પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ – ૨

(વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી મહારાજ સાહેબના વિચારો આપણા સુધી પહોંચે તેવા શુભ આશયથી આ વેબસાઈટ ઉપર પૂજ્યશ્રીએ લખેલ પુસ્તકોમાંથી લેખમાળા સ્વરૂપે તબક્કાવાર મુકવામાં આવે છે.)

 

પ્રશ્ન :  જૈન સાધુઓ આટલા રૂઢિચુસ્ત ન રહે તો, તેઓ વધુ વિશાળ ફલક પર કામ કરી સમાજને માર્ગદર્શન આપી શકે એમ તમને નથી લાગતું ?

ઉત્તર :  રૂઢિચૂસ્તતા’. ‘વિશાળ ફલક’ જેવા અનેકાનેક શબ્દોના અર્થના સમજ વગરની કેવળ ફેકાંફેક આજકાલ ઘણી ચાલતી હોય છે. એટલે સૌથી પહેલા તો આ શબ્દનો વાસ્તવિક અર્થ શો છે તે વિચારી લેવું જોઈએ. કો’ક કુટુંબમાં કે કો’ક સમાજમાં પેઢિઓથી રોજ સવારે મા-બાપના પગમાં પડવાની રૂઢિ હોય તો, આવી રૂઢિમાં ચૂસ્ત રહેવું, તે અવગુણનું નહિ, પણ ગુણનું સૂચક છે. એટલે રૂઢિચૂસ્તતાને જે રીતે ગાળના અર્થમાં પ્રયોજવામાં આવે છે, તેવો તેનો અર્થ નથી જ. હિંસા, જૂઠ, ચોરી, વાસના, લંપટતા કે પૈસા પાછળના પાગલપન જેવાં પાપોથી દૂર રહેવાની જો જૂની રૂઢિ હોય અને તેમાં જૈન સાધુઓ ચૂસ્ત રહેતા હોય તો, એવી રૂઢિચૂસ્તતા તો થાબડવા યોગ્ય છે. વર્તમાનમાં કેટલાક જૈન સાધુઓ ઓછું-વત્તુ જીવતાં હોય, તેને બાજુએ રાખીયે તો શાસ્ત્રોમાં જૈન સાધુની દિનચર્યા અને જીવનશૈલીના જે સૂક્ષ્મતમ ‘કોડ ઓફ કન્ડક્ટ’ નક્કી કરવામાં આવ્યા છે, તેની

વૈજ્ઞાનિક સમજ મેળવવામાં આવે તો, આફરીન પોકારી જવાય તેવું છે. પણ આજકાલ જે વિષયમાં સામાન્ય જાણકારી પણ ન હોય, તે વિષયમાં પણ એમાંય ખાસ કરીને ધર્મના વિષયમાં અભિપ્રાય આપવાનો સૌ પોતાનો જન્મસિધ્ધ હક માનતા હોય છે. જૈન સાધુઓની કે બીજા કોઈની પણ રૂઢિચૂસ્તતા યોગ્ય ન લાગતી હોય તો, પહેલા તો, તેમની રૂઢિઓ શું છે, તેની પાછળના રહસ્યો શું છે અને વર્તમાન સંજોગોમાં તેની પ્રસ્તુતતા કેટલી છે, તે કોઈક અભ્યાસીના સાંનિધ્યમાં બેસીને જાણવાની કોશિશ કરવી જોઈએ અને જ્યાં સુધી ટી,વી, વીડિયો, છાપાં-ચોપાનિયાં કે હરવા-ફરવામાંથી આવા અભ્યાસ કરવા જેટલો સમય ફાજલ ન પાડી શકીએ, ત્યાં સુધી તે વિશે એક હરફ પણ ઉચ્ચારવાનું વ્રત લઈ લેવું જોઈએ. અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને અપ્રિગ્રહના આદર્શોની ટોચ સુધી પહોંચાડનારી દૈનદિન રૂઢિઓને ફગાવી દેવાની નહિ, પણ વાનરબચ્ચું જેમ પોતાની માને બાઝીને ચીટકી રહે, તેમ વધુ ને વધુ ઉત્કટતાથી ચીટકી રહેવાની જરૂર છે.

