સાહિત્ય-લેખો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૧ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ બક્ષ્યુ છે તેમના દ્વારા લિખિત પુસ્તક “આધુનિક જીવનશૈલી લોહી તરસી ચુડેલ” પુસ્તક્માંથી ઉપરોક્ત વિષય પ્રકરણનો પ્રથમ ભાગ જનજાગૃતિ  હેતુ અહીં સાભાર મુકવમાં આવ્યો છે.]

 

bookતમે ક્યારેય નાના બાળકને પતંગિયાની પાછળ દોડતું જોયું છે ? કુદરતના આ ઇસ્ટમેનકલર સર્જનને પકડવા મથતું બાળક જેમ જેમ તેની પાછળ દોડે તેમ તેમ પતંગિયું તેનાથી દૂર ને દૂર ભાગતું જાય છે. હારી થાકીને બાળક જ્યાર પડતું મુકે ત્યારે અચાનક જ એ પતંગિયું ક્યાંકથી આવીને હળવેથી એની હથેળી ઉપર બેસી જાય છે. સુખનું પણ આ પતંગિયા જેવું છે. તમે એને મેળવવા જેટલાં હવાતિયાં મારો એટલું એ તમારાથી દૂર ભાગે  અને જેવા એ વલખાં બંધ કરી સ્થિર થઈ જાવ એટલે એ સામેથી આવીને તમારા દરવાજે ટકોરા મારે.

હિંસા અને શોષણ, પર્યાવરણ અને પ્રદૂષણ, ગરીબી અને બેકારી, જૂઠ અને પ્રપંચના આજના સઘળા પ્રશ્નો સુખ મેળવાવાના રધવાટમાં માણસે ખોટી દિશામાં મૂકેલી દોટમાંથી પેદા થયેલા પ્રશ્નો છે. ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ માનવજાતના ઇતિહાસનું એક વરવું સીમાચિહ્ન છે. એ પહેલાંની અને એ પછીની, પ્રિ અને પોસ્ટ ઇન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશન એરાની, જીવન શૈલીમાં કંચન અને કથીર જેટલો ફરક પડી ગયો છે. સત્તરમી-અઢારમી સદી પહેલાંના સમગ્ર વિશ્વમાં પૂર્વની જીવન શૈલીનું ઓછે-વત્તે અંશે પ્રભુત્વ હતું. પરંતુ એ પછી પશ્વિમમાં જે જીવનશૈલી પાંગરી એના મૂળમાં સુખપ્રાપ્તિની ઘરમૂળથી બદલાયેલી સંકલ્પનાઓ કામ કરી ગઈ.

‘મોર ધી કૉમોડિટિઝ, મોર ધી હેપિનેસ’ નું એક હેવ મોરનું હેવમોરિયું સમિકરણ રચાયું. ફલત: એ જીવનશૈલીના અનુયાયીઓનું ઘર જાતભાતનાં રાચરચીલાં અને ફર્નિચરનું સંગ્રહસ્થાન બની ગયું. ટી.વી., વિડિયો, ફ્રિજ, મારૂતિ, મર્સિડિઝ…જેવી ચીજવસ્તુઓનો સંગ્રહ જેની પાસે વધુ એ સૌથી વધુ સુખી એવા ઇક્વેશને તદ્દન વિપરીત એવી વાસ્તવિક્તા તરફ ધરાર આંખમિચામણા કર્યા. જો આ ઇક્વેશન સાચું હોય તો વાલ્કેશ્વરના ફ્લેટમાં તમામ અલ્ટ્રામોર્ડન ફેસિલિટિઝ ધરાવતા બધા લોકો સ્વર્ગીય સુખની અનુભૂતિ કરતા હોવા જોઈએ. અને બસ્તરના જંગલમાં લંગોટીભેર ફરતા તમામ વનવાસીઓ બચારા દુ:ખી દુ:ખી  હોવા જોઈએ, પણ હકીકત આવી નથી એ આપણી જાણીએ છીએ. સેન્ટ્રલી એરકન્ડિશન્ડ ઓફિસમાં બેઠાં બેઠાં આઈસક્રીમની ડિશ ઝાપટનારા પણ ઘણીવાર એવી અગનજ્વાળઓ વચ્ચે શેકાતો હોય છે કે ડનલોપની ગાદીમાં અર્ધી રાત સુધી આળોટ્યા પછી પણ તેને ટ્રાંક્વિલાઈઝર લીધા સિવાય ઊંઘ આવતી નથી. સામે પક્ષે કાઠિયાવાડના અંતરિયાળ ગામડામાં ગારમાટીના ઘર  અને બાજરીના રોટલા સિવાય જેની પાસે કશું નથી એવો ગરીબ ગામડિયો ગાભાની ગોદડીમાં પણ પડતાવેંત ઘસઘસાટ સૂઈ જતો હોય છે. “સાધનસામગ્રી બરાબર સુખ” આ સમીકરણ જો સાચુ હોય તો આવું ન બને અને જો ખોટું હોય તો પછી સુખ મેળવવા ચીજવસ્તુઓને બદલે બીજે નજર કેમ ન દોડાવવી ?

