આપાણા તહેવારો

વડગામ પંથકમાં ભાદરવા સુદ અગિયારસનો ધમધમાટ – નિતિન પટેલ

ભાદરવા સુદ અગિયારસને  વડગામ તાલુકાને અંબાજી સાથે જોડતા માર્ગો પર પદયાત્રીઓના પ્રવાહની શરૂઆત ગણી શકાય તો બીજી બાજુ વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ સ્થાનો મુક્તેશ્વર મહાદેવ અને મજાદરના રામદેવપીર મંદિર મુકામે ભરાતા ગ્રામિણ મેળાઓની મોસમ ગણી શકાય. ભાદરવા સુદ અગિયારસથી માંડીને ચૌદસ સુધી અંબાજી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ વડગામના માર્ગો ઉપરથી પસાર થાય છે, આ વખતે પણ ભાદરવા સુદ અગિયારસના રોજ પદયાત્રીઓનો પ્રવાહ અંબાજી તરફ વડગામના માર્ગોને જય અંબે…જય અંબેના સામુહિક નાદો સાથે પસાર થઈ રહ્યો છે. વડગામના માર્ગો ઉપર અનેક સેવાભાવી સંગઠનો દ્વારા સેવા કેમ્પો લાગી ગયા છે. ટીંબાચુડી પાસે વાપી સેવા મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા કેમ્પ અનેરૂ આકર્ષણ જમાવી રહ્યો છે.

નાનેરા બાળકોથી માંડીને વડીલો, ભાઈઓ અને બહેનો, વિવિધ મંડળો, કોઈ માથે ગરબો ઉપાડીને તો કોઈ સાથે માતાજીનો રથ લઈને એમ  સૌ કોઈ પોત-પોતાની મસ્તી અને ભક્તીમાં નાચતા-કૂદતા માર્ગો ગજવતા અનેરા આનંદ સાથે મા અંબાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આ લેખ લખી રહ્યો છું ત્યારે હું પણ આ કાફલાઓને જતા જોઈ અનેરો રોમાંચ અનુભવી રહ્યો હતો. અંધારા માર્ગો ઉપરથી પસાર થતો આ માનવ મહેરામણ કોઈ અલૌકિક શક્તિ સાથે મુશ્કેલીઓને ગણકાર્યા વગર લાંબા અંતરેથી વડગામ પંથક સુધી આવી પહોંચ્યો હતો. અનેક સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા અર્થે ખડે પગે ભક્તિભાવ પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પાણી થી માંડીને જમવા સુધીની તમામ સગવડો સેવાભાવી મંડળો અને વ્યક્તિઓ દ્વારા પુરી પડાઈ રહી હતી..જ્યાં જ્યાં કેમ્પ લાગેલા હતા તે દરેક જગ્યાએ લાઉડ સ્પિકરો ઉપરથી ભાવથી થતી જાહેરાત અને વાગતા ગરબાઓ વચ્ચે બે ઘડી આ માહોલ દુનિયાના તમામ દુ:ખ ભુલાવી દેવા માટે પુરતા હતા…નાત કે જાત જોયા વગર સામુહિક ભાવના અને માણસાઈ ના દર્શન આ પ્રસંગે જોવા મળતા હતા…ધન્ય છે એ સેવા કેમ્પ કરવા વાળાઓને અને ધન્ય છે એ નિસ્વાર્થ સેવકોને કે જેઓ નિસ્વાર્થ ભાવે પ્રસંગને દિપાવી રહ્યા હતા.

મજાદરમાં ભાદરવા સુદ અગિયારસનો મેળો રાત્રે અલગ જ દેખાઈ રહ્યો હતો. રંગબેરંગી લાઈટોથી શોભતો સમગ્ર વિસ્તાર વતાવરણમાં અનેરી શોભા પ્રગટાવી રહ્યો હતો. મજાદર અને આજુબાજુ ગામના ના પ્રજાજનો બે દિવસ સુધી ભરપુર આ મેળાની મઝા માણશે.

પ્રજાજીવનમાં જીવન જીવવાની અને જીવનને માણવાની સૌની અલગ-અલગ રીત-ભાતો છે..તહેવારો અને આવા પ્રસંગો જીવનમાં ન હોય તો જીવન શુષ્ક બની જાય એ પણ એટલુ જ સત્ય છે. ભાદરવા સુદ અગિયારસની બે કલાકની મારી વડગામથી મજાદર અને મજાદરથી વડગામની મારી આ સફરમાં અફસોસ એક જ વાતનો છે કે હજી સુધી આપણે ઉત્સવોની ભરમાર વચ્ચે ગંદકીને તિલાંજલી આપી શક્યા નથી..સારા રસ્તા બનાવી શક્યા નથી…ભીડભાડ ઓછી કરી શક્યા નથી..ટ્રાફીક સમસ્યાને સુલજાવી શક્યા નથી…પ્રમાણિક્તા અને નૈતિકતા ના પાઠ હજુ શીખવા પડે તેમ છે…

સાચા ભાવથી કરવામાં આવેલી સેવા અને સાચી ભાવનાથી થતી પદયાત્રા અને ઉજવાતા ઉત્સવો આપણી જીવન સંસ્કૃતિ  છે જે ભુલવા જેવી બાબત નથી…જય રામાપીર….જય મા અંબે….!!!