Blog

વડગામના ચોતરે (ઓટલે) થી……..!

choro

૧૯ સપ્ટેમ્બર , ૨૦૧૭

[તાલુકા મથક વડગામનાં યુવા સર્જક મનીષ દલસંગભાઈ ચૌધરી એ પ્રસ્તુત રચના “તું ઊભો થા”  www.vadgam.com ને મોકલી આપી છે તે બદલ મનીષ નો આભાર. આપ મનીષનો +૯૧ ૯૫૧૨૧ ૨૧૧૨૪ ઉપર સંપર્ક કરી શકો છો]

 

તું ઊભો થા …!!

 

ના આપ ઈશ્વર નું બાનું , તું પડ ને તું ઊભો થા ,

ફરિયાદોને યાદો બનાવી, તું આ ઝંઝાળ માંથી છૂટો થા.

 

આપત્તિઓ આગળ ને આગળ, ને પગલે પગલે ખતરા,

ખતરા નું ખેડાણ કરીને, તું અખતરા કરતો થા.

 

પારકાને પોતાના બધા, તને મળશે આ રસ્તા પર,

કોઈની એ પરવા કર્યા વગર, તું એકલો જ ચાલતો થા.

 

હસ્તરેખા વાંચનાર બતાવશે, તને અનેક નડતર,

છોડ બધા ગ્રહોને પૂર્વગ્રહો, નડતર ને તું નકારતો થા.

 

ઊભા છે વાટ જોઇને, આ સમાજ ને સબંધ,

આગળ વધીને તું આ ઋણનું બંધન છોડતો થા.

 

*****

 

માનવ-માનવ વચ્ચે સંવાદીતા વિકસે તેવા માનવીય સમાજની રચના હેતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડગામ શાખા દ્વારા વડગામ મુકામે તા.૧૭.૦૯.૨૦૧૭ના રોજ સદ્દભાવના બેઠક યોજાઇ. આ પ્રસંગે તાલુકાના વિવિધ જ્ઞાતિના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી સામાજિક સમરસતા અને સમગ્ર માનવિય સમાજના વિકાસ હેતુ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્ઞાતિ-જાતિના વિભાજનથી ઉપર ઊઠી રાષ્ટ્ર્રીય એકતા મજબૂત બને તેવા શુભ આશયથી આર.આર.એસ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. આવા સમાજઉપયોગી આયોજન બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડગામ વિભાગને www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.

 

*****

[ વડગામ તાલુકાના તેનીવાડા ગામના એહમદભાઈ બિહારી – માસુમ પાલનપુરી એ પોતાની સુંદર રચના ” હે માલિક ” www.vadgam.com ને મોકલી આપી છે તે બદલ તેઓશ્રીનો આભાર   ]

” હે માલિક “
હે માલિક,અમો સૌના દિલ મહીં
                  પ્રેમ કેરા અંકુર પ્રગટાવી દે ,
મળી સૌને સાથ રહેવાનું
            સર્વ વિશ્વ માં મંથન જગાવી દે ,
સમયનો છે તકાજો ખુબ ને
             જરૂરત છે સાચી સમજદારીની ,
ભુલે જાતપાત ને, ફિરકા પરસ્તિ
                     અે પરિવર્તન જગાવી દે ,
સૌ માનવ જાત ને હવે તો સાચા
                     પથદર્શક ની જરૂરત છે ,
જે સહુ લોકો ના દિલો માં
                સાચું  દર્દ ને ક્રંદન જગાવી દે ,
રહે છે દુર શા કાજે અેક
                     માનવ બીજા માનવ થી ,
મટે નફરત બધે થી અેવો
     મહોબ્બતનો જોર થી પવન ફુંકાવી દે ,
બને સૌ અેક ને બસ નેક ,
                    અે સંદેશ ફેલાવવા કાજે,
યુવાનો ના હ્રદય માં
                 અેવા તું સ્પંદન જગાવી દે ,
અરજ ” માસુમ ” કરે છે
             તુજ દરબાર માં , કબુલ કરજે ,
જહાલત ભર્યા અગણિત
         પ્રશ્નો નું નામોનિશાન મીટાવી દે .
                ( માસુમ પાલનપુરી )

