સાહિત્ય-લેખો

પાદરનો વડ

[વડગામ તાલુકાનું નાનકડું ગામ મગરવાડા અને આ જ ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકી ગુજરાતી સાહિત્ય સર્જનમાં ગુજરાતમાં મોટું નામ છે જે વડગામ તાલુકા માટે ગૌરવની બાબત છે. વડગામ તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં વડના વિશાળ વૃક્ષો જોવા મળે છે ત્યારે તેઓશ્રી દ્વારા વડ ઉપરનો પ્રસ્તુત લેખ આપ સૌને વાંચવો ગમશે. નવી પેઢીને તો કદાચ વડની મહત્તા ખબર નહિ હોય પણ જુની પેઢીને આ લેખ પોતાના માદરે વતનની જુની યાદો તાજી જરૂર કરાવશે. આપણા વડવાઓએ જે દિર્ધદર્ષ્ટિ વાપરીને ગામને ગોંદરે વડના ઝાડ વાવ્યા હશે અને ઉછેર્યા હશે તે કદાચ ઐતિહાસિક ઘટના છે કારણ કે નવી પેઢીમા આ દ્રષ્ટિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે જેના લીધે તો આજે અનેક ગામોના પાદર રંડાઈ ગયા છે. અઢળક વડના વૃક્ષોના લીધે તો વડ જેવું વિશાળ નામ “વડગામ” મળ્યુ છે આપણેને અને એના યશના અધિકારી આપણા વડવાઓ હતા. નવી પેઢી આ લેખ વાંચીને સમજાય તો કંઈક શીખવા જેવું ખરું – નિતિન ].

 

માદરે વતન મગરવાડાથી યતિશ્રી વિજય મહારાજનો ફોન આવ્યો : ‘પ્રભુ, તમારું પાદર આજે રંડાઈ ગયું.’ હું સમજીના શક્યો. શું થયું હશે ? મહારાજશ્રી આપ શાની વાત કરો છો?’ ત્યારે એમણે સ્પષ્ટતા કરી : વરસાદ અને વાવાઝોડાને કારણે આપણા પાદરનો વડ આજે મૂળિયા સમેત ઊખડી ગયો છે. “ના હોય!’ મારાથી બોલી જવાયું. મારી વતન કથા ‘પાદરમાં ઉગતાં પગલાં’ માં જે વડની ખૂબ જ સરાહના કરી છે, એ વડ હવે રહ્યો નથી; આ સમાચાર મારા માટે અત્યંત દુ:ખદ હતા. એનું કારણ એ છે કે, વડ સાથે તો મારો નાળનો સબંધ છે. આપણા કુટુંબમાંથી કોઈક વડીક ચાલ્યા જાય અને જે અવકાશ સર્જાય, સુનકાર વ્યાપી જાય, ભલે ઉંમર મોટી હોય તોય, એક ખૂણો તો કાયમ માટે ખાલી થઈ જાય અને જે દુ:ખ થાય, એનાથી અદકેરું દુ:ખ મને આ સમાચાર સાંભળીને થયું. એનું કારણ શું ? આમ તો જંગલો ના જંગલો કપાય છે, અનેક વૃક્ષો વાવાઝોડામાં ઊખડી જાય છે; એ જોઈને ક્યારેય રૂંવાડું પણ ફરકયું નથી. તો આ વડ માટે શાનું દુ:ખ? આ વડમાં એવું તે શું છે, જે દુ:ખી કરે છે?

