સામાજિક-ધાર્મિક પ્રસંગો

નાગરપુરાના શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાનમાં ધાર્મિક મહોત્સવ.

શ્રી નિલેશ્વર મહાદેવ, શ્રી શામળેશ્વર મહાદેવ તથા શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિર – નાગરપુરા

અગાઉના જમાનામાં રાજા-રજવાડા જે યજ્ઞનું આયોજન કરી શકતા હતા અને છેલ્લે પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો તેવો હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ હાલમાં તાલુકા મથક વડગામથી આશરે ૧૨ કિ.મી.ના અંતરે આવેલ વડગામ તાલુકાના નગાણા ગામથી બે કિ.મી દૂર નાગરપુરા ગામે અતિ પ્રાચિન સરસ્વતી નદીના કિનારે કંઈક અલૌકિક કહી શકાય તેવી સિધ્ધ સંતો મહંતોની તપોભૂમિ પર શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાનમાં યોજાઇ ગયો.સતત પાંચ દિવસ શુદ્ધ ઘીની ધારા સતત ચાલુ રાખવી પડે તેવો યજ્ઞ છે. ૧૨૧ લઘુરૂદ્ર યજ્ઞ કરે તેને એક મહાયજ્ઞ કહેવાય અને આવા ૧૧ મહાયજ્ઞ કરવામાં આવે તેને અતિરૂદ્ર મહાયજ્ઞ કહેવામાં આવે છે.

OLYMPUS DIGITAL CAMERA
પરમ પૂજ્ય મુનિ વાસુદેવગીરીજી મહારાજની સમાધી- નાગરપુરા

આ પવિત્ર ધાર્મિક સંસ્થાનમાં શ્રી નિલેશ્વર મહાદેવ, શ્રી શામળેશ્વર મહાદેવ તથા શ્રી દૂધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રાત સ્મરણીય સંત શીરોમણિ પરમ પૂજ્ય સિધ્ધશ્રી ૧૦૦૮ યોગીરાજ શ્રી વહાલપુરીજી મહારાજ ગુરૂ શંભુપુરીજીએ સવંત ૧૫૫૬ના અષાઢ સુદ પૂનમને રવિવારના રોજ લીંબડાના દાતણની ચીરી વાવીને જીવંત સમાધી લીધેલ એ ચીરીમાંથી વટવૃક્ષ બનેલ ૫૧૩ વર્ષ જુના પવિત્ર લીંબડાની શીતળ છાંયામાં શ્રી પંચાયતી અખાડા મહાનનિર્માણ મઢી ૧૦ (૪) ના બ્રહ્મલીન પરમ પૂજ્યશ્રી ૧૦૦૮ મુનિ વાસુદેવગીરીજી મહારાજના આશીર્વાદ સાથે તેમને લીધેલો સંકલ્પ સિધ્ધ કરવા સવંત ૨૦૭૧ માગશર સુદ-૧૦ ને સોમવાર તા.૦૧.૧૨.૨૦૧૪ થી સવંત ૨૦૭૧ માગશર સુદ -૧૪ ને શુક્રવાર તા.૦૫.૧૨.૨૦૧૪ સુધી દુર્લભ એવા ૨૧ કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ તથા બ્રહ્મલીન પરમ પૂજ્ય ૧૦૦૮ મુની વાસુદેવગીરીજી મહારાજના ભંડારા નું આયોજન શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન, નાગરપુરા તથા બ્રહ્મલીન પ.પૂ. શ્રી પ્રાત: સ્મરણીય ૧૦૦૮ મુનીશ્રી વાસુદેવગીરીજી મહારાજના ભક્તજનો તેમજ નાગરપુરા તથા આસપાસ પંથકના સમસ્ત ગ્રામજનઓ દ્વારા કરવામાં આવેલ.

