સાહિત્ય-લેખો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૨ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ બક્ષ્યુ છે તેમના દ્વારા લિખિત પુસ્તક “આધુનિક જીવનશૈલી લોહી તરસી ચુડેલ” પુસ્તક્માંથી ઉપરોક્ત વિષય પ્રકરણનો બીજો ભાગ જનજાગૃતિ  હેતુ અહીં સાભાર મુકવમાં આવ્યો છે.]

 

પ્રથમ ભાગ વાંચવા અહીં ક્લીક કરો.

 

bookસૌથી પહેલી શરત છે : તેને જે સુખ જોઈતું હોય છે તે, દુ:ખના જરા સરખાયે મિશ્રણ વગરનું નિર્ભેળ સુખ જ હોવું જોઈએ. દુ:ખના ભેળસેળવાળું ભેળસેળિયું સુખ તેને માટે જરાયે ઇષ્ટ નથી. અહીં ‘પ્રથમ ગ્રાસે જ માક્ષિકા’ નો ઘાટ ઘડાય છે. ભૌતિક જગતમાં દુ:ખની ભેળસેળ વગરનું  નિર્ભેળ સુખ આકાશકુસુમવત છે. જૂના જમાનામાં નાતના જમણવારમાં દેશી ગોળના બનાવેલા ચૂરમાના લાડુ પીરસવામાં આવતા. બ્રાહમણભાઈને મોદક તો બહુ ભાવતા પણ મોદકમાં બરાબર મિશ્ર થયા વગર રહી ગયેલી એકાદી ગોળની ગાંગડી પણ રહી ન ગઈ હોય તેવા એકસરખા સ્વાદનો લાડુ જ ઇષ્ટ હતો. પણ હજુ તો તેઓ મોદકના સ્વાદમાં જ મશગૂલ થાય ન થાય ત્યાંજ પેલી ગોળની ગાંગડી ન જાણે ક્યાંકથી ટપકી પડતી. તમારી આજુબાજુ નજર નાખશો તો દરેકના સુખમાં આવી ગોળની ગાંગડી ક્યાંકથીયે ઘૂસી ગયેલી નજરે પડ્યા વિના નહી રહે. જેને શ્રીમંતાઈનું સુખ મળ્યું હશે તેને કોઈ પણ ઘડીએ પડી શકતી ઇન્કમટેક્ષની ધાડના ફફડાટની ગોળની ગાંગડી સાથે ને સાથે  મળી હોય છે. રૂપાળી પત્નીનું  સુખ મેળવનાર, સોક્રેટીસની પત્નીને પણ સારી કહેડાવે તેવા તેના કંકાસીયા સ્વભાવની ગાંગડી ભેગી જ આરોગતો હશે. કોન્વેન્ટ એજ્યુકેટેડ પતિની પ્રાપ્તિના સુખની જોડાજોડ દારૂડિયો હોવાનું દુ:ખ લલાટે લખાયેલું હોઈ શકે છે. દુ:ખના મિક્ષચર વગરનું  એકાદ નિર્ભેળ સુખ કોઈક સદ્દનસીબને મળી ગયું હોય તો પણ શરત નંબર-૨ માં વાંધો આવીને ઊભો રહે છે.

દુ:ખની જરાયે ભેળસેળ વગરનું એકાદું સુખ મળી જાય એટલા માત્રથી જીવરાજભાઈને ઘરવ થતો નથી. તેમને તો ઓલ એન્કમપાસિંગ – સર્વપ્રકારના સુખની અપેક્ષા છે. હી નીડઝ ઇચ એન્ડ એવરી કાઇન્ડ ઑફ હેપિનેસ અન્ડર સ્કાય એન્ડ ઓન ધી અર્થ. પતિ બધી રીતે ગુણિયલ હોય અને પતિ સંબંધી સુખમાં ગોળની એકાદ ગાંગડીયે  ન હોય એટલા માત્રથી શું ? જો ઘરમાં ટી.વી. , ફ્રિજ કે મારુતિ વસાવવા જેટલી શ્રીમંતાઈ ન હોય, પત્ની સારી  હોય, રૂપાળી હોય, ડાહી હોય, ડમરી હોય, ભણેલી કહ્યાગરી હોય, કામગરી હોય, બધી વાતે બરાબર હોય પણ પોતાની જ તબિયતનું ઠેકાણું રહેતું ન હોય તો પત્નીસંબંધી નિર્ભેળ સુખ આરોગ્યવિષયક બીજા એક દુ:ખને કારણે કડવું ઝેર બની જાય છે.