*****

” ઇતિહાસ કહું ”  [ એહમદભાઈ બિહારી  – તેનીવાડા (વડગામ ) , ઉપનામ-માસુમ પાલનપુરી . ]
વાત ખરેખર હોય જ્યાં કડવી
                    તો શીદ અેને મિઠાશ કહું,
ગઝલ કેરો સ્વાદ સંભાળું કે
                        સાચી સાચી વાત કહું,
ગમ ને જો ગમ ના કહું
                      તો શું અેને ઉલ્લાસ કહું,
ઉઠ્યા જનાજા મુઝ નજરે
                     શું અેને વર ની જાન કહું,
શું હું કહું પરીઅો ની કહાની
                         શું હંસ કેરી વાત કહું,
ધુળ ની ડમરી ઉડતી હોય જ્યાં
                           શું અેને વરસાદ કહું,
હમદર્દી ભર્યા નયનો માં મૈં
                   જોયાં ઝેરી તિક્ષણ ખંજર
મુઝ થી છુપાવ્યા જે મેં સદમા
                           શું અેનો ચિતાર કહું,
સત્તા ની લત,લુંટ ની લાલચ,
              ” માસુમ ” પર જુલ્મ નો શોખ,
પણ અેમનું કહેવું છે કે હું
                 અેને જબરા ને બાહોશ કહું,
કાતિલ ને મક્તુલ અે બન્ને
                           નામ ખુદા નું લેતા તા
કોઇ ખુદા છે તો અે ક્યાં છે
                           મારી શું આૈકાત કહું,
નિજ અંધારા ઇતિહાસ ને સૌ
                    ઝગમગતો જ આલેખે છે
કોમ, ફિરકા, ને જાત પાત
              અે સહુ નો શું હું ઇતિહાસ કહું.
             ( માસુમ પાલનપુરી )

*****

 

સમય મારો સાચવજે વીરા   [ રમેશચંદ્ર પંચાલ – ધોતા (વડગામ ) ]

 

સમય મારો સાચવજે વીરા

હું તો કરું કેટલા દીવા.

 

જન્મ્યો તારથી જોવું હું તો,

બળતા તારા દીવા.

 

સુખ ને દુ:ખ તો સાથે રહે,

જીવન મળ્યું જોવા.

 

આશા રાખી હાર્યા નહિ,

દુ:ખના ડુંગરા જોવા.

 

કાળ તો સામે આવી ઊભો,

હવે નથી વેળા.

 

કરેલા કર્મ તું તો જોજે,

આપજે મને સેવા.

 

દાસ રમેશ કહે ભવનો ફેરો,

પૂરો કરજે દેવા.

 

– રમેશચંદ્ર પંચાલ (ધોતા –વડગામ )

 

*****

૦૫, સપ્ટેમ્બર , ૨૦૧૭

વડગામ તાલુકા કક્ષાના શ્રેષ્ટ શિક્ષક એવોર્ડથી સન્માન.

Ganesh Purabiya-best teacherશિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે તાલુકા-જીલ્લાના શ્રેષ્ટ પારિતોષિક યોજના -૨૦૧૭ અંતર્ગત કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી હરીભાઈ ચૌધરી તેમજ અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૦૫.૦૯.૨૦૧૭ નાં રોજ શ્રી કાનુભાઇ મહેતા હોલ, પાલનપુર મુકામે વડગામ તાલુકાના અંદાજીત ૧૪૦૦ શિક્ષકો માંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામી શ્રેષ્ટ શિક્ષક તરીકેનો એવોર્ડ ધોતા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વડગામના ગણેશભાઈ પુરબીયા અને જલોત્રા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જલોત્રાનાશ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિને ને એનાયત કરવામાં આવ્યો . સામાજિક તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉત્સ્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. એવોર્ડ અંતર્ગત રૂ. ૫૦૦૦/- નો ચેક અને શાલ ઓઢાડીને શ્રેષ્ટ શિક્ષક્નુ સન્માન કરવામાં આવે છે.

શ્રી ગણેશભાઈ પુરબીયા તેમજ શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઉત્તરોત્તર સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી થકી રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે પણ એવોર્ડ મેળવી વડગામ તાલુકાનું ગૌરવ વધારે તેવી www.vadgam.com શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.

 

૩૦ ઑગષ્ટ, ૨૦૧૭

અત્યાર સુધી અનેક ઉચ્ચત્તમ નાટકોમાં  અભિનય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર વડગામ તાલુકાના કોદરામના  આશાસ્પદ યુવા કલાકાર શ્રી પ્રમથ પંડિતે  તાજેતરમાં રાજસ્થાનના ઉદેપુર મુકામે પ્રસ્તુત નાટક “Solution X” માં શંભુનાથ સેનગુપ્તા નો કિરદાર નિભાવી ઉપસ્થિત સૌ કોઈ નાટ્યરસિકોના દિલ જીતી લીધા  હતા. અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી પ્રમથ પંડિત એ વડોદરાની સુવિખ્યાત નાટ્ય સંસ્થા રંગદૈવતના નિર્દેશક પણ છે. www.vadgam.com  શ્રી પ્રમથ પંડિતને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે….!!

