શ્રી મણિભદ્ર વિર દાદા - મગરવાડા

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૮

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો આભારી છું. પુસ્તક માની બધી વિગતો એક સાથે લખવાનું શક્ય નહોવાથી ક્રમશ: પુસ્તક માની માહિતી આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ ભાગઅગાઉ ની  શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના આ વેબસાઈટ ઉપર લખવામાંઆવેલી માહિતી વાંચવા  અહીં ક્લિકકરો. ]

 

‘માણેક્શા ! તમે કોઈ અપરાધ કર્યો નથી. તમારું એ કૃત્ય મારા કોઈ પાપકર્મનું જ ફળ હશે. ગઈકાલની ઘટનાને, હવે ભૂલી જાઓ. હું તમને સહેજ પણ દોષિત નથી માનતો.’

‘નહીં નહીં ગુરુદેવ ! આ તો આપની મહાનતા છે, કે મને આપ અપરાધી નથી માનતા, પરંતુ હું દોષી છું…..જ્યાં સુધી આપ મને ક્ષમા નહીં કરો, હું આપના ચરણકમળ છોડીશ નહી.’

એમ કહેતા માણેકશાએ હેમવિમલ સૂરિજીના પગ પકડી મસ્તક ઢાળી દીધું. ઊનાં ઊનાં બે અશ્રુ ગુરુદેવના પગને પખાળી રહ્યાં. માણેકશાના મસ્તક પર વહાલથી હાથ મૂકતાં ગુરુદેવ બોલ્યા…..

‘ઊઠો માણેકશા ! હું તમને ક્ષમા આપું છું. તમારો પશ્વાતાપ જ તમારું પ્રાયશ્વિત છે.’

ગુરુદેવના મુખેથી આ શબ્દો સાંભળતા જ માણેકશાએ તેમના ચરણો છોડી આંસુ લૂછી નાખ્યા. પુન: સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તેમની સામે અહોભાવથી જોતા બેસી ગયા.

‘બોલો, માણેકશા કંઈ કહેવા માગો છો ?’

‘એક વિનંતી છે ગુરુદેવ પરંતુ હું….’

‘મુંઝાસો નહીં માણેકશા ! બેધડક જણાવો….’

‘ગુરુજી ! મારી બાની ભાવના છે, આપ ઘરે પધારી પારણાનો લાભ આપો.’

ક્ષણ બે ક્ષણ હેમવિમલસૂરિજીએ નેત્રો બીડી લીધાં. માણેકશાને લાગ્યું, ગુરુદેવ ધ્યાન લગાવે છે. થોડીવાર પછી તેમણે આંખો ખોલી અને મુક્ત હાસ્ય વેરતા બોલ્યા….

‘ભલે માણેકશા ! જેવી જિનેશ્વરની મરજી ! અમે તમારા ધરે પારણું કરીશું.’

ભાવવિભોર થયેલા માણેકશાના મુખ પર તીક્ષ્ણ દ્રષ્ટિપાત કરી ગુરુદેવ પુન: બોલ્યા…..

‘તમારા વદન પર ભલે ખુશી છલકે પરંતુ તમારી આંખોમાં હજુ પ્રશ્નો ડોકાય છે. બોલો કંઈ પૂછવું છે ?’

‘ગુરુદેવ ! આપણા ધર્મમાં થતી મૂર્તિપૂજા શું શાસ્ત્રસંમત છે ? એનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં થયેલો છે?’

‘હા માણેકશા ! મૂર્તિપૂજા પ્રાચીનકાળથી થતી આવી છે. તે શાસ્ત્રસંમત છે. ભગવતી તથા રાયપસેણી જેવા આગમોમાં તેનો ઉલ્લેખ થયેલો છે. સેંકડો વર્ષ પુરાણી મળી આવેલી પ્રતિમાઓ પણ મૂર્તિપૂજાની જ પુષ્ટિ કરે છે.’

