વ્યક્તિ-વિશેષ

વડગામના જિનિયસ જ્વેલ સેવંતીલાલ શાહ.

S P Shah
[ હિરાના મૂલ્ય જેટલા જ જીવન મૂલ્યોને અપનાવી ભારતના હિરા ઉધ્યોગને નવી દિશ ચિંધનારા હિરા ઉધ્યોગમાં જાણીતુ નામ એટલે આદરણિય શ્રી સેવંતીભાઈ પ્રેમચંદ શાહ. જેઓ એસ.પી.શાહ અને સેવંતીકાકાના હુલામણા નામે પણ ઓળખાય છે. મૂળ વડગામના વતની અને સુરત સ્થિત આદરણિત શ્રી સેવંતીભાઈ શાહ જેઓશ્રીનો શ્રી કલ્પેશ.સી.શાહે લીધેલો ઇન્ટરવ્યુ ૩૦ ઓક્ટોબર ૨૦૦૮ ના સુરતથી પ્રકાશિત પેજ થ્રી ના દિપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો તે સાભાર વડગામ.કોમ ઉપર મુકવામાં આવ્યો છે. જે આપ www.vadgam.com વેબસાઈટની મુલાકાત લઈ વાંચી શકો છો. આ લેખમાં આપવામાં આવેલી આંકડાકીય માહિતી વર્ષ૨૦૦૮ની એટલે એમાં ફેરફાર હોઈ શકે. વડગામ.કોમ વડગામનું ગૌરવ એવા આદરણિય શ્રી સેવંતીભાઈ શાહને વતન વડગામનું નામ દેશ દુનિયામાં રોશન કરવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે ].

રાજા-મહારાજા સમયની આ ઉક્તિ હીરા ઉદ્યોગના માંધાતા શ્રી સેવંતીલાલ પ્રેમચંદ શાહ માટે પૂરી લાગુ પડે છે. તાજ કે રાજગાદીની પરવા કર્યા વિના જે રીતે સામે પ્રવાહે તરીને તેમણે વિનસ જ્વેલનું અમ્પાયર ઉભુ કર્યુ એ સફળગાથા ખૂબ રસપ્રસ અને પ્રેરક છે. મેટ્રિક સુધી જ ભણેલા એસ.પી એ વહીવટી અને કામદાર ક્ષેત્રે જે યોજનાઓ અમલમાં મૂકી છે એ અન્ય ઉદ્યોગોએ શીખવા જેવી છે. હીરા ઉદ્યોગનું ખૂબ મોટું ને જાણીતું નામ એટલે એસ.પી.શાહ. સેવંતીલાલ પ્રેમચંદ શાહ. હીરા ઉદ્યોગના જિનિયસ જ્વેલ, એમને હીરા ઉદ્યોગના ભીષ્મ પિતામહ પણ કહી શકાય. વિનસ જ્વેલના સ્થાપક, મોટા કદના અને મોંધા હીરામાં વિનસ જ્વેલની માસ્ટરી. તે પણ સમગ્ર વિશ્વમાં. વિનસ જ્વેલનું આટલું મોટું અમ્પાયર ખડું કરનારા – તેને બુલંદી સુધી પહોંચાડનારા એસ.પી.શાહને મળો તો એકદમ ડાઉન ટુ અર્થ લાગે. અનેક દેશોમાં એમનો માલ વેચાય. તેમની વર્ષોની સફળતા સ્વાભાવિક ઇર્ષ્યા જગાવનારી રહી છે. ૧૯૪૮ની ૧૧મી ફેબ્રુઆરીએ જન્મેલા સેવંતીભાઈ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના છે. ૧૯૬૫ થી તેઓ સુરત સ્થાયી થયા છે. અત્યારે જે ઝાકમઝાળ તેમનો પરિવાર જોઈ રહ્યો છે એવી તેમના જન્મ વખતે નહોતી.