પ્રશ્ન :  જૈન સાધુના અને અન્ય સંન્યાસીઓના જીવનમાં શો ફેર હોય છે ?

ઉત્તર :  જૈન સાધુના અને અન્ય સંન્યાસીના જીવનમાં શો ફેર હોય છે, તે સમજતાં પહેલા તો જૈન સાધુનું જીવન સમજી લેવું પડે. લીલા ઝાડના પાંદડાને સ્પર્શ સુધ્ધાં ન કરવાની સૂક્ષ્મતમ અહિંસા, ક્રોધ, લોભ, ભય કે હાસ્ય કોઈ પણ નિમિત્તે નાનકડું પણ અસત્ય વચન ન ઉચ્ચારવું. સોના, રૂપાની વાત તો જવા દો, તણખલા કે માટીના ઢેફા જેવી અસાર ચીજ પણ તેના માલિકની રજા સિવાય લેવી નહિ. વિજાતીય દૈહિક આકર્ષણોથી અળગા રહી, સદા બ્રહ્મમાં મગ્ન રહેવું કે ‘ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ, બજારમાં પેઢિ નહિ અને પાસે ફૂટી કોડી નહિ.’ થી વર્ણવવાયોગ્ય અકિંચન્યની મજા માણવી, તેનું જ નામ જૈન સાધુત્વ. આ પાંચે મહાવ્રતોનું મનસા, વાચા અને કર્મણા યથોક્ત પાલન લોઢાના ચણા ચાવવા કરતા જરાયે સહેલું કામ નથી. અહિંસા, સત્ય, અપરિગ્રહ – ત્યાગના આદર્શો વાતો સઘળાંયે ભારતીય દર્શનોમાં ઓછે-વત્તે અંશે જોવા મળે છે, પરંતુ જૈન સાધુના જીવનમાં આ

જ્ઞાન કેવળ બોધાત્મક સ્વરૂપ પામીને વીરમી ન જતાં, સૂક્ષ્મતમ આચારસંહિતા’ નું સ્વરૂપ પકડે છે. જેને આપણે ‘એપ્લાઈડ નોલેજ’ કહી શકીએ કે તેનાથી કંઈક અદકું. આની પાછળ જૈન સંધરચનાના આદ્યસ્થાપકોની વિશિષ્ટ દ્રષ્ટિ કામ કરી ગઈ છે. એક અજૈન સંન્યાસીએ ત્યાં સુધી કહેલું કે, જૈનોનું સંધબંધારણ એવું અજોડ છે કે, જૈન સાધુએ દીક્ષા લીધા પછી ‘હું ખાઈશ શું ? રહીશ ક્યા ?’ જેવો વિચાર પણ ક્યારેય કરવો પડતો નથી. મારા ગુરુદેવને એકવાર આવો અનુભવ થયેલો. તેઓને વિહાર દરમિયાન કો’ક અજૈન મંદિરમાં ઊતરવાનું થયું હશે, જ્યાં ધર્મશાળામાં તેમની જોડાજોડ કેટલાક બાવાઓ પણ ઊતરેલ. ગુરુમહારાજની પધરામણી થતાં જ આહાર વગેરેની ભક્તિનો લાભ આપવા વિનંતી કરવા ઉમટી પડેલ ભક્તોનો ઊમકળો જોઈને એક બાવાજીએ પૂછ્યું કે, ‘અમે તો દિવસોથી અહીં છીએ, છતાં કોઈ અમારો ભાવ પૂછતું નથી. જ્યારે આપ ના પાડો છો તો પણ લોકો કેમ આટલી પડાપડી કરે છે ?’ ત્યારે ગુરુમહારાજે કહેલ કે, ‘આપણે જો ગૃહસ્થના ઘરે જઈને કાળી રોટી અને ધોળી દાળ’ (માલપૂઆ અને દૂધપાક) નાં ભોજનના કોડ હોય તો, આપણી કિંમત બે કોડીની થયા વિના રહે નહિ. પણ ગૃહસ્થો બત્રીસે પકવાન માટે આગ્રહ કરે, ત્યારે દેહ ટકાવવા પૂરતું, રોટલો ને છાશ સિવાય બીજી ચીજ તરફ નજર પણ ન કરીએ તો, આ ઉમળકો અને ભાવ કાયમ જળવાઈ રહે.’

