ગામડાઓ નો પરિચય

મેમદપુર…..

વડગામ મહાલનું  ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું  ગામ મેમદપુર મધ્યકાળ દરમિયાન ભાટ મુંડાળાના નામથી ઓળખાતુ હતુ.આ ગામ અગાઉ ઉત્તરમાં  હતુ પણ કાળાંતરે નવું  મેમદપુર મંદિર ની દક્ષિણે વસ્યુ હતુ.મેમદપુર ગામનું  નામ કોના ઉપરથી પડ્યુ એ વિશે મતમંતાતર છે.ગામના એક વયોવ્રુધ્ધ રહીશના જણાવ્યા મુજબ, મેનકુંવરબા નામના રાણીના સતી થયા બાદ તેમના નામ ઉપરથી ગામનું  નામ મેનપર રાખવામા આવ્યુ હતુ.(મેમદપુર જુના વખતમા મેનપર તરીકે પણ ઓળખાતુ) જ્યારે કેટલાક લોકો એવુ પણ જણાવે છે કે,પાલણપુરના નવાબ સાહેબના શાસન વખતે રાજની વફાદારીમાં   “મહમદશાહ નામના એક આગેવાન સૈનિક શહીદ થયા હતા.તેઓ પાછળથી મામદાપીર નામથી પ્રચલિત થયા હતા.તેમનું  સ્થાનક ગામની પશ્વિમે નર્મદેશ્વર મહાદેવની બાજુમાં  ગામની મધ્યમાં આવેલુ છે.આ મામદાપીરના નામ ઉપરથી ગામનું  નામ મેમદપુર રાખવામા આવ્યુ હતુ.

સરકારી દફ્તરે આજે આ ગામ મેમદપુર નામથી જ નોધાયેલ છે. અગાઉ કંથેરીયુ નામનું  તળાવ દક્ષિણમાં  હતુ ત્યા આજે મેમદપુર ગામ આબાદ છે.આ ગામ જ્યારથી વસ્યુ ત્યારથી લઈને અત્યાર સુધી વિભાજનમાં  બે તોરણથી વહેચાયેલ છે.આસો સુદ-આઠના દિવસે ગામમા કોરે મોરે ધારાવડી ફરે ત્યારબાદ અહી બે તોરણ બંધાય છે.પહેલુ તોરણ વાંટા તરીકે જ્યારે બીજુ તોરણ તળપોદ નામથી પ્રચલિત છે.વાંટમા રાજ્પૂત,બારોટ અને જૈન કોમ ની વસ્તી છે.જ્યારે તળપોદમાં  અઢારકોમની વસ્તી વસે છે.નવાબ સાહેબના વખતમાં  જે લોકો વાંટમાં  વસતા તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો મહેસુલી કર ન લેવાતો.જ્યારે તળપોદમાં  રહેતી અઢાર કોમની વસ્તી પાસેથી મહેસુલી કર વસુલવામા આવતો.

હોળીના દિવસે બને તોરણના લોકો સામસામે એક પ્રકારની રમત રમતા.જેમા કપડાની ગોફણમા પથ્થર ભરીને સામસામે ફેંકવામાં આવતા હતા.આ રમતમા ઘાયલ થનાર હરીફને શ્રધ્ધાપૂર્વક મહમદશાહ પીરના સ્થાનકે લઈ જઈને કપડુ બાળીને લગાડવામાં  આવતુ જેથી તેનો ઘા જલદીથી રૂઝાઈ જતો.

પાલણપુર સ્ટેટના સમયથી મેમદપુર ખૂબ જ પ્રચલિત ગામ હતુ.

મેમદપુરના અગ્રણીઓમા સરદારભાઈ લોહ,સવાભઈ શામળભાઈ,ચેલીરામ,પુંજાભાઈ મહેતા અને કસના ભગત પૈકી સવાભાઈ ,શામળભાઈ ,ચેલીરામ અને પુંજાભાઈ મહેતાની સચોટ આલેખી શકાય તેવી માહિતી અનેક કોશિષ છતા પ્રાપ્ત ન થતા તેઓની માહિતિ અત્રે પ્રસિધ્ધ નથી કરી શક્યા.

