ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર

પ્રગતિના પગથારે : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામમેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલકપર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રીઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈદ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જેઆભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયેટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આવેબસાઈટ ઉપર લખવામાં આવશે. “પ્રગતિના પગથારે ” એ પુસ્તકનું અગિયારમું પ્રકરણ છે.આઅગાઉ દશ પ્રકરણ આપણે આ વેબસાઈટ ઉપર મુકી લખી ચુક્યા છીએ.ફરીથી આ લેખનાલેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટલિમિટેડ,અમદાવાદનો આભારી છું].

 

સમગ્ર ભારતમાં ‘ટ્રિનિકામ પ્લસ’ નો ઝડપી પ્રચાર થાય તે માટે ઉત્તમભાઈએ અવિરત પ્રયાસ કર્યો. આ વ્યવસાયની કોઠાસૂઝ ધરાવનારા ઉત્તમભાઈ જાણતા હતા કે ઝડપી પ્રચાર એ એની અર્ધી સફળતા છે, કારણ કે બીજી કંપનીઓ એનું આટલું બધું વેચાણ જોઈને એકાદ વર્ષમાં એના જેવી દવા બજારમાં મૂકે તેવી પૂરી શક્યતા હતી. આ દવાના પ્રચાર માટે ઉત્તમભાઈ મુંબઈ ગયા. આવી નવી અને નાની કંપનીનો માલ લેવા કોણ તૈયાર થાય ? બીજી બાજુ ડૉક્ટરો આ દવાની દર્દીને હિમાયત કરે, પણ તે દવાની દુકાનમાં મળતી ન હોય ત કશો અર્થ ન સરે. આથી બધા મહત્વના વિસ્તારોમાં અને દુકાનોમાં આ દવા ઝડપથી પહોંચી જાય તે જરૂરી હતું.

ઉત્તમભાઈ તરફ સ્નેહ દાખવનાર વિખ્યાત મનોચિકિત્સક ડૉ.વ્રજલાલ એન. બગડિયાને ઉત્તમભાઈ મળવા ગયા. ડૉ. બગડિયાએ એમની દવાનાં વખાણ કર્યા, કારણ કે તેઓ દર્દીની દ્રષ્ટિએ વિચારનારા ડૉક્ટર હતા. આટલી સસ્તી કિંમતની છતાં સારી ગુણવત્તાવાળી દવાનું ઉત્પાદન કરવા માટે એમણે ઉત્તમભાઈને અભિનંદન આપ્યા. ઉત્તમભાઈને એમના પરિશ્રમનું વળતર મળ્યું હોય તેમ લાગ્યું. વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવા અનુભવી અને નામાંકિત ડૉક્ટરની પ્રશંસા એ એમને માટે મોટા પુરષ્કારરૂપ હતી.

વળી ઉત્તમભાઈની વ્યાવસાયિક પ્રમાણિક્તા પણ ડૉ. બગડિયાને પસંદ પડી હતી. બીજી બાજુ સિઝોફેનિયા માટે ‘એસ્કેએફ’ નામની બહુરાષ્ટ્રીય કંપનીની દવા જંગી વેચાણ ધરાવતી હતી. એને ‘ટ્રિનિકામ પ્લસ’ ની ચડતી કઈ રીતે સહન થાય ? આથી એ કંપનીએ એવો પ્રચાર શરૂ કર્યો કે જો બે દવાનું મિશ્રણ થઈ શક્તું હોત તો તે અમે ક્યારનુંય કર્યુ હોત, આથી આવા સંયોજન (કૉમ્બિનેશન)માં ટકાઉપણું (સ્ટેબિલિટી) નથી. આવો ઘણો પ્રચાર ટૉરેન્ટ સામે અને દવા સામે થયો, પરંતુ ઉત્તમભાઈ દવાનું ટકાઉપણું (સ્ટેબિલિટી) અને ગુણવત્તા બંને સાબિત કરી ચૂક્યા હતા.

