પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો

પાણી તો ધી ની જેમ વાપરવું જોઈએ, બેટા – ભાગ-૧

Book-Atulshah[વડગામના પનોતા પુત્ર અને વડગામનું ગૌરવ એવા શ્રી અતુલ શાહના  પરિવારનો હીરાનો ધીખતો ધંધો હતો છતાં ભરજુવાનીમાં એમણે દુન્યવી મોહ બાજુમાં મૂકીને દિક્ષા લીધી હતી. એમની દિક્ષા અત્યાર સુધીની દિક્ષાઓમાં સૌથી વધૂ ભવ્ય માનવામાં આવે છે. અમે પણ દિક્ષાગ્રહણ ભવ્ય સમારંભમાં વડગામ અને અમદાવાદ મુકામે હાજર હતા. આજે આ અતુલ શાહ જ હિતરુચિ મહારાજ સાહેબના નામ સાથે ખૂબ સાત્વિક અને સમ્યક જીવન જીવી રહ્યા છે. એમની દિક્ષા અને એમનું જીવન એ ઘણાં યુવાનો માટે આજે પણ પ્રેરણારૂપ છે. અતુલ શાહ (હાલ મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ) સાહેબે સમાજઉપયોગી પોતાના અનેક વિચારો વિવિધ પુસ્તકો સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે તે પૈકી તેમના પુસ્તક “આધુનિક જીવનશૈલી લોહીતરસી ચુડેલ” પુસ્તક માંથી પ્રસ્તુતુ લેખ “ પાણી તો ધી ની જેમ વાપરવું જોઈએ, બેટા ! નો ભાગ -૧  વડગામ વેબસાઈટ ઉપર સભાર રજુ કરવામાં આવ્યો છે].

 

 

તે કાળ અને તે સમયની આ વાત છે. તારંગાની તળેટીમાં આવેલું ટીંબા નામનું નાનક્ડું ગામડું  મારું મોસાળનું ગામ છે. એક જમાનામાં આ નાનકડા ગામમાં છાપું તો શું ટપાલ પણ માંડ પહોંચતી, હજી આજે પણ જેને પોતાની સહી કરતાય માંડ આવડે છે તેવી, અક્ષરજ્ઞાન  જ આ દેશની સઘળી સમસ્યાનો જાદુઈ ઇલાજ છે તેવુ માની લિટરસી કેમ્પેન પાછળ આદુ ખાઈને પડેલા મિત્રોની , પરિભાષામાં  નિરક્ષર  મારી માનું બાળપણ આ પછાત ગામડામાં વીત્યું હતું. આટલાં વર્ષોનાં અનુભવે એવા તારણ પર પહોંચ્યો છું કે કોઈ પણ વિષયનું તળપદું અને આધુનિકતાના પૂર્વગ્રહોના રંગોના રંગો ચડ્યા વગરનું વાસ્તવિક જ્ઞાન મેળવવું હોય તો આપણી આજુબાજુમાંથી સૌથી વૃધ્ધ અથવા સૌથી અભણ, સ્કૂલ કોલેજના પગથિયે પગ પણ ન મૂક્યો હોય તેવી, વ્યક્તિને શોધી કાઢીને તેને પડપૂછ કરવાનું શરૂ કરવું જોઈએ. ખાસ તો જૂની-નવી જીવનશૈલીના બહુવિધ પાસાંઓની ફર્સ્ટ-હેન્ડ જાણકારી મેળવવા. આ બેમાં અભણપણાની એક લાયકાત ધરાવતી મારી માને પૂછતા ઘણી વાર ક્ષુલ્લક દેખાતી પણ વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષમાં કદાચ ઘણી મહત્વની વાતો જાણવા મળતી. એક વાર મેં એને પૂછેલું કે તમે લોકો સવારના પહોરમાં ઊઠીને સૌથી પહેલાં શું કામ કરતા ? ત્યારે જવાબમાં એણે મને કહેલું કે, ઊઠીને સૌથી પહેલા દેરાસર જઈ ભગવાનના દર્શન કરી પછી ઘરે આવીને પહેલા આટો તથા ચોખા પલાળીને પછી બીજા કામે લાગવાનું. બપોરે બાર વાગે ખાવા જોઈતાં રોટલી-ભાત માટે સવારે છ વાગ્યે આટો ભાત પલાળવાનું રહસ્ય પહેલા તો મને સમજાયું નહિ, પણ પછી ખબર પડી કે છ વાગે ચોખા પલાળી દેવામાં આવે તો બારા વાગ્યા સુધીમાં એ પલળીને એટલા પોચા થઈ જાય કે એને પકવવા માટે ચૂલો અર્ધો સમય પણ બાળવો ન પડે. પેઢી દર પેઢી વારસામાં મળતા જ્ઞાનને વળગી રહી પાણીમાં ચોખા પલાળવા દ્વારા પાણીમાં રહેલી ઊર્જા (હાઈડ્રલ પાવર)નો ઉપયોગ કરી બળતણ બચાવતી અભણ માનું જીવન વધુ વૈજ્ઞાનિક  હતું કે હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ, સવારે આઠ વાગે ઊઠી સોફાસેટ પર બેસી બ્રશ કરતાં કરતાં છાપાં મેગેઝિન વાંચી, સવારની ટીવી સિરિયલ જોયા પછી બાર વાગે રસોઈનો સમય થાય એટલે નાછૂટકે ઊભા થઈ પ્રેશરકૂકરમાં

