જનરલ માહિતી

ચૌધરી સમાજનો ઇતિહાસ

ચૌધરી સમાજ ના ઇતિહાસનો કોઈ શિલાલેખ નથી. ભાટ-ચારણોના ચોપડા તથા પેઢીઓથી ચાલી આવતી વાતો તથા તેનું અનુમોદન આપતા અન્ય પુસ્તકોની માહિતીના આધારે ચૌધરી સમાજનો આ ઇતિહાસ લખેલ છે. દેવેન્દ્ર પટેલે લખેલ મહાજ્ઞાતિના સંદર્ભ ગ્રંથ પણ આ ઇતિહાસની સાબિતી આપે છે.

પરશુરામ જાતે બ્રાહ્મણ હતા તથા ઋષિ હતા. મહાભારતમાં પણ પરશુરામે પિતામહ ભીષ્મ અને કર્ણને ધનુરવિદ્યા  શીખવી તેનો ઉલ્લેખ છે. પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નિક્ષત્રિય (ક્ષત્રિય વગરની) બનાવી હતી. છેલ્લે એમણે પૃથ્વી  પર નજર નાખી તો સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય રાજા અને તેના ૧૦૦ પુત્રો જીવીત હતા. પરશુરામ ત્યાં પહોંચી ગયા અને તેના ૧૦૦ પુત્રો માંથી ૯૨ પુત્રોને પરશુરામે મારી નાખ્યા. બાકીના આઠ પુત્રો રણભુમિ છોડીને ભાગી ગયા અને આબુ પર આવેલ ‘મા અર્બુદા’ ના મંદિરના પાછળના ભાગમાં સંતાઈ ગયા. પરશુરામ ફરસી લઈ ત્યાં આવ્યા અને તેમને મારવા તૈયાર થયા. પેલા આઠે જણ ગભરાઈ ગયા અને મા અર્બુદાને પાર્થના કરી કે મા અમને બચાવ.

‘મા અર્બુદા’  પ્રગટ થયા અને પરશુરામને વિનંતી કરી કે “હે ઋષિરાજ એ અજાણ્યા છે. અને તેઓ મારે શરણે આવ્યા છે. એટલે હું તેમને મરવા નહીં દઉં.”

પરશુરામ બોલ્યા કે આઠમાંથી ભવિષ્યમાં એંસી હજાર થશે અને મારી સામે યુધ્ધ કરશે તો ?

મા અર્બુદા એ જવાબ આપ્યો ‘હું તમને ખાત્રી આપુ છું કે આ આઠ જણ હવે હાથમાં હથિયાર નહી પકડે ધરતી માતાના રસ-કસ ચુસશે અને ધરતી પુત્રો બનીને રહેશે..’

પરશુરામનો ક્રોધ શમી ગયો. તેઓ પાછા ગયા પેલા આઠ જણ બહાર નીકળી મને હાથ જોડીને ઉભા રહ્યા અને કહ્યું ‘કે મા. આજથી તુ અમારી સાચી મા છે. હવે અમારે શું કરવું તેનો રસ્તો બતાવ.’

મા એ કહ્યું કે તમે અજાણ્યા છો.

ભારતની ધરતી પર વસવાટ કરો. ધરતી માતાના રસ-કસ ચુસો. ખેતી કરો. ભવિષ્યમાં તમારી લાંબી વેલ વધશે અને તમારા ઘરમાં ઘી-દૂધ અને બાજરો ખૂટશે નહિ. લોકો તમને આંજણા તરીકે ઓળખશે.

“આગળ વધજે આંજણા ને તારી લાંબી વધશે વેલ,

ઘી દૂધ અને બાજરાની તારે થાશે રેલમ છેલ.”

એ આંજણા ભારતના અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કર્યો. ખેતી અને પશુપાલનનો ધંધો કર્યો અને ભારતના રાજ્યોમાં તેમનો વિસ્તાર થયો. જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, રાજસ્થાન અને ગુજરાત-ગોરખપુર.

આજે તો ભારતના લગભગ નવ રાજ્યોમાં આંજણાઓ વસે છે અને બધાએ ભેગા મળી અખિલ આંજણા મહાસભાની સ્થાપના કરી. જેની મુખ્ય ઓફિસ રાજસ્થાનમાં આબુ પર રાખી છે. તેમજ દેલવાડાના દેહરાની નજીક કેળવણીની મોટી સંસ્થા ઉભી કરી છે.

 

(અખિલ આંજણા સમાજ,આંજણા યુવક-ગુજરાત રાજ્ય..સાભાર સહ…)