સાહિત્ય લેખ

Logo-A

૨૦.૦૨.૨૦૧૯

પ્રસ્તુત લેખ વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની શ્રી નિતિનભાઈ રાવલે (ની’મુરા) એ લખ્યો છે જે સમજવાલાયક છે……

માનવી એ વિચાર,કલ્પના,ધારણા અને માન્યતાઓથી ભરેલો છે. દરેકનાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ,આગ્રહ,અનુગ્રહ અને પૂર્વગ્રહ હોય છે અને હોવાના, જે માનવ સહજ સ્વાભાવિક લક્ષણ છે.

દરેક વ્યક્તિનાં જીવનમાં રોજ બરોજ અનેક વિચારો રૂપી બીજનાં અંકુર ફૂટતા હોય છે. તે અંકૂર પૂર્ણપણે ખીલી છોડ પાંગરશે કે નહી તે ચોક્કસ રીતે ન કહી શકાય. આના માટે વિચારરૂપી બીજની કેટલીક લાક્ષણીકતાઓ તપાસવાની જરૂર છે.વિચારની કલ્પના કેવી છે? વિચારની ધારણા કેવી છે? તેની માન્યતા કેવી છે? આ દરેક પાસા યોગ્ય છે કે અયોગ્ય, સાચા છે કે ખોટા, વ્ય્વહારુ છે કે નહી? આ તમામનો સમન્વય આધારભૂત છે એક વિચારરૂપી બીજ છોડ બની પાંગરશે કે નહી. પરંતુ જો વ્યક્તિનો વિચાર જ અયોગ્ય હોય,ખોટો હોય, નબળો હોય, અંગત હિતનો હોય, સાર્વજનિક અહિતનો હોય તો તે ક્યારેય નહી પાંગરે અને જો પાંગરશે તો ઊગે નહી અને જો ઊગશે તો એના ફળ હંમેશા કડવા જ હશે. માટે જરૂર છે યોગ્ય,શુદ્ધ,પવિત્ર,લાભદાયી,સાક્ષીભાવે વિચારવાની.
જેમ બીજને જરૂર છે હવા,પાણી અને ખોરાકની તેમ વિચારરૂપી બીજને જરૂર છે વિશ્વાસ,નિશ્ચય,મહેનત,યોગ્ય હેતુ અને સંકલ્પની.

આમ એક વિચારરૂપી બીજમાંથી વૃક્ષરૂપી છોડ બને છે એનો વૈભવ અનેરો હોય છે. એમાં આત્મસંતોષની ડાળી,પ્રસન્નતાનું પુષ્પ,સુખનું ફળ,આનંદની લહેર અને બધા માટે છાયો હોય છે. આ જ તો છે “વિચાર વૈભવ” કે જે સમાજની ખોટી માન્યતા અને ધારણાઓને દૂર કરી એક સ્વચ્છ આદર્શ સમાજની રચના કરે છે. દરેક જનનો વિચાર વૈભવશાળી બનશે તો જ વ્યક્તિ,સમાજ અને દેશની ઉન્નતી તેની પ્રગતી આભને પણ આંબી જાય એવી વટવૃક્ષ બનશે.

નિતિનભાઈ રાવલ – ની’મુરા (પસવાદળ-વડગામ)

 

૨૮.૦૨.૨૦૧૯

પ્રસ્તુતું નવલિકા સબંધ નો સરવાળો વડગામ તાલુકાના ભાલગામના વતની રિયાઝ મીર દ્વારા લખવામાં આવી છે…નીચેની લીંક ઉપર ક્લિક કરીને આપ વાંચી શકો છો/

સબંધ નો સરવાળો : ભાગ – ૧

 

૦૮.૦૨.૨૦૧૯

વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની અને જાણીતા લેખક શ્રી કિશોરસિંહ સોલંકી એ કૂવો નિબંધ લખ્યો છે તેમાંથી આ એક ફકરો વડગામ.કોમ ઉપર મૂક્યો છે. આજે પણ મોટાભાગના ખેડૂતોના જીવનમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી હા જે લોકો અન્ય ખેતીની સાથે અન્ય વ્યસાય તરફ વળ્યા છે તેમના જીવનમાં પરિવર્તન ચોક્ક્સથી આવ્યુ છે પણ અહીં એ સમય્ની વાત કરી છે કે જ્યારે ખેતી એ જ એક માત્ર જીવનનિર્વાહનું સાધન હતું.