આ સમયે દવાનો પ્રચાર કરવો મુશ્કેલ હતો. તેઓ ક્યાંક જાંગડ માલ પણ મૂક્તા. ક્યારેક તો એમણે દુકાનદારોને પરાણે જાંગડ માલ આપ્યો હતો. આ ક્ષેત્રના પ્રતિષ્ઠિત ડૉક્ટરોએ ‘ટ્રિનિકામ પ્લ્સ’ની ગુણવત્તાનાં વખાણ કરતાં કહ્યું કે આ તો વિદેશી દવાની ગુણવત્તાની બરાબરી કરે તેવી ટેબ્લેટ છે. કોઈ નિષ્ણાતોએ કહ્યું કે અમે ઘણા સમયથી આવી દવાની રાહ જોતા હતા અને તમે લઈ આવ્યા ! એસ્કેએફ કંપનીની બંને ગોળીની કિંમત ૮૮ પૈસા થતી હતી. જ્યારે ટોરેન્ટે ‘ટ્રિનિકામ પ્લસ’ કાઢી તે માત્ર ૧૮ પૈસામાં મળતી હતી. આખા ભારતમાં દવાનો પ્રચાર કરવાનું ઉત્તમભાઈનું સ્વપ્ન હતું. ‘ટ્રિનિકામ પ્લસ’ ના એ વખતે બહુ ઓછા વિકલ્પ હતા, આથી આ ગોળીનો કોઈ વિકલ્પ (સબ્સ્ટિટ્યૂબ) આવી જાય તે પહેલા એનો બધો પ્રચાર કરવાની અને પહોંચાડવાની જરૂર હતી.

ઉત્તમભાઈ સામે સ્વપ્ન સાકાર થવાની ઘડી આવી. જિંદગીમાં આજ સુધી એમણે અનેક આફતોનો સામનો કર્યો હતો, કેટલીય મથામણો કરી હતી. ચાર્લ્સ બીઅર્ડનાં એ વાક્યો એમના ચિત્તમાં ગુંજતા હતા –

“When it is dark enough, you can the stars.”

આમ અંધકારભર્યા સમયમાં પણ આવતીકાલના સોનેરી સમયની એમની ઝંખના સાકાર થવાની ક્ષણો આવી.

આને માટે શ્રી બી.વી.પટેલ નામના ડ્રગ કમિશનર પાસે લોન લાઈસન્સ લેવા ગયા. ઉત્તમભાઈએ ખાતરી આપી કે બે વર્ષમાં તેઓ ફેક્ટરી ઊભી કરી દેશે. શ્રી બી.વી.પટેલના નાયબ અધિકારી શ્રી એમ,સી.દેસાઈ હતા અને એમને ઉત્તમભાઈ પ્રત્યે સાહજિક સ્નેહ હતો. પરિણામે ઉત્તમભાઈને લોન લાઈસન્સ મળ્યું. અને અમદાવાદમાં ઉત્પાદન શરૂ કર્યું. આ સમયે ઘરે ફોન નહી. ફેક્ટરીમાં ફોન હતો, એથી મુંબઈથી જરૂરી કેમિકલ ફોન કરીને મંગાવી લેતા હતા. પરિણામે મુંબઈના આકરા અને યાતનાપૂર્ણ ધક્કા બંધ થયા.

મુશ્કેલીઓના કાળમીંઢ અંધકારમાં પણ કોઈ ને કોઈ પથદર્શક દીવો મળી જાય, એમ મુંબઈમાં ‘કાંતિલાલ બ્રધર્સ’ પાસેથી કેમિકલ્સ લેવાનું ઉત્તમભાઈને અનુકૂળ આવ્યું. ‘કાંતિલાલ બ્રધર્સ’ માલ પર થોડો વધારે નફો લેતું, પરંતુ માલના પૈસા બે-ત્રણ મહિને આપે તો પણ ચાલે . પૈસા મેળવવાવી કોઈ અધીરાઈ કે ઉતાવળ કરે નહીં. વળી એ માંગેલો માલ તરત આપે. બીજી બાજુ ઉત્તમભાઈ પણ નક્કી કરેલી સમયમર્યાદામાં પૈસા ચૂકવી આપતા હતા, આથી બંનેને પરસ્પરનો વ્યવહાર અનુકૂળ આવી ગયો. ઉત્તમભાઈ પોતાની દવાઓ માટે જે કેમિકલ્સ મંગાવે તે પણ સાવ અનોખાં હતાં અને તેથી એવાં કેમિકલ્સ પૂરા પાડવામાં ‘કાંતિલાલ બ્રધર્સ’ ને પણ આનંદ આવતો હતો.