સુખપ્રાપ્તિના વિજ્ઞાનની બીજી શરત એમ કહે છે કે ભૌતિક ચીજવસ્તુઓના જગતમાંથી પ્રાપ્ત થતું સુખ બદામના ટુકડા જેવું છે. મુઠ્ઠી ભરીને બદામનો ફાફડો મારવા મળે એ આમ તો ઇર્ષ્યા ઉપજાવે તેવી ચીજ છે. પણ એ બધી સ્વાદિષ્ટ બદામોમાં ઘૂસી ગયેલી એકાદી કડવી બદામ બધી મજા ઉપર પાણી રેડવા માટે કાફી છે. રૂપાળો પતિ, અઢળક સંપત્તિ, વાલકેશ્વરમાં બંગલો, મર્સિડિઝ બેન્ઝની લંગાર, સ્નેહાળ સાસરિયાં…લિસ્ટ લંબાવતા જ જાવ..સ્વાદિષ્ટ બદામોની મુઠ્ઠી ભરતા જ જાવ. પણ આ બધા લિસ્ટમાં છેલ્લે આવતી ખાલી ખોળાની – વંધ્યત્વની એકાદી કડવી બદામ સ્ત્રીના સુખમાં ચિનગારી ચાંધવા માટે પૂરતી છે. કારણ બસ એટલું જ કે તેને સર્વપ્રકારક સુખની અપેક્ષા છે. દીકરો ન હોવા બાબતનું એકાદું દુ:ખ પણ ચલાવી લેવા તૈયાર નથી અને મટીરિયલ  વર્લ્ડ (ભૌતિક જગત) માં સર્વપ્રકારક સુખ એ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી ઘટના છે.

આ બન્ને કોઠા જીતી જનાર વિરલ મહારથીએ ત્રીજે કોઠે તો ભૂ પીતા થવું જ પડે છે. નિર્ભેળ અને સર્વપ્રકારક એવું પણ સુખ સદાકાળ માટે ટકે તેવું શાશ્વત, કોઈ કયારેય ઝૂંટવી ન જાય તેવું જોઈએ. સુખ માટે વલખા મારતા કોઈને પણ પૂછશો તો આ ત્રીજી શરતની આકાંક્ષા પણ તેના હૈયામાં અચૂક બેઠેલી જોવા મળશે. અશાશ્વતા સુખની પુર્ણ મજા  માણવા માટેની ત્રીજી શરત છે. તમે શેરબજારમાં એક પછી એક પગથિયાં ચડવા લાગો. ગ્રાફ અભૂતપૂર્વ આંકડાઓ વટાવતો જાય, આખા હિન્દુસ્તાનમાં તમારા નામનો ડંકો વાગે, પણ આ બધું જો કાયમ માટે ટકવાનું ન હોય, કડાકાનો એક એવો દિવસ આવવાનો હોય કે જ્યારે પત્તાનો મહેલ કકડભૂસ થઈ જાય, અને કદાચ જેલના સળિયા જોવાનો વારો પણ આવે તો આવું સુખ તમને મંજૂર નથી. સુખની સાપસીડીની આ રમતમાં સાપનું  અસ્તિત્વ જ ન હોય અને સીડી પરથી પટકાવવાનું જ ન હોય એવી તમારી ઊંડી ઊંડી મહેચ્છા છે, પણ આપણી ઇચ્છાઓ કાંઈ ઘોડા નથી જેની પર બેસીને સપનાના રંગીન પ્રદેશમાં પહોંચી જવાય.

