વ્યક્તિ-વિશેષ

સ્વ.શ્રી લાલજીમામા – જીવન ઝરમર…

“મીઠપવાળા માનવી જે દી જગ છોડી જાશે,

કાગા એની કાણ્ય ઘર ઘર મંડાશે.”

Laljimamaઉપરોક્ત પંક્તિઓ ચરિતાર્થ કરનાર અને સમાજસેવાના ઓરસીયા પર ચંદનની જેમ ઘસાઈ જઈ સેવામય જીવનની મહેંક મૂકી જનાર કર્તવ્ય નિષ્ઠ મૂક સેવક સ્વ.શ્રી લાલજીભાઈ નાથુભાઈ પટેલ (મામા) જેઓ આવતી કાલની ઉગતી પેઢીના સર્વાંગી વિકાસ માટે  સંસ્થાઓ, શાળાઓ, મહાશાળાઓ તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સતત ચિંતનશીલ રહ્યા છે એવી મહાન વિભૂતી શ્રી મામા ને વંદન કરી એમના જીવનકાર્યને સમજવાનો નમ્ર પ્રયાસ કરીએ.

બનાસકાંઠાના વડગામ તાલુકાની ધરતીમાં ખોબા જેવડા વરણાવાડા ગામની ખમીરવંતી ધૂળમાં જેમનું અવરતણ થયું એવા સ્વ. શ્રી લાલજીમામાનો જ્ન્મ તા.૦૧.૧૦.૧૯૪૪ના રોજ વરણાવાડા ગામમાં થયો હતો. “મામા”ના હુલામણા નામે પ્રસિધ્ધિ પામેલા મામાએ મેમદપુરની શાળામાં જુની એસ.એસ.સી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.

જેમના જીવન ઘડતરની શરૂઆત સ્થાનિક રાજકારણથી થઈ. ઇ.સ. ૧૯૬૫માં ધી ધોતા સેવા સહકારી મંડળીના મંત્રી બન્યા.  વરણાવાડાથી ધોતા, ધોતા થી પાલનપુર ત્યાંથી સુરત અને છેલ્લે મુંબઈ સુધી તેમની વ્યવસાયિક સફર અવિરત ચાલતી રહી. મુંબઈ ખાતે હિરા ઉધ્યોગમાં બોરીવલી, ડાયમંડ કટર એસોશીયેશનમાં કારોબારી સભ્ય તરીકે કામગીરી બજાવી. સમાજના અન્ય લોકોને મદદરૂપ બનવા પોતાના સ્નેહીબંધુઓ જેવા કે શ્રી હરીભાઈ, શ્રી વિરસંગભાઈ, કામરાજભાઈ, લક્ષ્મણભાઈ તથા સરદારભાઈ વગેરે મિત્રોએ મુંબઈના બોરીવલી વિસ્તારમાં બનાસકાંઠા ચૌધરી પ્રગતિ મંડળ ટ્રસ્ટની સ્થાપના કરી અને શ્રી મામા એ મંડળના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ સહમંત્રી તરીકે પોતાની અનહદ સેવાઓ આપી સાથે સાથે એક અતિથિગૃહની સગવડ ઉભી કરી સૌ માટે  રણમાં મીઠી વિરડી સમાન બન્યા છે.

મુંબઈમાં હીરા ઉધ્યોગ ક્ષેત્રની સફળતાની સાથે સાથે અંબુજા સિમેન્ટના વ્યાપારને ખૂબ વિસ્તાર્યો અને આખા જિલ્લાની ઓથોરાઇઝડ ડિસ્ટ્રીબ્યુટરશીપ દ્વારા જિલ્લાના ગામડે ગામડે અંબુજા સિમેન્ટનું નામ ગૂંજતું કર્યું. આમ મામાની કારકિર્દી સોળે કળાએ ખીલી ઉઠી.

૧. મહાનગરી મુંબઈ ખાતે ચૌધરી અતિથિગૃહના મેનેજીંગ ટ્રસ્ટી અને સહમંત્રી રહ્યા.

૨. શ્રી અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા માઉન્ટાઆબુમાં કારોબારી સમિતિનું સભ્યપદ નિભાવ્યું.

