આપણા તિર્થસ્થળો

ભીમે સર્જેલું મોકેશ્વર શિવમંદિર.

મહાભારત કાળના આ પુરાતન તીર્થની મહિમા ગાતી પ્રચલિત કથા આ પ્રમાણે છે: મહાભારત કાળની વાત છે.પાંડવો અને કૌરવો જૂગટું રમતા.તેમાં કૌરવોના મામા શકુનીની ચાલબાજીભરી રમતમાં પાંડવો રાજપાટ હારી ગયા.પત્ની દ્રોપદીને હારી બેઠા.આમ સર્વસ્વ હારી ગયા પછી શરત મુજબ પાંડવોએ બાર વર્ષ વનવાસ અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ ભોગવવાનું હતું.

કાંટા-ઝાંખરાવાળા,ખાડા ટેકરા અને ભયાનક જંગલ પસાર કરતાં એ રઝ ળપાટમાં બાર વર્ષ પુરા થયાં.પછી તેરમા વર્ષે કૌરવોના કોઈ સામાન્ય સૈનિક પણ ન જોઈ જાય કે કોઈને પણ તેમના રહેઠાણ-વસવાટનો અણસાર સરખો પણ ન આવે તે રીતે પાંડવોએ ગુપ્તવાસ વેઠવાનો હતો.ઘીચ ઝાડી અને જંગલો વચ્ચેથી પસાર થતાં પહાડો ને કોતરો વચ્ચે થઈને પાંડવોએ બનાસકાંઠા જિલ્લાની વડગામ તાલુકાની આ ભૂમિ ઉપર પદાવ નાખ્યો.

પહાડી વચ્ચે સરસ મજાનો નદી કિનારો જોઈને અને સૂરજ દેવતાને આથમતો જોઈને થાક્યા પાક્યા યુધિષ્ઠિરે ભીમને કહ્યું : ‘મને લાગે છે કે આપણા માટે આ જગ્યા ખૂબ જ અનુકૂળ રહેશે.”“ બરાબર છે ભાઈ ,અહીં પહાડોની વચ્ચે આપણને કોઈ શોધી શકશે નહી.વળી અહીં નદી માતા વહેતી હોઈ પાણીની ય શાંતિ રહેશે.” અર્જુને પોતાની સંમત્તિ દર્શાવી.

“ ભાઈ ! અહીં કોઈ વાતે તકલીફ પડવાની નથી.” ભીમે શ્રધ્ધાપૂર્વક કહ્યું અને સહદેવ,નકુલ પણ મોટાભાઈની વાતમાં જોડાયા.થાક્યા પાક્યા આવેલા પાંડવોએ એક ઘટાદાર વૃક્ષની શીતળ છાયાંમાં પહાડોની આડમાં લંબાવ્યું.યુધિષ્ઠિર નિંદ્રાધીન બની ગયા.ભીમની ચકોર નજર થોડી થોડી વારે ચોતરફ ફરતી રહી.સવાર થઈ.સુરજ દેવતાએ પહાડો અને વૃક્ષો વચ્ચેથી અજવાળુ પાથરી દીધું.સહદેવ અને નકુલ ચૂલો પેટાવવાની વેતમાં બળતણની શોધમાં નીકળ્યા.

ભીમને વિચાર આવ્યો કે મોટાભાઈ શિવજીના દર્શન-પૂજા કર્યા વિના અનાજ લેતા નથી તે નજીકમાં કોઈ ભગવાન શિવજીનું મંદિર હોય તો જોતો આવું.ભીમે આ વાત યુધિષ્ઠિરને જણાવી તેમની સંમતિ લઈ શિવ મંદિર ગોતવું શરૂ કર્યું.ખાસુ ચાલ્યા પછી ભીમે જોયું કે અહીં કોઈ શિવ મંદિર નથી ત્યારે એ મૂંઝાયા.મોટાભાઈને ભૂખ્યા રહેવું પડશે એ વિચાર મનમાં ઘુમરાવા લાગ્યો.મનોમન ભગવાન શ્રી કૃષ્ણને સંભારીને એક પહાડમાં એમણે ખોદવું શરૂ કર્યું.મોટી બખોલ પાડી પછી શિવજીનું લિંગ ત્યાં સ્થાપી દીધું.થોડીવારે પાછા ફરી મોટાભાઈ યુધિષ્ઠિરને આ સ્થળે લઈ આવીને ભગવાન શિવનાં દર્શન કરાવ્યાં.આ રમણીય જગાએ આવું સુંદર શિવલિંગ જોઈને યુધિષ્ઠિર પ્રભાવિત થયા અને પાંડવોએ લાંબો સમય અજ્ઞાતવાસવાસનો અહીં પસાર કર્યો.

દરમ્યાનમાં ત્રિકાળજ્ઞાન થી ભગવાન શ્રીકૃષ્ણ ને પાંડવો આ સ્થળે હોવાની જાણ થતાં શ્રી કૃષ્ણે આ સ્થળે પગલાં કર્યાં.ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં પાંડવોએ તેમના પિતાનું અહીં શ્રાદ્ધ કરી મુક્તિ અપાવી એટલે આ સ્થળ મુક્તેશ્વર તરીકે પણ ઓળખાય છે.જુના સમયમાં દક્ષિણે ગાયકવાડ સરકારની ઉત્તર ઇશાને દાંતા મહારાણાની અને પશ્વિમે પાલનપુર નવાબની સરહદ આવતાં ગાયકવાડ,દાંતા અને પાલનપુર રાજ્યના ત્રિભેટે આવેલ આ યાત્રા સ્થળે જળ ઝીલણાં એકાદશી (ભાદરવા સુદ ૧૧ )ના રોજ ભરાતા મેળામાં ત્રણેય સરકારી ચોકી રહેતી.આજે આ મેળો તો ભરાતો જ રહ્યો છે.અહીં મોકેશ્વર બંધ બંધાતાં નદી પહાડો વચ્ચે ચઢાણ-ઉતારના પાકા પગથિયાં પરથી પસાર થઈને નીચે ઉતરતાં પહાડોમાં બખોલ પાડીને શિવજીનું કોતરાયેલું મંદિર ભવ્ય અને રમણીય લાગે છે.કુદરતના ખોળે હર્યા ભર્યા સૌંદર્યો વચ્ચે આ રમણીય સ્થળ મનને હરી કે તેવું છે.

પાલનપુરથી બસમાં વડગામ થઈને મોકેશ્વર ૪૦ કિલોમીટરે અને મુમનવાસથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલ છે.મોકેશ્વર જલોત્રા-સીસરાણા થઈને ય બસ દ્વારા જવાય છે.આ પ્રાચીન તીર્થના દર્શને શ્રધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે.શ્રાદ્ધ સમયે આ પવિત્ર ભૂમિમાં પિતૃ તર્પણ કરીને ભાવવિભોર બને છે.સર્પ દોષ નિવારણ તેમજ ધાર્મિક વિધિ માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટે છે.એટલું જ નહી કેટલાક પરિવારજનો અગ્નિ સંસ્કાર માટે આ સ્થળને પવિત્ર ગણે છે.

[સ્વરાજ્ય દિપોત્સવી અંક -૨૦૦૭ માંથી સાભાર.લેખક;-શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા]