આપાણા તહેવારો

વડગામ પંથકમાં મહાશિવરાત્રી-૨૦૧૪ની શાનદાર ઉજવણી.

શિવજીના પ્રાગ્ટ્ય દિન મહાશિવરાત્રી પર્વની તા.૨૭.૦૨.૨૦૧૪ને ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે વડગામ તાલુકા મથક સહિત પંથકના વિવિધ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી આ સમયે સમગ્ર પંથક ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતુ. તાલુકામાં આવેલ શિવમંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામી  હતી અને વાતાવરણ હર હર ભોલેના નાદોથી ગૂંજી ઉઠ્યું હતું. ભાવિક ભક્તજનો દ્વારા દેવાધિદેવ શીવની દૂધ, શેરડી, ભાંગનો પવિત્ર અભિષેક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

તા.૨૭ ફેબ્રુ.૨૦૧૪,ગુરૂવાર મહાવદ તેરશ “મહાશિવરાત્રી” પર્વ નિમિત્તે તાલુકા મથક વડગામના શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ગ્રામજનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મહાશિવરાત્રીની શાનદાર ઉજવણી કરાઈ હતી. ગાયત્રી પરિવારના કરશનજી સોલંકી, મહોતભાઈ પટેલ, રતુભાઈ પટેલ, વિનોદભાઈ રાઠી સહીત શીવભક્તોની ટીમે મહાઅભિષેક કર્યો હતો. પૂજારી જગદીશરામ દ્વારા ફરાળ પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી. બપોરે ૨-૦૦ કલાકે પરંપરા મુજબ શિવમંદિરથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી,જે રામજી મંદિર થઈ ગામના તમામ વિસ્તારોમાં પહોંચી હતી. રાત્રે સ્થાનિક ભક્તોએ ભજન સત્સંગનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે રણછોડજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત તમામ સંસ્થાઓના પદાધિકારીઓ,ટ્રસ્ટીઓ સહિતના તમામ સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવરાત્રી કાર્યક્રમનું સફળ સંચાલન તેજમાલસિંહ એ. સોલંકીએ કર્યું હતું.

મુક્તેશ્વર તિર્થ,શ્રી ગોગમહારાજ તિર્થ અને નાગરપુરા તિર્થસ્થાનો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યાં.

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વડગામ તાલુકાના તિર્થસ્થાનોમાં ભક્તોની ભીડ જામી હતી. મુક્તેશ્વર તીર્થ સ્થાન, શ્રી સેંભર ગોગ મહારાજ મંદિર, બિલેશ્વર મંદિર નાગરપુરા સહિત તમામ ગામોના શિવાલયોમાં દેવાધી દેવ મહાદેવ શિવજીની પૂજા અર્ચના અને આરધના કરવામાં આવી હતી.

 

વડગામના પાંચડા ગામે શીવજીની શોભાયાત્રા નીકળી.

શિવરાત્રી પર્વ નિમિત્તે ગત ગુરૂવાર બપોરે વડગામના પાંચડા ગ્રામજનો દ્વારા શિવજીની શોભાયાત્રાનું આયોજન કર્યું હતુ. હર હર ભોલેના જયઘોષ સાથે ગ્રામજનો ઝુમી ઉઠ્યા હતા. ગામના તમામ વિસ્તારોમાં પરિક્રમા કરી શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરાઈ હતી. આ અંગે યુવા કાર્યકર મુકેશભાઈ દરજીએ જણાવ્યું હતુ કે પાંચડાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરા મુજબ શીવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.

શિવરાત્રીના દિવસે વહેલી સવારેથી તાલુકાના પ્રસિધ્ધ શિવમંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. મંદિરોમાં જલાભિષેક અને હોમ હવનનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત અમુક જગ્યાએ રાત્રિના સમયે ચાર પ્રહરની પૂજા અને પંચવક્ર મહાપૂજાની વિધિ પણ કરાઇ હતી.

 

 

 

વડગામ તાલુકાના ડાલવાણા ગામે વારંદાવીર દાદાના મંદિરના પ્રાંગણમાં પંચેશ્વર મહાદેવ મંદિરમાં મહાપૂજા તેમજ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. રાત્રિના સમયે શિવજીની મંદિરના પૂજારી પંકજભાઇ ઠાકર તેમજ અગ્રણી હિ‌મ્મતસિંહ હડિયોલ, રમેશભાઇ પ્રજાપતિ, વિક્રમસિંહ રાણા, ઉદેસિંહ હડિયોલ સહિ‌ત ગ્રામજનો દ્વારા વિશેષ પૂજા કરાઇ હતી.

 

ૐ નમ: શિવાય|

 

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ |
ઉર્વારુકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત ||

 

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ |

જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ ||

 

ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્|

ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્||

 

વડગામ પંથકમાં આવેલા અનેક શીવમંદિરોમાં ઉપરોક્ત મંત્રથી ભગવાન શંકરજીને બિલીપત્ર ચઢાવામાં આવ્યા હતા.

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

૧ કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
૨ મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
૩ મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.

મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.

સર્વે શિવભક્તોને ૐ નમ: શિવાય|

[પૂરક માહિતી :- પુષ્કર ગોસ્વામી, રણજીતસિંહ હડિયોલ, નિતિન પટેલ . વડગામ]

[તસ્વિર :- પુષ્કર ગોસ્વામી, વડગામ]