રાતની ઊંઘનો કબજો વતનના વડે લઈ લીધો. જાણે છાશ બનાવવાની ગોળીના કાંઠલા ઉપર માંકડીમાં રવૈયો ભરાવી કોઈ બે હાથે-સામસામે નેતરાં પકડીને વલોવતું ન હોય ! અંદર વલોણુ ચાલતું રહ્યું. વલોવાતા દહીમાં ગરમ-ઠંડુ પાણી નાખવા છતાંય માખણનો પિંડો ના બંધાય ! કેમ આમ? દૂધમાંથી માખણ ક્યાં અલોપ થઈ ગયું? ઊંઘરેટી આંખો બંધ થવાનું નામ ન લે, માથાની અંદર ભાર વધતો જાય. મારું મન ઘડીમાં વડ બને, ઘડીકમાં પાદર…..અંદરથી કોઈકે દોડતું આવે….તરત જ અટકી જાય…ડચૂરો બાઝી જાય ગળામાં! ન જાય અંદર ન આવે બહાર…જાણે શ્વાસને રુંધવાની પ્રક્રિયા ન થતી હોય! કેવી છે આ નિયતિ ? પ્રશ્ન ઊભો છે મારા મનના દ્વારે.. કોણ ખેંચે છે અંદર? કોણ તાણે છે બહાર? આ અંદર-બહારની ખેંચતાણની રમતમાં પસાર થાય છે મારી રાત…

વરસાદે માઝા મૂકી છે, વીજળીના કડાકા-ભડાકા આકાશને ગજવી રહ્યા છે. પવને તો પોતાના દસે દરવાજા ખુલ્લા મુકી દીધા છે, પોતાની સઘળી શક્તિને કામે લગાડી છે. વરસાદ,વીજળી,વાયુ, ગગડાટ- આ બધા જ આજે તો મન મૂકીને નૃત્ય કરી રહ્યા છે. મારી અંદર પૃથ્વીનો ઉકળાટ વ્યાપી રહ્યો છે, કશુંક સળવળે છે. અંતરના ઓટલે. અંદરનો ડચુરો બહાર નીકળવાની મથામણમાં છે. ધક્કો વાગે છે અંદરથી. હું હડસેલાઈ જાઉં છું. આજથી સાઠ વર્ષ પહેલાંના પ્રદેશમાં…તમે પણ આવો મારી સાથે સાથે…

હા, તો મારી વાત કરવી છે મારા વડની, એનાં વડવાઈ મૂળિયાંની પાદરની, વતનની ! આવો બેસો મારી પાસે. તમને પણ રસ પડશે. આ વાત ભલે મારી હોય, છે તો આપણા સૌની. કદાચ નામ કે સ્થળ ફેર હોઈ શકે, પણ જે છે તે છે જ. ઘણુ બધું આવીને ઊભું છે મારા દિલ કે દ્વારે….

જે આખી રાત વલોવાયું, હવે માખણ હાથ લાગ્યું છે, પિંડ બંધાયો છે રચનાનો. ઝમઝટ વરસાદ, વાવાઝોડુ, વીજળી અને રાત…બધું જ ઓગળવા લાગ્યું છે અંદર…એક રસ…ત્યારે એક વડ ઊભો છે મારા હર્દયના પાદરે…એની વડાવાઇઓમાં ઝૂલી રહ્યું છે મારું બાળપણ…મારા માટે એ વડ એ વૃક્ષ નહિ પણ સ્વ્યં જીવતા જાગતા પાદરદેવ હતા. વિષ્ણુનાં હજારો નામમાંનું એક નામ …જેમ કે, બ્રહ્મવૃક્ષ,સંસારવૃક્ષ,પીપળો, વડ અને ઉંબરો…વિષ્ણુનાં ત્રણ વૃક્ષાત્મક નામો..