ગુરુદેવના આત્મવિશ્વાસભર્યા વચનો સાંભળીને માણેકશાનાં મનમાં ઉથલપાથલ મચી ગઈ. મૂર્તિપૂજા વિરુધ્ધના તેમના વિચારો અને માન્યતાઓ હલબલી ઊઠી. ત્યાર પછી હેમલવિમલસૂરિજીએ શાસ્ત્રોના અનેક પ્રમાણો તથા ઉદાહરણો આપીને મૂર્તિપૂજા શાસ્ત્રસંમત હોવાની વાત સિધ્ધ કરી બતાવી અને તે સાથે જ માણેકશાના દિલોદિમાગ પર છવાયેલો નાસ્તિકતાનો નશો ઉતરી ગયો. તેમના નિર્મળ થયેલાં હર્દયમાં પ્રાચીન જિનધર્મ વિશે પુન:સન્માન જાગ્યું. મનોમન તેમણે મૂળ જિનધર્મ પ્રમાણે જીવન વ્યતિત કરવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો. ત્યાર પછી ગુરુદેવને ફરીથી વંદન કરી તેમણે વિદાય લીધી.

પારણાનો દિવસ આવ્યો. આલિશાન હવેલીને સુંદર રીતે શણગારવામાં આવી. ઉજ્જૈન નગરીના સઘળા શ્રાવકોને નિમંત્રિત કરવામાં આવ્યા. સમય થતાં ગુરુદેવનું વાજતે ગાજતે સામૈયું કરીને તેમની પધરામણી કરવામાં આવી. ગુરુદેવે તપના મહિમા પર મનનીય પ્રવચન આપ્યું. તેમની દેશના સાંભળીને સૌ ભાવવિભોર થઈ ગયા. માણેકશાએ પોતાના નાદાનિયત ભરેલા દુષ્કૃત્યની વાત શ્રી સંધ સમક્ષ રજૂ કરી, સૌની ક્ષમા માંગી, ગુરુદેવની સહનશીલતા, ક્ષમાવૃત્તિ તથા ઉદારતાની લોકોએ ભારોભાર પ્રશંસા કરી, તેમનો જયજયકાર કર્યો. વળી માણેકશાની નિખાલસતા અને નિરાભિમાની વૃત્તિની સરાહના કરવામાં આવી. શ્રી સંઘે માણેકશાનો અપરાધ માફ કરી દીધો. પારણાનો પ્રસંગભવ્ય રીતે ઉજવાયો. માતા જિનપ્રિયા અને પત્ની આનંદરતીના આનંદનીની સીમા ન રહી.

બીજા દિવસે સવારે માણેકશાએ નાહીધોઈ પૂજાના વસ્ત્રો ધારણ કરી મંદિરમાં પૂજા, અર્ચના કરી. પોતાને વ્રત હોવાની જાહેરાત કરી અને પછી દેવદર્શને જવાનું કહી ઘરેથી નીકળ્યા. આ ઘટના સાસુ-વહુ માટે કોઈ ચમત્કારથી કમ નહોતી. બન્નેંની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યાં. લાંબી સમયાવધિ પછી આજે માણેકશા પુન: ધર્મ માર્ગે વળ્યા હતા. જિનપ્રિયા તથા આનંદરતિ બન્નેએ મનોમન ગુરુદેવનો આભાર માની, અંતરથી તેમને વંદના કરી.

સાપ કાંચળી ઉતારે તેમ માણેકશાએ લોંકાગચ્છના સઘળાં લક્ષણો ત્યજી દીધાં. નાસ્તિક્તાના સિધ્ધાંતોને તિલાજંલી આપી દીધી. પૂર્વવત દેવદર્શન, ગુરુવંદના, વ્રત જપ-તપ ઇત્યાદિ જિનધર્મના સઘળા નીતિ નિયમોનું પાલન શરૂ કર્યુ. મહા સુદ પંચમીના શુભદિવસથી તેમણે બાર વ્રતનો પુન:સ્વીકાર કર્યો. માણેકશાના જીવનમાં આવેલું એક વિનાશકારી તોફાન વિદાય થયું.

