આપણા તિર્થસ્થળો, શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર – ભાગ- ૨

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય ન હોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. પુસ્તકમાંથી આ બીજો ભાગ છે . પ્રથમ ભાગ વાંચવા અહીં ક્લીક કરો. – તંત્રી ]

 

શ્રી મણિભદ્ર દાદા શું માત્ર કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક ધર્મના જ કલ્યાણકર્તા છે ? નહીં, વીરદાદાની અપાર કૃપા હર કોઈ પર વરસતી રહે છે. ઓશવાલ જૈનોના દાદા કુળદેવતા ગણાય છે, તેમ છતાં હિંદુઓ, મુસ્લિમો તથા સઘળી જાતિના લોકો પર તેમની અમીદ્રષ્ટિ અવિરત અમૃત વરસાવતી રહે છે. દાદા તો દયાના સાગર, ભાવનાના ભૂખ્યા છે. શુધ્ધ અંત:કરણ અને સાચી શ્રધ્ધાથી દાદાનું સ્મરણ કરી, તેમના શરણે જનાર પ્રત્યેક આસ્થાળુનો બેડો પાર થયા સિવાય રહેતો નથી. દાદાના નામની માનતા, બાધા કે આખડી રાખનાર ભક્તની મનોકામના વીરદાદા અવશ્યમેવ પરિપૂર્ણ કરે છે.

ઉત્તર ગુજરાતની અંબાજી નગરીમાં જગદ્દજનની મા અંબિકાનાં બેસણાં છે. જગતભરમાં જગદંબાનું નામ રોશન છે. વળી મહુડીમાં ચમત્કારિક દેવ ઘંટાકર્ણ મહાવીરજીનું તેર્થસ્થાન આવેલું છે. બનાસકાંઠા જિલ્લાનું પાટનગર પાલનપુર અકબર બાદશાહને  પ્રતિબોધિત કરનાર પ્રભાવશાળી શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. તાજેતરમાં જ સન ૨૦૦૬માં ગુજરાત સરકાર દ્વારા ઉજવાયેલા પ્રવાસન વર્ષમાં પર્યટક સ્થળ તરીકે પસંદગી પામેલ શ્રી મગરવાડા તીર્થનો મહિમા અનેરો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મગરવાડા ગામની ભાગોળે ભવ્ય સંકુલમાં આસીન થયેલા શ્રી મણિભદ્ર વીર દાદા પોતાના ભક્તો થકી વિશ્વપ્રસિધ્ધ છે. પૂજ્ય દાદાની ખ્યાતિ અને નામના અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલી છે.

સમગ્ર ભારતમાં શ્રી મણિભદ્ર વીરદાદાના સ્થાનકો, બેસણાં તથા મંદિરો હજારોથી અધિક છે. દિન પ્રતિદિન તેમનો મહિમા વધતો જ જાય છે. તેમ છતાં આ સઘળાં સ્થાનોમાં શ્રી મગરવાડા તીર્થનો મહિમા સવિશેષ છે. શ્રી મણિભદ્ર વીર દાદાનું આ મૂળ પ્રાગટ્ય સ્થાન છે. અંતિમ પાંચસોથી અધિક વર્ષોથી દાદા લોકપ્રિયતાના ચરમ શિખરે બિરાજમાન છે.દાદાની અપાર લોક ખ્યાતિનો અંદાજ તો મગરવાડા તીર્થમાં પ્રત્યેક મહિનાની શુકલ પક્ષની પાંચમે ભરાતા મેળામાં ઊમટતા વિશાળ માનવ મહેરામણ પરથી જ આવી શકે. અહીયાં પ્રત્યેક સુદ પાંચમે આસપાસના વિવિધ વિસ્તારનાં ગામો તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, ચેન્નાઈ જેવા દૂરના શહેરોમાંથી ભક્તિભાવથી આવતા લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર જેટલા જૈન-જૈનેતર ભક્તો દાદાના દરબારમાં આવી દર્શન, પૂજા, અર્ચના કરી, પ્રસાદ ચઢાવી કૃતાર્થ થાય છે. પ્રત્યેક પાંચમે યોજાતા હવનના દર્શન કરે છે. પૂર્ણ શ્રધ્ધાથી આવતા ભક્તજનો અહીં શાંતિ જાળવી જે રીતે આસ્થાથી દર્શન કરે છે, એ દ્રશ્ય અકલ્પ્ય છે. આટલી વિશાળ જનમેદની ઉમટવા છતાં અહીં ક્યાંય કોઈ અવ્યવસ્થા, ઘોંઘાટ, ધક્કામુક્કી કે મારામારી જેવા કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બનતા નથી. આવો છે મણિભદ્ર વીરદાદાનો જબરજસ્ત પ્રભાવ !

