શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૫

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. આ અગાઉ  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના ભાગ-૧, ભાગ-૨ , ભાગ -૩ , ભાગ-૪ આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યા છે. પુસ્તકમાંથી આ પાંચમો ભાગ છે .  – નિતિન ]

 

સઘળી દુન્વયી સુખ-સગવડો, ભોગવિલાસ, ઐશ્વર્ય અને અપાર લક્ષ્મીથી છલકાતા માણેકશાના પરિવારમાં ધર્મ જ કેન્દ્ર સ્થાને હતો. ધર્મ, અર્થ અને કામનો અહીં સુંદર સમન્વય સધાયો હતો, ત્રિવેણી સંગમ રચાયો હતો. પ્રારંભથી જ માણેકશાના માતા-પિતા ભારે ધર્મિષ્ટ હતા. તપાગચ્છના પરમ પ્રભાવી આચાર્ય ભગવંત શ્રીમદ હેમવિમલ સૂરીશ્વરજી મ.સા. તેમના પ્રાત:સ્મરણીય, પરમ, શ્રધ્ધેય ગુરુદેવ હતા. પરમ ગુરુભક્ત પરિવારોમાં માણેકશાહ અગ્રીમ સ્થાને હતા. પૂજ્ય ગુરુદેવની પ્રત્યેક આજ્ઞા તેમના માટે આદેશ હતી. ગુરુભક્તિ જ તેમના સારુ કર્મ, પ્રાણ અને જીવન બની ગઈ હતી. એવા ઉપકારી ગુરુદેવની આજ્ઞાથી ધર્મપ્રિય શેઠે ધરમાં જિનમંદિર અને પૌષધશાળા બનાવ્યાં હતાં.
પ્રતિ દિન નિયમિત પરમાત્માનાં દર્શન, અષ્ટપ્રકારી પૂજા, સવાર-સાંજ પ્રતિક્રમણ અને પર્વતિથિએ પૌષધ થકી પરિવાર ધર્માચરણ કરતો હતો. ધર્મપ્રિય શેઠના મૃત્યુ પછી ધર્મ આરાધનાના એ અમૂલ્ય વારસાનું સુપેરે જતન કરવામાં આવ્યું હતું. જિનપ્રિયા તથા માણેકશાની સાથે સાથે આનંદરતિ પણ ભારે ઉત્સાહ અને શ્રધ્ધાથી ધર્મ આરાધના કરતી હતી. સદાય આનંદોલ્લાસથી હિલ્લોળતો તેમનો પરિવાર નગરીમાં ઇર્ષ્યાને અચરજનું કારણ બની ગયો હતો.
સત્તાભૂખ, પદલોભ, પ્રભુત્વમોહ, ઇર્ષ્યા તથા અહંકાર જેવા શત્રુઓ માત્ર સાંસારિક લોકોનેજ પીડતા નથી, પરંતુ કયારેક અપરિપકવ તકવાદી સાધુઓને પણ તે મતિભ્રષ્ટ કરી મહા અનર્થ સર્જે છે. આપણા ચરિત્રનાયક માણેકશાના એ કાળમાં મૂળ પ્રાચીન જૈન ધર્મ કેટલાક મતિભ્રષ્ટ, માર્ગ ભૂલેલા સાધુઓને કારણે સકંટમાં મુકાયો હતો. જૈનધર્મ માટે એ અગ્નિપરીક્ષાનો સમય હતો. તીર્થકર પરમાત્માઓની અમૃતવાણી તથા દેશનાઓનું આલેખન જે ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, તે આગમગ્રંથો કહેવાય છે. આગમોમાં જિનપ્રતિમાઓની ભક્તિ તથા મૂર્તિપૂજાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તે સમયમાં કેટલાક મનસ્વી સાધુઓએ મૂળ વિશુધ્ધ જૈન ધર્મના સિધ્ધાંતોને તોડી મરોડીને તાર્કિક રીતે નવીન મનઘડંત નિયમો બનાવી લોંકાગચ્છની સ્થાપના કરી હતી. આ મતના અનુયાયીઓનો પ્રભાવ તે સમયે દિનપ્રતિદિન વધી રહ્યો હતો. આ લોકો મૂર્તિપૂજાને નિરર્થક, અતાર્કિક અને બિનઉપયોગી સાબિત કરી લોકોને ભ્રમિતને ધર્મભ્રષ્ટ કરતા હતા. આવા લોકો તકસાધુ હતા. મૂળ જૈનધર્મના જ્ઞાની સૂરિ ભગવંતો સાથે વાદવિવાદ કરતાં આ લોકો ડરતા હતા, કારણ કે એવા મહાન તપસ્વી, જ્ઞાની-ધ્યાની, સાધુ ભગવંતો સમક્ષ તેમના તકલાદી સિધ્ધાંતો ટકી શકે તેમ નહોતા અને એટલે જ લોંકાગચ્છના પ્રચારકો સંવેગી સાધુઓની અનુપસ્થિતિમાં પોતાના મતનો પ્રચાર કરતા હતા.
પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ હેમવિમલ સૂરીશ્વરજી મ.સા. ઉજ્જૈન છોડી અન્યત્ર વિહાર કરી ગયા હતા. સાવજ સમાન સામર્થ્યશીલ ને પ્રતાપી ધર્મવેત્તા સૂરિ ભગવંતો ચાલ્યા જવાથી ઉજ્જૈન નગરીમાં તકવાદી લોંકાગચ્છના પ્રચારકોને મોકળું મેદાન મળી ગયું અને તેમના આચાર્ય શ્રી પદ્મનાભસૂરીશ્વરજીએ ઉજ્જૈનીમાં પદાર્પણ કર્યુ. તેમના અનુયાયીઓએ નગરીના મુખ્ય મુખ્ય વિસ્તારમાં આવેલા વિશાળ ઉપાશ્રયમાં આચાર્યશ્રીની પધરામાણી કરાવી. તે સમયે લોંકાગચ્છમાં શ્રી પદ્મનાભસૂરીશ્વરજીનું ભારે વર્ચસ્વ હતું. આચાર્યશ્રીએ તો પોતાની પ્રવચનમાળાનો પ્રારંભ કર્યો, તેમણે પોતાના સિધ્ધાંતોનો ભારે પ્રચાર શરૂ કર્યો. નગરીના મોટાભાગના શ્રાવકોને જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન નહોતું અને એવું જ્ઞાન હોય તો પણ શું? શ્રાવક તરીકે સાધુ સાથે વિવાદ કરવાની લક્ષ્મણરેખા તેમને રોકતી હતી. ધર્મભિરુતા, સાધુવેશની આમન્યા તથા વિનયવિવેક તે સમયમાં ભક્તોમાં સહજ હતાં. સૂરિ ભગવંતોની વાતો, તર્કસંગત દલીલો, સચોટ ઉદાહરણો અને સિધ્ધાંતોથી સભર પ્રવચનો રસપ્રદ હતાં. આચાર્યશ્રીનો ધૂધવતા સાગર જેવો પ્રભાવશાળી અવાજ, સુંદર અભિનયયુક્ત ચેષ્ટાઓ, ગંભીર મુખમુદ્રા, અદ્દભૂત વાકછટા ને ચાતુર્યપૂર્ણ રજૂઆત લોકોને મંત્રમુગ્ધ કરી દેતી હતી. આકર્ષક આવરણમાં પેક કરાયેલો બનાવટી સડેલો માલ નગરીમાં વેચાવા લાગ્યો. સૂરિ ભગવંતના ગપગોળા જેવા સિધ્ધાંતોની ચોમેર બોલબાલા થવા લાગી. નાદાન લોકો તેમની વતોની પેટ ભરીને પ્રશંસા