‘સાધુ તો ચલતા ભલા’ એ ઉક્તિને સાર્થક કરતા પૂજ્યાચાર્ય શ્રીમદ્દ હેમવિમલસૂરિજી મ.સા. એ થોડા દિવસ ઉજ્જૈનની નગરીમાં સ્થિરતા કરી. શ્રાવકોને ધર્મના પીયૂષપાન કરાવી, આખરે તેઓ એક દિવસ પોતાના સાધુ સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગયા. માણેકશા પરિવાર તથા નગરના શ્રધાળુ શ્રાવકો ગુરુ ભગવંતોને પુન: પધારવાની ભાવભરી વિનંતી સાથે, અશ્રુભીની આંખે વળાવી આવ્યા.

ધર્મ કર્મમાં મસ્ત માણેકશાના દિવસો સુખમય પસાર થવા લાગ્યા. ઘરમાં સુખ શાંતિ અને આનંદ છલકાતાં હતાં. નચિંત જિનપ્રિયા હવે દિનરાત વીતરાગ પરમાત્માની અખંડ ભક્તિમાં ગરકાવ થઈ પરભવનું કલ્યાણકારી ભાથું બાંધી રહ્યાં હતાં. આનંદરતિ પણ પોતાનો ગૃહિણી ધર્મ નિભાવતા યથાશક્તિ જિનભક્તિ કરી લેતાં હતાં.

માણેકશા બાહોશ હતા, બુધ્ધિશાળી હતા. મિલનસાર પ્રકૃતિ, આગવી કોઠાસૂઝ તથા કુનેહનાં કારણે તેમની વેપાર વાણિજ્યમાં ભારી પ્રગતિ થઈ. દેશના વિવિધ નગરો સુધી તેમનું ધંધાકીય સામ્રાજ્ય ફેલાયું હતું. વેપારાર્થે અન્ય નગરોની સાથે સાથે તેમને ઘણીવાર આગ્રા પણ જવું પડતું હતું.

વેપાર અને વ્યવહારની વ્યસ્તતામાં જો ધર્મ વીસરાઈ જાય તો જીવતર ઝેર બની જાય, પરંતુ ધર્મ જો દૂધમાં ઉમેરાતી સાકરની જેમ વેપાર તથા વ્યહવારમાં ભળી જાય તો જીવતર અમૃત બની જાય. જીવનમાં એકવાર ઠોકર ખાધા પછી માણેકશા વધુ ધર્મચૂસ્ત થયા હતા. વ્યહવારુ જગતમાં પણ પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, સદ્દવ્યવહાર, નિરભિમાનીપણું તથા જીવદયાના સિધ્ધાંતોના પાલન દ્વારા માણેકશા ધર્માચરણ કરતા હતા. વળી તેઓ ધંધાર્થે ગમે ત્યાં જતા, પણ પોતાના નિત્યક્રમ પ્રમાણે દેવદર્શન, વ્રત જપ-તપ તથા યથાસંભવ ગુરુદર્શન અને ગુરુવાણીનો લાભ લેવાનું કદાપી ચૂકતા નહીં. તેમની ધર્મનિષ્ઠા અજોડ ને પ્રશંસનીય હતી. ધર્મ અને કર્મ વચ્ચે સમતુલા સાધવાની અદ્વિતીય કલા માણેકશાએ સાધી હતી.

વર્ષાઋતુમાં એકવાર માણેકશા આગ્રા ગયા. ત્યાં પણ તેમનો દેવપૂજા તથા જપ-તપનો નિત્યક્રમ ચાલુ રહ્યો. જિનાલયમાં જતા આવતા તેમના અંતરમાં ભાવના જાગી કે ‘આગ્રામાં ચાતુમાર્સ ગાળી રહેલા સાધુ ભગવંતના એકવાર દર્શન કરી તેમની દેશના સાંભળું. ‘એક દિવસ તેમણે કોઈ સાધર્મિકને આ બાબતમાં પૂછ્યું. તેણે માણેકશાને જણાવ્યું….

