વ્યક્તિ-વિશેષ

જીડાસણ ના લોકપ્રિય કલાકાર છગન રોમિયો

[શ્રી કનુભાઈ આચાર્ય લિખિત વડગામ તાલુકાના જીડાસણના કલાકારનો આ લેખ રખેવાળ દૈનિક સમાચારમાં ચાર હપ્તામાં છપાયો હતો. આ લેખને વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ માનનિય શ્રી કનુભાઈ આચાર્ય સાહેબનો આભારી છુ].

વડગામના જીડાસણના કલાકાર છગન રોમિયોનું નાટક જોવા પૃથ્વીરાજ કપુર પણ આવે..ચાર્લી ચેપલીનને રાજકપુરે અને છગન રોમિયોએ પોતાના પાત્રમાં સજીવન કર્યા

નટવર નોવેલ્ટીએ અંગ માથેથી નાટકના વસ્ત્રો ઉતાર્યા…થોડીવાર એ વસ્ત્રોને જોઈ રહ્યા.. આ વસ્ત્ર પહેરે એટલે છગન નાગરદાસ નાયકનું ખોળિયું રંગ બદલે. અંગેઅંગમાંથી હાસ્યના ફૂવારા ફૂટે..અભિનય જ નહિ, આ કપડાં પણ બધાને હસાવે

કપડા ઉતારીને પોષાક ખંડની ખીંટીએ ટીંગાડતાં-ટીંગાડતાં ભાવવશ થઈ જવાયું, તે વસ્ત્રોને માથે અડાડીને સન્માન આપ્યું. પછી ચૂમી લીધાં પછી વસ્ત્રને ઉદ્દેશીને કહ્યું અંગને દીપાવનાર તમે નવાણું નાઈટ સુધી તો મારો સાથ નિભાવ્યો છે. કાલ સોમી નાઈટ પણ મારી સાથે રહેજો…ને બોલતાં બોલતાં આંખમાં ઝળઝળિયા આવી ગયેલાં. પાસે બે નાટ્યકર્મીઓ પણ ઉભા હતા. છગન નાયકના ખભા ઉપર હાથ મૂકીને કહે હવે શું શંકા છે? સર્વોદય નાટકના ૧૦૦મા ખેલની જાહેરાત પણ થઈ ચૂકી છે…આવતી કાલે આપણે ખેલ ક્યાં બદલાય છે?

છગન નાયકે કહ્યું-કાલ કોણે જોઈ છે? કહીને ખડખડાટ હસી પડ્યા એ તારીખ હતી ૨૩.૦૮.૧૯૫૬

નાટકની સો નાઈટ થાય એટલે રેકોર્ડ થાય. ક્રિકેટર સેન્ચુરી મારે ત્યારે જેમ બધે છવાઈ જાય તેમ જૂની રંગભૂમિમાં એક જ નાટક સો નાઈટો કરે એટલે એની જબરદસ્ત નોંધ લેવાય. જો કે સર્વોદય નાટક, વડોદરામાં હાઉસફૂલ જતું હતું ને તેમાં છગન નાયકની જોરદાર હાસ્યની ભૂમિકા હતી. નટવર નોવેલ્ટીનું તેમનું પાત્ર નામ પ્રમાણે જ નોવેલ્ટી ધરાવતું હતું. સને ૧૯૫૨માં ગુજરાતી રંગભૂમિની શતાબ્ધી મુંબઈમાં ઉજવાઈ એ વર્ષે ડિસેમ્બરમાં નાટ્યકાર પ્રફુલ દેસાઈએ સર્વોદય નામનું નાટક લખ્યું. ગાંધી બાપુની વિચારધારા સર્વોદય ઉપર લખાયેલા આ નાટકમાં મધ્યવર્ગની મુશ્કેલીઓનો  તાદ્દશ્ય ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી કાશમભાઈ મીરના દિગ્દર્શન નીચે તૈયાર થયેલ આ નાટકમાં વિષયની રજૂઆત માટે ટ્રાઈસિકલને પ્રતીકરૂપ બનાવી હતી. આ નાટકના હાસ્ય વિભાગ માટે પ્રસંગોની ગૂંથણીમાં સરસ મહેનત કરવામાં આવી હતી. સાચી ગૃહિણી કેવી હોવી જોઈએ. આ નાટકમાં મુખ્ય હાસ્ય કલાકારનું પાત્ર ભજવે છગન નાયક. જે જૂની રંગભૂમિના ઇતિહાસમાં છગન રોમિયો તરીકે પ્રસિધ્ધ છે. આ નાટક મુંબઈમાં ૨૪૭ નાઈટો ચાલ્યું હતું ! ગુજરાતી જૂની રંગભૂમિના તખતા ઉપર આ નાટકને કરમુક્તિનું સર્વ પ્રથમ સ્થાન મળ્યું. ઇ.સ.૧૯૫૨ માં એ પછી સંસ્થા ગુજરાતમાં ફરતી ફરતી વડોદરામાં આવી.