કરવા લાગ્યા. આચાર્યશ્રીના ચળકતા ચમકતા નકલી સિધ્ધાંતોનો પ્રતિવાદ કરનાર કોઈ સક્ષમ સંવેગી સાધુ પણ નગરીમાં ઉપસ્થિત નહોતા, એટલે તેમનો જાદુ આમ જનતા પર પથરાવા લાગ્યો. ભારતીય સમાજ માટે ‘ઘેટાશાહી’ પરાપૂર્વથી ચાલ્યો આવતો અસાધ્ય રોગ છે. અંધાનુકરણને વરેલા લોકો જિજ્ઞાસાવશ કૌતૂહલથી પ્રેરાઈને તેમના પ્રવચનો સાંભળવા ઉમટવા લાગ્યા. નગરીના મુખ્ય વિસ્તારમાં આચાર્યશ્રી રોકાયા હતા. એટલે તેમાન પ્રચારને પાંખો ફૂટી. ધેર ધેર, ગલી ગલી, મહોલ્લે મહોલ્લે અને ચૌરે ને ચૌટે આચાર્યશ્રીના પ્રવચનોની જોશભેર ચર્ચાઓ થવા લાગી. માણેકશાન મિત્રવર્તુળમાં પણ કેહેવાતા ક્રાંતિકારી આચાર્યશ્રીની ચર્ચાઓ થવા લાગી. પેઢી પર પણ માણેકશાએ કર્મચારીઓને ધુસપુસ કરતા નિહાળ્યા. કેટલાક દિવસ તો તેમણે એ બાબત પ્રત્યે લક્ષ ન આપ્યું, પરંતુ અજ્ઞાત મનમાં ચટપટી થવા લાગી. આખરે તેઓ પોતાની જાતને રોકી ન શક્યા. કુતૂહલ અને જિજ્ઞાસાથી પ્રેરાઈને એક દિવસ શેઠ પ્રવચન સાંભળવા પહોંચી ગયા. અદ્દભુત વાકચાતુર્ય સાથે અકાટ્ય તાર્કિક દલીલોથી નવીન સિધ્ધાંતોને પ્રતિપાદિત કરતું પ્રવચન સાંભળીને માણેકશા પ્રભાવિત થયા. આચાર્યશ્રીની વાતોથી અંજાયેલા શેઠ દિવસભર પ્રવચન પર વિચારતા રહ્યા. એ વાતોને વાગોળવામાં તમને રસ પડતો હતો. અને કોણ જાણે કોઈ અગમ્ય શક્તિથી પ્રેરાઈને માણેકશા બીજા દિવસે પણ પ્રવચન સાંભળવા ચાલ્યા ગયા. વ્યાખ્યાનોની ઉટપટાંગ વાતો તેમના સારુ વ્યસનરૂપ બની ગઈ અને પછી તો ત્રીજા, ચોથા, પાંચમા દિવસે..રોજેરોજ માણેકશા પ્રવચન સાંભળવા જવા લાગ્યા.