“ખેડૂભૈનું જીવન એટલે ખેતર, શેઢા, ઢોર-ઢાંખર, વાડય, કાંટા ને ઝાંખરાં!! કોઈની પાસે પાંચ વીઘા તો કોઈની પાસે આઠ – દસ વીઘા જમીન હોય તો પોતાનો ગુજારો આરામથી થતો રહે, બે-ત્રણ ડોબાં હોય તો એનાં ઘી-દૂધ માંથી હાથ ખરચી નીકળયા કરે! નાના – મોટા પ્રસંગ તો જે કંઈ ભેગું કર્યું હોય એમાંથી થાય અથવા તો કોઈને ભાઈ-બાપ કરવાના કે ઊછી-ઉધાર કે વ્યાજવા લેવાના! જીવતર નું ગાડું ગબડયા કરે! અભાગે જ કોઈ મોટો ખેડૂત મળે જેની પાસે ચાલીસ પચાસ વીઘા જમીન હોય!!”

 

૦૭.૦૨.૨૦૧૯

છુટાછેડા (DIVORCE) : એક સામાજિક દૂષણ

લે. – શ્રી ગૌતમભાઈ દવે (પીરોજપુરા-વડગામ)

       આપણી ભારતીય સંસ્કૃતિમાં અને આખા વિશ્વના દરેક દેશમાં પતિ—પત્ની નો સંબંધ એ એક નાજુક સંબંધ છે જેને ઘણી સાવચેતી પુર્વક, પરિપક્વતાથી અને એક જવાબદાર વ્યક્તિ તરીકે નિભાવો પડે છે તો જ લગ્ન જીવન આનંદમય અને સરળ બની જાય છે અને પતિ—પત્ની નો સંબંધ આજીવન ટકી રહે છે. પરંતુ આજે દિન પ્રતિદિન આપણા ભારતીય સમાજમાં અને વૈશ્વિક સ્તરે છુટાછેડા એટલે કે DIVORCE નું પ્રમાણ વધવા લાગ્યું છે જે સમાજ વ્યવસ્થા ને તોડવાનું કામ કરી રહી છે અને છુટાછેડા ના કારણે પતિ અને પત્ની બન્ને નું વર્તમાન અને ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે સાથે માનસિક હાલત પણ ખરાબ થાય છે અને બન્ને સતત તણાવ ની પરિસ્થિતિમાં રહે છે. બન્ને ની લાઇફ સ્ટાઇલ બદલાઈ જાય છે…..

 છુટાછેડા ની પરિસ્થિતિ ઉદભવવાના કારણો

—> છોકરી કે છોકરો બન્ને ની ઈચ્છા વિરુદ્ધ કે કોઈ એક ની ઈચ્છા વિરુદ્ધ સગપણ થવું. —> જો બન્નેની ઈચ્છાથી લગ્ન થયા હોય પરંતુ લગ્ન પછી એકબીજાનો મનમેળ ના હોય.

—> લગ્ન જીવનમાં વિશ્વાસનો અભાવ.

—> બન્ને પાત્રો માંથી કોઈ એક ને કોઈપણ કુટેવ કે દારૂ-ગુટકા વગેરેનું વ્યસન હોવું જે લગ્ન પછી જાણ થાય તો આ પરિસ્થિતિ પેદા થાય.

—> પતિ-પત્ની નું જીવન સારૂં આનંદમય ચાલતું હોય અને તેમાં ત્રીજા વ્યક્તિ નું આવવું.

—> પતિ-પત્ની નો મનમેળ હોય બન્ને પક્ષનાં કુટુંબ વચ્ચે સંબંધ નિભાવવામાં ઉણપ.

—> પતિ-પત્ની બન્ને શિક્ષિત હોય અને વ્યવસાયિક ક્ષેત્રમાં હોય તો તાલમેલ નો અભાવ હોવો.

—> પતિ-પત્ની ના અંગત જીવનમાં બન્ને પક્ષના કુટુંબ દ્વારા દખલગીરી.

—> સાસુ-વહુ વચ્ચે તાલમેલ નો અભાવ.

—> છોકરીની મમ્મી દ્વારા તેના લગ્ન જીવનમાં જરૂર કરતાં વધુ દખલગીરી.

—> ફિલ્મો અને સિરિયલમાં બતાવવામાં આવતાં કાલ્પનિક પ્રયણ પ્રસંગો અને કુટુંબ વ્યવસ્થા.