વડોદરામાં રાજમાર્ગ ઉપર એક હાથીની સવારી નીકળે તેના ઉપર નટવર નોવેલ્ટીના વેશમાં છગન રોમિયો હોય. વાજિંત્રો વાગતાં હોય. નાના-મોટા ટાબરિંયા હાથીની પાછળ-પાછળ ચાલે, લોકો જોવા ભેગા થાય- ‘જુઓ આ સર્વોદય નાટકનો હાસ્ય કલાકાર…’

બધાં ટીકી ટીકીને જુએ. નાના છોકરાં તાળીઓ પાડે. નાચે કૂદે. કેટલાક તો હાથીની પૂંઠે પૂંઠે વડોદરાની શેરીઓમાં પણ ફરે.

નટવર નોવેલ્ટીના હાસ્યને માણવા રાત્રે ટિકિટ બારી છલકાઈ જાય. જોકે છગન નાયક નટવર નોવેલ્ટીને નામેના ઓળખાયા તેઓ ઓળખાયા છગન રોમિયોને નામે.

છગન રોમિયોનો જન્મ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગિડાસણ ગામે થયેલો. ઇ.સ.૧૯૦૨ (વિક્રમ સવંત ૧૯૫૮) જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમનું વજન સાવ ઓછું. દેહ પાતળો. મોંઢુ લંબગોળ, આંખો થોડી મોટી હતી. શરીરનો રંગ ઘંઉવર્ણો. નાટકમાં હાસ્ય કલાકારનું પાત્ર તો વર્ષો પછી ભજવવાનું હતું પણ વિધાતાએ તો જન્મ વખતે જ એવો ઘાટ આપ્યો કે જે જોઈને હસી પડાય. કહે છે કે પૃથ્વી પર એન્ટ્રી મારતાં નિયમ પ્રમાણે એ રડ્યા પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે. હસ્યાય ખરા ! માતા જમનાબાઈ તો બાળકના જન્મ પછી ખુશખુશાલ રહેવાં લાગ્યાં. પિતા નાગરદાસ નાયક નાની મોટી ભવાઈ મંડળીમાં કે રામલીલામાં વેશ ભજવે…જો કે એ પણ આઠ મહિના. ચોમાસાના ચાર મહિના તો ભવાઈ અને રામલીલા બંધ રહે એટલે ખાવું શું? એટલે નાગરદાસ નાયક ભવાઈમાં કપડા પહેરી આજુબાજુના ગામો મગરવાડા, પિલુચા, નાંદોત્રા જેવા ગામોમાં જઈ મુખીને વિનવે, પાટીદારને વિનંતી કરે પછી ગામના થોડાક લોકો ભેગા મળે. નાગરદાસ દુહા-છંદ, પ્રેમાનંદના આખ્યાનો, લોકવાર્તાઓ અભિનય કરીને સંભળાવે અને લોકોને હસાવે પન ખરાં. એટલે એમની ખ્યાતિ કલાકાર તરીકે પ્રસરતી ગઈ. વડગામ અને ખેરાલુના ગામડાંમાં સુખી શ્રીમંત લોકો પોતાને ત્યાં વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે નાગરદાસ નાયકને બોલાવે. આમ એમનો જીવન નિર્વાહ માંડ-માંડ ચાલતો હતો…

છગન થોડો મોટો થયો એટલે નાગરદાસે એને નિશાલમાં બેસાડ્યો. આ નિશાળ એટલે કાં તો એક ડહેલું હોય. કાં તો મહાદેવ મંદિરનો ઓટલો અથવા વૃક્ષની એક છાયામાં બધા બાળકોને બેસાડે. મોટી પાઘડી અને અંગરખું પહેરેલા મહેતાજી ગામઠી શાળામાં ભણાવે. છગનને ગોળ ખવરાવી નિશાળે તો બેસાડ્યો પણ છગનનું ચિત્ત ભણવામાં લાગે નહી. તળાવ પર દોડવામાં, રમવામાં, હરવા-ફરવામાં જ મન ભમ્યા કરે. એક ચોપડી તો માંડ પૂરી કરી. બીજી ચોપડીમાં આવતાં-આવતાં તો હાંફી ચડી ગઈ. બીજા ધોરણમાં એક હટાંકટાં પુરુષોત્તમ નામના છોકરા સાથે છગનને જામી ગઈ. ફૂંક મારે તો ઉડી જાય એવો દેહ ધરાવતા છગને જીભને ખુલ્લી મૂકી દીધી પણ પેલાએ તો દેહથી જ સામનો કર્યો. છગનને ધૂળમાં પછાડી એના ઉપર ચઢી બેઠો…ને છગનને ખૂબ માર્યો. માર ખાઈ લઈને ચૂપચાપ બેસી રહે તે વ્યવહારૂ કહેવાય. ગાંધીજીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવેશવા ના દીધા. તેમનો સામાન બહાર ફેંકી દીધો. જો મોહનદાસ કરમચંદ ગાંધી વ્યવહારૂ બનીને બીજા ડબ્બામાં બેસી ગયા હોત તો..? વકીલ મોહનદાસ ગાંધી કાળની ગર્તામાં ખોવાઈ ગયા હોત !! તેમણે એ ઘટનાને નવો વળાંક આપ્યો.

છગનને થયું કે માર ખાવો પડે એવો દેહ શું કામનો ? સુકલકડી શરીરને ખડતલ અને મજબૂત બનાવવું. પણ શરીરને મજબૂત કેવી રીતે બનાવવું  એ વિષે તેને કાંઈ ખબર પડે નહી. એ એક દિવસ શૂન્ય મનસ્ક થઈને બેઠો હતો ત્યાં એક બાળગોઠિયાએ એને કહ્યું-‘છગલા, સર્કસ જોવા આવવું છે?’

જીડાસણ ગામને ગોંદરે એ વખતે સર્કસ આવેલું. તેણે સર્કસની વાતો તો સાંભળેલી પણ જોયેલુ નહી, થયું કે સર્કસ જોવું અને તેમાં જે અંગકસરત કરે છે તેવા થવું..પણ સર્કસમાં ઘૂંસવું શી રીતે..?

સાયકલ લઈને ગોળ ગોળ ઘૂમતી છોકરી, ઝૂલા ઉપર એક ઝૂલે થી બીજા ઝૂલે સરકતા છોકરા-છોકરીઓને જોઈને છગન હેરત પામી ગયો. અંગ કસરતના દાવો. વજન ઉપાડતા સાહસવીરો જોઈને તેને પણ એવું બનવાનું થયું. આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે એતો પહોંચ્યો જ્યાં સર્કસ પડ્યું હતું ત્યાં. રાત્રે રૂપાળા લાગતા કલાકારો બંડીને પાયજામા પહેરીને સૂતેલા. દક્ષિણ ભારતના કાળા રંગના આ કલાકારો કોઈ આળસ મરડે, કોઈ બગાસા ખાય, કોઈ પ્રાણીઓને ખવડાવે-પીવડાવે સરકસની રાવટીની આજુબાજુ છગને આંટા માર્યાને પછી ધીમેથી કૂતરાનો અવાજ કાઢ્યો.

સર્કસમાં રહેલા કૂતરાના કાન આ અવાજ સાંભળીને ઊંચા થઈ ગયા. પોતાના ક્ષેત્રમાં કોઈ કૂતરો ઘૂસે એટલે એ કેમ ચલાવી લે? ને આતો સર્કસના ખૂંખાર કૂતરાઓ. કૂતરાના આવાજ સામે જોરથી ભસવા લાગ્યા. સર્કસના પ્રાણીઓને સંભાળતા પ્રાણી માસ્ટરોને લાગ્યું કે બહાર કોઈ કૂતરો આવ્યો છે એને ભસતો બંધ કરવો જોઈએ. એ લાકડી લઈને બહાર આવ્યો ત્યાં કૂતરો તો હતો જ નહી. છગન જાણે જોવા આવ્યો હોય તેમ ફરવા લાગ્યો. પેલાએ કૂતરાને શોધ્યો. જડ્યો નહી . એ પાછો અંદર ગયો. અંદરના કૂતરાએ ભસતા બંધ થઈ ગયેલાં. થોડી વાર પછી છગને બિલાડીનો અવાજ કાઢ્યો…મિયાંઉ..મિયાંઉ…અદ્દલ બિલાડીનો અવાજ સાંભળીને સર્કસના કૂતરા સાંકળ તોડાવવા લાગ્યાં. બહાર ઘસી આવેલા પ્રાણી માસ્ટરે જોયું તો એક નાનક્ડો છોકરો મોંઢાથી બીલાડીનો અવાજ કાઢે તેણે છગનને પકડ્યો. તેની કળા જોઈને ખુશ થયેલા. રિંગ માસ્ટરે તેને સર્કસના મેનેજર પાસે ઉભો કરી દીધો. તેણે સર્કસના મેનેજર સામે ગધેડાનો હોંચી..હોંચી.. અવાજ કાઢ્યો..કોયલનો અવાજ કાઢ્યો….