ઉનાળાના ધોમધખતા બપોરે હાઈવે ઉપર ખુલ્લા પગે વિહાર કરતી વખતે એવા પણ અનુભવો થાય છે કે, પંજાબી, શીખ ડ્રાઈવરો પૂરપાટ વેગે દોડતી ટ્રકને બ્રેક મારીને નીચે ઊતરીને, સાષ્ટાંક દંડવત પ્રણામ કરીને ટ્રકમાં બેસી જવાની વિનંતી કરે. સૌમ્યતાથી ના પાડવામાં આવે ત્યારે પાસે પૈસા નહિ હોય, માટે ના પડતા હશે, તેમ સમજી, ‘ફિકર નહિ કીજીયે બાવાજી, પૈસા નહિ લેંગે,’ કહે ત્યારે એને સમજાવીએ કે, ભાઈ, પૈસાનો સવાલ નથી, અમે જીવનમાં કયારેય વાહનનો ઉપયોગ કરતા નથી.’ અને ત્યારે હાઈ-વે પર સોટીની જેમ લાંબા થઈ ફરી સાષ્ટાંગ પ્રણામ કરતાં, તેમના ચેહરા પર જે અહોભાવ જોવા મળે, તે જોતાં લાગે કે, લાખો શબ્દોની જે અસર નથી હોતી, તેનાથી ચઢિયાતી અસર એકાદ નાનકડા સદ્દ-આચારની થતી હોય છે. અજૈન સન્યાસીઓમાં પણ જે આ લક્ષ સાથે જીવતા હોય છે, તે આદરને પાત્ર બનતા જ હોય છે અને જૈન સાધુના લેબાશમાં પણ જે દંભી જીવન જીવતા હોય છે, તેનાથી સમગ્ર સાધુસંધની છાપ ખરડાયા સિવાય રહેતી નથી.

પ્રશ્ન : તમને ક્યારેય એવું નથી લાગતું કે તમે સાધુ ન બન્યા હોત તો, તમારી બુધ્ધિપ્રતિભાનો વધુ રચનાત્મક ઉપયોગ કરી શકત ?