—> ખોટા ખર્ચાઓનું પ્રમાણ વધવું.

     ઉપરોક્ત આવા ઘણાંબધાં કારણો છુટાછેડા માટે જવાબદાર છે….

છુટાછેડા ની સમસ્યા ના નિવારણ ના ઉપાયો

—> સંબંધ બાંધતા પહેલાં છોકરા-છોકરી ને એકબીજા જાણવાનો પુરતો સમય આપો પછી જ જો બન્નેનું મન હોય તો જ સંબંધ બાંધો.

—> લગ્ન જીવન એક પવિત્ર બંધન છે એટલે આ બંધનમાં બંધાતા પહેલાં એકબીજા ના સારા-નરસા બધાં પાસાં જણાવી દેવા જોઈએ.

—> લગ્ન જીવન ત્યારે જ આનંદમય બન્ને જ્યારે બન્ને વચ્ચે વિશ્વાસ હોય એટલે વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ જાળવી રાખવો.

—> એકબીજા ને જાણવાનો પ્રયાસ કરવો જેથી મનમેળ વધે.

—> લગ્ન જીવન સુમધુર બની રહે તેવા શક્ય તમામ હકારાત્મક પ્રયાસ કરવા.

—> પતિ-પત્ની ના પવિત્ર બંધનમાં ત્રીજા વ્યક્તિ નું સ્થાન હોવું જ ના જોઈએ.

—> બન્ને તરફના કુટુંબીજનો પતિ-પત્ની નાં અંગત જીવનમાં સામે ચાલીને દખલગીરી ના કરવી જોઈએ જ્યાં સુધી તેઓ મદદ ના માંગે ત્યાં સુધી અને જો કહે તો હકારાત્મક દ્રષ્ટિકોણ દાખવી લગ્નજીવન ના બગડે તેવા બન્ને ને અન્યાય ના થાય તેવો સેહશરમ રાખ્યા વિના સાચો ન્યાય કરવો જોઈએ.

—> લગ્ન જીવનમાં ઉદભવતી પરિસ્થિતિમાં ઘરનો પ્રશ્ન ઘરમાં રહે તે રીતે પરિપક્વતાથી જે તે પ્રશ્નનું  નિવારણ કરવું.

—> છોકરીઓની મમ્મી ઓ ખાસ પોતાની દિકરીના લગ્ન જીવનમાં દખલગીરી કરવાનું ટાળવું.

—> સાસુ-વહુ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવવો જેથી સુમધુર સંબંધ પ્રસ્થાપિત થાય…

—> કાલ્પનિક જીવન કરતાં વાસ્તવિક જીવન જીવો.

—> ખોટા ખર્ચા નું પ્રમાણ જીવનમાંથી ઘટાડો કરો….

   લગ્ન જીવન મોટી મોટી વાતો થી નથી જીવાતું પરંતુ જીવન દરમિયાન નાની નાની વાતો માં ચોક્કસ ધ્યાન રાખવામાં આવે તો લગ્ન જીવન સરળ અને આનંદમય બની જાય છે…

      આ બધા પ્રયાસ પછી પણ જો છુટાછેડા નો પ્રશ્ર્ન ઉદભવે તો બન્ને વ્યક્તિ કુટુંબના અને સમાજના બુદ્ધિજીવી પક્ષપાત વગરનો સાચો ન્યાય કરી શકનાર વડીલોની હાજરીમાં સામસામે બેસી નિખાલસ મને ખુલ્લા હ્રદયે વાતચીત કરી સમાધાન કરી લગ્ન જીવન ને તુટતું બચાવવું છતાં વાતચીત ના અંતે પણ ખરેખર એવું લાગે કે હવે લગ્નજીવન આગળ વધે તેમ નથી તો સમાજનાં ધારાધોરણો મુજબ જ છુટાછેડા લઈ બન્નેનું ભવિષ્ય ખરાબ ના કરતાં એમનાં ભવિષ્યમાં આગળ વધવા સ્વતંત્ર કરવા પરંતુ ખોટા કોટૅ કેસ કરીને ફક્ત એકબીજાને હેરાન પરેશાન કરી બન્ને નું ભવિષ્ય ખરાબ ના કરવું જોઈએ….