વૈજ્ઞાનિકતા અને છાણાં-લાકડાંના ચૂલાની પછાતતા ઉપર ભાષણ આપી શકવાની ક્ષમતા ધરાવતી દીકરીનું જીવન વધુ વૈજ્ઞાનિક છે, તે સુજ્ઞ વાચકો સ્વયં નક્કી કરી લે.

એકાદ ઘરમાં થોડાક બળતણની આ વાત આમ તો સાવ મામૂલી લાગશે પણ ૮૦ કરોડની વસતી ધરાવતા આ વિરાટ દેશમાં  ‘ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય’ ની કહેવત ભૂલવી ન જોઈએ. ઊર્જાના બચાવની અને ઓછા ઉપયોગની આવી કેટલીય વંશપરંપરાગત ટેકનિકો જૂની પેઢીની વિદાય સાથે આજે વિદાય લેતી હશે. પણ આપણે ત્યાં પ્રગતિના આ જમાનામાં સાયન્ટિફિક ટેમ્પરનો અર્થ એવો કરવામાં આવે છે કે સ્કેલ જેટલો જંગી અને પ્રક્રિયા જેટલી જટીલ તેટલી વસ્તુ વધુ વૈજ્ઞાનિક અને પ્રક્રિયા જેટલી સાદી તથા કદ જેટલું નાનું તેટલી ચીજ જૂનવાણી. આવા જુઠ્ઠા ઇકવેશનને કારણે, હાઈડ્રલ પાવર પેદા કરવાની તોતિંગ યોજનાઓ ઊભી કરીને વિરાટકાય સરોવરો નીચે ગરીબ વનવાસીઓ. જંગલી પશુઓ અને ગીચ જંગલોને તથા વિશ્વબેંકના દેવાના દરિયા નીચે બાકી રહેલા દેશને ડૂબાડી દેવા માટે જેટલી જહેમત ઉઠાવાય છે તેના હજારમાં ભાગની મહેનત પણ હાઈડ્રલ પાવરનો ઉપયોગ કરવાની આવી ઘરેલુ રીતિઓને જીવાડવા કે ફેલાવવા કરવામાં આવતી નથી.

આની પાછળનું એક બીજુ કારણ માનવ અને વધુમાં વધુ પશુ-પંખી જગત સિવાયની સૃષ્ટિમાં રહેલા જીવત્વનો આદર કરવાનો ઇન્કાર કરતી ‘રેવરન્સ ફોર લાઈફ’ ને નેવે મુકતી અતિ સ્વાર્થ કેન્દ્રીની ઐદંયુગીન વિચારસરણી છે. જૈન દર્શન તો માણસ તેમજ પશુ-પંખી ઉપરાંત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા પ્રકૃતિનાં અનેક વિધ અંગોમાં રહેલા જીવત્વનો આદર કરવાની વાત સદીઓથી કરતું આવ્યું છે. જગદીશચંદ્ર બસુ (બોઝ તો અંગ્રેજને બસુ બોલતા આવડતું નહોતું માટે કહેતા હતા, ચટોપાધ્યાય અને બ્ન્ધોપાધ્યાય બોલતા નહોતું આવડતું માટે ચેટરજી અને બેનરજી કર્યું તેમ) એ વનસ્પતિનું જીવત્વ લેબોરેટરીમાં સાબિત કર્યુ તેનાથી સદીઓ પહેલાં વૈદિક ધર્માનુયાયીઓના “જલે વિષ્ણુ: સ્થલે વિષ્ણુ વિષ્ણુ: પર્વતમસ્તકે “માં પણ કદાચ આ જ વાત કહેવાય છે. વિષ્ણુનો અર્થ જો ભગવાન કરવામાં આવે તો તો બહુ કઢંગી રીતે સ્થિતિનું સર્જન થાય માટે વિષ્ણુનો અર્થ આત્મા એટલે જીવ કરીને જલમાં, સ્થળમાં, છેક પર્વતની ટોચ ઉપર રહેલી શિલાઓમાં પણ જીવત્વ રહે છે એવો અર્થ કરવામાં આવે તો જ આ શ્લોક –પંક્તિની સંગતિ થઈ શકે.

આધુનિક અર્થશાસ્ત્રીઓથી માંડીને પર્યારણવિદો જેને નેચરલ રિસોર્સીસના નામે ઓળખે છે તેવા પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં નિહિત ચૈતન્યની ભારતીય દર્શનની માન્યતાની આધારશીલા પર રચાયેલી ભારતીય જીવનરીતિ તેમાં રહેલા જીવત્વનો આદર કરીને તેના ઓછામાં ઓછા ઉપભોગથી ચલાવી લેવાનું શીખવતી. એટલે પ્રાકૃતિક સંસાધનોનો આટલો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવશે તો તે ખૂટી ગયા પછી માણસજાત જીવશે કેવી રીતે તેટલા માત્ર માણસજાતના ભવિષ્યને અંધારિયું બનાવતા અટકાવવા પૂરતું  જ રિસોર્સ યુટિલાઇઝેશન ઘટાડવાના સંકુચિત ખ્યાલ કરતાં પણ ઘણો વ્યાપક આ દ્રષ્ટિકોણ હતો. એમાં જંગલો જમીન, જાનવર કે જળનો આડેધડ ઉપયોગ કરીશું તો તેના વગર આવતી કાલે આપણે જીવીશું શી રીતે એટલો મર્યાદિત ખ્યાલ માત્ર નથી, પણ તે બધામાં પણ, જેવી સંવેદના આપણામાં છે તેવી જ આત્મસંવેદના હોવાથી અનિવાર્ય ઉપભોગને છોડીને તેમને સ્પર્શ દ્વારા પણ ડિસ્ટર્બ કરવાનો આપણને અધિકાર નથી તેવો એક ઉદાત્ત વિચાર છુપાયેલો છે.

ઇંગ્લેન્ડમાં થયેલી ઔધોગિક ક્રાંતિ પછીના પોસ્ટ- ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એરામાં જે ઉપભોક્તાવાદી સંસ્કૃતિ પાંગરી તેમાં આ વિચારનો અંશ પણ ન હોવાના કારણે કેવળ ‘ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી’નો સિધ્ધાંત તે સંસ્કૃતિનો આરાધ્યદેવ બની રહ્યો છે. ઊર્જાથી માંડીને જળ સુધીના ક્ષેત્રોમાં ઝળુંબી રહેલાં ધેરી કટોકટીના વાદળોનો ગર્ભ આ વિચારના પિંડમાંથી બંધાયેલો છે. સવારથી સાંજ અને ઘોડિયાથી ઘડપણ સુધીના આપણા જીવન તરફ એક આછોપાતળો દ્રષ્ટિપાત કરવામાં આવશે તો વાત હાથમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ થઈ જશે. એક સર્વેક્ષણ અનુસાર અમેરિકન ઘરોમાં નળમાંથી આવતા પાણીનો જથ્થો જો થોડોક પણ ઘટાડવામાં આવે તો રોજનું ૨૫ કરોડ ગેલન પાણી બચાવી શકાય. રોજનું ૪૫૦ અબજ ગેલન પાણી વેડફતા અમેરિકનોના ઘરવપરાશના પાણીના ૩૨ ટકા તો શાવર બાથ પાછળ અને ૪૦ ટકા પાણી ટોઇલેટ ફ્લશ કરવા પાછળ વેડફાય છે, તો ૧૪ ટકા પાણી તેમના વૉશિંગ મશીનો ચાંઉ કરી જાય છે.