‘અરે શેઠ ! આપને ખબર નથી આ વખતે તો આગ્રા નગરીનાં ભાગ્ય ફરી ગયા છે. અહીં તો પૂજ્ય આચાર્ય હેમવિમલસૂરિજી મહારાજનાં પાવન પગલાં થયાં છે. પૂજ્ય ગુરુદેવ થકી આ વખતનો ચાતુર્માસ યાદગાર બની રહેશે.’

માણેકશાએ હર્ષભેર એ ભાઈને ધન્યવાદ આપ્યા અને ઉપાશ્રયનું સરનામું પૂછી લીધું. કોઈ નિર્ધન લક્ષ્મીવાંચ્છુને લાખ્ખોની લોટરી લાગતાં જેવો અવર્ણીય આનંદ થાય, તેથી પણ વિશેષ હર્ષોલ્લાસ માણેકશા અનુભવી રહ્યા હતા. સધળા સાંસારિક કાર્યોને વીસરાવી, માણેકશા ઝટપટ તૈયાર થઈ ચાલી નીકળ્યા. ગુરુદેવ જે ઉપાશ્રયમાં બિરાજમાન હતા, ત્યાં પહોંચી ગયા. પ્રવચન ખંડમાં રહેલા સુંદર મઝાના સુશોભિત પાટની સામે ભોંય પર બિછાવેલ જાજમ પર બેઠેલા ધર્માનુરાગી શ્રાવકો શાંતિથી મનોમન નવકાર મંત્ર ગણતા હતા. શ્રાવકોએ કરેલા ધૂપથી વાતાવરણમાં આહલાદક્તા અનુભવાતી હતી. પ્રવચન શરૂ થવાને થોડીવાર હતી. ગુરુદેવ હજી પધાર્યા નહોતા. માણેકશા પણ ચૂપચાપ સભાખંડમાં પાટ સમક્ષ ભોંય પર બેસી ગયા. એટલામાં ગુરુદેવ પોતાના શિષ્યરત્ન શ્રી આનંદવિમલસૂરિ તથા અન્ય શિષ્યો સાથે પાટ પર પધરામણી કરી. સઘળા શ્રાવકોએ ઊભા થઈ ખમાસણા આપી ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે ધર્મલાભ આપી સૌને બેસાડ્યા. મંગલાચરણ સંભળાવી તેમણે શત્રુંજય માહાત્મય ગ્રંથ પર આગળનાં પ્રવચનની શરૂઆત કરી.

ગુરુદેવના મુખેથી શંત્રુજય તીર્થનો ઉલ્લેખ થતાં જ માણેકશા અપાર આનંદમાં ડૂબી ગયા. કોઈપણ શ્રધ્ધાવાન જૈન શ્રાવક માટે શત્રુંજય તીર્થનું માહાત્મય અનન્ય એવમ અદ્વિતીય છે. જીવનનાં કમ સે કમ એકવાર તો શંત્રુજય તીર્થમાં જઈ પરમાત્મા શ્રી આદિનાથ સ્વામીજીનાં દર્શન કરી નવ્વાણુંની યાત્રા થકી પુણ્ય પ્રાપ્ત કરવાની ભાવના પ્રત્યેક જૈનનાં અંતરમાં વસેલી હોય છે અને આવી શુભ ભાવના શા માટે ના જાગે ? ચૌદ લોકમાં અજોડ ગણાતા શત્રુંજય તીર્થની પાવન ધરાના કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષગામી થયા છે. સિધ્ધાત્માઓની આ ધરાના અણુ અણુમાં સત્વ છે, દિવ્ય તત્વ છે. અહીંના પવિત્ર વાતાવરણમાં તપ ત્યાગથી આંદોલિત સ્પંદનો જીવાત્માને ભવસાગરથી પાર ઉતારવાની અખૂટ પ્રેરણા આપે છે. અહીં પ્રતિ પળ આનંદની અમીવર્ષા થાય છે, શાંતિની સરગમ છેડાય છે અને ભક્તિનો સાગર લહેરાય છે. અહીંના ભવ્ય જિનાલયો અને સિધ્ધ ગુરુઓના ગોખમાં મુક્તિનો ઝણકાર અનુભવાય છે. આદિકાળથી શાશ્વત ગણાતા શત્રુંજય તીર્થનો મહિમા અવર્ણીય છે.

