ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

લોકલાડીલા નેતા સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

GNP-101[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

 

સંત બકે પરમાર્થી, જાકે શીતળ અંગ,

તપત બુઝાવે ઔરનકી, દે દે અપના રંગ.

સંત સમાગમ હરીકથા, દુર્લભ વસ્તુ હોય,

દ્રારા, સુત અરુ લક્ષ્મી તો પાપીકો ભી હોય.

સેવા, સ્મરણ બંદગી, નામ ધર્મ વિશ્વાસ,

એ ભાઈડાંને જમડા કયા કરે, જેની નીરથ કરે છે આશ.

આપણા સમાજમાં સંતો અને સમાજ સુધારકોનું સ્થાન પૂજનીય છે. આવા સાચા સમાજ સુધારક નિસ્વાર્થી નેતા સ્વર્ગસ્થ પૂજ્ય ગલબાભાઈના જીવન વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે.બનાસકાંઠા જિલ્લાની જનતાના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ પૂજ્ય ગલબાભાઈ સને ૧૯૫૨થી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશી સમાજસેવાના સૂત્રધાર બન્યા. સમાજની નિસ્વાર્થ સેવાનો પ્રવાહ ત્યારથી શરૂ થઈ ચૂક્યો હતો.આપણો બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે બિલકુલ પછાત હતો. સાથે સાથે જિલ્લાની મધ્યમ અને પછાત વર્ગની પ્રજા ગરીબી અને ગુલામીના પરતંત્ર વિચારોમાં ગળાડૂબ ડૂબેલી હતી. લોકોમાં સામાજિક કુરૂઢિઓ દ્રઢ હતી.

એવા કપરા સમયમાં બનાસકાંઠાની જનતા જનાર્દનને જાગ્રત કરવા મળેલી આઝાદીના અમૃતનાં પાન કરાવવા જગતનિયંતાએ આ શાંતિના દૂતને શાંતિનો સંદેશો લઈને મોકલ્યો.સંતો, સમાજ સુધારકો કે મહાન વિભૂતિઓ મહેલોમાં નથી જન્મતી; એ તો જન્મે છે ગરીબોની ઝૂંપડીએ એવા દાખલા ઇતિહાસ પૂરા પાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ, ઇશુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબર જગતના ઇતિહાસમાં સુવર્ણાઅક્ષરે ઝળકી રહ્યા છે.

સ્વ. પૂજ્ય ગલબાભાની જન્મભૂમિ નળાસર વડગામ તાલુકાનું એક નાનું ગામડું છે. અને એવા નાનકડા ગામમાં ગરીબ ખેડૂત નાનજીભાઈને ઘેર તે જન્મ્યા. એ વખતે સ્ટેટ સમયમાં ચાલતી ગામઠી શાળામાં તેમણે ચાર ચોપડી જેટલું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.પોતાના જિલ્લાના ભાઈઓને આગળ લાવવા માટે તેમણે સૌ પ્રથમ શિક્ષણનો પ્રચાર શરૂ કર્યો. ભણેલી પ્રજા જ આઝાદીની સાચી કિંમત આંકી શકે છે અને આઝાદી સાચી રીતે ભોગવી શકે છે. ગામડે ગામડે ફરીને તેમણે બાળકોને ભણાવો એ પ્રચાર શરૂ કર્યો તેમાં તેમને સારી સફળતા મળી.

ત્યાર પછી તેમણે સમાજમાં ઘર ઘાલી બેઠેલા સામાજિક કુરિવાજો અને વ્યસનો નાબૂદ કરવા અથાગ પ્રયત્ન કર્યો, અને સમાજમાંથી ખોટા રિવાજો, બાળલગ્ન વગેરે બંધ કરવા આજીવન પ્રચર કર્યો અને લોકોમાંથી ૭૦ ટકા કુરિવાજો નાબૂદ કરવામાં તે સફળ થયા.આપના દેશનો મુખ્ય ધંધો ખેતી છે. અનાજની બાબતમાં આધુનિક ઢબે ખેતી કરી વધુ અનાજ પેદા કરવાની ઝુંબેશ શરૂ કરી લોકોને ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નો સરકારમાં રજૂ કરી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરી. પડતર જમીનને પાળાબંધી દ્વારા નવતર બનાવી તેમાં ઉત્તમ પાકો લેવાવા માંડયા તેનો સંપૂર્ણ યશ પૂજ્ય ગલબાભાઈને ફાળે જાય છે.

