વ્યક્તિ-વિશેષ

સ્વ. શ્રી પરથીભાઈ હેમતાભાઈ પટેલ.

શ્રી પરથીભાઈ હેમતાભાઈ પટેલ, નેતાજીના હુલામણા નામથી ઓળખાતા. તેમનો જન્મ વડગામ તાલુકાના ચિત્રોડા ગામે ખેડૂત પરિવારમાં થયો હતો.ગામમાં શિક્ષણની સુવિધા ઓછી હોઈ અને આર્થિક સંકડામણના લીધે ધો.૪ સુધી અભ્યાસ કર્યો હતો.

આઝાદીના સંગ્રામ વખતે ગાંધી વિચાર અને સ્વતંત્રતાની ખેવના હોઈ આઝાદી  ચળવળમાં તેમના સમયના આગેવાનો કાળીદાસ ભોજક (વડગામ),ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (નળાસર) વગેરે કાર્યકરો સાથે રહી ગામડાઓનાં સ્વાતંત્ર્યનો અવાજ બુલંદ કર્યો.

બાળપણથી જ ક્રાંતિકારી વિચારો તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવા માટે હંમેશા તેઓ તત્પર રહેતા અને કોઈપણ જાતની મુશ્કેલીનો વિચાર કર્યા સિવાય જે તે કાર્યની આગેવાની લઈ લેતા એટલે જ લોકો તેમને સાચા અર્થમા નેતાજી કહેતા.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂત સમાજ માટે કોઈ પણ જાતના નાતિ-જાતિના ભેદભાવ સિવાય જિલ્લાની સહકારી તેમજ સરકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

ગામમાં નવાબી વખતે પોલીસ પટેલની પદવી પણ શોભાવેલ. આઝાદી  પછી પટેલ બોર્ડિંગ પાલનપુર માટે જમીન સંપાદન કરી શરૂઆતમાં હોસ્ટેલથી શરૂઆત કરી સમયાંતરે પ્રગતિના સોપાન સર કરવામાં પણ ખૂબજ સહયોગ આપી ૧૯૫૫ થી આજીવન સભ્ય / વહિવટકર્તા રહ્યા.

બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં બોર્ડ ઓફ ડીરેક્ટર તરીકે તા.૩૧.૦૧.૧૯૬૯ થી ૩૧.૦૩.૧૯૮૨ સુધી સેવા આપી સંઘની પ્રગતિમાં ઉમદા સહયોગ આપ્યો.

બનાસકાંઠા જિલ્લા ખેડૂત મંડળમાં દશ વર્ષ ડિરેક્ટર તરીકે સેવા આપી પ્રથમ નીકળેલ કિસાન ટ્રેનના આયોજક તરીકે સેવા આપી.

બારપાદર આંજણા સમાજ પ્રમુખ તરીકે દસ વર્ષ રહી સમાજના ઉત્થાન માટે સેવા આપી.સરકારશ્રી તરફથી જસ્ટીસ ઓફ પીસ તરીકે નિમણૂંક પામી કાર્યવાહી કરી.

બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર પદે રહી સંઘના વિકાસમાં પણ રસ લઈ સેવા આપી.

અંતમાં સ્વશ્રી પરથીભાઈ પ્રગતિશીલ –ઉમદા વિચારસરણી ધરાવતા તેમજ ઉચ્ચ સામાજીક સંબંધો ધરાવતા સામાન્ય શિક્ષિત એવા ખેડૂત આગેવાન તરીકે નેતાજીના હુલામણા નામથી ઓળખાતા થયા.

[શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ,વડગામ  સ્મૃતિગ્રંથ -૨૦૦૨-૨૦૦૩ માંથી સાભાર]