ગુરૂ પૂજન – નાગરપુરા

તા.૦૧.૧૨.૨૦૧૪ને સોમવારના રોજ સવારે સમગ્ર મંદિર સંકુલ ભુદેવોના સામુહિક શ્લોકોના ઉચ્ચારોથી ગુંજી રહ્યું હતુ. તપોભુમિ જીવંત થઈ ઉઠી હતી. શું આહલાદક વાતાવરણ હતું એ. ત્યારબાદ મંગલાચરણ અને ઉપસ્થિત પૂજ્ય સાધુ-સંતો-મહંતોનું ગુરૂપૂજન દાંતાના પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ ભટોળ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ અલૌકિક તપોભૂમિ ઉપર કંઈક દિવ્યપ્રભાવ પાથરી રહી હતી. હાથી-ઘોડા-પાલખી અને કળશ ઉપાડેલ કુવાંરિકાઓ સાથે સાધુ માહાત્માઓની હાજરી વચ્ચે નાગરપુરા ગામની પરિક્રમાએ નીકળેલી શોભાયાત્રા નીહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

OLYMPUS DIGITAL CAMERA
યજ્ઞશાળા – નાગરપુરા

ઇતિહાસમાં આપણી ઋષીપરંપરામાં જે યજ્ઞશાળાઓ અસ્તિત્વમાં હતી તેવી જ આબેહૂબ ખૂબ જ સુંદર યજ્ઞશાળાનું નિર્માણ પવિત્ર સરસ્વતી નદીના તટે માંગલ્યધામ શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન પટાંગણમાં વેદોમા માર્ગર્દિશત નિયત માપના મંડપમાં માટી અને લીપણ કરી સમચતુષ્કોણીય જગ્યામાં વિવિધ પ્રકારના એકવીસ કુંડના આયોજન અને આ જગ્યાની ચોમેર ચાર પ્રવેશ દ્વાર ર્નિમત બનાવી દોઢ ફુટમાં ઘંઉ, જવના છોડ ઉછેરી કુદરતી વાતાવરણ સર્જી કેળ અને શેરડીના સાડાઓથી સુશોભિત મંડપમાં અતિ મહારૂદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન પાંચ દિવસ દરમિયાન કાળા તલ, જવ, વિવિધ હોમાત્મક સામગ્રી સુકા લાકડા, દેશી ઘીનું હવન કરવામાં આવેલ. આ અતિ મહારૂદ્ર યજ્ઞ ની પૂજા અર્ચન અને પ્રાધાન હોમ માટે એકવીસ દંપત્તિઓને કુલ ૧૨૧ ભુદેવો ઉપસ્થિત રહી ચારેય વેદોના ગાન સાથે પૂજા કરાવી રહ્યા હતા. વૈજ્ઞાનિકોના વિશ્લેષણ પ્રમાણે યજ્ઞ/હોમના ધુમાડાથી કાર્બનડાયોક્સાઈડ નાશ પામે છે, ઓક્સીજન વધે છે. રોગાણું અને વિષાણું જીવજંતુ નાશ પામે છે. વાયુ શુધ્ધ બને છે. આ મહાયજ્ઞમાં ભૂદેવોએ સ્વાહા.. કહી આહૂતી આપતા વાતાવરણ ધર્મમય બન્યું હતું.