તેઓ વડગામમાં જ મેટ્રિક સુધી ભણ્યા. વળી ખૂબ નાના હતા ત્યારે પિતાશ્રી પ્રેમચંદભાઈ ગુજરી ગયેલા. તેમના મોટા ભાઈ સ્વ. શ્રી દલપતભાઈએ જ તેમના પિતાશ્રીની ગરજ સારી હતી. ૧૯૬૫માં તેમના ભાઈ છોટુભાઈના ધંધામાં જોડાવા તેઓ મુંબઈ પહોંચી ગયા. થોડા મહિના ત્યાં રોકાઈ તેઓ સુરત આવી ગયા. ૧૯૬૯માં તેમના ભાઈ રમણીકભાઈ સાથે મળીને આજે વટવૃક્ષ સમાન બની ગયેલી પેઢી વિનસ જ્વેલની સ્થાપના કરી. શરૂઆતથી જ તેમણે પૂર્ણતાલક્ષી વૈજ્ઞાનિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી. તેમણે શરૂઆતથી જ પોતાની તમામ પ્રવૃતિઓમાં ‘લોકો સાથે વૃધ્ધિ પામવાની’ ભાવના રાખી છે ને આ ભાવનાએ તેમને વિશ્વભરમાં વ્યક્તિગત પ્રતિષ્ઠા પણ અપાવી છે. વસ્તા દેવડી રોડ પર તેમણે ૨૦૦૨ ની સાલમાં અત્યાધુનિક-નમુનારૂપ ફેક્ટરીમાં વિનસ જ્વેલનું કામકાજ શરૂ કર્યું. આજે આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૪૦૦ કરોડને આંબી ગયું છે. અગત્યની વાત એ છે કે ભારતમાં જ્યારે નાના કદના હિરા જ વધારે બનતા હતા ત્યારે સેવંતીભાઈએ મોટા કદના અને મોંઘા હીરા તૈયાર કરવાનું શરૂ કર્યુ. સામા પ્રવાહે કેમ ગયા ? એવા પ્રશ્નના જવાબમાં સેવંતીભાઇ કહે છે આમાં સામા પ્રવાહે જવાની વાત નહોતી પણ મુંબઈમાં એક અનૌપચારિક ગોષ્ઠિમાં આ વાત નીકળીને અમે પકડી લીધી. તે વખતે પ્રમાણમાં મોટા કદના હીરા બેલ્જિયમ અને ઇઝરાયલમાં વધારે બનતા. ભારતમાં એની કુશળતા જ નહોતી. સેવંતીભાઈએ ભારતમાં આ કુશળતા વિકસાવી. ને તે પણ એ હદે કે આજે બેલ્જિયમને ઇઝરાયલમાં આવા મોટા કદના અને મોંઘા હીરા બનાવનારા કારીગરો એટલા જ રહ્યા છે કે તેઓ બધા વિનસ જ્વેલની ફેક્ટરીમાં સમાઈ જાય. સેવંતીભાઈએ આ રીતે ભારતીય હીરા ઉદ્યોગમાં એક નવો ટ્રેન્ડ સ્થાપિત કર્યો. હકીકતમાં તેઓ બીજી ઘણી રીતે પણ હીરા ઉદ્યોગમાં ટ્રેન્ડ સેટર બન્યા છે.

તેમણે શરૂઆતથી જ હીરાના કારીગરો માટે પરફોર્મન્સ આધારિત પગાર પધ્ધતિ અમલમાં બનાવી. તેનાથી તેઓ સર્વોચ્ય પ્રોડક્ટ ગુણવત્તા હાંસલ કરી શક્યા એટલું જ નહીં કાર્યદક્ષતા વધી, સમગ્ર સ્ટાફનું જીવનધોરણ પણ ઉંચુ આવ્યું.પ્રોવિડન્ટ ફંડ, ઇ.એસ.આઇ, ગ્રેજ્યુટી, લીવ એનકેશમેન્ટ જેવા તમામ નિયમ મુજ્બના લાભો વિનસજ્વેલના કર્મચારીઓને પહેલેથી મળતા આવ્યા છે. વળી ફરજિયાત ન હોવા છતાં, કર્મચારીઓની પાછલી જિંદગીની સુખાકારી માટે તેમણે સુપર એન્યુએશન સ્કીમ એટલે કે પેન્શનફંડ ની રચના કરી છે. આ પેન્શન ફંડ માટે પૂરેપૂરી રકમ કંપની આપે છે ને કર્મચારીએ આમાં કશું યોગદાન આપવાનું રહેતું નથી. વીતેલા નાણાકીય વર્ષના અંતે રૂ.૪૦ કરોડથી વધુનું પેન્શન ફંડ એકત્ર થયું હતું જેનું મેનેજમેન્ટ એલ.આઈ.સી કરે છે. વળી પ્રોવિડંડ ફંડ માટે પણ તેઓ નિયમથી વધારે યોગદાન આપી રહ્યા છે. પી.એફના કાયદા અનુસાર ૬૫૦૦ રૂપિયા સુધીના માસિક પગાર ધોરણ ધરાવનાર કર્મચારીઓને પગારના ૧૨% પી.એફ.નો ફાળો માલિકે આપવાનો હોય છે. સેવંતીભાઈ, તેમના તમામ કર્મચારીઓને આ લાભ આપે છે. એટલું જ નહીં જે કર્મચાઈઓના નોકરીના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તે તમામને ૬૫૦૦ સુધીના પગાર ધોરણની મર્યાદાને બદલે તેમના સંપૂર્ણ પગાર ઉપર ૧૨%નો ફાળો આપે છે. આ પરથી તમે વિનસ જ્વેલનું માનવ સંસાધન અને પગાર બિલનો અંદાજ લગાવી શકો છો. આ અંદાજ પરથી એવું તારણ ચોક્કસ નીકળે કે વિનસ જ્વેલમાં પગાર ધોરણ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાન્ડર્ડ કરતા અનેક ઘણું ઊંચુ હશે. તેઓ તમામ નીતિ-નિયમોનું શરૂઆતથી પાલન કરવામાં માનતા આવ્યા છે. આ રીતે આદર્શ શેઠ તરીકે ઊભરી આવ્યા છે.

એમની હ્યુમન રિસોર્સ પોલિસી શરૂઆતથી જ કર્મચારીને વધુ સારુ કામ કરવા માટે પ્રેરિત કરનારી રહી છે. તેમને ત્યાં કામના કલાકોનું પણ નક્કી કરેલા ધારાધોરણ મુજબ ચુસ્ત પાલન થાય છે. તમામ કર્મચારીઓને બપોરનું સાત્વિક ભોજન પણ પુરું પડાય છે. ફેક્ટરીમાં જ મેડીકલ સેન્ટરની પણ સુવિધા છે. ફેક્ટરીમાં પ્રવેશો તો કોઈ મોટી ફાઈવ સ્ટાર હોટલમાં પ્રવેશતા હો એવો ભાસ થાય. દરેક કામ એટલું શિસ્તબધ્ધ રીતે થાય છે કે પ્રથમ મુલાકાતીને તો અંદાજ પણ ના આવે કે આ હીરા ઉધ્યોગનું એક મોટું કેન્દ્ર છે. જો કે સેવંતીભાઈ નમ્રપણે માને છે કે તેમની સાથે જે લોકો છે એમના માટે આ ન કર્યુ હોત તો સફળતા એક સ્વપ્ન જ બની રહેત. આટલું બધું કાયદાનું ચુસ્ત પાલન છતાં આટલો બધો ગ્રોથ ને સફળતા. શું માર્જિન પર પ્રેસર નથી આવતું ? જવાબમાં સેવંતીભાઈ કહે છે જો બધાં જ આ રીતે નિયમ મુજબ ચાલે તો માર્જિન પર પ્રેસર આવવાનો સવાલ જ નથી. અમે કોઈ ટાર્ગેટમાં પણ માનતા નથી. આમારું એક જ સૂત્ર છે. દરેક કાર્યને વધુ ને વધુ સારું-ઇમ્પ્રુવ કરતા જાવ તો ગ્રોથ ઓટોમેટિક એચિવ થશે.

