Poem-Gazal

અનવર એસ. જુનેજાની રચનાઓ : ભાગ-૧

[તાલુકા મથક વડગામના રહેવાસી એવા યુવા કવિ અનવરભાઈ જુનેજાએ પોતાની મૌલિક રચનાઓનું બહુ જ સુંદર રીતે સર્જન કર્યુ છે તેમની આ રચનાઓ સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ પ્રસિધ્ધ થઈ છે. આવી સર્જનાત્મક રચનાઓ વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશિત અર્થે મોકલી આપવા બદ્લ અનવરભાઈનો આભાર માનું છે. આપ અનવરભાઈનો તેમના મોબાઈલ નંબર ૯૮૯૮૬૫૦૭૩૮ ઉપર સંપર્ક કરી શકો છો.]

 

(૧)

રૂપાળા નથી હોતા.

શાંત દેખાય છે એટલા કંઈ દરિયા નથી હોતા,

ઉછળે છે એ બધા કંઈ મોંજા નથી હોતા,

ઉજ્જડ બની જાય છે આ, આ જિંદગી આખી,

યાદના ફૂલો અગર ખીલ્યાં નથી હોતા.

એકલા જવું પડે છે, ક્યારેક તો સફરમાં,

હરકદમ પર સાથ દેનારા કંઈ કાફલા નથી હોતા.

દે’ખાય છે જે વદન ઉપરથી સૌંદર્યમય,

દીલના કંઈ એટલા રૂપાળા નથી હોતા.

શું ખબર પડે એને દીલના દર્દોની ?

જેને કદી હર્દય પર જખ્મ ખાધા નથી હોતા.

કલમ ઉપડે છે તો લખાઈ જાય છે ગઝલ.

કવિઓની કલ્પનાની ક્યાંય ચર્ચા નથી હોતી.

(૨)

ગભરાઈ ગયો

મંઝિલ તરફ વધતો હતો રસ્તામાં લૂંટાઈ ગયો,

ભટકેલા મુસાફરની જેમ રાહમાં અટવાઈ ગયો.

ચંન્દ્ર પણ વાદળોની પાછળ સંતાઈ ગયો,

એ જોઈને ચકોરીથી એક નિસાસો નંખાઈ ગયો.

એક સુંદર પુષ્પ બાગ વચ્ચે હસતું હતું કેવું ?

ઇચ્છા ન હોવા છતાં ચૂંટવા માટે હાથ લંબાઈ ગયો.

જાણે તમારા પગરવનો સંભળાયો હોય અવાજ,

ભરમમાં ને ભરમમાં હું ભરમાઈ ગયો.

હતો પણ કેવો અણમોલ શબ્દ તે,

હોઠ ઉપર આવીને સંતાઈ ગયો.

જરાક જો નજર મળી, અમારી નજર સાથે,

પ્રેમ તમારી આંખોમાં શરમાઈ ગયો.

અમારા દિલમાં તો ઊંડા ઘાવ છે ઘણા,

યાદ તમે આવ્યાં ને હર્દય પર હાથ મુકાઈ ગયો.

મઝધાર વચ્ચે લાવીને રોકી દીધી નાવ,

દરિયો પણ અમારા સાહસથી ગભરાઈ ગયો.

(૩)

યાદનું પંખી

પળ પળ સતાવે મને તારી યાદનું પંખી,

સૂતો મને જગાવે તારી યાદનું પંખી.

કારણના કાંઈ બતાવે તારી યાદનું પંખી,

આંખોને મારી રડાવે તારી યાદનું પંખી.

નથી દુનિયાની પડી મને, ના દુનિયાને મારી,

જગતનું ભાન ભૂલાવે તારી યાદનું પંખી.

કઈ રીતે અદા કરું ઋણ તારી યાદોનું,

રોજ નવી ગઝલો લખાવે તારી યાદનું પંખી.

હું તો આવી જાઉં ઉઘડતી સવારે યા આથમતી સાંજે,

હરપળ હરઘડી લલચાવે તારી યાદનું પંખી.

હર્દય અમારૂ તમારા નામે જ છે ‘અનવર’

એટલે જ વણનોતર્યુ આવે તારી યાદનું પંખી.

(૪)

માગું છું

તમારી એક મીઠી નજર માંગુ છું,

દીવાનો છું, દીવાનગીની અસર માંગુ છું.

ચૂમવા માટે તમ અધર માગું છું,

જીગરમાં ઝીલવા માટે નજર ખંજર માંગુ છું.