’ટિનિકામ પ્લસ’ ને ભવ્ય સફળતા મળી. મુંબઈમાં સફળતા મેળવવા કોઈ પણ દવાને ઓછામાં ઓછું એક વર્ષ લાગે એના બદલે પહેલા જ મહિને એનું વેચાણ આવવા લાગ્યું. કોઈ ડૉક્ટરે આ દવા માટે ધન્યવાદ આપ્યા,તો કોઈએ એની ટીકા પણ કરી.

ઉત્તમભાઈએ ઘણી આશા સાથે કલકત્તાની એક વ્યક્તિને એજન્સી આપીને ‘સ્ટોકિસ્ટ’ બનાવ્યો. એને કલકત્તા માલ મોકલ્યો પણ છોડાવે નહીં. ઉત્તમભાઈએ આની તપાસ કરી તો ખબર પડી કે કલકત્તામાં કાં તો બંગાળી કંપનીની દવાઓ ચાલે અથવા તો વિદેશી કંપનીની દવાઓ વેચાય. આવે સમયે ‘ટિનિકામ પ્લસ’ જેવી ઉત્તમભાઈએ અમદાવાદમાં બનાવેલી દવા વળી કોણ વેચે ? આથી પેલા સ્ટૉકિસ્ટે દવાઓનો ઓર્ડર આપ્યો ખરો, પણ આપેલી દવા છોડાવીને લાવ્યો નહીં.

હવે કરવું શું ? ઉત્તમભાઈએ સૂઝ અને સાહસભર્યો એક વિચાર કર્યો. એમણે તપાસ કરી કે બંગાળમાં મનોચિકિત્સક તરીકે કોની વધુ ખ્યાતિ છે ? એમને જાણ થઈ કે કલકત્તાના ડૉ. દીનાનાથ એન.નાન્દીની મનોચિકિત્સાના ક્ષેત્રમાં વિશાળ ખ્યાતિ હતી. સમગ્ર બંગાળના શ્રેષ્ઠ સાઈકિયાટ્રિસ્ટ તરીકે એમની ગણના થતી હતી. ઉત્તમભાઈએ એમને મળીને પોતાની દવાનો પ્રચાર કરવાનો વિચાર કર્યો. તેઓ મુલાકાત માટેનો સમય લઈને ડૉ.નાન્દીને મળવા ગયા. ડૉ. નાન્દીના નામની નીચે ત્રણથી ચાર લીટી તો ડિગ્રીઓની હારમાળાની જોવા મળે. પણ વ્યહવાર અને સ્વભાવમાં જુઓ તો સરળ વ્યક્તિ હતા. એમનું હર્દય પણ સંત જેવું ! અત્યંત પ્રેમાળ અને ભાવનાસભર !

ઉત્તમભાઈ એમને મળવા ગયા. ડૉ. નાન્દીએ એમને એમની મુલાકાતનો શો હેતુ છે એમ પૂછ્યું. ઉત્તમભાઈએ કહ્યું કે એમણે ‘ટ્રિનિકામ પ્લસ’ નામની દવાનું ઉત્પાદન કર્યું છે. એમાં બે દવાનું મિશ્રણ કર્યું છે. આવા સંયોજનવાળી બીજી કોઈ દવા નથી. વળી એની કિંમત પણ અત્યંત સસ્તી રાખી છે ! માત્ર ૧૮ પૈસાની એક ગોળી !