વાત પણ સાવ સાચી છે. ગત વર્ષે જ વિનસ જ્વેલે ૪૫ ટકા ગ્રોથ હાંસલ કર્યો. સમગ્ર વિશ્વના હીરા બજારમાં આજે વિનસ જ્વેલની જ હાક, ધાક અને શાખ છે. એ બેનમૂન રહી છે. તેમના હીરા સમગ્ર વિશ્વમાં માત્રને માત્ર વિનસ બ્રાન્ડ થી જ વેચાય છે. તમણે પોતાની વિનસ ગ્રેડિંગ સીસ્ટમ વિક્સાવી છે. વિનસ એટલે ઓથોરિટી. વિનસ એટલે પ્રમાણિક્તા. વિનસ એટલે વિશ્વસનીયતા ને વિનસ એટલે પારદર્શિતા. એટલે જ તો તેમના કુલ વેચાણનું ૪૦ ટકા વેચાણ તો ઇન્ટરનેટ માધ્યમથી જ થઈ જાય છે. વિચાર કરો કે આપણે ૧૦ રૂપિયાનું સફરજન પણ જોઈ ચકાસીને ખરીદીએ છીએ ત્યારે આ તો મૂલ્યવાન હીરા. તેની ખરીદી ઇન્ટરનેટથી માત્ર વિનસ નામ જોઈને જ થઈ જાય છે. એવુંય નથી કે સુરતમાં વિનસની જેમ મોટા હિરા બનાવવાના પ્રયત્નો નથી થયા. પણ એવું કહેવાય છે કે જ્યારે જ્યારે આવા પ્રયાસ થયા છે ત્યારે ત્યારે વિનસના કુશળ કર્મચારીઓનો ઉપયોગ કરીને જ થયા છે. કર્મચારીઓ માટે આટલું બધું કરવા છતાં તમને છોડીને જાય ? એવું પૂછતા સેવંતીભાઈ કહે છે હા એવું ઘણી વાર થયું છે. પણ પછી આત્મમંથન કર્યુ જે શા માટે કોઈ આપણને છોડીને જાય ? એ મનોમંથનનું જ પરિણામ કર્મચારીઓ માટેની અનેક કલ્યાણકારી યોજના છે. હરીફ તો લઈ જાય પણ આપણો માણસ ગયો કેમ એ પ્રશ્નથી અને તેના ઉપાયાત્મક પગલાંથી સેવંતીભાઈ આજે દરેકથી મુઠ્ઠી ઉંચેરા માનવી બની ગયા છે. નિતી-મત્તા કે નિયમની વાત આવે કે તરત આદર્શ તરીકે તેમનું નામ પહેલું મૂકાય છે.

વિનસ જ્વેલની જેમ હીરા ઉદ્યોગના વિકાસમાં પણ તેમણે અદ્દભૂત યોગદાન આપ્યું છે. જેમ કે ગુજરાત હીરા બુર્સની રચનામાં, ડી,જી,એફ,ટી ની રિજિયોનલ લાયન્સ ઓફિસની સ્થાપનામાં તેમણે અગ્ર ભૂમિકા ભજવી છે. ૮૭-૮૮માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલની રિજિયોનલ ઓફિસના તેઓ પ્રથમ કન્વીનર બન્યા. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ્ સાથે સંકળાયેલા રહ્યા છે. જેમ જ્વેલરી પાર્કના આયોજનમાં પણ મહત્વની ભૂમિકા રહી. જો કે તેમનો પહેલેથી મત હતો કે એરપોર્ટ કાર્યવિંત થાય પછી જ પાર્ક તૈયાર થવો જોઈએ. સેવંતીભાઈનું સપનું છે સુરતને રફ અને પોલિશ્ડ ડાયમંડનું વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ કેપિટલ બનાવવાનું. આગામી વર્ષોમાં એ સકાર થાય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. સેવંતીભાઈની એક દ્રઢ નીતિ રહી છે કે સરકાર પાસે ઝાઝુ માંગવું નહીં. માંગવું તો વ્યાજબી. તેઓ ઇચ્છે છે કે સરકારે અન્ય દેશોના તલસ્પર્શી અભ્યાસ કરી ભારતના પરિપ્રેક્ષ્યમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે જે કંઈ વ્યાજબી હોય તે આપવું જોઈએ. કેમ કે આપણે સ્પર્ધકની ઉપેક્ષા ન કરી શકીએ.