એ અધ:પતનની શરૂઆત હતી, પરંતુ માણેકશા એ વાતથી બેખબર હતા. ધરમાં પણ જિનપ્રિયા કે આનંદરતિને કોઈ ખ્યાલ નહોતો. વિનાશકાળે વિપરીત બુધ્ધિની ઉક્તિ પ્રમાણે માણેકશાના વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું. શ્રધ્ધાના સ્થાને સંશય અને આસ્થાના સ્થાને આશંકા તેમના હર્દયમાં ધર કરવા લાગી. પ્રવચનોના પ્રભાવથી શેઠ આખરે નાસ્તિક થઈ ગયા. જેવી રીતે સ્વામી વિવેકાનંદ – નરેન્દ્ર પણ શરૂઆતમાં પશ્વિમના દેશોના લેખકોના નાસ્તિકવાદપરના પુસ્તકો વાંચીને નાસ્તિક થઈ ગયા હતા. જો કે તેમના સદ્દનસીબે મહાયોગી શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા સમર્થ ગુરુ સમયસર મળી જતાં તેમની નાસ્તિક્તા નષ્ટ થઈ ગઈ હતી, પરંતુ માણેકશા એટલા નસીબદાર નહોતા. કમનસીબે તેમના કુળગુરુ શ્રી હેમવિમલ સૂરિજી મહારાજ સાહેબ તે સમયે ઉજ્જૈનીથી દૂર સુદૂર વિહાર કરતા હતા. પરિણામે માણેકશાની વૈચારિક અધોગતિ થવા લાગી. દેવદર્શન, મૂર્તિપૂજા, જપ-તપ, નિયમ વ્રત, સામયિક, પ્રતિક્રમણ તથા ચૌવિહાર…સઘળા સિધ્ધાંતોને તેમણે ફગાવી દીધા. મતિભ્રષ્ટ થયેલા માણેકશા હવે સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી બનીને રાત્રિભોજન પણ કરવા લાગ્યા હતા. આહારમાં પણ અનંતકાય અભક્ષ્ય પદાર્થોનું સેવન તેમના માટે સહજ થઈ પડ્યું. માણેકશા સારાસારની વિવેકબુધ્ધિ ગુમાવી ચૂક્યા હતા. તેમની વિચારશક્તિ હણાઈ ચૂકી હતી. પોતાના કૃત્યોનાં પરિણામોથી તે બેખબર થઈ ચૂક્યા હતા. લોક પરલોક, પાપ-પુણ્ય પુનર્જન્મ કર્મોના ફળ એ સધળી બાબતોમાં ન તો તેમને વિશ્વાસ હતો ન કોઈ રસ. ધર્મ અને શાસ્ત્રને સમજાવનારી પ્રજ્ઞા લુપ્ત થઈ હતી. આવા ધર્મ-વિમુખ, માર્ગ ભૂલેલા ગુમરાહ લોકોને અનુલક્ષીને સંસ્કૃતમાં સુંદર શ્લોક કહેવાયો છે…..

યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રં તસ્ય કરોતિ કિમ ! લોચનાભ્યાં વિહિનસ્ય દર્પણં કિમ કરિષ્યતિ !!

અંધજન આયનામાં લાખ પોતાનું રૂપ નિહાળવા પ્રયાસ કરે તો પણ તે પોતાનું રૂપ નિહાળી શકે ખરો ? અંધ વ્યક્તિને બિચારો આયનો શી રીતે મદદ કરે ? તેવી જ રીતે પ્રજ્ઞાહીન વ્યક્તિનું કલ્યાણ શાસ્ત્રો શી રીતે કરી શકે ? લોંકાગચ્છના પ્રચારકો માટે માણેકશાની બદલાયેલી માનસિકતા આશીર્વાદ સાબિત થઈ. તેમના આનંદોલ્લાસનો પાર ન રહ્યો. સમાજની માનસિકતા રહી છે કે, અગ્રણી, વગદાર વ્યક્તિ જે વાતને અપનાવે, જે રાહ પર ચાલે તેનું આંખો મીંચીને સૌ અનુકરણ કરે છે. વ્યક્તિગત વિચારસરણીના અનુસરણનો અભાવ આપણા સમાજની પુરાણી નિર્બળતા છે. માણેકશાની બદલાયેલી ધાર્મિકવૃત્તિથી કેટલાય લોકો લોકાગચ્છના સિધ્ધાંતો અને વિચારધારા અપનાવવા લાગ્યા. કોઈપણ સંપ્રદાય યા ધર્મની તાકાત તેના અનુયાયીઓના સંખ્યાબળ પર પણ અવલંબે છે. ઉજ્જેન નગરીમાં હવે વિશુધ્ધ જૈન ધર્મ પર લોંકાગચ્છનો પ્રભાવ વધવા લાગ્યો અને તેના માટે જવાબદાર બન્યા હતા, માણેકશા શ્રેષ્ઠી.

અત્યાર સુધી  આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવા અહીં ક્લિક કરો.