સ્કૂલમાં અને ગામમાં પણ બધા એની પાસે આવો અવાજ કઢાવીને ખુશ થતા.

છગન પ્રાણીઓ પશુ-પક્ષીની પાછળ પડે. એમના અવાજની નકલ કરે. નાટાચાર્ય ભરતથી માંડીને સ્ટેનિ સસ્લેવસ્કી સુધીના વિચારકોએ નટની કલાના વિકાસમાં નિરક્ષણ અને નકલને મહત્વનું ગનાવ્યું છે. સર્કસના મેનેજરે પૂછ્યું ‘સર્કસમાં કામ કરવું છે?

છગન રોમિયોએ કહ્યું- ‘હા’ ને એ સર્કસમાં પ્રાણીઓના અવાજ કાઢી બધાને હસાવે. સર્કસના ખેલાડીઓ પાસે અંગ કસરતના દાવ શીખવાનું શરૂ કર્યુ પણ પછી રાત્રે શરીરના સાંધે સાંધા દુ:ખે એટલે લાગ્યું કે સર્કસનાં આપણું કામ નહી પણ સર્કસનો જે વિદૂષક ચિત્ર-વિચિત્ર પોષાક પહેરી મોંઢે ભૂંગળુ રાખીને ફરે  ને સર્કસની જાહેરાત કરે એની પાછળ બાળસેનામાં જોડાતાં પોતે વિચાર્યું કે પોતે આના જેવો બની શકે!!

ને બની પણ શકાયું. ‘તારાબાઈ સેન્ડો સર્કસ’ નો વિદૂષક તો પગે ચાલીને જીડાસણમાં પ્રચાર કરતો હતો પણ છગન રોમિયો તો હાથી ઉપર બેસીને. બાળપણનું એ સ્વપન્ન પૂર્ણ થયું હતું ને એની પરાકાષ્ઠા રૂપે!!

સર્કસમાં જમાવટ થઈ નહીં, એટલે બાપીકો ધંધો અજમાવ્યો. ભવાઈના વેશો અને રામલીલાના ખેલોમાં આ સમયે નાયકોનાં જુદાં જુદાં ભવાઈ જુથો કે ટોળાં હતાં. ભવાઈના ટોળાં ગામડા ગામમાં ચોકમાં છેક સવાર સુધી રામદેવ, ઝંડાઝૂલણ, મિયાં બીબી, કજોડાં, સરાણિયા, કાનગોપી જેવા વેશો ખૂબ રંગતથી ભજવતા. બે કે ત્રણ ભૂંગળિયા હોય. તબલા માંથી વિશિષ્ઠ અવાજ નીકળે, તાલ અને લય સાથે કાંસીની જોડ હોય. કજોડાના વેશ તો ખૂબ હસાવે. જૂઠણ, ડાગલો જેવા પાત્રોની બોલી અને હાવભાવથી હાસ્ય પેદા થાય અને ગામડાના માણસો ખુશ ખુશ થઈ જાય. છગને આ બધું જોયું. તેને ભવાઈ માંથી શિક્ષણ મળ્યું  પરંતુ ભવાઈ માંથી ગુજરાન ચાલે નહી. પિતા નાગરદાસ કંટાળ્યા. રોટલો રળવા માટે તેઓ મુંબઈ આવ્યા. ઇ.સ.૧૯૧૦ માં આઠ વર્ષનો છગન પિતાની આંગળીએ મુંબઈ જેવા ફાટ ફાટ શહેરને જોઈને વિસ્મય પામ્યો. એ સમય ગુજરાતી રંગભૂમિનો સૂવર્ણ કાળ હતો. નાગરદાસ છગનને લઈને કેટલીક નાટક મંડળીઓમાં ગયા. શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી દેશી નાટક સમાજ જેવી ધરખમ મંડળીઓની ભારે નામના. બધે ફર્યા પણ કોઈ નાટક મંડળીએ આ બાપ દિકરાની સામે જોયું ય નહીં. આ નાટક મંડળીઓમાં મોટાભાગના નટો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના. આ નટોની ઉત્તમ અદાકારી ઉપર મુંબઈ ઘેલું…ઘેલું તેઓ આવા સબંધી નટોને પણ મળ્યા. પરંતુ તેમની પાસેથી પણ ખાસ પ્રોત્સાહક ઉત્તર મળ્યો નહી પણ નાગરદાસ હિમંત હાર્યા નહી. એમાં એક દિવસ એમણે દોરાબજી મેવાવાળાની મુલાકાત લીધી. દોરાબજી મેવાવાળાએ તેમને સાંભળ્યા. કારણ કે તેમને પોતાનો ભૂતકાળ સતત સ્મરણમાં હતો. પોતેય એક સામાન્ય ડોરકીપર હતા.(ઇ.સ.૧૮૯૫) દેખાવે ઊંચા-પહોળા સશક્ત દોરાબજીને સુપ્રસિધ્ધ નટ સોરાબજી કાત્રક અને નાટ્યકાર મૂળશંકર મૂલાણીએ તક આપી. નંદશંકર તુળજાશંકર મહેતાની નવલકથા-કરણઘેલોના આધારે રચાયેલા નાટકમાં તેમને ભૂમિકા મળીને થિયેટરના બારણ આગળથી નાટ્ય કલાકાર અને ત્યાંથી નાટ્ય કંપનીના માલિક બન્યા. તેમની ઇચ્છા એવી કે ઉર્દૂ ભાષામાં નાટ્ય ભજવવાં..