ગામ માં જ્યારે આદર્શ કેળવણી મંડળની સ્થાપના થઈ ત્યારે તેની સ્થાપનાના મૂળમાં  સરદારભાઈ લોહ,અને તેમના સાથીઓ સવાભાઈ,શામળભાઈ,ચેલીરામ અને પુંજાભાઈ મહેતા હતા.એ વખતે નવાબ સાહેબ પાસેથી શૈક્ષણિક હેતુસર જમીન સંપાદન કરાવવામા આ પાંચેય આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ મંડળના પ્રથમ સભ્ય તરીકે રૂ.૩૦૦૧/- નું  અનુંદાન પાલણપુર નવાબ સાહેબ પાસેથી મેળવાવમા આવ્યુ હતુ.એ વિરલ ઐતિહાસિક ઘટનાની નોધ આજે પણ શાળાના આચાર્યના રૂમ પાસે લાગેલી આરસની તકતીમાં જોવા મળે છે.આ મંડળની શાળાના પ્રથમ આચાર્ય શ્રી ભીખુસિહ આર.પરમાર હતા.જૂન ૧૯૮૨થી મહોબ્બતસિંહ દાનાજી રાઠોરને મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી જે તેઓ આજે પણ નિભાવી રહ્યા છે.આ સંસ્થાના પાયાના શિક્ષણપ્રેમી કાર્યકરોમા ચુનીલાલ ખુશાલદાસ જોશી (સફળ ઉધ્યોગપતિ),પોપટલાલ ટોકરસિહ મહેતા ,કેશવલાલ બી. મહેતા અને પૂનમચંદ પી.મોદી વગેરેનો સમાવેશ થાય છે.આ શિક્ષણપ્રેમીઓએ સંસ્થાના વિકાસમા મોટુ યોગદાન આપેલ છે.

આદર્શ કેળવણી મંડળ તરીકે શરૂઆત કરનાર આ મંડળ આજે શ્રી મેમદપુર કેળવણી મંડળ તરીકે ઓળખાય છે.આ શૈક્ષણિક સંસ્થાનો સમયની સાથે વિકાસ કરવાનો શ્રેય શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા અને કેશવલાલ ગમાનચંદ  મહેતાના ફાળે જાય છે.

ચુનીલાલ ખુશાલદાસ જોષીએ મેમદપુર કન્યા શાળા અને ગામના મહાદેવની ધર્મશાળા માટે  માતબર દાન આપ્યુ છે તો સુમતિભાઈ મણીલાલ દેસાઈ છાપીવાળાના પરિવાર તરફથી હાઈસ્કૂલની પ્રયોગશાળા માટે માતબર દાન મળેલ છે.

અગાઉ આપણે જે સરદારભાઈ લોહ અને તેમના સાથીઓની વાત કરી એ પાંચેય

મહાનુંભાવો પાલણપુર નવાબ સાહેબના સમયમા પાંચ પરમેશ્વર તરીકે ઘેર ઘેર જાણીતા અને માનીતા બની ગયા હતા.આ પાંચેય સાથીઓ માટે એક મહાવરો એ વખતે ચોરે અને ચૌટે ચર્ચાતો હતો….

“સવો,સરદાર ને શામળો   ,ચોથો ચેલીરામ ,પાંચમો પુંજો વાણીયો તો છઠાનું શું કામ ?”

આપણે આ પાંચ પરમેશ્વર સમા સાથીઓ પૈકી સરદારભાઈ શામતાભાઈ લોહની વાત કરીએ તો તેઓ આમ તો ચૌધરી પટેલ હતા પણ તેઓ જીવ્યા ત્યા સુધી રાજા રજવાડા જેવા ઠાઠમાઠ થી જીવ્યા હતા.તેમનો પહેરવેશ જોઈએ તો માથે પાઘડી,શરીરે અંગરખો,ધોતી,કમરખેસ,દેશી જોડા અને ગળામા ચાંદીની ઘુઘરીવાળી ચેન સાથે ચાંદીની અફીણની દાબડી તેમજ ચાંદીની મુઠવાળી કટાર તો ખરી જ.