સેવંતીભાઈ અન્ય સામાજિક-ધાર્મિક ક્ષેત્રે પણ એટલા જ સક્રિય છે. તેઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, અશક્તાશ્રમ હોસ્પિટલ, અમદાવાદના ભિક્ષુ અખંડ આનંદ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ, અંબિકાનિકેતન મેડિકલ ટ્રસ્ટ, કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન ટ્રસ્ટ, ભારતીયમૈયા મેમોરિયલ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે. તેમના માતૃશ્રી, મોટાભાઈ અને અન્ય કુટુંબીજનોની ભાવનાથી ૧૯૭૭માં તેમણે ૪૭ દિવસ સુરતથી પાલીતાણા ચાલતો સંધ કાઢ્યો હતો. જેમાં ૭૦૦ યાત્રાળુઓ જોડાયા હતા. ૧૯૯૧માં તેમના ભત્રીજા અતુલભાઈ શાહે દિક્ષા લીધી ત્યારે આશરે દોઢ લાખ લોકોને પીરસવાપૂર્વક ભોજન કરાવવાનું આયોજન થયું હતું. જે હકીકતની નોંધ ગ્રિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્ઝમાં લેવાઈ છે. તેનું આયોજન પણ એસ.પી દ્રારા જ થયું હતું. ભગવાન મહાવીર નિર્વાણભૂમિ પાવાપુરી (બિહાર), પાલીતાણા, તારંગા જેવા જૈન તીર્થસ્થાનોએ શ્રાવકોની સુવિધા વધારવા તેમણે માતબર દાન આપ્યું છે. તેઓ આમ ધાર્મિક ખરા પણ પૂજા-પાઠમાં બહુ વિશ્વાસ રાખતા નથી. જ્ઞાંતિ ધર્મ કે માનવજાતના ભેદભાવ વિના માનવજાત માટે તેમણે યથાશક્તિ મદદ કરી છે. કન્યા કેળવણી માટે તેમણે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ. સવા કરોડનું દાન આપ્યુ હતું. સુરતની જાણીતી ઇજનેરી કોલેજોને તેમણે રૂ.૫૦ લાખનું દાન કોમ્પુટર ઇજનેરી ફેકલ્ટી માટે આપ્યું હતું. વતન વડગામ હોય કે સુરત પછી ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ તેમણે દાનનો ધોધ વહાવ્યો છે. કુદરતી આપત્તિઓમાં પણ તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. ૯૪ ના પ્લેગ વખતે સુરતથી મોટા પાયે હિજરત થતી હતી ત્યારે પણ તેમણે અહીં જ રોકાઈને જે કંઈ થઈ શકે એ કરવાનું નક્કી કર્યું. બી.બી.સી. રેડિયો સૌ પ્રથમ સુરતથી તેમનો જ ઇન્ટરવ્યુ લીધો હતો. સ્વાભાવિક છે કે તેમને અનેક ઓફરો થઈ છે, રાજકારણમાં જોડાવાની પણ તેઓ વિન્રમતાથી તમામ ઓફરઓનો અસ્વીકાર કરતા આવ્યા છે. તેઓ શિસ્ત, પ્રતિબધ્ધતા ને નિયમિતતાના આગ્રહી છે. તેઓ કહે છે મારે કોઈ ઉપાધી જોઈતી નથી સાંજ પડે મારા ઘરે સારો. તેઓ માને છે કે સંધર્ષ વિનાની જિંદગી જિંદગી જ નથી. તેમની લાઈફ સ્ટાઈલ પણ ખૂબ સરળ છે.

તેમનો વાંચનનો ખાસ શોખ છે. હોટલ-રેસ્ટોરામાં જતા નથી. હા, ચાર-છ મહિને સપરિવાર એકાદ પિક્ચર જરૂર જોઈ લે છે. તેમણે કદી પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યુ નથી. રોજ લંચ પણ ફેક્ટરીમાં કર્મચારીઓ સાથે જ લે છે. તેઓ હંમેશા પરફેકશના આગ્રહી રહ્યા છે. ઉદાહરણ આપતા કહે પણ કે બોર્ડમાં ૯૪-૯૫ ટકા માર્ક લાવનાર માટે ચોક્ક્સ ગર્વ થાય. પણ એ વિધ્યાર્થીએ સતત વિચારવું જોઈએ કે બાકીના ૫-૬ ટકા ગુણ શેમાં રહી ગયા. સેવંતીભાઈ દ્ર્ર્ઢપણે માને છે કે માણસે કદી પૂર્ણ રિટાયર ન થવું જોઈએ. તો હવે શું બાકી ? શું ડાઈવર્સિફિકેશન કરાશે ? સેવંતીભાઈ કહે છે કે ડાઈવર્સિફિકેશનનો તો સવાલ જ નથી. અમે સતત વિસ્તરણ કરતા રહીશું. હજી ઘણા સ્કોપ છે.

ઓલ ઘ બેસ્ટ સેવંતીભાઈ !!