ઉત્તમભાઈએ વધુમાં કહ્યું , “આપ તો આ વિષયના અગ્રની વિદ્વાન છો એટલે આશા રાખું છું કે આપ આ દવાનું મહત્વ સમજી શકશો.”

ડૉ. નાન્દી તો આ પ્રકારની દવા જોઈને ખુશખુશાલ થઈ ગયા. એમણે ઉત્તમભાઈને કહ્યું “ઉત્તમ કામ કર્યુ છે, ઉત્તમભાઈ તમે . ઘણા વખતથી હું આવી કોઈ દવાની રાહ જોતો હતો, પણ કોઈ બનાવી શક્યું નહીં. તમે સાહસ કર્યુ અને સફળ થયા તેને માટે હાર્દિક અભિનંદન. તમારી આ દવા અહીં મળે છે ને ?”

ઉત્તમભાઈ કઈ રીતે કહી શકે કે છેલ્લા બે મહિનાથી માલ મોકલ્યો છે, પરંતુ સ્ટોકિસ્ટ માલ જ છોડાવતો નથી. એમણે અચકાતા અવાજે કહ્યું, “આમ તો બનતાં સુધી અહીં દવા મળે છે, પણ આપ ત્રણેક દિવસ બાદ દર્દીઓને આ દવા લખી આપજો, જેથી તે દવા આસાનીથી બધે સુલભ થઈ શકે.”

ડૉ. નાન્દીએ આવતીકાલની રાહ જોવાને બદલે તરત જ આ દવા લખવાનું શરૂ કર્યું. ડેઈઝ મેડિકલ જેવી જાણીતી દુકાનોએ દર્દીઓ આની તપાસ કરવા લાગ્યા. અત્યાર સુધી કલકત્તાની કંપની ઉત્તમભાઈનો માલ ટ્રાન્સપોર્ટમાંથી છોડાવતી નહોતી, એણે તરત જ પાર્સલ છોડાવ્યું. જુદી જુદી દુકાનોમાં ઝડપથી દવા પહોંચાડી અને કલકત્તામાં પહેલે મહિને સાત હજાર રૂપિયાની દવાઓનું વેચાણ થયું.

કલકત્તામાં કોઈ માણસને પોતાના પ્રતિનિધિ તરીકે રાખવાનો ઉત્તમભાઈએ વિચાર કર્યો. આનું કારણ એ કે કલકત્તામાં આવવું હોય તો બે હજારની પ્લેનની ટિકિટ થાય. રહેવાના, ઊતરવાના અને જમવાના બધા મળીને પાંચ હજાર થાય. આમ સાતેક હજાર ખર્ચીને કલકત્તા આવવું કે પછી કોઈ માણસને રાખીને કામ ચલાવવું ? એમણે અખબારમાં આ માટે જાહેર ખબર આપી. પોતે ફાઈવ સ્ટાર હોટલમાં ઊતર્યા. સહુના ઇંન્ટરવ્યુ લીધા. આશ્ચર્યની હકીકત એ બની કે બંગાળમાં એટલી બધી ગરીબાઈ કે લોકો ૨૦૦-૩૦૦ રૂપિયામાં પણ નોકરી કરવા તૈયાર હતા.

આ જોઈને ઉત્તમભાઈએ વિચાર્યુ કે જો એક જ વ્યક્તિ રાખીએ અને તે અયોગ્ય નીવડે તો મહિને ચાર-પાંચ હજારનું નુકસાન થાય. એને બદલે થોડા વધુ લોકોની નિમણૂંક કરીએ. વળી કલકત્તાનું સેન્ટર એવું હતું કે જ્યાં એમણે એમનો કિલ્લો મજબૂત કરવાનો હતો. બસો રૂપિયામાં વ્યક્તિ કામ કરવા તૈયાર હોય તો દસ માણસો રાખતા મહિને ખર્ચ બે હજાર રૂપિયાનો આવે. વળી પોતાની દવાનું ઝડપી વેચાણ જોતાં આટલી રકમ કશી વિસાતમાં નહોતી, આમ એક-બેને બદલે છ વ્યક્તિઓની બસો રૂપિયાના પગારે ઉત્તમભાઈએ નિમણૂક કરી. એવામાં એમ.ચૌધરી નામના એક સજ્જન મળવા આવ્યા. અત્યંત વિવેકી. કોઈ છાપાના તંત્રી પણ રહી ચૂકેલા. સાથે મેયરની ભલામણ ચિઠ્ઠી હતી.