અને આવા ભવ્યતિભવ્ય તીર્થનું મહાત્મય સાંભળતા સાંભળતા માણેકશા ભાવવિભોર થઈ ગયા. ભક્તિની હૈયે હેલી ચઢી, ગુરુદેવનું વ્યાખ્યાન પૂર્ણ થયું, પરંતુ માણેકશાનું મન તો શંત્રુજય તીર્થમાં ભ્રમણ કરતું હતું. ‘ આ તીર્થની સ્પર્શના કરી મારે મનુષ્યભવ સુધારવો જ રહ્યો…’ એવો પોકાર તેમનાં અંતરમાં ઊઠ્યો. તેમનું રોમ રોમ શત્રુંજય તીર્થને સ્પર્શવા ઉત્કંઠિત થઈ ઊઠ્યું. તે જ ટાણે તેમના મનમાં અડગ સંકલ્પ સાકાર થયો….

‘આ પાર કાં પેલે પાર, આદિનાથ લગાવો પાર,

જાણું પંથે વિધ્ન અપાર મારે જાવું તારે દ્વાર…!’

પાવન શરણે લેજે નાથ, તું સઘળાનો તારણહાર

સેવા કરવા અપરંપાર, બાળ આવશે તારે દ્વાર….!

સભા હજુ પૂર્ણ થઈ નહોતી. સઘળા શ્રાવકો બેઠા હતા. ભક્ત દ્વારા ગવાતું ગુરુભક્તિનું ગીત પૂર્ણ થયું. અને આસો સુદ પંચમીની એ ધર્મસભામાં ગુરુદેવની આજ્ઞા પામી માણેકશા ઊભા થયા. ગુરુદેવ તથા અન્ય સઘળા સાધુ ભગવંતોને સાદર વંદના કરી. સવિનય ગુરુદેવને વંદના કરી. સવિનય ગુરુદેવને સંબોધન કરતાં માણેકશા બોલ્યા….

‘ગુરુદેવ ! મારા દિલમાં ભાવ જાગ્યો છે….હું પણ શત્રુંજય તીર્થની યાત્રા કરું…..!’

‘ઉમદા ભાવના ભાગ્યશાળી….! અતિ ઉત્તમ વિચાર….!’ માણેકશાની ભાવનાની અનુમોદના કરતા ગુરુદેવે પૂછ્યું,’ માણેકશા શું તમે સંધ કાઢવા માગો છો?’

‘ના ગુરુદેવ ! હું મારા માણસો સાથે આ તીર્થયાત્રા જુદી રીતે કરવા ચાહું છું….’

‘સરસ ! શુભસ્ય શીઘ્રમ !’ આટલું કહી ગુરુદેવ માણેકશાના મુખ ભણી ઉત્સુકતાથી જોઈ રહ્યા, ત્યારે માણેકશા બોલ્યા…

‘મારી ભાવના છે કે આગ્રાથી શંત્રુજય હું પગપાળા જાઉં અને તે સાથે મારે એક અભિગ્રહ પણ ધારણ કરવો છે…..’

 

અત્યાર સુધી  આ વેબસાઈટ ઉપર શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર વિશેના લખાયેલા લેખો વાંચવાઅહીં ક્લિકકરો.