     “ પતિ-પત્ની નો સંબંધ તો કુદરત જ નક્કી કરે છે ને ઋણાંનુંબંધ થી જ જોડાયેલા છે પરંતુ ક્યારેય જબરદસ્તીથી ઈચ્છા વિરુદ્ધ બાંધી નથી શકાતાં” તો જીવો અને જીવવા દો  નીતી અંતર્ગત સાથે જીવો અને જીવવા દો પંરતુ ખોટી રીતે હેરાન પરેશાન કોઈને ના કરવા જોઈએ….

 

Date : 05.02.2019

 

મારા અંગત જીવનની – ગૌતમભાઈ દવે (પીરોજપુરા-વડગામ)

 

આજ ની યુવા પેઢી.

 

    21 મી સદીના આધુનિક યુગમાં માં જીવી રહેલ આજની યુવા પેઢી વધુ શિક્ષિત હોવા ઉપરાંત પહેલાં ના લોકો કરતાં વધુ ફાસ્ટ છે. તેમજ બજારમાં આવતી નવી નવી ટેકનોલોજી નો ઉપયોગ કરી પોતાની ભૌતિક સુખ સગવડો વધારી પોતાની જીવનશૈલી વધુ આધુનિક બનાવવા માંગે છે એટલે આ યુવાપેઢી પરંપરાગત રૂઢિગત વિચારધારા ને છોડી પોતાની આધુનિક સ્વતંત્ર વિચારધારા ધરાવે છે. તે સમયની માંગ અનુસાર સમાજમાં આવતા નવા નવા પરિવર્તન સહજ રીતે સ્વીકારી લે છે તથા સમાજને અને લોકો ને મદદરૂપ થવાની ભાવના કેળવી રહી છે. આ યુવાપેઢી પોતાના કેરિયર ને લઈને વધુ સજાગ પણ છે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત થાય તે રીતે શિક્ષણ મેળવી કેરિયર બનાવવાની ઝંખના ધરાવે છે ઉપરાંત અન્ય ના જીવનમાં દખલગીરી કરવાનું આ પેઢી જરાય પસંદ કરતી નથી. આ યુવાપેઢી સ્વતંત્ર જીવવામાં અને પોતાના પાર્ટનર ને સ્વતંત્ર જીવવા દેવામાં માને છે. ક્યારેક પોતાને અન્ય પર થોપતી નથી કે જબરદસ્તીથી પોતાના બંધનમાં બાંધી રાખવામાં નથી માનતી. આ પેઢી હમેશાં હકારાત્મક બની જીવનમાં આગળ વધવામાં માને છે. પરંતુ ઘણીવાર આજની યુવાપેઢી ના માનસપટ પર ફિલ્મજગત અને સીરિયલો માં દર્શાવવામાં આવતી કાલ્પનિક કુટુંબ વ્યવસ્થા અને પ્રેમાલાપની એટલી અસર વર્તાઈ રહી છે કે તે વાસ્તવિક જીવનમાં પોતાની જાતને આધુનિક દર્શાવવા તે પ્રમાણે પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરી રહી છે અને એ પ્રકારે આધુનિક જીવન જીવવાના પ્રયાસ કરી રહી છે.  આ કારણોસર ઘણીવાર જીવનમાં માઠા પરિણામો પણ ભોગવે છે જેવા કે સંયુક્ત પરિવાર તુટવા, સામાજ રચના તુટવા, છુટાછેડા નું પ્રમાણ વધવું અને આત્મહત્યાઓનું પ્રમાણ વધવું વગેરે……

         આ યુવાપેઢી આજના દેખાદેખી ના જમાનામાં પોતાને વધુ આધુનિક બતાવવા તે પોતાના જીવનમાં અન્ય કોઈની દખલગીરી પસંદ નથી કરતી. ખોટા ખર્ચાઓ કરતી હોય છે ને સતત માનસિક તણાવમાં પણ રહેતી હોય છે. આ કારણસર ઘણીવાર તે કુટુંબ અને સમાજ થઈ વિમુખ થઈ જાય છે….

       છેલ્લે એટલું જેમ મોબાઇલમાં સમયે સમયે નવા વર્ઝન આવી રહ્યા છે તેવી જ રીતે જ આજની યુવાપેઢી સમય સાથે બદલાતી રહે છે જે બદલાવ સમાજે સ્વિકારવો જ પડશે અને તે જરૂરી પણ છે પરંતુ તેને વાસ્તવિક જીવનમાં યોગ્ય રાહ ચિંધવો પણ જરૂરી છે જેથી તેના જીવનને યોગ્ય સાચી દિશા મળી રહે….