ઉત્તમભાઈએ કહ્યું, “છ વ્યક્તિઓની પસંદગી કરવાની હતી તે થઈ ચૂકી છે, માટે માફ કરશો.”

પેલી સાતમી વ્યક્તિએ કહ્યું, “સાહેબ તમે મને જે આપશો તે મંજૂર છે, પણ મને આપની કંપનીમાં રાખો. “ઉત્તમભાઈને એમનો વિનય સ્પર્શી ગયો. વળી કપડા પણ અપ-ટુ-ડેટ પહેરેલાં હતાં. ઉત્તમભાઈએ એમની નિમણૂંક કરી. બન્યું એવું કે અગાઉ જે છ વ્યક્તિઓની નિમણૂક કરી હતી, તે થોડો સમય કામ કરીને નોકરી છોડીને અન્યત્ર જતી રહી. જ્યારે સાતમા આવેલા ચૌધરીએ એક ભાઈની માફક કલકત્તામાં ઉત્તમભાઈનો કારોબાર સંભાળ્યો. એમણે ખૂબ ઝડપથી ધંધાનો વિકાસ કર્યો અને એક મહિનાનું પાંચ લાખ રૂપિયાનું વેચાણ થવા લાગ્યું. ઉત્તમભાઈ તરફ પ્રેમ અને સન્માનની લાગણી રાખતા ઉત્તમભાઈને તબિયતને કારણે શ્રી ચૌધરી એમને કલકત્તા સુધી ધક્કો ખાવાની હંમેશા ના પાડતા હતા. માત્ર એટલું જ પૂછે કે તમે આ મહિને કેટલું વેચાણ ઇચ્છો છો ? અને તેઓ તેટલું વેચાણ કરીને વિગત મોકલી આપતા હતા.

કલકત્તાની સફર ઉત્તમભાઈને ફળદાયી નીવડી. એક તો ડૉ.નાન્દી જેવા નિષ્ણત અને નામાંકિત ડૉક્ટરનો સહયોગ મળ્યો. તેઓ દર્દીને આઠ-દસ દવા લખી આપે અને એથી દર્દી એ દવા એક જગ્યાએ ન મળે તો બીજે લેવા જાય પણ ખરો. એ જ રીતે રીપ્રેઝન્ટેન્ટીવ તરીકે ચૌધરી જેવા નિષ્ઠાવાન અને ડોક્ટરોમાં પ્રિય એવી વ્યક્તિ મળી ગઈ. ચૌધરીના પત્રોનું લખાણ પણ એટલું જ સુંદર, અને તેને કારણે પશ્વિમ બંગાળ અને પૂર્વ ભારતમાં ઉત્તમભાઈની દવાઓ મોટા પ્રમાણમાં વપરાવા લાગી. વળી સારો એવો નફો હોવાથી કમાણી પણ થવા લાગી. ‘ટ્રિનિકામ’ માં જમાવેલી આબરૂ ‘ટ્રિનિકામ પ્લસ’ માં બમણી બની ગઈ. ટૉરેન્ટ કંપની ‘પ્લ્સ’ થઈ ગઈ. ખૂબ ઝડપથી સમગ્ર દેશમાં દવા પહોંચાડવાની હોવાથી ઉત્તમભાઈ છેક પંજાબ સુધી જઈ આવ્યા.

