વ્યક્તિ-વિશેષ

સ્વ.શ્રી ઓખાભાઈ નરસંગભાઈ ગોળ

‘ઓખાકાકા’ ના હુલામણા નામથી ઓળખાતા સ્વ.શ્રી ઓખાભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૨ માં માતા હિરાબેનની કુખે સ્વ.નરસંગભાઈ ગોળના ઘેર વડગામ તાલુકાના જલોતરા ગામે થયો હતો. સ્વ.શ્રી ઓખાકાકાએ તેમના પ્રભુત્વશાળી વ્યક્તિત્વ,પ્રખર બુદ્ધિમતા, ગજબની કોઠાસૂઝ, સ્વભાવે સૌમ્ય, નિખાલસ, સદાય પ્રસન્નચિત્ત  અને હકારાત્મક અભિગમથી લોકચાહના મેળવી સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.

સ્વ.નરસંગભાઈ ગોળના ચાર સંતાનોમાં સ્વ.ઓખાકાકા સહુથી મોટા હતા. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતાં પોતાનાથી નાના ભાંડુઓની જવાબદારી ઉઠાવવાની સાથે ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો.

ખેડૂત પુત્ર હોવાના નાતે ખેડૂતોની આર્થિક, સામાજિક અને કેળવણી વિષયક ઉન્નતિ થાય તેવા પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. આવા વિચારોને અમલમાં મૂકવા સારું જલોતરા ગામની દૂધ ઉત્પાદક મંડળી, સેવા સહકારી મંડળીની સ્થાપનામાં મહત્વનો ફાળો આપી તે મંડળીઓના સંચાલનમાં રહી પોતાના વિચારોને મૂર્તિમંત કર્યા. તેઓએ બનાસડેરીના નિયામક મંડળમાં રહી પોતાની અમૂલ્ય સેવાઓ આપી.

શૈક્ષણિક રીતે પોતાનો વિસ્તાર પાછળ ના રહી જાય તેની સતત ખેવના કરતા તેઓએ જલોતરા ગામે માધ્યમિક શાળા શરૂ કરાવવામાં અન્યોની સાથે ખભે ખભા મિલાવી અનન્ય સેવાઓ આપી. અખિલ આંજણા કેળવણી મંડળ, પાલનપુરના પ્રમુખ તરીકેની સેવાઓને આજે પણ યાદ કરાય છે. સ્વ.ગલબાકાકા(ગલબાભાઈ નાનજીભાઈ પટેલ) ના નામે રચાયેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપેલ હતી. વિવિધ મંડળીઓ અને ટ્રસ્ટોમાં પોતાની આગવી સૂઝ થી કામ કર્યુ જેના શુભ પરિણામો આજે જોઈ શકાય છે.

ખેડૂતોના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવાની તેમની શૈલી અજોડ હતી.ભૂતપૂર્વ કેન્દ્રીય નાંણામંત્રી શ્રી એચ.એમ.પટેલની જલોતરા ગામની મુલાકાત વેળાએ ખેડુતોને ખેતી વિષયક વીજ જોડાણ મેળવવાની સામે ભરવી પડતી એસ્ટીમેટની રકમ ઘણી ઉંચી હોવાની સચોટ અને અસરકારક રજૂઆત કરેલી,પરિણામે ગણત્રીના દિવસોમાં મોટી રકમ ભરપાઈ કરવામાંથી ખેડૂતોને રાહત મળેલી. જે ઘટનાને ખેડૂત આલમ આજે પણ યાદ કરી પોતાની કૃતજ્ઞતા  પ્રગટ કરે છે.

સામાજિક પ્રશ્નોના નિરાકરણમાં પણ તેઓ સદાય અગ્રેસર રહી, પોતાની આગવી સૂઝથી પ્રશ્નો નિપટાવતા. ન્યાયી અને સમાધાનકારી પરિણામો લાવવામાં હંમેશા સફળ રહેલા. અનન્ય નેતૃત્વ શક્તિ ધરાવતા સ્વ.ઓખાકાકા સામાજિક કાર્યકર તરીકે બહોળો અનુભવ અને સબંધો ધરાવનાર વ્યક્તિ તરીકે સ્થાન પામેલા હતા. તત્કાલિન સમાજ તેઓને ખૂબ જ આદર આપતો અને સ્વ.ની શક્તિઓ અને કાર્યશૈલીમાં પોતાનો વિશ્વાસ ધરાવતો હતો.

આવા એક અનોખુ વ્યક્તિત્વ ધરાવતી વિરલ વ્યક્તીની જીવનલીલા તા.૦૯.૦૧.૧૯૮૦ના રોજ તંદુરસ્ત અને આરોગ્યમય જીવન વિતાવી ચિરકાળ માટે સમેટાઈ ગઈ.

 

(શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સ્મ્રુતિગ્રંથ – ૨૦૦૩ માંથી સાભાર.)