શ્રીમંતો પોતાની લક્ષ્મીના બળે લોકોને ચૂસતા હતા. વધુ વ્યાજ લેતા હતા અને લોકોના પૈસા પર એસ આરામ કરતા હતા તે સ્વર્ગસ્થ સારી રીતે જાણતા હતા; તેથી આ ભૂખ્યા વરૂ શ્રીમંતોની નાગચૂડમાંથી મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજાને બચાવવા સરકાર દ્વારા ખેડૂતોને અને ગરીબોને ધંધા રોજગાર માટે જોઈતી તમામ પ્રકારની લોનો અને અન્ય મદદો અપાવી લોકોને શ્રીમંત ધનવાનોની ગુલામી માંથી મુક્ત કર્યા. જરૂર જણાયે આ સાચા લોકસેવક તળપદી ભાષામાં નીડર-પણે કડક શબ્દો ધનવાનોને સુણાવી દેતા.

સને ૧૯૫૨માં પોતે બૃહદ મુંબઈ રાજ્યમાં ૧૦ વર્ષ સુધી બે વાર વિશાળ બહુમતીથી ચૂંટાઈને વિધાનસભામાં ગયા. નીડર વક્તા તથા સાચા લોકસેવકના ગુણો અને નિસ્વાર્થ ભાવનાને લીધે ત્યારબાદ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. પોતાના તાલુકાની પણ ઉત્તમ સેવા કરી અને ત્યાર પછી પોતે બિનહરીફ રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે ચૂંટાયા.

૧૯૫૨થી તેમની નિર્વાણ તા. ૦૩.૦૧.૭૩ સુધી સતત તે હોદ્દાઓ ઉપર ચાલુ રહ્યા છતાં જરા પણ હોદ્દાનું અભિમાન નહીં. ગાંધીજીના રંગે રંગાયેલા આ સાચા લોકસેવક સાદાઈની પ્રેરણામૂર્તિ હતા. જનતાનો નાનામાં નાનો માણસ પણ પોતાને નડતી તકલીફોની વાતો તેમની પાસે જઈ રજૂ કરતો અને પોતે ખૂબ ધ્યાન દઈને સાંભળતા અને વહેલી તકે તેની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ રહેતા.

બનાસકાંઠા જિલ્લા દૂધ ડેરીના આદ્યસ્થાપક પોતે હતા. દૂધ ડેરીને સમૃધ્ધ બનાવવા જીવન પર્યત મંડ્યા રહ્યા અને પરિણામે તેમાં તેમણે ખૂબ સારી પ્રગતિ હાંસલ કરી છે. સ્વર્ગસ્થ પૂ. ગલબાભાઈ જ્યારે જિલ્લાના પ્રમુખ પદે હતા તે વખતે સવંત ૨૦૨૫-૨૬ની સાલમાં આખું ગુજરાત દુષ્કાળના કોળિયામાં ભરખાઈ ગયું હતું. ગરીબોને બાજરી, ધાબળા અને સુખડીના વિતરણ માટે ગામડે ગામડે સુખડી વિતરણ કેન્દ્રો ખોલ્યાં અને તેમાં સેવાભાવી શિક્ષકોની નિમણૂંક કરી. છપ્પનિયા કાળથી પણ ચડિયાતો આ સવંત ૨૦૨૫-૨૬નો કારમો દુષ્કાળ હતો, છતાં તેમના ઉમદા સંચાલને જિલ્લાની પ્રજાને ઉગારી લીધી હતી.

ભણતર કરતાં ગણતર ચડિયાતું છે. એ વ્યહવાર-કુશળતાના ઉત્તમ ગુણોને લીધે ચાર ચોપડી જેટલું પ્રથમિક શિક્ષણ મેળવેલ ગલબાભાઈએ જિલ્લાના પ્રમુખપદે રહીને જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાના વહીવટમાં ક્યાંય ઊણપ આવવા ન દીધી. ભલભલા ડિગ્રીધારી શિક્ષિતોને પણ નવાઈ પમાડે તેવો ઉમદા તેમનો વહીવટ હતો. કરોડો રૂપિયાના વહીવટકર્તા હોવા છતાં પણ પોતે ક્યાંય લાલચમાં કે અંગત સ્વાર્થમાં રાચ્યા નથી.

જીવનની અંતિમ ઘડી સુધી આ પ્રખર લોકસેવકે લોકોની સેવા માટે ન ગણ્યો દિવસ કે ન ગણી રાત, ન ગણ્યો વૈશાખી તડકો કે ન ગણી કારમી ઠંડી અને સતત સેવાના કામમાં મંડ્યા રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુનું ‘આરામ હરામ હૈ ‘ એ સૂત્ર તેમણે જીવનમાં બરાબર પચાવ્યું અને એ રીતે જીવન જીવ્યા.

– શ્રી પરબતભાઈ સવાભાઈ પટેલ

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.

—————————————————————————————————————————-

સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી, પરંતુ પરીવારના માહોલમાંથી મળે છે…!!