જો ગમે તેટલી હાયવોય, ધમાલ અને ઉંદરદોડ પછી પણ વસ્તુ ઉપભોગની દુનિયામાં નિર્ભેળ, સર્વપ્રકારક શાશ્વત સુખની  ઉપલબ્ધી ન જ થવાની હોય તો સુખનગરી તરફ દોડતી ગાડીનું સ્ટીયરીંગ બીજી કોઈ દિશામાં વાળવાની જરૂર નથી લાગતી ?

અંધશ્રધા વહેમ જેવા શબ્દોને આપણે ધર્મ, જૂની જીવનપ્રણાલી, ગ્રામ્યપૂજા વગેરે સાથે અવિનાભાવી સંબંધથી જોડી દઈને તેના ‘સિનોનિમ’ (સમાનાર્થી) બનાવી દીધા છે. હકીકતમાં તો સતને અસત અને અસતને સત માનવું, જે જેવું  હોય તેને તેવું માનવું તે જ  અંધશ્રધા અને તે જ વહેમ છે. રણમાં કમળ ન ઊગે કે રેતીમાંથી તેલ ન નીકળે તે  હાથમાં રહેલા આમળા જેવું સ્પષ્ટ હોવા છતાં તેમ માનવું અને  તે માટે મચી પડવું તેનું બીજું નામ અંધશ્રધા અને ત્રીજુ નામ વહેમ છે. મેગા મશીનોના કન્વેયર બેલ્ટ પર જેટલી વસ્તુઓ પેદા કરશું અને અકરાંતિયાની જેમ વધુ ભોગવીશું તેટલું વધુ સુખ મળશે એવી ઐદંયુગીન માન્યતા એ સુશિક્ષિત કહેવાતા માણસનો સૌથી મોટો વહેમ અને સૌથી મોટી અંધશ્રધ્ધા છે.

સવારના પહોરમાં સ્નાન કરી, ધોતી-ખેસમાં સજ્જ થઈ, કપાળે કેસરનો ચાંદલો કરી, પાષાણની પ્રતિમામાં દેવત્વનું આરોપણ કરીને પોતાના આરાધ્યતત્વ સાથે ગોઠડી માંડનાર શ્રધાળુ હૈયાની શ્રધ્ધાને અંધશ્રધ્ધા કહીને વખોડી કાઢ્નારા ‘સાયંટિફિક ટેમ્પર’ (વૈજ્ઞાનિક  વલણ) ધરાવનારા સો-કોલ્ડ રેશનાલિસ્ટ (કહેવાતા બુધ્ધિવાદી) મિત્રો એટલું યાદ રાખે કે ઘડીભર તમારી વાતને સાચી માની લઈને તેમની શ્રધ્ધાને અંધશ્રધ્ધા ગણી કાઢીએ તો પણ તેમની એ અંધશ્રધ્ધાએ જગતને જેટલું નુકશાન નથી કર્યું તેનાથી કંઈક ગણુ વધુ નુકસાન ‘વધુ ને વધુ ઉપભોગ બરાબર વધુ ને વધુ સુખ’ ના સમીકરણમાં આંધણી શ્રધ્ધા ધરાવનારા વહેમી સુશિક્ષિતોએ કર્યુ છે. ઉપભોક્તાવાદ અને કંન્ઝ્યુમરીસ્ટ કલ્ચર (ઉપભોક્તાવાદી વિકાસ)ના આ વિનાશક પંજામાંથી પર્યાવરણને એટલે કે સમગ્ર જીવજગતને બચાવવું હશે તો શ્રીમંતો, શહેરીઓ અને શિક્ષિતોના આ વહેમ અને આ અંધશ્રધ્ધાને  ભાંગીને ભૂક્કો કરવો પડશે.

– મુનિ હિતરુચિવિજયજી

પર્યુષણ પર્વ, વિક્રમ સંવત ૨૦૪૯