OLYMPUS DIGITAL CAMERA
ભંડારા મહોત્સવ – નાગરપુરા

હવનના દર્શનાથે દૂરદૂર થી પધારેલા દર્શનાર્થીઓ હવનની પ્રદક્ષિણા કરી મંગલ વાતાવરણમાં અનોખો સાક્ષાત્કાર અનુભવી રહ્યા હતા. સાધુ-સંતો-મહંતો તેમજ ધાર્મિક જનતાનો અવિરત પ્રવાહ નાગરપુરાની પવિત્રભૂમિને પાવન કરી રહ્યો હતો. સતત પાંચ દિવસ સુધી હજારોની સંખ્યામાં શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન તરફ વહી રહેલો દર્શનાર્થીઓનો પ્રવાહ શિવપૂજન, પ્રાત સ્મરણીય સંત શીરોમણિ પરમ પૂજ્ય સિધ્ધશ્રી ૧૦૦૮ યોગીરાજ શ્રી વહાલપુરીજી મહારાજની સમાધી, પૂજ્ય શંભુપુરીજી મહારાજની સમાધી, બ્રહ્મલીન પરમ પૂજ્યશ્રી ૧૦૦૮ મુનિ વાસુદેવગીરીજી મહારાજની સમાધી, હવનકુંડના દર્શન થકી ધન્યતા અનુભવી રહ્યો હતો.પાંચ દિવસ દરમિયાન સવાર સાંજ આ પરમાર્થિક સત્કર્મમાં આત્મ કલ્યાણ કરવા આવતા દર્શનાર્થી ,પરક્રમા વાસી સાધુ સંતો તેમજ શ્રધ્ધાળુ ભક્તોને સ્વયંસેવકો ચા-પાણી અને ભોજન-પ્રસાદની સેવા ખડે પગે આપી રહ્યા હતા. ધન્ય છે એ દાતાઓને અને મુની શ્રી વાસુદેવગીરીજી મહારાજના ભક્તજનોને, ધન્ય છે નાગરપુરા તથા આસપાસ પંથકના સમસ્ત ગ્રામજનોને  કે જેઓએ આ પુણ્યશાળી કાર્યમાં નિમિત્ત બની હજારો લોકોને નાગરપુરાની આ પવિત્ર ભૂમિ ઉપર આવા રૂડા અવસરમા સહભાગી થવા આમંત્રિત કર્યા કે જેના થકી આવો દર્શન-પૂજનની સાથે પુણ્ય પ્રાપ્ત કરવાનો લ્હાવો દરેક ને મળ્યો.

OLYMPUS DIGITAL CAMERA
શોભાયાત્રા – નાગરપુરા

કોણ હિન્દુ કે કોણ મુસ્લિમ, કોણ ઠાકોર કે કોણ પછાત, કોણ ચોધરી કે કોણ રાજપૂત…આમ અઢારે આલમ એકસાથે સમગ્ર પ્રસંગ એકસાથે ખભેખભા મિલાવી ઉજવી રહ્યા હતા.સિધ્ધ મહાત્મા પરમ પૂજ્ય શ્રી મુનિજી મહારાજે સતત પાંચ દિવસ સુધી આ ધાર્મિક કાર્યક્રમમાં ઊપસ્થિત રહી ભક્તજનોને આશિર્વચન આપ્યા હતા. આ ઊપરાંત પરમ પૂજય શ્રી કાળા બાબજી, શ્રી વાળીનાથ મહારાજ અને અન્ય પૂજનિય સંતો-મહંતોની ઊપસ્થિતિ સમગ્ર કાર્યક્ર્મને દિપાવી રહી હતી.

તા. ૦૧.૧૨.૨૦૧૪ થી ૦૫.૧૨.૨૦૧૪ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્ર્મો જેવા કે મંગલાચરણ-ગુરૂપૂજન-શોભાયાત્રા,મંડપ પ્રવેશ, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન, દેવતા આહવાન પુજા, યજ્ઞ પ્રારંભ-હોમ કર્મ, શીવ મહાપૂજા, રૂદ્રાભિષેક, સાંયપૂજન તથા આરતી, પ્રાત:પૂજન, શ્રી ગુરૂ મહાપૂજા, તથા પાઠાત્મક લઘુરૂદ્ર, ભજન સંધ્યા તથા ભંડારો વગેરે યોજાયા હતા. અતિમહારૂદ્ર યજ્ઞને સફળ બનાવવા માટે શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન, નાગરપુરાના ભક્તો અને આજુબાજુના ગામોના ગ્રામજનો ખભે ખભામીલાવી કાર્યરત રહ્યા હતા.

– નિતિન પટેલ (વડગામ)