વડગામ દૂધ મંડળીની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે ….

Vadgam Dudh mandali -Suvarn jyantiઆજથી ૫૦ વર્ષ પહેલા ૧૯૬૭ની સાલમાં રૂપિયો ગાડાનાં પૈડા જેવડો હતો ત્યારે વડગામના ૨૯ સભાસદો એ નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર દસ-દસ રૂપિયા આપીને વડગામ દૂધ મંડળીમાં જોડાયા અને વડગામ દૂધ મંડળીનો પ્રારંભ થયો માત્ર ૫ લીટર દૂધથી અને એ ૨૯ મહાનુભાવોના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ( Long Vision ) થી શરૂ થયેલ દૂધ એકત્રીકરણ ની યાત્રા આજે દૈનિક ૨૧૦૦૦ લીટર દૂધ સુધી પહોંચી છે જેના પાયામાં એ ૨૯ મહાનીભાવોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. વડગામ દૂધ મંડળી દ્વારા તેની સ્થાપના ને ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજેલ સુવર્ણ જયંતી પ્રસંગ નિમિત્તે અનેક ઐતિહાસિક તેમજ મહત્વપૂર્ણ માહિતીઓ જાણવા મળી કે વડગામ ગામનાં કેવા કેવા સમજદાર લોકોએ તે સમય ની સમાજ રચના વચ્ચે અનેક મુશ્કેલીઓ અને અભાવો વચ્ચે નવી કેડી કંડારી હશે પોતાના ગામની ઉજ્જવળ આવતી કાલ માટે ? ફરીથી એ ઉક્તિ યાદ આવે છે કે જે સંસ્થા કે સમાજ પોતાના વડીલોનું સમયાંતરે યથાયોગ્ય રીતે સન્માન કરવાનું ચુકી જાય છે તે પૂર્ણપણે વિકસી શકતા નથી. સુવર્ણજયંતી પ્રસંગે ઉપસ્થિત ૨૯ સભાસદોને અથવા તો તેમના વારસદારોને આમંત્રિત મહેમાનો ગામના પ્રતિષ્ટિત આગેવાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો વચ્ચે એક પછી એક સ્ટેજ ઉપર બોલાવી શાલ ઓઢાડીને વડગામ દૂધ મંડળી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે એ મહાનુભાવોની આત્માને વર્ષો અગાઉ પોતે આપેલ યોગદાન બદલ કેટલું ગૌરવ થતું હશે ?

Vadgam-Milk-soc-Suvarn Jyanti-3

સુવર્ણ જયંતી ઉજવણી પ્રસંગે વડગામ દૂધ મંડળી દ્વારા વડગામનાં લક્ષ્મણપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળા નાં બાળકો માટે કોમ્પ્યુટર સેટ ની ભેટ આપીને સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત દૂધ સભાસદ દીઠ બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આજના પ્રસંગે ખાસ ઉપસ્થિત બનાસ બેંક નાં ચેરમેન શ્રી એમ.એલ.ચૌધરી બનાસ ડેરીના વાઈસ ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈ , બંને અગ્રણી સહકારી સંસ્થાના સંચાલક મંડળ નાં સભ્યો , તાજેતરમા ભાજપની રાષ્ટ્રીય યુવા કારોબારીમાં પસંદગી પામેલ વડગામના શ્રી હિતેશભાઈ ચૌધરી વગેરે એ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.

Vadgam milk society-suvarn jyanti-2

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડગામ દૂધ મંડળીના ચેરમેન શ્રી ભરતભાઈ જી. પટેલ અને મંડળીના સંચાલક મંડળે ભારે જહેમત ઊઠાવી હતી.

વડગામ દૂધ સહકારી મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી સુવર્ણ જયંતી પ્રસંગે www.vadgam.com શુભેચ્છાઓ પાઠવે છે.