– ગૌતમભાઈ દવે (પીરોજપુરા-વડગામ)      

 

૨૧.૦૯.૨૦૧૮

‘ચરકસંહિતા’ના સૂત્રસ્થાનના ૨૭ માં ‘અન્નપાનવિધિ’ નામના અધ્યાયમાં જલવર્ગના વર્ણનમાં વરસાદના પાણી (દિવ્ય જળ)ને સ્વભાવે શીતવર્ય, પવિત્ર, કલ્યાણકારી, સ્વાદે સુખકારી, નિર્મળ, પચવામાં હલકું, મેઘા(બુધ્ધિ)વર્ધક, આરોગ્યકારી તથા સાતે ધાતુઓને વધારનારું અને રાજાઓને પીવા યોગ્ય કહ્યું છે. સુશ્રુત પણ સૂત્રસ્તાનના ૪૫માં અધ્યાયમાં ગગનજળને કફ, વાયુ અને પિત્ત ત્રણેનો નાશ કરનારું, બળપ્રદ, રસાયન, બુધ્ધિવર્ધક, અમૃતતુલ્ય અને એકાંતે કરીને અતિશય પથ્ય કહે છે. એમાંયે ભાદરવા સુદ તેરસ(અગત્સ્યત્રયોદશી)ના દિવસે અગત્સ્ય તારાના ઉદય પછી શરદ ઋતુમાં એકઠા કરાયેલા ‘હંસોદક’ના નામે ઓળખાતા વરસાદના પાણીના તો અઢળક ગુણ ગવાયા છે. અષ્ટાંગહર્દયકાર તેના દ્રવદ્રવ્ય વિજ્ઞાનીય  નામના પાંચમાં અધ્યાયમાં આ બધા ગુણો ઉપરાંત હર્દયને માટે પણ હિતકારી હોવાનું જણાવે છે.

અતુલ શાહ : વડગામ (હાલ મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ)

(આધુનિક જીવનશૈલી લોહીતરસી ચૂડેલ પુસ્તક માંથી સાભાર)

૧૮.૦૯.૨૦૧૮

ધાણધાર ધરા માથે મોટા ધણીની મહેર છે. ઉત્તર ગુજરાતની ધરાનો એક નાનકડો આંચલ નિત નવા શણગારે નિખરી રહ્યો છે. સૂરા, ભક્તો ને દાતારો. મોટા જોગ જોગંદરોના તપનાં તેજ આજેય ધરતી માથે પ્રકાશી રહ્યા છે. ગુરુ ધૂંધલીમલ, ગુરુ રખેશ્વર, ગુરુ ડુગરો સો પરમેશ્વરો તે ડુંગરપુરી, ગુરૂ ગોપાળપુરી, ગુરૂ રુઘનાથપુરી, ગુરૂ આધિનપુરી આદિ મોટા ગજાના જોગી જોગંદરો નામી અનામી તપસ્વી જતિ જોગીઓ જે ધૂણા તાપ્યા તે ધૂણાના ધુંવાડા આજેય ઘાંણધાર મલક માથે પવનમાં વહી રહ્યા છે.

વિકટ વનરાજીના ડુંગરિયાની ધારેને બખોલોમાં કંઈ જોગંદરોએ જોગ માંડેલા તેમના પવિત્ર પાવન થાનકો વિકટ વન ડુંગરમાં આવેલા છે.

ધાંણધાર સરવી ધરા તેના નિત નવાં રૂપ ધાણધારના સિરમોડ જેવા ડુંગરો વનરાજીના લીધે છે. તેના રૂપજોબનનો નિખાર આ ડુંગર પર્વતોના કારણે છે. વર્તમાન સમયમાં આ સરવીધરા દિન પ્રતિદિન ઉજ્જડ રણ જેવી બનતી જાય છે. ઊંચા ઊંચા પહાડોની વનરાજી નષ્ટ પામી ગઈ છે. ને ઉઘાડ થયેલ ડુંગર ડાકણના વાંસા જેવા કાળમીંઢ પથ્થરા જ ભાળવા મળે છે. તે તેના કારણે ખોબે પાણી પીતા ઘરાનાં જળ સ્તર આજે ઘણા ઊંડા ઉતરી ગયાં છે.