તેઓ ગામલોકોની મુશ્કેલી જાણવા,વિવાદો મિટાવવા,લોકોના સારા નરસા પ્રસંગે હાજરી આપવા ઘેર ઘેર ઠઠારાબંધ  પોતાની માનીતી ઘોડી ઉપર સવાર થઈને જ જતા.લોકો તેમનો આદર કરતા અને માનથી આવકાર આપતા હતા.તેઓ જેવા કોઈના પણ ઘરે પહોંચે તેમના માટે ખાટલો પાથરી ગાદલા બિછાવી દેતા હતા.

સરદારભાઈ દરેક કોમના પ્રિય આગેવાન હતા તેઓ સતવચનના આખાબોલા અને દૂરદેશી દ્રષ્ટિકોણના સ્વામી હતા.વડગામ મહાલમા પણ એ વખતે તેમનું  ભારે વર્ચસ્વ હોઈ વડગામ મહાલ માટે રાજ તરફથી ખાસ મૂકાયેલા દિવાન શમસેરખાનજી વિવાદગ્રસ્ત પ્રશ્નોના નિરાકરણ માટે તેમને બોલાવતા.એમ કહેવાય છે કે,પાલણપુર સ્ટેટના સમયમા જોરાવર પેલેસના દરવાજામાંથી સરદારભાઈ તેમની ઘોડી લઈને જેવા આવતા દેખાય તેની સાથે જ દરવાન વિના રોકટોક મુખ્ય પ્રવેશદ્વાર ખોલી નાખતા હતા.એ સમયે જોરાવર પેલેસનું  મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ દિશામા હતુ. જ્યા આજે ડોક્ટર હાઉસ બની ગયેલ છે.

સરદારભાઈ સ્વભાવે ખૂબ જ પ્રેમાળ હતા અને નાના ભૂલકાને પણ તેઓ માનથી બોલાવતા હતા.તેઓ અભ્યાસુ જીવ હતા.તેમના પૌત્ર હરિભાઈ મેઘરાજભાઈ લોહના જણાવ્યા મુજબ ,તેમનામા દેશદાઝ  પણ એટલી જ હતી એટલે તેઓએ આઝાદીની ચળવળમા પણ ભાગ લીધો હતો.

સરદારભાઈના જીવનના એક યાદગાર પ્રસંગનો ઉલ્લેખ અત્રે ટાળી શકાય તેમ નથી.એમા બન્યુ એવુ હતુ કે એક વખતે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને ધારસભ્યની ટિકિટ આપવા બાબતે માજી સાસંદ પોપટલાલ જોષી અસમંત હતા.ત્યારે મોરારજીભાઈ દેસાઈ જેવા દિગ્ગઝ  નેતાની ઉપસ્થિતિમા સરદારભાઈએ પ્રશ્ન કર્યો કે ટિકિટ ન મળે તો ચૂંટણી લડાય કે નહિ ? લડાય એવો જવાબ મળતા જ ચાલો અવે અહીથી ,બોલી ચાલવા લાગ્યા તેમના સમર્થકો પણ માંડ્યા તેમની સાથે ચાલવા. એ વખતે વાતાવરણ મા સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.જો કે મોરારજીભાઈ દેસાઈએ તરત જ વાત સુધારી લઈ ગલબાભાઈ પટેલને સર્વસમત ઉમેદવાર તરીકે ટિકિટ આપતા તેઓ ભારે બહુમતી થી વિજયી બન્યા હતા.આવી દુરંદેશીભરી દ્રષ્ટિ ધરાવતા હતા સરદારભાઈ લોહ. આજે પણ જૂના લોકો આ કિસ્સો યાદ કરતા રહે છે.તેમના પછી હજુ સુધી તેમના જેવો ભડવીર પેદા નથી થયો એને વડગામ મહાલની બદનસીબી નહી તો બીજુ શું  કહેવાય….?

