વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ, વિશેષ પ્રવૃતિઓ

તાલુકા મથક વડગામમાં યોજાયેલ લોકડાયરો સામાજિક સમરસતા નું પ્રેરકબળ બન્યો.

Lokdayaro-Vadgam-1
મારૂ પરિવાર, મારૂ કુટુંબ, મારો સમાજ, મારૂ ગામ, મારો તાલુકો, મારો જિલ્લો, મારૂ રાજ્ય, મારૂ રાષ્ટ્ર અને છેલ્લે સમગ્ર સૃષ્ટિ.
સમગ્ર સૃષ્ટિ મારી છે અને હું તેનો એક અંશ માત્ર છું આ ભાવના વિકસવાની શરૂઆત પરિવાર ભાવનાથી થાય. પરિવાર, કુટુંબ, સમાજ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય એક બને તો જ અંતે અખંડ રાષ્ટ્રનું એક તંદુરસ્ત રાષ્ટ્ર નું નિર્માણ થાય નહી તો ઈર્ષાવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, પક્ષવાદના દુષણોના પરિણામોનો ઈતિહાસ આપણે સૌ અનુભવી ચૂક્યા છીએ, ભણી ચૂક્યા છીએ.
Lokdayaro-Vadgam-2
અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, વિવિધ કાર્યક્રમો, આયોજનો વગેરે પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ તો આ જ હોવો જોઇએ કે આપણે સૌ નેક બનીએ એક બનીએ અને તો જ આપણે સૌ સલામત રહીશું અને તંદુરસ્ત સમાજ રચનાનુ નિર્માણ કરી શકીશું જે અંતે મજબૂત રાષ્ટ્ર નિર્માણ માં સહાયરૂપ થશે.
આવો જ એક પ્રયાસ થોડાક સમયથી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ ના માઘ્યમથી વડગામ પંથકના યુવાનો દ્વારા ચાલી રહ્યો છે જે અંતર્ગત તાજેતરમાં વડગામ પંથકમાં ઘણા વર્ષો બાદ એક ભવ્ય લોકડાયરા નું આયોજન ગોઠવાયું.
ઉદ્દેશ હતો સાંસ્કૃતિક મનોરંજન, સેવા અને સમરસતા. અલગ અલગ જાતિના, અલગ અલગ ગામડાઓના, અલગ અલગ સ્વભાવના લોકો એક જ જગ્યાએ ભેગા મળી સાંસ્કૃતિક કાર્યક્રમ ને માણે, કોઈ જરૂરિયાત પરિવારને મદદરૂપ થાય અને સૌ એકબીજા ને હળેમળે.
Lokdayaro-Vadgam-3
અને આ માટે નિમિત્ત બન્યો વડગામ તાલુકાના મેતા ગામના કચ્છી ઘોડી નૃત્ય ના સ્વર્ગસ્થ કલાકાર નો પરિવાર.
વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને ગુજરાત ના અગ્રહરોળ ના કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવ એ વડગામના યુવાનો આગળ એક શુભ કાર્ય હેતુ તાલુકા મથક વડગામમાં લોકડાયરો યોજવાનો નો પ્રસ્તાવ મુક્યો જેને વડગામના યુવાનોએ સહર્ષ વઘાવી લીઘો.
ગુજરાત સ્થાપના દિન એટલે કે 1 લી મે 2018 ની રાત્રે સ્વ. લાલજીમામા દ્વારા સ્થાપિત વડગામ માર્કેટયાર્ડ મુકામે નાત – જાત ભૂલી ને તાલુકાના પ્રજાજનો લોકસંગીત માણવા તેમજ વડગામ તાલુકાના મેતા ગામના કચ્છી ઘોડી ના લોકજાતી તુરી બારોટ સમાજના સ્વ. લોક કલાકાર ના પરિવાર ને યથાશક્તિ મદદરૂપ થવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
ડાયરાના બેતાજ બાદશાહ જીગ્નેશ કવિરાજ, લોકસંગીત ની સિંહણ રાજલ બારોટ, લોક સાહિત્ય ના સિતારા ઈશ્ચર ચૌધરીની ટીમે ધાણધાર ની ઘરાને લોકસંગીત અને લોકસાહિત્ય થકી જીવંત કરી દીધી.
Lokdayaro-Vadgam-5
અંદાજીત પાંચ હજાર ઉપરની જનમેદની માં રાત્રે બે વાગ્યા સુધી સતત  શિસ્ત અને સંયમ ની પરાકાષ્ઠા જોવા મળી જે વડગામ તાલુકાની ઉજળી આવતી કાલની નિશાનીરૂપ હતી.
સ્વર્ગસ્થ લોકકલા કારના પુત્ર દ્વારા સ્ટેજ ઉપર અદભુત કચ્છી ધોડી નૃત્ય રજૂ કરવામાં આવ્યું જેણે સૌથી કોઈને નાની ઉંમરમાં પોતાની લોકકલાની પ્રતિભા થકી હાજર સૌ કોઈને અભિભૂત કરી દિઘા.
વડગામ ની અગ્રહરોળની શૈક્ષણિક સંસ્થાઓ ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ અને કેશરબા જાડેજા એ આ લોક ડાયરાના મુખ્ય સ્પોન્સર બનીને પોતાની સમાજ પ્રત્યે ની કર્તવ્યનિષ્ઠા નો સૌ કોઈને ફરીથી પરિચય કરાવ્યો. તો કેપટાઉન રેસ્ટોરન્ટ પાલનપુર (મુસ્તાકભાઈ) , શક્તિ ક્લિનિક, વડગામ (ડૉ. રાકેશભાઈ મકવાણા) તથા શિવશકતિ ટ્રેક્ટર (વાલાભાઈ) એ કો-સપોનસર બની સહકાર આપ્યો હતો.
આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહી આયોજકો અને યુવાનો ને પ્રોત્સાહિત કર્યા.
વડગામ ચૌધરી યુવા પરિવાર, વડગામ રાજપુત સમાજ યુવા પરિવાર, બાવનવાંટા રાજપૂત યુવા શક્તિ મંડળ, બાલા હનુમાનજી યુવક મંડળ વડગામ, વડગામ સોશિયલ વેલફેર ટ્રસ્ટ, વડગામ રેડક્રોસ સોસાયટી, ગાયત્રી પરિવાર, વડગામ તાલુકા પ્રાથમિક શાળા પરિવાર ના શ્રી જેગોડા સાહેબ અને તેમની ટીમ, વડગામ સ્પોર્ટ ક્લબ અન્ય સમાજના યુવાનો, તાલુકાના ગામડાઓમાંથી આવેલ યુવાનો, દાતાશ્રીઓ અને વડગામ સેવા મંડળના સદસ્ય શ્રી ઓ વગેરેના સકારાતમક અભિગમ અને મહેનત થકી વડગામમાં ધણા વર્ષો બાદ યોજાયેલ અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો જે આપણા સૌના માટે ગૌરવપ્રદ ધટના ગણી શકાય.