ઉત્તર :  આનો અર્ધોપર્ધો જવાબ તો મેં આપી જ દીધો છે. છતાંય રીપીટ કરું તો, એટલું ચોક્કસ કહીશ કે પાંચ-પંદર સ્કૂલ, કોલેજ કે હોસ્પિટલ, અનાથઆશ્રમ કે ઘરડાંઘર ઊભાં કરી દેવાને હું બુધ્ધિપ્રતિભાનો રચનાત્મક ઉપયોગ માનતો નથી. અવળવાણી ઉચ્ચારવી હોય તો, હું તો એમ કહીશ કે, અત્યારે જરૂર રચનાત્મક કામની નહિ, ખંડનાત્મક કામની છે. અસતના ખંડન સિવાય ક્યારેય સતની રચના થઈ શકતી નથી. ઈમારત ચણવા માટે કેવળ ઇંટોની રચના કરવાથી કામ ચાલતું નથી. પાયા માટે ખાડો ખોદવાનું ખંડનાત્મક કામ પણ કરવું પડતું હોય છે. એક બાજુ હોટલો અને લારીઓની અનારોગ્યકર ખાણીપીણી, ફાસ્ટ ફૂડ અને જંકફૂડનો કચરો કે પાનમસાલા કે ઠંડા પીણાના બેફામ વપરાશથી શરીર બગડે અને બીજી બાજુ તેને સાજું કરવા દવાખાના ઊભાં કરવા, તેના કરતા ‘ફાસ્ટ ફૂડ કલ્ચર’ નું ખંડન કરવાનું ‘પ્રિવેન્ટીવ એકશન’ એ વધુ રચનાત્મક કાર્ય નથી ? કોઇક ખ્રિસ્તી પાદરી ક્યાંક એકાદ અનાથાશ્રમ કે ઘરડાઘર ઊભું કરે, તે જાણી ઓવારી ઓવારી જઈને ‘દવાની દેવી’ની બિરદાવલિઓ ગાઈ, આપણા સાધુઓ સમાજકલ્યાણનું કામ નથી કરતાં એવું છાશવારે ને છાશવારે બોલતા ભાઈઓ એ કેમ ભૂલી જાય છે કે, જૈન-અજૈન સંતોની સભાઓમાં ઉમટતા હજારો યુવાનો રામચંન્દ્રજીની પિતૃભક્તિના આદર્શો ઝીલીને માતાપિતાના પૂજક બની, ઘરડાં માબાપને ઘરમાં દેવની જેમ પૂજે છે. ઘરડાઘર ઊભા કરવા કરતાં નવી પેઢી આદરથી, પૂજ્યભાવથી વૃધ્ધોને ઘરમાં જ સાચવે એવી પ્રેરણાના પાન પાવાં, એ વધુ ચઢિયાતું રચનાત્મક કામ નથી શું ?

શીલ અને સદાચારના આદર્શો ઊભા કરી, અનાથ બાળકોની ઉત્પત્તિ પર અંકુશ લગાવનાર સાધુસંતો અનાચારને કારણે પેદા કરીને તરછોડી દેવાયેલા અનાથ બાળકોને સાચવવા અનાથાશ્રમો ઊભા કરનાર કરતાં કોઈ અપેક્ષાએ ઊતરતા નથી. ગરીબોની, કચડાયેલી પ્રજાની અને શોષિતોની વાત કરનારા લોકોને એ ખબર નથી કે સ્ત્રીઓ, બાળકો અને પછાત કોમોના શોષણથીયે કંઈ ગણું વધુ શોષણ તો હજુ જે પેઢીએ જન્મ પણ નથી લીધો, એવી આવનારી પેઢીનું થઈ રહ્યું છે. પશ્વિમની ‘યયાતિ’ સંસ્કૃતિના વારસદારો આવનારી પેઢીના હક્કનું યૌવન ઉછીનું લઈ, પૃથ્વી, પાણી, ઊર્જા, વનસ્પતિ અને પશુઓનું શોષણ એ ઢબે કરી રહ્યા છે કે જેના પરિણામે આવનારી પેઢીને કદાચ ભૂખ્યા અને તરસ્યા મરી જવું પડશે. હવે તમે જ મને કહો, આકાશને આંબતી માણસની ઇચ્છાઓ પર રોક લગાવી, સંયમના માર્ગ તરફ આંગળીચીંધણું કરવાનો અને તદનુસાર જીવવાનો આ સાધુપણાના સ્વીકારનો માર્ગ એ જ વર્તમાન સંયોગોમાં પોતાની બુધ્ધિપ્રતિભાનો સૌથી વધુ રચનત્મક ઉપયોગ હોય એવું નથી લાગતુ ?

પ્રશ્ન :  તમને એમ લાગે કે, મેં સાધુ બનીનેન ભૂલ કરી છે તો, સાધુપણું છોડી દેવા તમે તૈયાર થાવ ખરા ?