વંદન છે તને મારા દેવ. તારામાં વિષ્ણુનો વાસ. સ્વયં ભગવાન તારામાં હોય અને તું ઊખડી જાય મૂળિયાં સમેત ? હા, ઊખડી જાય. આપણે મનૂષ્ય, સ્વયં ઇશ્વરનો અવતાર..કેમ મૃત્યુ આવે છે? કદાચ ખોળિયું બદલવું હોય, કપડું જુનું થયું હોય, ફાટી ગયું હોય, બદલવું પડે, એવું જ તારું યો નહિ હોય ને? પણ તું તો નવા મૂળે-નવો અવતાર! તારા હાથ-પગ તો અડીખમ..તારું આત્મબળ અવિચલ…તારી શક્તિ અને ભક્તિ બેસુમાર…પાતાળલોકમાં વસનાર તારા મૂળિયાં…તને, આમ સાવ અચાનાક ઉથલાવીને કોણ બની ગયો વિજેતા? તારા જેવા વિશાળકાય યોધ્ધાને હળનાર કોણ ? કોણ છે તારી ચોટીનો ખાવન? કોણે પકડી તારી દુખતી નસ? કયા ભીમની ગદાએ તને કરી દીધો સ ભોંયભેગો? કોણ આવી ગયો દસ માથાવાળો? કોણ છે શેરના માથે સવા શેર? તારામાં ઊગેલાં માનવજાતનાં મૂળિયાને નાખ્યા કોણે કાપી? કોણ હણી ગયો તારો પડછાયો? કેટલા બધા પ્રશ્નો છે મારા મનમાં? એનો ઉત્તર તો તું નથી. ‘તું નથી’ એનો સ્વીકાર કરવો કેટલું વસમું છે મારા માટે? એનું કારણ છે, તારી છાયામાં કેટકેટલી પેઢીઓ ચક્કર કરતી ઉછરી,મોટી થઈ, વિખરાઈ પણ ખરી. ન તું ભૂતકા, ન ભવિષ્ય,માત્ર વર્તમાન-ત્રણેય કાળનો સમન્વય એટલે તું મારા દેવ…!

તેં મારા બળપણને હીંચકાં નાખ્યા છે, મારી લાગણીઓને રમાડી છે, મારી ભાવનાઓ સાથે કુંકરી-કુંકેર રમ્યો છે…મારા ભેરુઓને તારા થડમાં સંતાડ્યા છે, તારી ડાળે દોડાવ્યો છે મને, પાંદડે પાંદડે પાણી પાયુ છે, પાંદડાની થાળી બનાવીને બપોરના રોટલાને છાશના હબડુકા માર્યા છે અમે. કેટકેટલું સંકળાયેલું છે તારી સાથે? તારાં ઉપહર્દયાકારવાળાં, સાદાં, ચર્મિલ ને અંડાકાર પર્ણોને એક્બીજા સાથે સાંકળીને-પરોવીને પથારી કરી છે. અંધારી રાતે આળોટ્યા છીએ તારી નીચે…તારી વડવાઈઓને ધરતીમાં ધરબીને માટી વાળી છે, તારી છાયા હજી પણ ટાઢક આપે છે મને…એટલે જ, આજે તું ન હોવાની વાત મને ગળે ઉતરતી નથી…

હે વડ…તું તો આખા હિન્દુસ્તાનનું ચહીતું વૃક્ષ છે. ઉપહિમાલયી પ્રદેશ અને દક્ષિણ ભારતના પર્ણપાતી જંગલોમાં તારો તો ભારે દબદબો છે. તારી છાયા સૌને શાતા આપે છે. ઉધાનોમાં અને રસ્તાની બંને બાજુએ તને ઉગાડવામાં આવે છે.. જે ગામના પાદરે વડ ન હોય એ ગામનું પાદર અડવું લાગે છે. વડ તો ગામનું નાક છે, માન છે, મોભો છે, ઇજ્જત અને આબરૂ છે. તું તો શીતળ છાયાનો અધિપતિ અને વિશાળ વિસ્તારનો માલિક…લાંબી લાંબી ડાળીઓથી ફૂટતા મૂળિયાં વાલ્મીકીની દાઢીની જેમ વધતાં જઈને ભોયંમાં ઉતરી તારું નવું રૂપ ધારણ કરે છે-પુન:અવતાર..પુરાણોમાં વલ્કલનો ઉલ્લેખ આવે છે: વડ,પીપળો અને વેડ્સ-એ પાંચેયની છાલને વલ્કલ કહેવામાં આવે છે. તારા વલ્કલ તો પૌરાણિક કાળનાં પાત્રોનો પોષાક..તારી ધટામાં, વડવાઈઓ અને પર્ણોમાં છુપાવવાની જ મજા હતી, તે કાયમ માટે ખોવાઈ ગઈ છે. તારા વટકુંજમાં વિહરવાનો આનંદ કંઈક ઓર જ હોય છે. ન્હાનાલાલના ‘જયાજયંત’ માં આવે છે:

‘મુહૂર્તનો સમય થતો આવે છે

પધાર હરિજન વટકુંજમાં.’

ધરમાંથી સમય મળ્યો નથી કે વડીલોની નજર ચૂકવીને વટકૂંજમાં પહોંચ્યા નથી. એ સુખ કોઈએ કાયમ માટે ઝૂંટવી લીધું છે. વડમંડલનો શામિયાણો ઊખડી ગયો છે, એનું દુ:ખ અંદર કોતરી-ખોતરી રહ્યું છે. બ.ક.ઠાએ કહ્યું છે કે, ‘અન્યોય રસસંચારથી આખું વટમંડલ/વિસ્તીર્ણ સુદઢ બનતું જાય. ‘પણ અહીં તો વટમંડ્લ ઊખડતું જાય છે…

આ વર્ષે વરસાદ આવ્યો નથી-આભ ફાટ્યું છે. ઇશ્વર ધારે તો શું કરી શકે છે,એની પ્રતીતિ સૌને કરાવી દીધી છે. જે ધરતી વર્ષોથી પાણી પાણીના પોકારો પાડતી હતી, રણનું રૂપ લઈ રહી હતી.,ત્યાં ન જાણે અચાનક આટલો બધો વરસાદ? ક્યાં કોઈને બચવાની તક આપી છે? જીવ-જંતુ, પશુ-પંખી, વૃક્ષ-વેલીઓ, માનવજાત કે જે કોઈ હડફેટે ચડ્યું તે ગયું ! ગામોના ગામો તારાજ થઈ ગયાં. હા, વરસાદ…જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ…અધૂરામાં પૂરું, વરુણદેવનો પ્રકોપ..લાખોની સંખ્યામાં વૃક્ષો તો મૂળિયાં સમેત ધારાશયી થઈ ગયાં..એમાં મારા પાદરના વડની શી વિસાત ? તું ગયો…! એ સમાચાર સાંભળતાની સાથે જ હું દોડી આવ્યો તારી પાસે…કેટકેટલા સંભારણા છે તારી પાસે? તું વડ નથી, મારા ગામનો અઢીસો વર્ષનો ઇતિહાસ છે. આજે જાણે એક ઇતિહાસનો મહામૂલો ગ્રંથ કાયમ માટે લુપ્ત થયો ન હોય ! એવી લાગણીથી હચમચી જવાયું છે.

‘એક વડલો ઊભો વન ચોકમાં રે લોલ

ઘેર ગંભીર તેહની જટા ઢાળી રે લોલ’ (ઇન્દ્રકુમાર)

એવું નહિ પણ ‘એક વડલો ઊખડ્યો મૂળિયા સમેત રે લોલ…’એવું જોડકણું કરતાં પણ મનમાં ચચરે છે.

પાદરનો વડ ખોયાની વેદના કેવી હોઈ શકે? મારું શૈશવ તારી વડવાઈઓમાં લટકતું હતું તે બટકાઈ ગયું છે. આખા ગામનાં ભૂલકાનો આશરો ઝૂંટવાઈ ગયો છે. ગાયોનો બપોરો ઉઘાડો થઈ ગયો છે. વૃધ્ધાઓની બેઠક રોળાઈ ગઈ છે. બૈરાઓનો વિસામો રંડાઈ ગયો છે. સારા-માઠા પ્રસંગોના અડીખમ સાક્ષી એવા તને જાણે કોઈએ કાયમ માટે ખતમ કરી દીધો છે. એક ભર્યુ ભાદર્યુ અસ્તિત્વ કાયમ માટે લુપ્ત થઈ ગયું છે. પાદરનો વડ મૂળિય સમેત ઊખડી ગયો નથી પણ મારા વતનનો શિલાલેખ કાયમ માટે ભૂંસાઈ ગયો છે. જાણે ગામનું નાક કપાઈ ગયું ન હોય ! બૂચિયું પાદર….