નાનકડા છગનને આંગળીએ વળગાડી નાગરદાસ ઘેરાબજી પાસે મહાપરાણે પંહોચ્યા. બાપ દિકરાએ પ્રણામ કર્યા. બેસાડ્યા. દોરાબજીએ પારસી અદાથી સત્તાવાહી અવાજે પૂછ્યું- ‘કાં ક્યાંથી આવો છો? કઈ જાતના છો? ‘ઉત્તર ગુજરાતમાં પાલનપુર રાજ્યના નાનકડા જીડાસણ ગામના વતની છીએ. જાતે નાયક છીએ.’

નાયક શબ્દ સાંભળીને દોરાબજીના કાન ઝણઝણ્યા કારણ કે આતો નાટકનું રોમટિરિયલ્સ-કાચો માલ. ભોજક-નાયક-મીરને એમાંય ઉત્તર ગુજરાતના એટલે ભવાઈ-લોકનાટ્ય પ્રદેશના માનવી. એમનાં નાના બાળને તાલીમ આપીને જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડી શકાય. દોરાબજીએ છગનની સામે ધારી ધારીને જોઈ કરડાકીથી પૂછ્યું, ‘શું આવડે છે, પોરા?’

નાનકડો છગન આવડા મોટા માલિક-દિગ્દર્શક જોઈને પહેલાં તો ગભરાઈ જ ગયો.

થૂંક ગળે ઉતારીને માંડ-માંડ બોલ્યો- ‘ગીતો’ ગા ચાલ’

ને તેણે ભવાઈ અને રામલીલામાં ગવાતાં કેટલાંક ગીતો ગાયાં પછી થોડી નકલ કરી બતાવી. વિવિધ પ્રાણીઓના અવાજ અભિનય સાથે કાઢી બતાવ્યા.

દોરાબજીએ પૂછ્યું- ‘નાટકમાં કામ કરવું છે?

’હા’ છગનના ચહેરા પર હરખનાં ચિતરામણ થયાં ને જીડાસણ તા.વડગામનો એક નાનકડો છોકરો ઉર્દૂ રંગભૂમિમાં પ્રવેશ્યો.

ઉર્દૂ રંગભૂમિનું નાટક શયદે હવસમાં છગને નાના બાળકલાકારની ભૂમિકા કરી.જોકે રંગમંચ ઉપર જતાં પગ ધ્રુજે. ક્યાં ગામડા ગામની નાનકડી ભવાઈ ને ક્યાં મુંબઈની ઝાકમઝાળ ભરી રંગભૂમિ ! ને એટીકેટ ઓડિયન્સ. માંડ માંડ સ્ટેજ ઉપર પ્રવેશ કર્યો. ઉર્દુ આવડે નહી તોય માંડ માંડ ગોખેલા સંવાદો બોલી નાંખ્યા. આ કંપનીમાં એમને મહિને ચાર રૂપિયા પગાર મળતો. જમવાનું કંપનીના રસોડે, રહેવાનું પણ કંપનીમાં. કારણ કે સવારે આઠથી બાર અને સાંજે ચાર થી છ અભિનયની સઘન તાલીમ એમને આપવામાં આવતી હતી. શુધ્ધ ગુજરાતી પણ ન બોલી શકનાર અને ગામડા ગામમાં ઉછરેલા નાનકડા કલાકારને ઉર્દૂ બોલવાની તાલીમ અહીં મળી. જો કે એ પછી તેઓ ડેનિયલની ‘ઇમ્પિરિયલ નાટક કંપનીમાં જોડાયા. આ બનેં કંપનીઓમાં વિવિધ નટો-નાટકોનો એમને અનુભવ થયો. આ સમયમાં નટ ડેનિયલ અને એમના ભાઈ જુસબદાદા પાસેથી એમને અભિનય વિષે થોડુંક જાણવા મળ્યું. એ સમયના સારા અભિનેતાઓ સોરાબજી ઓઘરા, વલ્લભ કેશવ નાયક અને લલ્લુ છોકરીના વિવિધ પાઠો જોઈને એવા કલાકાર બનવાની તમન્ના છગનભાઈને થઈ. એ પછી ઉર્દૂ સિવાયની બીજી કંપની પ્યારેલાલની તેમજ મૂળજી આશારામ અને વાઘજી આશારામની શ્રી મોરબી આર્ય સુબોધ નાટક કંપનીના કેટલાક નાટકોમાં પણ ભૂમિકા ભજવી. એ સમયે મૂળજી આશારામનો ઘણો પ્રભાવ હતો. બારેક વર્ષ સુધી આમ ચાલ્યું. એમનામં રહેલો અભિનેતા ઘડાતો જતો હતો… એ વખતે એક ઘટના બની નટવર્ય જયશંકર સુંદરી શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી છોડીને શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજમાં જોડાયા. એટલે જયશંકરભાઈએ કરેલી ભૂમિકાઓ ઉત્તર ગુજરાતમાં આવેલા વિજાપુર તાલુકાના વડાસણ ગામના વતની સૂરજરામ વનમાળીદાસ ભજવતાં. દિગદર્શક બાપુલાલે એમને ‘સ્પેશીયલ સુંદરી’ નામે પ્રખ્યાત કર્યા. આ સૂરજરામ તે હાસ્ય નટ પ્રાણસુખ નાયકના પ્રથમ ગુરૂ અને બનેવી પણ ખરા. ઇ.સ.૧૯૨૪માં જયશંકર વળી પાછા આ મંડળીમાં જોડાયા. ગુજરાતી નાટક મંડળી પોતાના નાટકો ભજવતી. બાપુલાલે જાતે  લખેલા સૌ ભાગ્યનો સિંહ (૧૯૨૪) નાટકમાં હાસ્યરસની ભૂમિકા ભજવી શકે એવા નટની જરૂર હતી. બાપુલાલે છગનભાઈને જોયા. થોડીક વાતચીત કરી. એમની અનુભવી આંખોએ પારખી લીધું કે આ નટને યોગ્ય તાલીમ આપવામાં આવશે તો ભવિષ્યમાં સારો અભિનેતા થશે. આ મંડળીમાં એ વખતે પ્રાણસુખ નાયક પણ હતા.

એટલે પ્રાણસુખની જોડમાં એમણે આ નાટકમાં છગનભાઈને ધનેશ્વરની ભૂમિકા સોંપી. પ્રાણસુખ પાર્વતી બને એ પછી ગુજરાતના જાણીતા ગઝલકાર શયદાનું ‘કુમળી કળી’ (ઇ.સ.૧૯૨૫) નાટક ભજવાયું ને તેમાં ભૈયાજીની હાસ્યનટની ભૂમિકા તેમને મળી. આમ છગન અને પ્રાણસુખની હાસ્યની જોડીએ જમાવટ કરી. છગનલાલે ભૈયાની ભૂમિકામાં જીવ રેડી દીધો. ભૈયાજી ભૈયાણીને ચાહે છે. ભૈયાજી ભૈયાણીને ભાંગ પીવરાવી. પ્રેમના અને ભાંગના નશામાં ચકચૂર રાખે છે. જ્યારે ભૈયાજી ભાંગ પીવરાવવાનું શરૂ કરે ત્યારે આંખ, ભવાં, હાથના હાવભાવ અને રંગમંચ પરની ચાલ કેવી હોય તે છગનભાઈને જયશંકર સુંદરીએ શીખવ્યું,ને ભાંગના નશામાં આવતું અસમતોલન,શૂન્યતા અને ચાલ, આનંદ અને ગેલનો ભાવ, ભૈયાજીને ભાંગ પીધેલી ભૈયાણીને નૃત્ય કરતાં કરતાં જુદી ભાવભંગીઓમાં પ્રણયરસ દર્શાવતા એક ક્ષણે ઝીલી લે છે…

હું તો તમારી વહાલી ભૈયાજી

ભાંગની પાઓ પ્યાલી ભૈયાજી…..

આ ગીતને અનેક વન્સમોર મળતા….