મેમદપુરમા આવુ જ એક મહત્વ ધરાવતુ વ્યક્તિત્વ હતુ કસનાભાઈ ભાટીયા (નામદોષ બદલ ક્ષમા યાચના).તેઓ ચમાર જ્ઞાતિ માંથી આવતા હતા.પાલણપુર સ્ટેટમાં નવાબ સાહેબના શાસન વખતે એક વખત મોટો દુકાળ પડ્યો હતો.(ચોક્કસ વર્ષ જાણવા મળી શકેલ નથી;પરંતુ લોકો તેને છપ્પનીયો કાળ તરીકે ઓળખાવે છે.) એ વખતે નવાબ સાહેબ ધ્વારા સદાવ્રત ચાલુ કરવામાં આવ્યો હતો. એ જ અરસામાં  મેમદપુર માં  આ સેવાભાવી રહીશ કસનાભાઈ ભાટીયાએ પણ સદાવ્રત ચાલુ કર્યુ હતુ.તેમના માટે રાત્રિ સમય દરમિયાન સદાવ્રત માટેનું  અનાજ,ગાડેગાડા ભરીને આવતુ અને સૂર્યોદય થતાની સાથે જ ગાડાના પૈડાના નિશાન ભૂંસાઈ જતા. આ વાત જ્યારે ગામ લોકોને ધ્યાને આવી તો તેઓ આશ્ચર્ય માં  ગરકાવ થઈ ગયા હતા.કસનાભાઈ પોતે ચમાર જ્ઞાતિ માંથી આવતા હોઈ કોઈ સુવર્ણની લાગણી ના દુભાય એવા નેક આશયથી તેઓએ સદાવ્રતમા રાંધવાનું અને પીરસવાનું  કામ સુવર્ણ લોકોને સોંપ્યુ હતુ.આમ સદવ્રતનું  કાર્ય ચાલતુ હતુ અને લોકોને કપરા કાળમાં રાહત મળતી હતી.

સારુ ચોમાસુ બેસતા લોકોને થોડી રાહત થતા તેઓ પોતાને ખેતીવાડીમાં પરોવાઈ ગયા અને આમ થતા નવાબ સાહેબ તરફથી ચાલતા સદાવ્રતને ધીમે ધીમે આટોપી લેવાયુ.  પરંતુ કસનાભાઈનું  સદાવ્રત તો ચાલુ જ હતુ.આ વાત નવાબ સાહેબના  કાને પહોંચતા તેઓ પોતે પોતાના રિસાલા સાથે મેમદપુર આવી પહોંચ્યા હતા.અને ગામના ચોરે પોતાની રૈયતના સેવાભાવી રહીશ કસનાભાઈને બોલાવીને કહેલ કે, “ભાઈ હવે તો વરસાદ સારો થયો છે,લોકો કામ ધંધે પણ લાગી ગયા છે ત્યારે હવે સદાવ્રતની શુ જરૂર છે ?” ત્યારે કસનાભાઈએ બે હાથ જોડી આદરપૂર્વક નવાબ સાહેબને જણાવેલ કે, “નામદાર આપની વાત સાચી છે પણ ચોમાસુ વાવેતર લેવાય ત્યા સુધી લોકો શુ ખાશે ? વળી, ગાડામાં રોજ રાત્રે ક્યાંથી અનાજ આવે છે ? એની મને પોતાને પણ જાણ નથી. “આ સાંભળી નવાબ સાહેબે કસનાભાઈને પોતાની પાસે બોલાવી ,શાબાશી આપી તેમને “કસના ભગત” નું  બિરૂદ આપી શિરપાવ આપ્યો હતો.અને વધુ ત્રણ માસ સુધી સદાવ્રત ચાલુ રાખવા માટે અનાજ રાજ તરફથી મોકલવાનું  ફરમાન કરતા મેમદપુરની પ્રજા આભારવશ ગદગદીત થઈ ઉઠી હતી.નવાબ સાહેબના આ ફરમાનનો શ્રેય ‘કસના ભગત’ ના ફાળે જાય છે.

પવિત્ર ગંગા નદીના કિનારે હરદ્વાર ખાતે આ ‘કસના ભગત’ એ બનાવેલ ધર્મશાળા અને તેની જગ્યા આજે પણ મોજુદ છે.જે મેમદપુરનું  એક ગૌરવ છે.