ક્યારેક તબિયત બરાબર ન હોય તો શારદાબહેન પણ સાથે જાય. અઠવાડિયું કોઈ નજીકના હવા ખાવાના સ્થળે જાય અને બાકીનું અઠવાડિયું કામ કરે. એ પછી પોતે એકલા દિલ્હી જઈ આવ્યા. એ સમયે કોઈ નવી દવા પ્રચારમાં મૂકવાનું નાની કંપનીને માટે ગજા બહારનું ગણાતું હતું. જ્યારે ઉત્તમભાઈએ પ્રથમ મહિને જ આમાં સફળતા હાંસલ કરી.

ઉત્તમભાઈએ વ્યવસાયનો પ્રારંભ ગામડાઓથી કર્યો હતો, આથી તેઓ ગામડાને ક્યારેય ભૂલ્યા નહીં. દૂર દૂરના ગામડામાં જવા માટે મોટરની જરૂર પડે. બીજી બાજુ એવો પણ વિચાર હતો કે હવે અમદાવાદમાં કોઈ મકાન લેવું , પણ મકાન કરતાં મોટર વધુ જરૂરી લાગી. એમણે ૧૯૭૦માં તેર હજારમાં ‘સેકન્ડ હેન્ડ’ એમ્બેસેડર કાર લીધી. આ એમ્બેસેડર એમને ઘણી શુકનિયાળ નીવડી. એમાં ફરીને ખૂબ વેપાર કર્યો. ગાડી ક્યારેય હેરાન કરે નહી કે બ્રેકડાઉન થાય નહીં. એ પછી નવા મોડેલની ગાડીઓ આવતાં આખરે એ શુકનિયાળ એમ્બેસેડરને ઉત્તમભાઈએ ભારે હૈયે વિદાય આપી હતી.

ઉત્તમભાઈએ ગાડી લીધી, પણ પછી ગામડામાં જવાનું ન બન્યું. શહેરોમાં જ ‘ટ્રિનિકામ પ્લ્સ’ નો એટલો બધો પ્રચાર થયો કે ન પૂછો વાત. આથી એ દવા સતત મળતી રહે તે જરૂરી હતું. વળી નાદુરસ્ત તબિયતને કારણે ગામડાઓ ખૂંદવાનું મોકુફ રાખવું પડ્યું.

કલકત્તાની સફળતા પછી પૂના ગયા. પહેલા તો આગ્રહ કરીને વેપારીને એમની દવાઓ આપવી પડતી હતી, પણ ‘ટિનિકામ પ્લસે’ આખો માહોલ બદલી નાખ્યો. પૂનામાં પણ પહેલા જ દિવસથી નિષ્ણાત સાઈકિયાટ્રિસ્ટ એમના પ્રિસ્ક્રિપ્શનમાં ‘ટ્રિનિકામ પ્લસ’ લખવા માંડ્યા. દવાની દુનિયામાં લાંબા સંશોધનને અંતે કોઈ અસરકારક દવા શોધાઈ હોય તો જ તે પહેલા દિવસે લખાય. ‘ટ્રિનિકામ પ્લ્સ’ ને આવો આવકાર મળ્યો. એ પછી એક વ્યક્તિને ઇન્દોર મોકલી અને ત્યાં પણ દવાનો પ્રચાર કર્યો. દરેક શહેરમાં બે મહિના સુધી દવા ચલાવે અને પછી કોઈ માણસની નિમણૂંક કરતા હતા. આ રીતે ઉત્તમભાઈ ધંધાની જમાવટ કરવા લાગ્યા.

૧૯૭૦-‘૭૧માં અમદાવાદની રૂબી કંપનીમાં લોન લાઈસન્સ ઉપર ઉત્તમભાઈ દવાઓનું નિર્માણ કરતા હતા. આ રૂબી કંપનીને કામની જરૂર હતી. અને ઉત્તમભાઈ ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર આપવા માંડયા, પરંતુ ધીરે ધીરે રૂબી કંપની સમયસર માલ આપતી નહીં. પરિણામે એમણે વિચાર કર્યો કે શા માટે આપણે પોતાની જ ફેકટરી ન કરીએ ! પરિણામે મણિનગરમાં એક ત્રિકોણિયા મકાનમાં ફેક્ટરીનો પ્રારંભ કર્યો.

