ઐતિહાસિક ઘટનાઓ.

પાલનપુરનું કંથેરિયા હનુમાન મંદિર અને વડગામના તપસ્વી સંત.

વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં શેરડી અને ડાંગરનો પાક જ્યાં લેવાતો તેવા ધાન્ધાર પ્રદેશ તરીકે ઓળખાતા વડગામ તાલુકાના ભરોડ ગામે ગણેશપુરી બાપુ નામના તપસ્વી સંત વસવાટ કરતા હતા. પરિભ્રમણ કરતા કરતા એક દિવસ બાપુ પાલનપુરના માલણ દરવાજાની બહાર વિહાર કરતા એક કંથેરના ઝાડ નીચે આવીને વિસામો લેવા બેઠા. રાત્રી વિશ્રામ પણ ત્યાં જ કર્યો. રાત્રે સ્વપ્નમાં  હનુમાનજી મહારાજે દર્શન દીધા. બાપુને સંકેત મળ્યો કે કંથેરના ઝાડની આસપાસ હનુમાનજીની પ્રાચીન પ્રતિમા હોવી જોઈએ. ત્યાં તો આસપાસના ખેતરવાળા ખેડૂતો સંત શ્રી બાપુ પાસે સત્સંગ કરવા આવવા લાગ્યા. બાપુએ સ્વપ્નમાં મળેલી સંકેતની વાત ખેડૂત ભક્તજનોને કરી. બાપુના સંકેતના આધારે ખોદકામ હાથ ધર્યું ૧૦ ફૂટના ખોદકામના અંતે બાલસ્વરૂપ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાપ્ત થઈ. મૂર્તિને બહાર લાવવામાં આવી. પૂજા અર્ચના કરી પરંતુ બીજા દિવસે બાપુએ જોયું તો મૂર્તિ કથેરના ઝાડના થડ નીચે જ્યાંથી મળી હતી ત્યાંજ પુન: પહોંચી ગઈ. હનુમાનજીની સેવા-પૂજા શરૂ કરવાનું નક્કી કર્યું. વાત પાલનપુર ગામમાં પ્રાસરતા ભાવિક ભક્તોનો દર્શાનાર્થે મેળવો જામવા માંડ્યો. ભક્તો ભાવ વિભોર બનવા લાગ્યા. હનુમાનજીની દિવ્ય મૂર્તિના સમાચાર પાલનપુરના નવાબ શેરમહંમદખાનજીને મળ્યા. નવાબ દર્શનાર્થે આવ્યા. બાપુને પગે લાગી મૂર્તિના દર્શન કરી ધન્ય થયા. નવાબના આદેશથી કંથેરીયા હનુમાનજીના મંદિરનું બાંધકામ શરૂ થયું. નવાબ દર રવિવારે બગીમાં સવાર થઈ કંથેરીયા હનુમાનજીના મંદિરે આવતા અને પૂ.ગણેશગીરી બાપુ સાથે સત્સંગ કરતા. નવાબને વિદેશી બેગમની ઝુરમા નામની પુત્રી હતી. ઝુરમા વારંવાર બિમાર થઈ જતી હતી. એક દિવસ નવાબ ઝુરમાને કંથેરીયા હનુમાન લઈ આવ્યા. બાપુએ ભક્તિભાવથી પ્રાર્થના કરવા કહ્યું. ઝુરમા દર મંગળવારે કંથેરીયા હનુમાનના દર્શને આવી ભક્તિભાવથી દર્શન કરતા ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી અને તંદુરસ્તી પુન: પ્રાપ્ત થઈ. આજે પણ અનેક શ્રધ્ધાળુઓ દર મંગળવારે કંથેરીયા હનુમાનજીજે પાન અને મોતીચુરના લાડુ ભક્તિ ભાવથી અર્પણ કરે છે.

(રેફ. ગુજરાત સમાચાર )

————————————————————————————————