ઉત્તર :  સનસનાટી પેદા કરવી અને છાપું વેચી પૈસા કમાવવાનું કેટલાક પત્રકારોનું ધ્યેય બની ગયું છે અને ઘણા પત્રકારોએ આ કીમિયામાં કાબેલિયત પણ હાંસલ કરી છે. આ પ્રશ્ન પણ કોઈ એવા કિમિયાની પેદાશ તો નથી ન ? પોતે સ્વીકારેલો માર્ગ ભૂલભરેલો છે, તેમ લાગે તો, કોઈ પણ સત્યનો પ્રેમી એને છોડ્યા વગર ન રહે. પણ આવો જવાબ મેળવી એવું ટાઈટલ બાંધી શકાય કે , ‘ હું દીક્ષા છોડી દઈશ.’ હકીકતમાં દીક્ષાનો સ્વીકાર એટલા બધા વર્ષોના ઊંડા મનોમંથન પછી કર્યો છે કે, તેમા બીજી કોઈ ફેરવિચારણા કરવાનો સવાલ પેદા થાય એવી શક્યતા જ રહેતી નથી. સમગ્ર હિન્દુસ્તાનમાં પોશ વિસ્તારમાં જેનો નંબર આવે, તેવા વાલકેશ્વરના વિશાળકાય ફ્લેટમાં અને વૈભવનો ઝગારો જ્યાં સૌથી વધુ ચમકવાનો હોય છે એવા હીરાબજારમાં સમૃધ્ધિની પરાકાષ્ટા જોયા-જાણ્યા પછી કરેલો આ નિર્ણય છે. યુરોપ-અમેરિકાની સફરોમાં, હીરાબજારનાં વૈભવી લગ્નોમાં કે ઓબેરોય શેરેટોનનાં ફાઈવસ્ટાર ફંક્શનોમાં સુખનાં મૃગજળ પાછળ ઝાવાં નાંખતા માણસોને ખૂબ નિકટથી નિહાળ્યા પછીનો આ નિર્ણય છે. ભારતવર્ષની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાંની એક ગણાતી કોલેજમાં અંગ્રેજી મીડિયમમાં ગ્રેજ્યુએશન કરતી વખતે તથા પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી વખતે વિચારશીલોના મનોજગતમાં ડોકિંયુ કરવાનો અવસર પણ સાંપડ્યો છે. આ બધુ જોયા-જાણ્યા પછી એ તારત્મય પર આવ્યો છું કે, પરંપરાગત ધર્મતત્વની પ્રતિષ્ટા કર્યા સિવાય કોઈ વ્યક્તિ, કોઈ ઘર, કોઈ સમાજ કે કોઈ રાષ્ટ્ર વાસ્તવમાં સુખચેન પ્રાપ્ત કરી શકે તેમ નથી. ઇંન્ગ્લેડ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછીનો ‘પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ રેવલ્યુશન એરા’ માં ધર્મને અફીણ માનીને તેનાથી વિપરિત દિશામાં દોટ મુકનાર જગત આજે કેટલું ત્રસ્ત છે, તે સૌ કોઈના અનુભવનો વિષય છે. અખિલાઈના ત્રણેય ડાયમેન્શન્સ – ઊંચાઈ, પહોળાઈ અને ગહરાઈ પ્રાપ્ત કર્યા સિવાય આમાંથી કોઈ ઉગારો નથી. એ જાણ્યા પછી કરેલો આ નિર્ણય હોવાથી એમાંથી પીછેહઠનો તો સવાલ જ કેવી રીતે ઊભો થાય ? હવે તો બસ, નામ-રૂપ અને વેશાંતરની આ દુનિયાને સથવારે,નામાતીત રૂપાતીત અને વેશાતીતના પ્રદેશ તરફ પ્રગતિ થાય અને ‘મળેલ ગમતાનો ગુલાલ કરીને’ પ્રભુના ધર્મનો ધ્વજ વિશ્વચોગાને લહેરાતો જોવા મળે, એ જ એક મનીષા હર્દયમાં જીવતી છે.

પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબના અન્ય લેખો વાંચવા અહીં ક્લિક કરો