આ જ જીવનપધ્ધતિનું અનુકરણ મુંબઈગરાઓ અને મુંબઈના પગલે પગલે દેશના અંતરિયાળ ગામડાઓમાં વસતા લોકો પણ કરવા માંડ્યા છે. આપણા બાપદાદા દેશમાં ઘરના ઓટલે ત્રાંબા કે પિત્તળનો લોટો લઈને લીમડા-બાવળના દાતણથી દાંત સાફ કરવા બેસતા ત્યારે માત્ર એક લોટો પાણી વાપરતા. જીવનના છેલ્લા દિવસ સુધી તેમના દાંત જેટલા ઊજળા રહેતા તેટલા ઊજળા દાંત તો આજકાલના ચૌદ-પંદર વર્ષના ટીન-એજર્સ છોકરાંઓના જોવામાં આવતા નથી. છતાંય વોશબેસિનનો નળ ચાલુ રાખીને કોલગેટ કે સિબાકાનો સફેદ રગડો મોંમા ઘસવાની તેમની આદતને કારણે બ્રશ કરતી વખતે જ વીસથી પચીસ લિટર જેટલું પાણી વેડફી નાખે છે. તમે ધારો તો તેને બાળપણથી જ વોશબેસિનનો નળ ચાલુ રાખીને બ્રશ કરવાને બદલે લોટામાં પાણી લઈને દાતણ કરતાં જરૂર શીખવાડી શખો. પણ ખાટલે મોટે ખોડ એ છે કે તમને જ શેવિંગ કરતી વખતે બેસિનનો નળ ચાલુ રાખીને તેના કરતાં ત્રણથી ચારગણું પાણી ઢોળવાની આદત પડી ગઈ છે. અને સંત ગ્યાનેશ્વર નઠારા છોકરાને ગોળની બાધા આપતા પહેલા પોતે ગોળ છોડવાનો દાખલો બેસાડી ગયા હોવાથી તમે ‘તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ’ નું વલણ અપનાવી આંખમિંચામણા કરવનું શરૂ કરી દો છો. પણ તમારા આંખમિંચામણા કરવાથી વાત અટકતી નથી. વેડફાટનો તમારો આ ભવ્ય સંસ્કારવારસો તમારા બાળકથી આગળ વધતો છેક તમારા ધાટી રામા સુધી ઊતરે છે. તમારા શાહજાદાને નળ ચાલુ રાખીને બ્રશ કરવા માટે આળસતા જોઈને તે શા માટે પાછળ રહે ? તે પણ વાસણ માંજતી વખતે નળ બંધ કરવાનું કષ્ટ ઉઠાવતો નથી અને તમે તથા તમારા કુંવરસા’બ બ્રશ અને દાઢી કરવામાં જેટલું પાણી વેડફો છો તેનાથી દોઢું પાણી તે વાસણ માંજતી વખતે વેડફી નાખે છે. તમારી આ ત્રિપુટી જો બ્રશ કરતાં, દાઢી વખતે અને વાસણ માંજતી વખતે નળ ચાલુ રાખવાની સાહ્યબી છોડી દે તો દર વર્ષે ઘરદીઠ લાખેક લિટર જેટલું પાણે તો અવશ્ય બચે, કારણ કે માત્ર એક મિનિટ નળ ખુલ્લો રાખાવમાં આવે તેટલી વારમાં ૧૩ થી ૨૨ લિટર જેટલું પાણી ગટરભેગું થઈ જતું હોય છે…(ક્રમશ:)