૩. મહારાષ્ટ્ર ખાતે બી.જે.પી ના સક્રિય અને સનિષ્ઠ કાર્યકર રહ્યા.

૪. વડગામ તાલુકા ભાજપનું પ્રમુખપદ નિભાવ્યું.

૫. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના શાસન દરમિયાન સ્વ.શ્રી મામા ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહનિર્માણ બોર્ડના ડાયરેક્ટર રહ્યા.

૬. પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી અલગ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામની સ્થાપના થઈ તેમા સરકારે તેમને પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી અને બજાર સમિતિના ચેરમેન પદે બેસાડ્યા.

૭. વડગામ ખેતીવાડી સમિતિના ચેરમેન રહી વડગામ માર્કેટયાર્ડને અદ્યતન ઢબનું બનાવ્યું અને તાલુકા વિકાસના કાર્યો ખડે પગે રહી કર્યા.

૮. વડગામ કેળવણી મંડળના કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી.

નોંધનીય બાબત એ છે કે એક પૈસાના દેવા વિના અને કમ્પ્યુટરાઇઝડ જેવી આધુનિક સુવિધાવાળુ વડગામનું માર્કેટાયાર્ડ ગુજરાતનું સૌ પ્રથમ માર્કેટયાર્ડ છે જે ગૌરવનો યશ સ્વ.શ્રી લાલજીમામાને ફળે જાય છે.

શિક્ષણપ્રેમી મામાએ એમના માતૃશ્રીની સ્મૃતિ રૂપે માતૃશ્રી મેનાંબેન નાથુભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ વરણાવાડા સંચાલિત બે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે. જેમાં સૌ પ્રથમ શ્રી સંસ્કાર વિદ્યાલય ચાંગા (સને ૧૯૯૯) અને જ્ઞાનજ્યોતિ વિદ્યાલયવરણાવાડા (સને ૨૦૦૨)નો સમાવેશ થાય છે જેઓએ આ શાળાઓના પ્રમુખ તેરીકેની પણ સફળ કામગીરી કરી ચૂક્યા છે. મામાએ સચ્ચિદાનંદ, લીંકન, શેક્સપિયર, બ્રાઉનીન વિલીયમ જેવા મહાન દર્શનિકોના પુસ્તકો વાંચ્યા છે અને સંગ્રહ પણ કર્યો છે જે તેમની વાંચનની ભૂખ જણાય છે.

તેઓશ્રીએ પોતાની અંગત ડાયરી અનુભવની ભીતર માં નોંધ્યુ છે કે ભગવાન સિવાય કોઈથી ડરશો નહી. સત્ય અને અહિંસાનું આચરણ કરો અને માતૃભૂમિને હંમેશાં વફાદાર રહો.

સરદાર વલ્લભભાઈ પટેલ તથા શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજકીય આદર્શ તરીકે સ્વીકારીને ચાલનાર સ્વ.શ્રી લાલજીમામા તા.૨૫.૦૬.૨૦૧૫ને શનિવારે ૮.૦૦ કલાકે ચિરનિદ્રામાં કાયમ માટે પોઢી ગયા પણ એમના અધૂરા કાર્યોને સાકાર અને પરિપૂર્ણ કરવા તેઓએ જે જ્યોત જલાવી છે અને ઝળહળતી રાખી છે તેને વધુ પ્રજવલિત કરવા આપણે તન-મન-ધનથી મંડ્યા રહીએ એજ એમની સર્વોત્તમ શ્રધાંજલિ હોઈ શકે.

અરે ! મામા

“આંભરણું ખુંચશે આંખમાં કણાની જેમ

આંસુ અને પાંપણના દ્વાર કેમ કરીને દઈશું”

અરે ! મામા

“જીવ્યા છો જિંદગી એટલી ખુમારીથી

કે આંખનું દર્પણ થઈને અમને રડાવો છો..”

[શ્રી બનાસકાંઠા ચૌધરી પ્રગતિ મંડળ ટ્રસ્ટ- મુંબઈ. ૨૦૦૬ રજત જયંતિ મહોત્સવ સ્મરણિકા માંથી સાભાર…]

Vadgam-Diary-App