Pramath

૨૪ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ CHC માંથી મળતી માહિતી અનુસાર વડગામ તાલુકામાં સ્વાઇન ફ્લુના કુલ ૬ કેશ નોંધાયા હતા જેમાં માહિ અને બાવલચૂડીની બે મહિલાઓના મોત નિપજ્યા હતા જયારે અન્ય દર્દીઓની તબિયત સુધારા ઉપર છે. દરમિયાન તાલુકાના ગામોમાં સર્વે હાથ ધરવાની સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

લોક જનજાગૃતિની સાથે સાથે થોડીક કાળજી રાખવામાં આવે તો આવા ભયંકર રોગોને આગળ વધતા અટકાવી શકાય. ગ્રામ પંચાયતો, દૂધ મંડળીઓ તેમજ સામાજિક સંગઠનો આ બાબતે જાગૃત બની થોડુક વિચારે તો તાલુકામાં રોગચાળાને વકરતો અટકાવી શકાય. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે થોડાક જનજાગૃતિના કાર્યક્રમો થાય તો પાણી પહેલા પાળ બાંધી શકાય. દરેક બાબતે સરકારશ્રી મદદ કરશે તે માનીને બેસી રહેવું યોગ્ય નથી સરકારશ્રી તો પોતાના પ્રયત્નો કરતી  જ હોય છે પણ લોકસહયોગ વગર કોઈ સકારાત્મક અને કાયમી ઉકેલ મળી શકે તેમ નથી.

 

૨૨ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) દ્વારા રચિત સુંદર રચના.
એ બધુંજ કવિતામાં લખી શકાય તો?
તારા શહેરના એ તન્હા-તન્હા દિવસો ને
લાંબી લાંબી રાતો
ભાડાના રૂમ પર ઉતરી આવતી ઉદાસ સાંજો
રાત્રે બારીમાં થઇ પથારીમાં આવી જતા
ચાંદનીના ટુકડા
પાછલી રાતે પ્રસરી જતી રાતરાણીની મહેક
મોડી ઊગતી સવારો
ચા ની રેકડી પર ઊતરી આવતું સભર અંધારું
વરાળ બની ઊડી જતી ઇચ્છાઓ
તને ઝંખતો-ચાહતો, તારી એક ઝલક માટે
શહેરના પહોળા રસ્તાઓની સાંકડી ફૂટપાથ પર
સતત ભટકતો રહેતો હું…
આ બધાથી અજાણ(?) પોતાનામાંજ વ્યસ્ત
રૂપગર્વિતા એવી તું.
નોવિનો વિસ્તાર આગળ કપાઈ ગયેલા પેલા
ગુલમહોરના ત્રણ ઝાડ, પાસે તૂટી ગયેલો બાંકડો,
થોડે દુર તારા ઘર તરફ જતા રસ્તાનો વળાંક,
ડી માર્ટ રોડ પરનું સીટી બસનું એ ઉદાસ સ્ટેન્ડ
ને પછી એક રોજ મારું શહેર છોડી જવું
આજે એક વરસાદી સાંજે આ લખ્યા પછી
વિચારું છું:
શું એ બધુંજ કવિતામાં લખી શકાયું છે???
– ‘અલિપ્ત’

*****

 

૨૧ ઑગષ્ટ, ૨૦૧૭

વડગામ તાલુકાના નાનકડા ગામ નળાસરના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર આદરણિય શ્રી રધુવિરભાઈ ચૌધરીએ સન ૧૯૭૯ની સાલમાં વ્યક્ત કરેલા વિચારો…..!!

 

બનાસકાકા ગલબાભાઈ

GNP-Birth Year-2017ગલબાભાઈ માત્ર ત્રણ ચોપડી ભણ્યા હતા પણ પછી જીવનની શાળામાં સતત કેળવાતા રહ્યા. નિષ્ફળતાઓથી હાર્યા નહિ ને સંકલ્પોમાં ડગ્યા નહિ.