વીર વિક્રમની સોળમી શતાબ્દીમાં મગરવાડા પંથકમાં તત્કાલીન પ્રભાવશાળી સિધ્ધાત્મા આચાર્યશ્રી હેમવિમલ સૂરીશ્વરજી મ.સા. ના વરદ્દ હસ્તે રાયણનાં વૃક્ષ તળે પિંડ સ્વરૂપે સ્થાપના થયા પછી સદાય જાગૃત એવા શ્રી મણિભદ્ર વીર દાદાની અવિરત કૃપા સઘળા આસ્થાળુઓ પર વરસી રહી છે. શુકલ પક્ષની પાંચમ, આઠમ તથા ચૌદશ જેવી તિથિઓ તથા રવિવાર, મંગળવાર અને ગુરુવાર જેવા દિવસોએ  અહીં વિવિધ જાતિના લોકો, સંઘો, મંડળીઓ તથા પરિવારજનો આવીને દાદાની ભાવથી ભક્તિ કરે છે, દર્શન કરે છે. ઉત્તર ગુજરાતની ઘણી જ્ઞાતિઓના લોકો અહીં વિવિધ પ્રકારની માનતા કરે છે. મોદી, કોઠારી, ભણશાલી, શાહ, પરીખ, ધાણધાર સમાજ તથા નાઈ જેવી જ્ઞાતિ વર્ણના લોકો વર્ષોથી, પેઢીઓથી કંદોરાની માનતા કરે છે. કેટલીક જ્ઞાતિઓમાં તો કંદોરાની બાધા પૂરી ન થઈ હોય, તો એવી વ્યક્તિઓ કમરે પટ્ટો પહેરી શક્તી નથી, લગ્ન પણ કરી શક્તી નથી, ચૌધરી જાતીના લોકો બાબરીની વિધિ કરવા મગરવાડા તીર્થ પર આવે છે. મગરવાડા ગામની બધી જ્ઞાતિઓ વિવાહ પ્રસંગે આશીર્વાદ લેવા અને લગ્ન પછી પગે લાવવા અહીં આવે છે. એ જ પ્રમાણે કેટલીક જ્ઞાતિઓ લગ્ન બંધને બંધાતા છેડા-છેડી છોડવા પણ અહીં આવે છે.

અહીં માણિભદ્ર દાદાનો એવો જબરદસ્ત પ્રભાવ પ્રવર્તે છે કે મુસ્લિમ સહિત કોઈપણ જ્ઞાતિની જાન જો મગરવાડાની સીમમાંથી પસાર થાય, તો તેને વિશિષ્ટ થાળી તૈયાર કરી દાદાને નૈવેધ રૂપે ચઢાવવી પડે છે. આમાં ચૂંક કરનાર પર વિધ્ન આવે છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વસતા ધરતીપુત્રો-ખેડૂતો પણ અપાર શ્રધ્ધાથી આસો સુદ પાંચમના દિવસે પોતાના પરિવાર, વ્યવસાય તથા ઢોરઢાંખરના ક્ષેમકુશળ તથા કલ્યાણ માટે ઘી ચઢાવવા અચૂક અહીં આવે છે. આ સઘળી હકીકતો વીર દાદાની જૈન જૈનેતર લોકો પર વિશેષ કૃપા તથા વ્યાપક પ્રભાવની પરિચાયક છે.

સુખ…..દુ:ખ…પુન: સુખ….આસ્તિક્તા….નાસ્તિકતા….પુન: આસ્તિકતા…ધર્મ….નિષ્ટા…આદર્શ ગુરુભક્તિ….અદ્વિતીય તીર્થ મહાત્મ્ય…દ્રઢ સંકલ્પ…કઠોર વ્રતપાલન અપાર શ્રધ્ધા ધૈર્ય અને શુભ ભાવો સાથે તીવ્ર ધ્યાનસહ દેહત્યાગ અને અદ્વિતીય ફલશ્રુતિ…મેધધનુષ્યના મનોરમ્ય રંગો જેવી વિવિધતાનાં દર્શન પૂજ્ય દાદાના જીવનમાં થાય છે.

વર્તમાનમાં ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આવેલી ક્ષિપ્રા નદીના કિનારે ઐતિહાસિક ઉજ્જેન નગર વસેલું છે. પ્રાચીન કાળમાં પણ ઉજ્જૈન તરીકે ઓળખાતી આ નગરીએ સમયની અનેક લીલી-સૂકી નિહાળી છે. કયારેક આ નગરીમાં સનાતન જૈન તથા બૌધ્ધ ધર્મના ઘણા સાધુ ભગવંતો તથા તેમના અનુયાયીઓ વસતા હતા. વિધા, કલા, ધર્મ, સંસ્કૃતિ તથા ઉત્તમ શાસન વ્યવસ્થા માટે ઉજેણી નગરી સુવિખ્યાત હતી. આજ નગરીમાં ક્યારેક અજ્ઞાતવાસમાં રહીને પ્રાયશ્વિત કરતા શ્રી સિધ્ધસેન દિવાકર જેવા સામર્થ્યશીલ આચાર્ય ભગવંતે શિવાલયમાં પધારી, કલ્યાણકારી સ્ત્રોતની રચના કરીને પરમાત્મા શ્રી અવંતી પાશ્વનાથ સ્વામીજીની ભૂગર્ભ સ્થિતિ પ્રતિમા પ્રગટાવી જૈન ધર્મની ભારે પ્રભાવના કરી હતી. આ મહાન ધરા પર ક્યારેક મહાપરાક્રમી, પરદુ:ખભંજક ન્યાયપ્રિય વીર વિક્રમાદિત્ય રાજા શાસન કરતા હતા. વિદ્યા તથા કલાના ઉપાસક રાજા ભોજ પણ અહીં શાસન કરી અવંતી નરેશ તરીકે વિખ્યાત થયા હતા. મહાન કવિ કાલીદાસ પણ આ જ વસુંધરાના અણમોલ રત્ન હતા.

ધર્મ, કલા તથા સંસ્કૃતિનો અમૂલ્ય વારસો ધરાવતી અવંતી (ઉજ્જૈન) નગરીનું વેપાર વાણિજ્ય ક્ષેત્રે પોતાનું આગવું નામ અને અનોખી ઓળખ હતી. આવી સુંદર નગરીમાં વિક્રમની સોળમી શતાબ્દીમાં ભારતવર્ષના વિવિધ રાજ્યો તથા નગરોના સાહસિક બુધ્ધિશાળી વેપારીઓ વસવાટ કરી વેપાર ઉદ્યોગ કરતા હતા. સમુધ્ધિની અહીં છોળો ઉડતી હતી. (ક્રમશ:)

ભાગ -૧