ખયાલ છે કે અગર મારે પણ પાંખો હોત,

હવામાં ઉડવા આસમાન ઉપર માંગુ છું.

મને જ મારો તમ મદીલી આંખડીના માર,

સિતમ આ તમારો આઠેય પ્રહર માગું છું.

રહેજો સદાય મુજ નજરની સામે જ તમે,

એટલું તો માગ્યા વગર માગું છું.

વરસે ભલે મેઘ ધારા કે વરસે ભલે આંસુઓની ધાર,

ભરાઈ જાય પણ ના છલકાય એવી ગાગર માગું છું.

હે ખુદા ! તું મને સબુરી બક્ષજે એટલી કે,

હજારો સિતમ ઉઠાવી શકે એવું જીગર માગું છું.

તમારું છે આ હર્દય, તમારો છે આ મારો જીવ,

તમારી પાસે મુજ મહોબ્બતની કદર માગું છું.

મને જો મળે સ્નેહ તો બીજું કાંઈ જોઈતું નથી મારે,

વરસાવે મુજ પર નેહ એવો દીલબર માગું છું.

(૫)

રસ્તામાં ચાલતા ચાલતા ઠોકર લાગી,

મારા કદમોને કોની નજર લાગી.

ખળભળી ઉઠેલ લાગણીઓ ભીતર લાગી,

આંખો એટલે આંસુઓથી તરબતર લાગી.

દીવાનગીની એ હદ સુધી અસર લાગી,

દુનિયાને મુજની ના કશી ખબર લાગી.

આંખ મિચાતા સપનાઓની સફર લાગી,

મંઝીલ માટે ભટકતી નજરો દરબદર લાગી.

હિસાબ કરવા બેઠો મુજ જીવનનો જ્યારે,

થોડીક યાદો થોડાક જખ્મોથી જિંદગી સરભર લાગી.

ઝાંઝવાઓ પીને પણ તૃષા ના છીપાઈ,

વિસ્તરી ગઈ એ રણથી સમંદર લાગી.

જેના માટે હું સર્વસ્વ હારી ગયો જીવનમાં,

મારા સ્નેહ સાગરથી એ બેખબર લાગી.

આખરે રસ્તો મને લઈ ગયો કબર લગી,

મંઝીલ આખરી આપણી અનવર લાગી.

(૬)

વાત એ એટલી જ સચ્ચાઈની લકીર નીકળી,

આંખ જો અમથી મીંચી તો એમની તસ્વીર નીકળી.

મારી તકદીર મારી જેમ જ ફકીર નીકળી,

બહું જ ગરીબ નીકળી ના તે અમીર નીકળી.

સવાલને પારખવામાં ખૂબ જ માહીર નીકળી,

જવાબ દેવા માટે એટલી જ અધીર નીકળી.

દૂર થઈ ગયો એમનાથી છતાંયે દૂર ના રહ્યો,

બહું જ મજબૂત લાગણીઓની જંજીર નીકળી.

આંખોના ઈશારાઓએ ઘાયલ કરી દીધો,

નજરો એમની બનીને તીર નીકળી.

એકલો અટૂલો જીવતો રહ્યો હું જગતમાં,

શૂન્યતામાં જીવવાની મારી તાસીર નીકળી.

મે કહ્યું થોડાક કદમ સાથ આપો “અનવર”

એ મારાથી દૂર થઈને બહું જ દેલગીર નીકળી.

(૭)

ગાંધીના ગુજરાતમાં…..

થઈ રહ્યા છે તોફાનો ગાંધીના ગુજરાતમાં,

સળગી રહ્યા છે અરમાનો ગાંધીના ગુજરાતમાં.

અનામત, આરક્ષણ, આંદોલન અને હડતાળ,

હક માંગે છે સૌ પોતાનો ગાંધીના ગુજરાતમાં.

બસો સળગી, કચેરીઓ સળગી શહેર થતાં સૂમસામ,

ભોગવશે કોણ આ નુકશાનો ? ગાંધીના ગુજરાતમાં.

અહિંસા થકી જ જેણે અપાવ્યું હતું સ્વરાજ,

સમજે ના આ નાદાનો ગાંધીના ગુજરાતમાં.

કોણ કોને બોલાવે ? કોણ કોને સમજાવે ?

ઝઘડો છે આ “હા” કે “ના” નો ગાંધીના ગુજરાતમાં.