જોકે છગનભાઈ નાટ્ય જગતમાં રોમિયો ને નામે પ્રસિધ્ધ થયા તે તો કોલેજની કન્યા નાટક દ્વારા સુરતના લેખક ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાનું તરૂણીના તરંગ યાને, કન્યા નાટકમાં તેમણે રોમિયોની ભૂમિકા ભજવીને સમગ્ર જીવન દરમિયાન તેઓ રોમિયો તરીકે ઓળખાયા.

પ્રાણસુખ નાયક અને છગન રોમિયોની જોડીનું પ્રસિધ્ધિને દ્રષ્ટિએ આ ઉતકૃષ્ટ નાટક હતું. આ નાટકમાં રોમિયો બનેલા છગનભાઈ કેટલાક ગીતો ગાતા. છગન અને પ્રાણસુખનું પ્રેમીયુગલ બીજા અંકના કોમિક પ્રવેશમાં પ્રવેશ પૂરો થતાં એક અંગ્રેજી ગીત ગાતાં ગાતાં નૃત્ય કરતા.

આ અંગ્રેજી ગીતમાં નૃત્યનાં બધાં જ પગલા અંગ્રેજી રીતના નૃત્ય પ્રમાણે ગોઠવ્યા હતાં. બનેંનો પહેરવેશ પણ એ પ્રમાણેનો હતો. આ ગીતના શબ્દો હતા. “કમ ઓન કમ ઓન” માય લવલી ટોપ… એ જમાનાના પ્રેક્ષકો આ ગીત અને એમના અભિનય પર આફ્રિન થઈ વાહ!વાહ! ના પોકારો સાથે અનેક વન્સમોર આપતાં. મુંબઈ, વડોદરા, જામનગર, પોરબંદર, રાજકોટ , જૂનાગઢ, ભાવનગર જેવા શહેરોમાં એમના પર પુષ્પો અને રૂપિયાનો વરસાદ વરસતો.

છગન રોમિયોએ નાટ્યકાર ક્ષુરુકના મૃચ્છકટિક નાટક ઉપરથી બનેલા શતરંજના દાવ (૧૯૩૭)માં શર્વિલકની ભૂમિકા ભજવેલી. સંસ્કૃતિ નાટ્ય સાહિત્યમાં આ નાટકની ભજવણી અઘરી છે. બાપુલાલના દિગ્દર્શનમાં આ ભૂમિકા તેમણે સફળતા પૂર્વક ભજવી હતી.

ઇ.સ. ૧૯૩૯માં એમણે શ્રીદેશી નાટક સમાજમાં જોડાઈ પ્રતિષ્ઠિત નાટ્યકાર પ્રભુલાલ દ્રિવેદીના દૈવી સંકેત (૧૯૪૦) નાટકમાં ચારૂદત્તની ભૂમિકા ભજવી હતી. એ પછી એમનું નોંધપાત્ર નાટક તે વડીલોના વાંકે (૧૯૩૮-૪૦) આ નાટકના હાસ્યરસના વિભાગમાં એમણે જનાર્દનની ભૂમિકા ભજવેલી. વડીલોના વાંકેનો બસો એકાવનમો પ્રયોગ અને ૧૯૪૨માં ખ્યાતનામ અભિનેત્રી મોતીબાઈના લાભાર્થે ભજવાયો.

તેમણે સંપત્તિ નાટકમાં નાદાર શેઠ, શૂર મોહિનીમાં મેરૂ, સંતાનોના વાંકે (૧૯૪૦) માં દમનલાલ ગાડાનો બેલ (૧૯૪૬) નાટિકામાં ડૉ.નિયોગી અને ગર્ભશ્રીમંત નાટિકામાં (૧૯૪૯) સારાભાઈની ભૂમિકાઓ ભજવી હતી.

તેમણે ઇ.સ. ૧૯૪૮-૪૯-૫૦ માં ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો. ગુણસુંદરી, મંગળફેરા, નણંદભોજાઇ, ગાડાનો બેલ, ગોરખધંધા વિગેરેમાં તેમનો અભિનય વખણાયો. ગીતા દત્તના ગુજરાતી ગીતોનું ગુજરાતીપણું અને છગન રોમિયો અને બાબુ રાજેની જોડી અંગ્રેજી ફિલ્મની લોરેલ અને હાર્ડી, બર્ડએબેટ, લુકો સ્ટેલોની જોડી જેવી ગણાતી હતી. આમ ઇ.સ.૧૯૧૦ થી શરૂ થયેલી છગન રોમિયોની નાટ્યકાર તરીકેની જિંદગી ઇ.સ.૧૯૫૬માં સર્વોદય નાટકના ઉતુંગ શિખર ઉપર પહોંચી હતી. છેતાલીસ વર્ષમાં કેટકેટલાં પાત્રો છગન રોમિયોએ નિભાવ્યાં હતા.