રેતીમાંથી તેલ નીકળે છે એવો સિધ્ધાંત તમે એક વાર પ્રસ્થાપિત કરો એટલે પછી તમારે દુનિયાભરની રેતી ઉપર કબજો કરીને તેમાંથી તેલ કાઢવાનો ભવ્ય પુરુષાર્થ આરંભવો જ રહ્યો. જરૂરિયાતો વધારીને તેની પરિપૂર્તિ દ્વારા સુખપ્રાપ્તિના સિધ્ધાંતની નેચરલ કરોલીરે રૂપે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને તિર્યચોની સૃષ્ટિનું અમર્યાદ અને બેરહમ શોષણ શરૂ કરવામાં આવ્યું. માણસ એમ માની બેઠો કે પોતે સમગ્ર પૃથ્વીનો ‘ઘણિયામો’ છે અને માનવેતર આખી સૃષ્ટિનું નિર્માણ તેના ઉપભોગ માટે જ થયું છે. આવા ઇંન્ફરન્સ (નિષ્કર્ષ)માંથી પેદા થયેલા મનુષ્યના ઘમંડે પૃથ્વી પરના માનવેતર જીવોનું જીવતર ઝેર કરી નાખ્યું છે.

આવા ઘમંડમાંથી પેદા થયેલો એક પ્રશ્ન વિનોબાને એકવાર જાહેરસભામાં પૂછાયેલો. કોઈક ઇશ્વર કર્તુકવાદીએ તેમને પૂછેલું, ‘ગાય દૂધ આપે છે, બળદ ખેતીના કામમાં આવે છે. એટલે તેમનું સર્જન ઇશ્વરે શા માટે કર્યુ છે તે તો જાણે સમજાય છે, પણ વાધ-સિંહ જેવા જંગલી પ્રાણીઓ તો કાંઈ કામમાં આવતા નથી. ભગવાને તેમને શું કામ બનાવ્યા હશે ?’ પ્રશ્નમાં છુપાયેલા ઘમંડનો વળતો ફટકો મારતા વિનોબાએ તેમની ચોટદાર શૈલીમાં જવાબ આપેલ. ‘ આ પૃથ્વી પર જે કાંઈ છે તે બધું મનુષ્યના ઉપભોગ માટે જ છે એવા ભ્રમ પેદા ન થાય તે માટે ઇશ્વરે તેમનું સર્જન કર્યુ છે.

સુખ નામના પ્રદેશની શોધ માણસના મનમાં કરવી જોઈએ અને વાસ્તવમાં તે ચીજવસ્તુમાં નહિ પણ સંતોષમાં- અનિવાર્ય ઉપભોગમાં – જીવમાત્ર પ્રત્યેના આદરમાં છે તેવી માન્યતાની આધારશિલા પર પૌર્વત્ય જીવનશૈલીની ઇમારત ખડી થયેલ. કાંખમાં છોકરું હોય અને ગામમાં શોધવા નીકળે એવી ઘેલી જેવી હાલત કસ્તુરીમૃગ સમા આપણા સૌની થઈ છે.

સુખ ચીજવસ્તુઓમાં છે એવો વહેમ અને એ ચીજવસ્તુઓના ઢગલામાં આળોટવા માટે અમારી ચારે બાજુ (સંસ્કૃતમાં ચોફેર એટલે  ‘પરિ’) ઉપર નીચે-દસે દિશિ રહેલા પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બે ઇંન્દ્રિયોથી લઈને પાંચ ઇન્દ્રિયો ધરાવતા પ્રાણીઓના ‘અનાવરણ’ (પરિ + આવરણ = પર્યાવરણ ) નો ખાત્મો બોલાવવાનો અમને અબાધિત – નિરકુંશ અધિકાર છે એવા ઘમંડ – એનાથી ચડિયાતી હિંસા અને એનાથી ચડિયાતું શોષણ બિજું કયું  હોઈ શકે ?

કીડીથી માંડીને કુંજર સુધીના તમામને જે સુખની અપેક્ષા છે તે સુખ વાસ્તવમાં ભૌતિક જગતમાં છે જ નહિ. જે વસ્તુ જ્યાં હોય જ નહિ ત્યાં તેને શોધવા માટે ફાંફાં મારવાની નરી મૂર્ખામી જ છે. ન્યૂટનના પદાર્થવિજ્ઞાનના ત્રણ નિયમોની જેમ નિર્વ્યાજ સુખની અનુભૂતિ માટે ત્રણ શરતો પરિપૂર્ણ થવી જરૂરી છે અને ચીજવસ્તુઓના ભોગવટામાંથી પ્રાપ્ત થતા સુખમાં આ ત્રણે શરતો ક્યારેય પરિપૂર્ણ થતી નથી. બહુજન સમાજને આ ત્રણે શરતોનો સ્પષ્ટ ખ્યાલ નથી હોતો પણ કોન્શયસલી કે અનકોન્શયસલી જીવમાત્ર આ ત્રણે શરતોના ફુલફિલમેન્ટવાળુ સુખ ઝંખતો હોય છે.

બીજો ભાગ વાંચવા અહીં ક્લીક કરો.