Blog

નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.

વારાહી માતાજી મંદિર – નગાણા

વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદી અને આ નદીના કાંઠે અડીને આવેલુ આસ્થાના પ્રતિક સમુ વારાહી માતાજીનું સ્થાનક મોટાભાગના વડગામવાસીઓ માટે આજદિન સુધી અજાણ જગ્યા રહી છે. નીરવ શાંતિ અને પક્ષીઓના મધુર અવાજો વચ્ચે નાની પણ કુદરતના સાનિધ્યમાં આવેલુ વારાહી માતાજીના મંદિર વિશે કોઈ વિશેષ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી પણ એવુ માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આ જગ્યાએ નગાણા ગામ વસ્યુ હતું અને એ સમયે આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. કાળક્રમે લોકો આ જગ્યા છોડી થોડેક દૂર આવેલ જગ્યામાં રહેવા ગયા પરંતુ મંદિરની જગ્યા મૂળ જગ્યાએ જ રાખવામાં આવી છે. નાની દેરીની જગ્યાએ થોડુક મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે પરંતુ ધાર્મિક વિધિઓ તો મૂળ નાના મંદિરમાં જ કરવામાં આવે છે.

વારાહી માતાજી મંદિર – નગાણા

આ જગ્યામાં દર વર્ષે મહાસુદ પાંચમના રોજ ગામ લોકો દ્વારા હવન યોજાય છે. આ દિવસે ગામલોકો દ્વારા લાડુ અને દાળ-ભાતના જમણની સામુહિક વ્યવસ્થા કરવામાં આવે છે. આ જગ્યાએ વિવિધ માનતાઓ આજુબાજુના ગ્રામજનો દ્વારા માનવામાં આવે છે. તાંબાનો ગરબો, પાશેર ધી ની થાળી અને એક અગરબત્તીનું પડીકું માતાના ચરણે ધરવામાં આવે છે.

દર વર્ષે નવરાત્રીમાં અહીં નવે નવ દિવસ ગરબાનું આયોજન થતું હતું પરંતુ છેલ્લા ધણા વર્ષોથી ગરબાનું આયોજન અનિવાર્ય કારણોસર બંધ છે પણ નવરાત્રિના નવે નવ દિવસ સુધી મુલાકાતીઓ માટે ચા-પાણીની વ્યવસ્થાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે. અ ઉપરાંત ગ્રામજનો દ્વારા દશેરાના દિવસે બ્રાહ્મણોને ભોજન જમાડવામાં આવે છે.

વારાહી માતાજી મંદિર – નગાણા

અગિયારસને દિવસે જે લોકો એ બાધા-આખડી ,ઉપવાસ રાખ્યા હોય તેઓ તેમજ ગ્રામજનો સામુહિક ભોજન લે છે અને બાધા-આખડી તેમજ ઉપવાસ વાળા પોતના ઉપવાસ છોડે છે.

પંચવટી યોજના અંતર્ગત વારાહી માતાના આ સ્થાનકને વધુ સુંદર બનાવવામાં આવ્યું છે. લગ્ન બાદ નવદંપતિઓ આ જગ્યાએ હવનકુંડની આજુબાજુ ફેરા ફરીને વડના ઝાડ નીચે મીંઢળ છોડે છે. વિવિધ સમુદાયો દ્વારા આ જગ્યાએ વિવિધ પ્રસંગોએ જમણવારનું આયોજન કરવામાં આવે છે.

વારાહી માતાજી મંદિર – નગાણા

પાણી, વાસણો અને મગબાફણા, મજૂરની સુવિધાને કારણે આ રમણિય જગ્યાએ સરળતાથી ભોજન સાથેના પ્રવાસનું આયોજન થઈ શકે છે. માત્ર સીધુ-સામાન અને રસોયાની વ્યવસ્થા કરવાની હોય છે. જમવા સાથેના મુલાકાતની વ્યવસ્થાના આયોજન કરતા અગાઉ આપ મંદિર પરિસરની સારસંભાળ રાખનાર સ્થાનિક વડીલ ગંગાબેનના મો.નં. ૯૯૦૪૦૫૪૪૯૩ ઉપર પૂછપરછ કરી શકો છો.

વારાહી માતાજી મંદિર – નગાણા

– નિતિન એલ પટેલ.

www.vadgam.com

 

This Post Has 1 Comment

Leave A Reply