એ ગરીબ હતા પણ એમણે કોઈની દયા ઉઘરાવી નહિ. ગરીબીને ગૌરવથી જીરવી એનો પોતાના ઘડતરમાં ઉપયોગ કર્યો. ઘારાસભા, જિલ્લા પંચાયત અને બનાસડેરી જેવી મોટી જવાબદારીઓ આવી ને સાધન-સગવડ વધ્યાં તે પછી પણ પૂર્વવત સાદગીભર્યું નિર્દોષ-નિખાલસ જીવન એમને પસંદ હતું. મોટાઈના દેખાવથી બચીને એ સતત વિકસતા રહ્યા.

વતનની ધૂળનો એમણે મહિમા કર્યો. કુટુંબ ને કોમ સાથે એ સંકળાયેલા રહ્યા, એના સુધારાઓમાં રસ લેતા રહ્યા પણ ન બન્યા ક્દી પ્રદેશવાદી કે કોમવાદી. હરિજનો-મુસ્લિમો જેવા સમાજના દબાયેલા-ઉપેક્ષિત વર્ગો માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે કામ કર્યું. ઉમંગથી સામે ચાલીને.  એમનું કાર્યક્ષેત્ર મુખત્વે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત છે. હવેથી એ બનાસકાકા તરીકે ઓળખાય છે એ સર્વથા યોગ્ય છે પણ એમની લોકચાહના અને સચ્ચાઈ એવાં મોટા હતાં કે દેશ સમગ્રના જાહેર જીવન માટે એ પ્રેરક દ્ર્ષ્ટાંત બની શકે.

શ્રી રધુવીરભાઈ ચૌધરી. (૨૦.૦૧.૨૦૭૯)

 

 

*****

 

૨૦ ઑગષ્ટ, ૨૦૧૭

મુંબઈ સ્થિત વડગામ તાલુકાના ધોતા-સકલાણા ગામના મૂળ વતની શ્રી રમેશચન્દ્ર પંચાલ દ્વાર લિખિત ખૂબસુરત રચના “હું આવ્યો છું” માણીએ…..!!!

ભોગવવા આ ભવમાં આવ્યો છું,

કોઇનું લેણું પુરુ કરવા આવ્યો છું.

ખબર નથી કે મુસાફરી કેટલી કરવાની છે,

શ્વાસો શ્વાસ ગણીને લઈને આવ્યો છું.

છુટા પડી ગયેલા ભાઈઓને,

ભેગા કરવ આવ્યો છું.

આ ધમાલિયા જીવનમાં હું,

તમને ચેતન કરવા આવ્યો છું.

પ્રભુની આ લીલાનો સંદેશો,

તમારા સુધી પહોંચાડવા આવ્યો છું.

*****

૧૯ ઑગષ્ટ, ૨૦૧૭

૧૯૫૦-૫૫ના સમય ગાળામાં ગુજરાતી ફિલ્મ જગતમાં હાસ્ય કલાકાર તરીકે મોખરાનું સ્થાન છગન રોમિયાનું હતું. ‘ગુણસુંદરી’, મંગળફેરા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં હાસ્યની અજોડ ભૂમિકા કરીને એણે ગુજરાતને ઘેલું કર્યું હતું. એ જમાનામાં વ્યાપારી જાહેરાતોમાં પણ છગન રોમિયો ચમકતો.

આ છગન રોમિયો પાલનપુરથી ૨૦ કિલોમીટર દૂર વડગામ તાલુકાના ગીડાસણ ગામનો નાયક (ભોજક) હતો.

એની સાદગીની વાત ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમા હાસ્ય સમ્રાટ જેવો મહાન હીરો હોવા છતાં એ પાલનપુર આવતો ત્યારે ચાલતો પાલનપુર શહેરમાં છૂટથી ફરતો. દિલ્હી દરવાજે હિમાલય પાન હાઉસ નામની પાનની દુકાને અને મોટી બજાર ચોકમાં નર્મદાશંકર નાયકની રેસ્ટોરન્ટમાં કલાકો લગી બેસતો. આ બંને જગા એમના સગા-સબંધીની હતી.

ત્યારે આવા મહાન કલાકારની આવી સાદગી લોકોને સ્પર્શી જતી.

નર્મદાશંકર નાયકની હોટલ અમારા પ્રેસની બાજુમાં હોઈ મેં છગન રોમિયોને અનેકવાર ત્યાં બેઠેલો જોયો છે, અને ફિલ્મમાં પણ અનેકવાર જોયો છે.

– જીતેન્દ્ર સી. મહેતા (પુસ્તક સંભારણામાંથી સાભાર…)

Bhavesh Bhojak is Basically from Vadgam Village

Advertisement: Bhavesh Bhojak is Basically from Vadgam Village

 

This Post Has 0 Comments

Leave A Reply