મારા બાપા કહેતા : બેટા, આ વડ નથી. આ તો આપણા વૈદરાજ છે, તું માત્ર એક ઘટાદાર વૃક્ષ નથી. તું તો જીવતો-જાગતો મગરવાડાનો વહીવંચો છે. ‘હરિ તારાં નામ છે હજાર…’ એમ તું કેટલા બધાં નામ ધારણ કરનારો છે. : વટ, રક્તફલ, ધ્રુવ, ક્ષીરી, બહુપાદ, વૃક્ષનાથ, જટાલ, વિટપી, ભૃંગી, યક્ષાવાસ વગેરે વગેરે…તારા દરેક નામમાં તારી લાક્ષણિક્તા પ્રગટે છે. તું જ ગામડાનો સાચો વૈદ છે. તારા અંગે ઔષધિ છે. એ જમાનામાં કયાં હતા દાક્તરો? કયાં હતાં દવાખાના? જે હતાં એ વૃક્ષો હતાં. કોઈને દાંતમાં દુ:ખતુ હોય તો તારું ક્ષીર દાંતે લગાડવાથી પીડ મટતી. કોઈના દાંત ઢીલા પડ્યા હોય તો તારી વડવાઈઓનું દાતણ કરાવતા. તારું દૂધ દાંતનો દુખાવો, સંધિવા અને કટિવેદનામાં અતિઉપયોગી સાબિત થયું છે. તારાં પાંદડા ગરમ કરી ગૂમડા ઉપર પોટિસ તરીકે મુકવાથી પરુ બહાર નીકળી જતું…અમારા માટે તો તારા રાતા અને અંદરથી અંજીર જેવા ઠંડા ને પુષ્ટિકારક ટેટા ખાવાની મજા મરી પરવારી છે, પંખીઓને પણ તે ખૂબ ભાવે છે. તારો છાંયો ઘાટો અને શીતળ હોવાથી તને રોપવાથી ખૂબ પૂણ્ય મળે છે, એવું કહેવાય છે.

હે મારા વડદાદા..હિન્દુસ્તાનમાં સૌથી વધારે વર્ષ જીવનારા વૃક્ષોમાં તારું સ્થાન છે. તું તરત ઊગનારો, વિશાળ વિસ્તરનારો અને માનવજાત, પક્ષીઓ, પશુ-પ્રાણીઓને આશરો આપનારો છે. મને જાણકારી છે કે, આખા વિશ્વમાં સૌથી મોટો વડ વનસ્પતિ ઉધાન સીબપુર, કલકત્તામાં આવેલો છે. એવી જ રીતે ગુજરાતનું ગૌરવ ભરૂચ પાસે, નર્મદા મૈયાના કિનારે આવેલા કબીરવડ વિશે નર્મદે શિખરિણી છંદમાં એક દીર્ઘકાવ્ય લખ્યું છે:

‘ ભૂરો ભાસ્યો,ઝાંખો, દૂરથી ઘૂમસે પહાડ સરખો,

નદી વચ્ચે ઊભ, નિરભયપણે એક સરખો;

દીસ્યો, હાર્યો જોદ્ર્યો, હરિતણું હર્દયે ધ્યાન ધરતો,

સવારે એકાંતે,કબીરવડ એ શોક હરતો.