આ કલાકાર નોવેલ્ટી હતો. દરેકમાં નવું નવું લઈ આવે. નટવર નોવેલ્ટીના પાત્રમાં ભાતીગળ રંગોવાળા વસ્ત્રો સાથે તેઓ રંગમંચ ઉપર ધીમે ડગલે પ્રવેશ કરતા. એમના પ્રવેશની સાથે જ પ્રક્ષાલયમાં રંગતનું મોંજુ ફરી વળતું. માથે ઊંચી દિવાલની લાંબી ફેલ્ટ એવા જ રંગનો લેંઘો અને બંધ કોલરનું એજ રંગનું લાંબી બાંયવાળુ કોટ આકારનું પહેરણ. નાનપણમાં સર્કસમાં જોયેલા વિદૂષક જાણે અજાણે એમના વેશપરિધાનમાં આબાદ રીતે રજૂ થયો હતો.

પચાસ કરતા પણ વધારે નાટકોમાં વિવિધ રસની ભૂમિકા ભજવનાર છગન રોમિયો પોતાની કારકિર્દીના અંતિમ નાટક સર્વોદયમાં જે સ્ફૂર્તિથી અને તાજગીથી પોતાની ભૂમિકાને ન્યાય આપતા અને પ્રેષકોને ખડખડાટ હસાવતા એવો અભિનય ઘણા ઓછા કલાકારો કરી શકશે.

ગુણસુંદરી ફિલ્મમાં એમણે ગાયેલું એક ગીત-

‘આ હોટલની રૂમ કેરો નંબર પંદર

હું દેવને તું દેવી બેજા બધા છછૂંદર….’

આ ગીત મુંબઈમાં વિખ્યાત થયેલું

ચોપન વર્ષની ઉંમરે સર્વોદય નાટકની ૯૯ મી નાઈટે દુર્બળ દેહ ધરાવતા આ વડગામ તાલુકાના આ કલાકારે વસ્ત્રને ચૂમ્યાંને વસ્ત્રને ઉદ્દેશીને કહ્યું કે તમે સાથ આપજો…સોમી નાઈટે…

પણ સોમી નાઈટ જ્યારે વડોદરાની રંગભૂમિ ઉપર ભજવાઈ ત્યારે ૨૪.૦૮.૧૯૫૬ની રાત્રે રંગમંચ ઉપર છગન રોમિયો ન હતાં!!!!

નટવર નોવેલ્ટીનું પાત્ર હતું. એ વસ્ત્રોય હતાં જેને છગન રોમિયોએ સાથ આપવાનું કહ્યું હતું. પણ આત્માનું વસ્ત્ર ન હતું !

૨૩.૦૮.૧૯૫૬ની રાત્રે છગન રોમિયો સૂતા એક જ તમન્ના કાલ સોમી નાઈટ! સ્વપ્નોય સોમી નાઈટના હશે. કાંઠે પહોંચેલું વ્હાણ નાંગરવાની તૈયારી કરે ને એકાએક ડૂબે તેમ! બીજે દિવસે નટવર નોવેલ્ટીના ઊઠ્યો. જિંદગીના પ્રવેશ ટાણે  નોવેલ્ટીને મૃત્યું ટાણેય નોવેલ્ટી!!

કાપડના વસ્ત્રોએ તો સાથ આપ્યો પણ દેહના વસ્ત્રો નવાણુંનો ધક્કો માર્યો…

વડોદરાની ભૂમિમાં વડગામ તાલુકાના ગીડાસણ ગામનો આ કલાકાર પોઢ્યો. નાટકનો સોમો પ્રયોગ તો થયો પણ પ્રેક્ષકોમાં ચીસ ઉઠી-આ ક્યાં છે. નટવર નોવેલ્ટી છે?

છગન રોમિયોને લાવો. છગન રોમિયોને લાવો? ને અશ્રુભરી આંખે કંપનીના દિગ્દર્શકે કહ્યું-નટવર નોવેલ્ટી તો ઉપર નોવેલ્ટીનો વેશ ભજવવા ગયાં છે..

માણસની અંતિમ ઇચ્છા પૂર્ણ ન થાય તે માટે નિયતિ પણ શું આવી મજાક કરતી હશે? જિંદગીભર હસીને હસવનાર છગન રોમીયોની તીવ્ર અભિપ્સા શું અંતરના સાતમા પાતાળે પહોંચીને એને હલબલાવી ગઈ હશે? આપણી પાસે તો અનેક અનુમાનો છે..ઉત્તર ક્યાં છે?