળે તે માટે અનેક ગામોએ પાતાળકૂવા કરાવ્યા હતા, પરંતુ જ્યારે હજારો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ પાતાળકૂવાનો ઉપયોગ લોકો કરે નહી ત્યારે તેમને ભારે દુ:ખ થતું. તેઓ કહેતા : ‘ભાઈ આ અમારી કમનશીબી છે. લોકોમાં અજ્ઞાન છે, ત્યારે આવું થાય છે ને ?’ લોકોમાં પડેલા અજ્ઞાન, નિરક્ષરતાથી તેઓ ભારે વ્યથિત હતા, પરંતુ તેઓ ખૂબ જ આશાવાદી હતા. આવી પરિસ્થિતિમાં પણ હિંમત હારતા નહીં. તેઓ કહેતા : એક દિવસ આ લોકો સમજતા થશે ત્યારે બનાસકાંઠાની સિકલ બદલાઈ જશે. ‘તેઓશ્રીએ ગુજરાત વિદ્યુતબોર્ડના સલાહકાર મંડળના સભ્ય તરીકે રહીને જિલ્લાના દૂર-દૂરનાં ગામડાને પણ વિદ્યુત પુરવઠાથી જોડી દીધાં છે.

મહેસાણા જિલ્લાના પગલે પગલે બનાસકાંઠામાં દૂધની ગંગા વહેડાવવા તેઓએ માનસિંહભાઈ પાસેથી પ્રેરણા અને સાથ મેળ્વ્યો. દૂધના આ સહકારી ધંધા દ્વારા બનાસકાંઠાના ખેડૂતની સમૃધ્ધી વધારવા પુરુષાર્થ આદર્યો. જિલ્લા પંચાયતની જવાબદારી તો માથે હતી જ, તેમા એક ભગીરથ કામ ઉપાડી લીધું. લોકોનો સાથ અને મુ. માનસિંહભાઈનો સહકાર સાંપડ્યો હતો એટલે તેઓ નિશ્ચિંત મને કાર્ય કરે જતા હતા. એક બાજુ ગામે ગામના વિકાસના પ્રશ્નો જિલ્લા પંચાયત દ્વારા ઉકેલવાના હતા, બીજી બાજુ ગામેગામ નવીન દૂધ મંડળીઓ ઊભી કરી લોકોને દૂધના સહકારી ધંધાની સમજ આપવી અને દૂધની ડેરીની સ્થાપના કરવી. આમ બેવડી જવાબદારીઓ કોમળ ફૂલની જેમ ઉપાડી રહ્યા હતા. આ બધુ તેઓ કરી શક્યા, કારણ ફક્ત એક જ, લોકોનો તેમના ઉપર અપ્રતિમ વિશ્વાસ. અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવો, તેના અધિકારી બનવું તે કંઈ નાનીસૂની વાત નથી, પરંતુ તેમણે કાર્યો દ્વારા તેમનામાં મૂકેલ વિશ્વાસનો યથાર્થ કરી બતાવ્યો.

રાજકારણની અનેક આંધીઓમાં પણ તેઓ તેમના વિચારમાં મક્કમ રહેતા. અંગત સ્વાર્થ કે લાભમાં કદાપી બદલાતા નહીં. તેમના માટે અંગત જેવું કંઈ જ નહોતું. તેઓ એક રાજકીય કાર્યકર તરીકે જીવ્યા તે પણ જિલ્લાના અદનામાં અદના આદમીના હિતમાં, અને લોકોનો તેમજ સાથી કાર્યકરોનો સદ્દભાવ મેળવી કામ કર્યું. તેમણે ખેડૂતોનું હિત જોવા ‘ખેડૂત મંડળ’ ની રચના કરી. આ મંડળ તેમજ જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓનું મુખ્ય સ્થાન મેળવવા કદાપી તેમણે મહત્વકાંક્ષાઓ સેવી નહોતી. તેઓ જેવી જગ્યાઓ સહેલાઈથી મેળવી શક્યા હોત, પરંતુ તેમણે અન્ય સાથી કાર્યકરોની આગળ કરી તેના ચાલકબળ તરીકે પાછળ રહી કાર્ય કર્યુ, પરંતુ આખરે આ સંસ્થાઓમાં જે ખેડૂત સમાજનું પતિનિધિત્વ થતું હતું તેઓને સાચા કાર્યકરની શોધ કરવી પડે ત્યારે તેઓએ તે જવાબદારીઓ ઉપાડી લીધી. તેઓએ બુધ્ધિજીવીઓને પણ જિલ્લાના વિકાસકાર્યમાં આવકાર્યા, મોભાના સ્થાન અપાવ્યા, તેઓની દોરવણી સ્વીકારી વર્ત્યા, પરંતુ આખરે જિલ્લાની જનતાએ તો લોકાભિમુખ કાર્યકર તરીકે તેમની જ પસંદગી કરી.

ગલબાભાઈનું જીવન ધૂપસળી જેવું સુગંધી હતું. તેમણે જાતે બળી જિલ્લામાં સુગંધ પ્રસરાવી. તેમના પ્રત્યે મારી હર્દયપૂર્વકની શ્રધાંજલી અર્પુ છું.

અસ્તુ….જય જગત…..

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.