આપણા તિર્થસ્થળો

પસવાદળનું શકટામ્બિકા માતાજીનું મંદિર

ત્રણ પુરાતન મંદિર અને ત્રણ સંતોની જન્મભૂમિ પસવાદળ વર્ષોથી પૂણ્યભૂમિ ગણાતી આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ આજનું પસવાદળ ગામ પુરાતન સમયમાં પુષ્પાવતી નગરી નામે પ્રચલિત હતું. પુષ્પસેન રાજાએ આ પુષ્પાવતી નગરી વસાવી હોવાનું મનાય છે.

પુણ્યભૂમિ પસવાદળમાં ત્રણ સંત થઈ ગયા. એક મહૂડીના ગંગાભારથી, બીજા વિસનગરના ગુલાબનાથ અને ત્રીજા નગરીના માધા ભગત રબારી.

અહીં જે ત્રણ પુરાતન મંદિર છે તેમાં વિરપાનાથ દાદાનું ભવ્ય મંદિર હજારો ભાવિકોને ભાવવિભોર કરી દે છે, એ સિવાય વિરેશ્વર મહાદેવનું મંદિર તેમજ શ્રી શકટામ્બિકા માતાજીનું મંદિર આ પૂણ્યભૂમિ માટે મહત્વનું ગણાય છે.

આમ તો શ્રી શકટામ્બિકા માતાજીએ ગૌતમગૌત્રી બ્રાહ્મણોની કુળદેવી છે. ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણોમાં આચાર્ય, પંડ્યા, વ્યાસ, રાવલ વગેરે સમાજ તેને આદરભાવથી માને છે.

પસવાદળનું આ મંદિર બારમી સદીમાં બન્યું હોવાનું મનાય છે.

એક દંતકથા મુજબ ઉત્તર પ્રદેશના જુદા જુદા ગામના હજાર જેટલા બ્રાહ્મણો માતાજીની પ્રતિમાને શણગારેલા ગાડામાં લઈને આ તરફ આવી રહ્યા હતા.

માર્ગમાં વિરામ દરમ્યાન માતાજીની ભક્તિ ભાવપૂર્વક થતી, શ્રદ્રાળુ ભાવિકો રાત્રી રોકાણ સમયે ભજન કીર્તનની રમઝટ બોલાવતા અને ભક્તિરસમાં ભાવવિભોર બની જતા.

જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થઈને માતાજીનું શણગારેલું ગાડું પસવાદળ ગામમાં આવ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ગાડાના બળદ અહીં અટકી ગયા. વારંવાર એ બળદને આગળ લઈ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા. છતાં કેમેય કરીને આ બળદ તસુભાર પણ આગળ ન વધ્યા એટલે ભાવિક બ્રાહ્મણોએ માન્યું કે આ કોઈ ચમત્કાર-જગાનો સંકેત છે જેથી માતાજી અહીં જ સ્થિર થવા માગે છે.

શુભ મુહૂર્ત જોઈને અહીં માતાજીનું મંદિર તૈયાર કરી શ્રી શકટામ્બિકા માતાજીની પ્રતિમાને મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સહિત પધારવામાં આવી.

મૂળરાજ સોલંકીના સમયમાં ઉત્તર પ્રદેશના બ્રાહ્મણો કામ અર્થે રાજ્યમાં આવતા જતા રહેતા. ત્યારે યજમાન વૃતિ અર્થે આવા ઘણા બ્રાહ્મણોને ગામ આપવામાં આવ્યાં ત્યારથી તેઓ આ વિસ્તારમાં સ્થિર થયા હોવાનું કહેવાય છે.

ઉત્તર પ્રદેશમાંથી માતાજીના ગાડા સાથે આવેલા કેટલાક બ્રાહ્મણો સિધ્ધપુરથી પસવાદળ આવ્યા. આ આવવા જવાના રસ્તાને લઈને સિધ્ધપુરમાં એક પોળને પસવાદળ પોળ નામ આપવામાં આવ્યું.

શ્રી શકટામ્બિકા માતાજીની આરતીમાં પણ પસવાદળ ગામનો આ રીતે ઉલ્લેખ છે :

બુધે બાળા સ્વરૂપ,

પસુવાદળ વસિયાં મા,

ગૌતમી અચરજ સર્વે,

મા ચરણે ઘસિયાં.

જય શકટામ્બિકા,

મા જય શકટામ્બિકા,

પ્રેમે પૂજન કરી મા,

આરતી કરૂ તારી.

પસવાદળમાં શ્રી શકટામ્બિકા માતાજીનો પટોત્સવ મહા સુદ સાતમના રોજ ઉજવાય છે. તેમજ ચંડીપાઠ અને નવરાત્રીનો ઉત્સવ ભાવપૂર્વક ઉજવાય છે.

નેવું વર્ષ ઉપર મંદિરનો જિર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. અહીં રહેવાની તેમજ વાસણો વગેરેની સગવડ છે. જેનો લાભ ભાવિક બ્રાહ્મણો લે છે.

આ ગામે પુરાતન સમયમાં સૂર્યમંદિર હોવાનું કહેવાય છે. ખોદકામ દરમ્યાન ભગવાન સૂર્યદેવની પ્રતિમા નીકળી હતી. જે મંદિરની બાજુમાં દ્રશ્યમાન થાય છે.

આ વિસ્તારમાં પાકા રસ્તા થઈ ગયા પછી આ મંદિરનું મહત્વ વધતું રહ્યું છે.

પસવાદળ ગામે આવવા માટે બસની સુવિધા છે. વાહનો દ્વારા પણ અહીં આવી શકાય છે.

 

લેખ :-સ્વરાજ્ય દિપોત્સવી અંક-૨૦૦૭ માંથી સાભાર,લેખક:- શ્રી જીતેન્દ્ર સી.મહેતા