આ સમયે અમદાવાદમાં મનોચિકિત્સક તરીકે ડૉ. હકીમનું નામ જાણીતું હતું. એમણે શ્રી યુ.એન.મહેતાને ‘સેડોંઝ’ કંપનીમાં હતા ત્યારથી એક કુટુંબીજનની માફક હૂંફ અને ઉષ્મા આપી હતી. તેઓ શારદાબહેનને પણ અવારનવાર સલાહ અને સાંત્વના આપતા હતા. ઉત્તમભાઈના કપરા સમયમાં ડૉ. હકિમે ઘણો સાથ આપ્યો. ઉત્તમભાઈને એમના જીવનમાં વિરલ વ્યક્તિઓ પાસેથી ઉષ્મા અને હૂંફનો અનુભવ થયો હતો, આમાની એક વ્યક્તિ હતા ડો. હકિમ.

અમદાવાદના એક ડૉક્ટરે જોયું કે ઉત્તમભાઈની દવાઓ એવી છે કે થોડા મહિનામાં ટંકશાળ પાડશે, આથી તેઓ એમના એક શ્રીમંત મિત્રને લઈને ઉત્તમભાઈ પાસે આવ્યા. એ ભાઈએ એમની સાથે ભાગીદારીમાં વ્યવસાય કરવાની દરખાસ્ત મૂક્તા કહ્યું કે તેઓ ચાલીસ લાખ રૂપિયા આપવા તૈયાર છે, જેથી ઉત્તમભાઈ એમના ધંધાનો ઝડપી વિકાસ સાધી શકે. ચાલીસ લાખ આપવા સાથે એમની શરત એટલી હતી કે વ્યવસાય પર એમનું નિયંત્રણ રહે. ઉત્તમભાઈ કોઈ પણ કાર્ય વિશે સાંગોપાંગ વિચાર કરવાનું વલણ ધરાવતા. કોઈ એકાદ બાબત સારી લાગે અને ઝુકાવી દે, તેવી આવેગશીલ એમની પ્રકૃતિ નહોતી. કોઈ પણ નિર્ણય કરતા પૂર્વે એના બધા પાસાંનો વિચાર કરતા. કોઈને એમનામાં ત્વરિત નિર્ણયશક્તિનો અભાવ લાગે, પણ હકીકતમાં દેખાતા વિલંબનું કારણ એમની દરેક બાબતમાં બધાં પાસાંઓ તપાસવા અને ભવિષ્યની દિર્ધદ્રષ્ટિએ વિચાર કરવાની સૂઝ હતી. પહેલી વાત તો એ કે ઉત્તમભાઈ પોતાના વ્યવસાય પર પોતાનું જ નિયંત્રણ રાખવા ઇચ્છતા હતા. બીજાના નિયંત્રણ હેઠળ વ્યવસાય ખેડવાની વાત પસંદ નહોતી. બીજો એવો પણ વિચાર આવ્યો કે આટલી બધી રકમ લઈને હું શું કરું ? એકાએક તો વ્યવસાયનો આટલો બધો વિકાસ કરવાનો પણ હાલ અવકાશ નથી. વળી એમ પણ વિચાર્યુ કે મારા ઉદ્યોગમાંથી જ આટલી રકમ ઊભી કરી શકું તેમ છું, તેથી પોતાની મેળે લડી લઉં એ જ વધુ સારું. પરિણામે એમણે એ દરખાસ્તનો નમ્રતાથી અસ્વીકાર કર્યો.

આ વેબસાઈટ ઉપર લખાયેલા ઉત્તમભાઈ મહેતા વિશેના અગાઉના પ્રકરણો વાંચવાઅહીં  ક્લીક કરો.