એક કાળે આ ધાંણધાર ઘરામાં ડગલેને પગલે નીર ઉભરાઈ કલકલ નિનાદ કરતાં વહેતાં હતાં. વહોળા, વાંકળા, નાની સરિતાઓમાં વહેતા નીર્મળ નીરનાં દર્શન થતાં રાતવરાત ઘાંણધાર ધરામાં પગપાળા મુસાફરી કરી શકાતી ન હતી. મગર અને ઘડિયાળોનો ભય રહેતો હતો, આખા વગડે રાતના સમે ઘડિયાળો, મગર વિચરતા ફરતા-બારેમાસ ધરતી લીલોતરી, હરિયાળીના કારણે નિત નવા રૂપે નિખરતી રહેતી. દેહને દઝાડતો ખાઉ-ખાઉ કરતા ઉનાળામાં પણ આ ધરતી ભર્યા ભાદરવા જેવી હતી.

મુરાદખાન ચાવડા [પુસ્તક માટીના રંગ માંથી સાભાર]

 

૧૭.૦૯.૨૦૧૮

તમે નૈ માનો પણ હવે તો અમે અમારી ભવાઈ ખોઈ છે, અમારા જુઠણને ખોયો છે, અમારા ચૌરા ને ચૌટાને ખોયું છે, અરે ! અમારું ગામ અને શેરીઓ ખોઈ છે.શ્યું બાકી રહ્યું છે ખોવાયા વિના ? અમારા ગામના એ ભવાઈના વેશધારીઓ પણ ભૂલી ગયા છે જૂઠણને . હવે તો ઘર ઘરમાં જૂઠણ લટકતા થઈ ગયા છે. ગામ ગામ રહ્યા નથી. માણસ માણસ રહ્યા નથી. ક્યાં છે અમારો કાંતિડો ? બાબુડો કે ત્રિભોવન નાયક ? ક્યાં છે જૂઠણનો વેશ ? અમારું  બધું જ ઘસાઈ જ્યું સે, ખોવાઈ જ્યું સે. તમે આ બધુ શ્યું લઈ આયા કે અમારે અમારું બધું ખોવું પડ્યું ?

ક્યાં છે મારા ગામનાં ટાબરિયાં ? ક્યાં છે મારા ગામના મોટિયાડા ? ક્યાં છે મારા ગામની જુવાનડીઓ ? તમે નૈ માનો મારા ભૈ પણ વાત તો સળગતા દીવા જેવી સો ટકા સાચી છે કે, બધું જ બદલાયું છે એની સાથે  સાથે માણસના મન પણ બદલાઈ ગયાં છે.

શ્રી કિશોરસિંહ સોલંકી (મગરવાડા-વડગામ)

[પુસ્તક સુગંધનો સ્વાદ પ્રકરણ “જુઠણ” માંથી સાભાર]

 

 

૧૭.૦૭.2018

અંધશ્રદ્ધા           

અંધ+શ્રધ્ધા = ઓધળો વિશ્વાસ.

આ કઠણ કળીયુગમાં લોકો સુખ શાંતિ સમૃદ્ધિ મેળવવા ધણી બધી શક્તિ નો ઉપયોગ કરતા હોયછે.લોભિયા હોય ત્યા ધૂતરા ભૂખે ના મરે”મિત્રો, કહેવાનો મતલબ એ છે કે ઘણાલોકો ભુવાઓના વિશ્વાસમા આવી ઠગાઇ જાયછે.અને પછી ખોટા પછતાય છે….    સત્ય જાણવાની કોશિશ કરતા નથી.  એક વિચાર શક્તિ કહે છે  કે આપણી ખબર બીજા કઇ રીતે પાડે ? સાચા સંતાઇ ગયા જુઠા બહાર આયા.” “વિશ્વાસે વહાણ નો હાલે”કોઇનો વિશ્વાસ કેળવી સત્ય જાણવુ એપણ કરમ અનુસાર કઠણ વાત છે..   સુખ દુ:ખ સંસાર ચક્ર છે.  આપણા શાત્રો સંતો કહેશે કે જયોતિશ શાસ્ત્ર નો સહારો લેવો જોઇએ અને  ભૂદેવને મળવુ (નિખાલસ ભાવવાળા )   જોઇએ..પૂણ્ય દાન ધરમ કરવાથી ચોક્કસ કરમ કપાય છે તથા ચડતી કલા થાયછે. જે તમારા નશીબમા નથી એ કોઇની તાકાત નથી કે તમને આપી જાય….  અને જે નશીબમા છે એ કોઇની તાકાતથી કે લઇ જાય. કુદરતી નિયમછે તેને અનુસરવુ એ ધરમ છે. બાકી ખબર વિનાની માથા-કુટમા ના પડવા વિનંતિ

“”અસ્તુ “””

ગુરુદેવ શ્રી 1008 વાસુદેવમહારાજની અસિમકૃપા થી .