તદ ઉ૫રાંત શામળાભાઇ રામજીભાઇ વીશે થોડું સત્‍ય પ્રકટ કરીએ તો શામળાભાઇનું નવાબસાહેબના પાલણપુર સ્‍ટેટ માં ધણું માન હતું જતાં વેત ઘોડાની લગામો સીપાહીઓ ઘ્‍વારા ૫કડી લેવામાં આવતી અને શામળાદાદાના હુલામણા નામે નવાબસાહેબ ખુદ નવાજતા બેસતા વરસના દીવસે (કારતક સુદ એકમે)શામળાદાદાના ઘરે વહેલી સવારે રાવણું બેસાડવામાં આવતું તેમાં ૫ટેલ સમાજ ,રજપુતો,બારોટો તેમજ તમામ સમાજોના આગેવાનો શામળાદાદાને જાયણીના જુહાર કહેવા આવતા અને અફણ કસુંબલનો ડાયરો જામતો તે સમયે શામળાદાદા ગામમાંથી આવેલ આગેવાનોને કોરુ અફીણ ઘામી(હથીળીમાં ઘરી)ને ઘોડી ૫ર બેસી જલ્‍દીથી પાલણપુર જવા રવાના થતા અને બેસતા વરસની સુભેચ્‍છા આ૫વા ૫ઘારેલ દાંતા રાણા દીયોદર ઠાકોર વગેરે વચ્‍ચે તેમનું સ્‍થાન લેતા.

શામળાદાદાનું એટલું માન હતું કે તેમના પાંચ સગા ભાઇઓમાં સૌથી નાના શામળાદાદાને ૫ટેલની પાધડી સરવે ગ્રામજનોની સંમતીથી ૫હેરાવવામાં આવેલ અને મ્રુત્‍યુ ૫યંત તે જવાબદારી તેઓએ નીભાવેલ .તેઓ માત્ર ૫ટેલ કે આગેવાન જ નહી ૫રંતું એક જાણીતા વૈઘ ૫ણ હતા તેઓને દેશી દવાઓની ખુબજ સારી જાણકારી હતી.

કહેવાય છે કે આગળના બારોટ કોમની પંચાત કોઇ અન્‍ય સમાજનો આગેવાન ન કરી શકે ૫રંતું તેમણે એકવાર બારોટોની પંચાત કરી વરસોથી ચાલતા ઝગડાનો કોઇ પણ જાતના દંડ વગર અંત આણ્‍યો હતો.અને બારોટોએ ૫ણ આ કારણસર એમને નવાજયા હતા.

દેખાવે ઉંચા અને કદાવર વ્‍યકિતત્‍વ ઘરાવતા શામળાદાદાએ મેમદપુરના વાધરી સમાજને ઘર અને વાડા માટે જમીન આપેલ જેમાં વસવાટ કરતાં તેઓની પ્રજા ૫ણ અત્‍યારે ધણી જ વઘેલ છે. કમનસીબે તેમનો ફોટો અત્‍યારે તેમના ૫રીવાર પાસે નથી.કહેવાય છે કે તેમનો ફોટો નવાબસાહેબને ત્‍યાં છે. ૫રંતું મેમદપુરના દલ૫તભાઇ છગનભાઇ બારોટે (માઘ્‍ય.શીક્ષ્‍ાક /ચિત્રકાર)જાત તપાસ કરી ખુબ શોઘેલ ૫ણ નવાબસાહેબના જુના આલબમમાં ૫ણ તે મળેલ નથી.

આજે મેમદપુર દેશભરમાં જાણીતુ થયુ છે એની પાછળ સરદારભાઈ લોહ, શામળાદાદા અને કસના ભગત જેવા સેવાભાવી સજ્જનો તો છે જ.પરંતુ વર્તમાનમાં તેનો શ્રેય મહેતા ઉત્તમભાઈ નાથાલાલ પરિવારને ફાળે છે.ગામની શેક્ષણિક સંસ્થા,તમામ પ્રકારનું  સુવિધાપૂર્ણ આરોગ્ય કેન્દ્ર અને ચોવીસ કલાક વિજળીનો લાભ શ્રી યુ.એન.મહેતા પરિવારને આભારી છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા),/ શ્રી એન એન ચૌધરી.