ભાઈ,વડ તો આપણી સંસ્કૃતિનો પાયો છે. આપણી બહેનો વટસાવિત્રીનું વ્રત કરે છે. જેઠ સદ પૂનમના દિવસે પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે. એ દિવસે ઊપવાસ રાખે છે અને વડનું પૂજન કરીને ગોર મહારાજ પાસે અખંડ સોભાગ્યવતીના આશીર્વાદ માગે છે. એવી જ રીતે આર્યુવેદાચાર્યોએ તેની  તૂરો, મધુર, શીત, ગુરુ, ગ્રાહક, વર્ણ્ય, મૂર્છા,વર્ણ, રક્તપિત્તમાં અક્સીર ઇલાજ તરીકે ગણના કરી છે. આવો આ વડ દરેક પ્રદેશમાં પોતાના સ્વતંત્ર નામનું અસ્તિત્વ લઈને આવે છે : સંસ્કૃતમાં  ‘વટ’ , હિન્દીમાં ‘બડ’ કન્નડમાં ‘આદલ ગોલીમારા’, ગુજરાતી-મરાઠીમાં ‘વડ’ તલુગુમાં ‘મરિચેટ્ટ’, તમિલમાં ‘અલામારમ’, મલયાલમમાં ‘પેરાલ’ ફારસીમાં ‘દરખતરેશા, વડવાઈરેશા, એબગર્દ’ અને અંગ્રેજીમાં’બનિયન ટ્રી’ નામે ઓળખાય છે.

હે મારા વડદાદા…તમે મારા વતનના પાદરેથી કાયમ માટે વિદાય લીધી એ દુ:ખને મારે કઈ ખીંટીએ ટીંગાડવાનું? મને ખબર છે સંધ્યાના સમયે તમારા પારણામાં પંખીઓનો જે કલશોર-કલરવ હીંચકા ખાતો, એ કેવી રીતે ભુલી શકાય ? જાણે તમારા પાંદડે પાંદડે ધ્વનિ પ્રગટતો. આખો દિવસ તમારી ડાળીએ ઊંધા માથે લટકતી વડવાગોળો રાત પડતી એટલે અનેક પ્રકારના અવાજો કરતી ઊડી જતી, ઊંચી ટોચે બેસીને ગીધડાં ડોક આધાપાછી કરતાં, કાગડાઓનો કાગારોળ-આજે પણ સંભળાય છે. કેટકેટલાનો આશરો હતો તું ? શું થયું હશે એ પંખીઓનું ? વરસતા વરસાદમાં, અંધારી રાતમાં અને સૂસવાટા મારતા પવનમાં ક્યાં ગયાં હશે એ બધાં? કોણે બચાવ્યા હશે એમને ? એવો વિચાર આવતાં રુવાડાં ઊભાં થઈ જાય છે…

મિત્રો, તમને પણ મારું દુ:ખ, મારી વેદના સ્પર્શી હશે કારણ કે આપણે માણસ છીએ. તમારે પણ કોઈ વતન હશે, એના પાદરે વડ હશે, તમે પણ મારી જેમ જ એને વ્હાલ કરતા હશો, નહિતર આ આસ્ફાલ્ટ રસ્તાઓમાં અને ધુમાડાના નગરમાં ખોડાઈ ગયેલા આપણને વડલો ખોયાની વેદના કેવી રીતે થાય ?

મને તો આજે મારા વતનનો વડલો જ નહિ પણ હું જ મૂળિયા સમેત ઊખડી ગયાની વેદના ભોગવી રહ્યો છું. મારી અંદર કોઈ રોકકળ કરી રહ્યું છે, જે મને ઊંધવા દેતું નથી. ત્યારે મારા મનની સિતાર રણઝણી ઊઠે છે અને કોઈ ગેબીનાદ અંદરથી  આવી રહ્યો છે:

વડલો કહે રે મારી વડવાયું સળગી ને

છોડી દીયો રે જૂના માળા…હો…

પંખી પાંખો વાળાં..રે….