દિનેશભાઈ  રાવલ  (વડગામ)

ફતેપુર મહારાજના વંદન

 જય ગુરુદેવ

 

૨૯.૦૬.૨૦૧૮

દેશમાં હજાર કરોડના કૌભાંડો કરનાર નેતાઓ એ વારંવાર વોટ આપે છે, મોકો મળે તો પગમાં પડી જૂતા ચાટવા પણ તૈયાર રહે છે. ભેળસેળ કરી, સેફટીના નિયમો નેવે મૂકી પ્રદુષણ ફેલાવતા એકમો વાળા-લાગવગીયા ઉધોગપતિઓની સફળતાની ગાથા એ પોતાના બાળકોને શીખવાડે છે-એવા બનવા ટોર્ચર કરે છે. બળાત્કારી બાબાઓ પાસે પોતાની બહેન-દીકરીઓને સામેથી દર્શન માટે લઈ જાય છે-એને ભક્તિ તરીકે ઓળખાવે છે. પીવાના પાણીના TDS કે શ્વાસમાં લેવાતી હવાના હેવી PPM એને સદી ગયેલા છે. રોજ ખાવાના ખોરાકમાં આ પેસ્ટીસાઈડ કઈ બલા છે એ વિચારવાનો સમય એને નથી-એ બધું તો શુદ્ધ ભારતીયનું કામ નઈ, પશ્ચિમી બગડી ગયેલી સંસ્કૃતિ નું કામ! તૂટી ગયેલા-ખાડા વાળા રોડ, એક્સિડન્ટ ફ્રેન્ડલી સ્પીડ બ્રેકર, સ્કિલ વગરના બેફામ મોબાઈલ પ્રેમી ડ્રાઈવર એને પોતાની ભવ્ય સંસ્કૃતિના અંગ લાગે છે. જાહેર સંપત્તિની (રોડ, બ્રિજ, મકાનો, કચેરીઓ) હલકી ગુણવત્તા માટે એને અભિમાન છે. બેંકોના કૌભાંડો એને ન્યુઝ પેપરની શોભા લાગે છે. પ્રદુષિત નદીઓ, પ્લાસ્ટિકથી ઉભરાતી ગટરો જોવાથી જેના પેટનું પાણી પણ નથી હાલતું એવી આપણા દેશની મહાન જનતા જનાર્દન ટોળા સ્વરૂપે ટાઈમ બૉમ્બ બની જાય છે. પછી કોઈ બીચારો નાની મોટી ચોરી કરનારો ગરીબ ચોર કે શંકાસ્પદ ભિક્ષુક કે મજૂર હાથમાં આવી જાય તો એની ટેલેન્ટ જાગી ઉઠે છે, જનતા જનાર્દન એને જાનથી મારી નાખે છે.(કોમી રમખાણોમાં પણ આજ પેટર્ન) ઝાઝા હાથ રળિયામણા!! (પણ જ્યારે હાથમાં છરો લઇ આખા શહેર વચ્ચે પ્રમાણિક પત્રકાર કે નિર્દોષ નગરિકનું કોઈ ગુંડો ખૂન કરતો હોય ત્યારે આ જનતા જનાર્દન ઊભી પૂંછડીએ ગાયબ થઈ જાય છે! કોણ વીટનેસ બને! અરે ઘર સામે કોઈ ટપોરી નિર્દોષને ધીબતો હોય તો જનતા જનાર્દન ઘરનો દરવાજો પણ બંધ કરી ઊંઘી જશે!! આપણે શું?) પાછું આપડા દેશમાં ટોળા પર ક્યાં કેસ થવાનો, ટેંશન ફ્રી!!! અને પકડાઓ તો પણ શું વાંધો? જજમેન્ટ સુધી જિંદગી ક્યાં રહેવાની? અપીલ માટે ઉપલી કોર્ટો છેજ ને!

જય હિન્દ……

#અલિપ્ત જગાણી (નાંદોત્રા-વડગામ)