ચોમાસુ – ૨૦૧૯
૩૦.૦૯.૨૦૧૯
વડગામ પંથકનો સરેરાશા વરસાદ ૭૫૭ મી.મી (૩૦ ઇંચ) છે તેની સામે વડગામ.કોમ ને મળતી માહિતી મુજબ આ વર્ષે અત્યારા સુધી એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ની રાત્રે આઠ વાગ્યા સુધી મોસમનો કુલ વરસાદી આંક ૭૨૨ મી.મી (૨૯ ઇંચ)પહોંચ્યો છે. એમ કહી શકાય કે એવરેજ વરસાદના ૯૫ ટકા વરસાદ વરસી ચુક્યો છે. મુખ્તવે ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં વડગામા પંથકમાં સારો વરસાદ વરસ્યો છે. જો કે પાછોતરા વરસાદે વડગામા પંથક્ની ખેતીને નુકશાન પણ પહોંચાડયું છે. .ચાલુ વર્ષના મહિના પ્રમાણે વરસાદી આંકડા નીચે મુજબ છે.
જુન : ૯૦ મી.મી
જુલાઇ : ૭૨ મી.મી
ઑગષ્ટ : ૨૫૯ મી.મી
સપ્ટેમ્બર : ૨૯૭ મી.મી
કુલ ૨૯ ઇંચ જેટલા વરસાદ માંથી ૨૨ ઇંચ જેટલો વરસાદ તો માત્ર ઑગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયો છે. આ લખાય છે ત્યારે સપ્ટેમ્બરની ૩૦ તારીખે માં વડગામ પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. મેઘરાજાની કૃપા ચાલુ છે એ જોતા વડગામ તાલુકામાં મોસમનો ૧૦૦ ટકા વરસાદ આ વર્ષે નોંધાઈ જાય તે શકયાતા જણાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૦૧૮માં વડગામ પંથકમાં માત્ર ૪૮ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો એટલે કહી શકાયા કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડબલ વરસાદ થયો છે અને વરસાદની આવન-જાવન ચાલુ છે એટલે વર્ષા સારૂ જાય તેવી શકયતા જોવાઈ રહી છે. મોટાસડા પુલ પાસે નદીમાં પાણી આવ્યું છે જે નદી અંબાજી થી મોરીયા થઈ વડગામ તાલુકાના એક માત્ર ડેમા મુક્તેશ્વર ડેમ તરફ આગળ વધે છે.
૨૩.૦૭.૨૦૧૯
તાલુકા મથક વડગામમાં ૨૧ જુલાઈ ૨૦૧૯ ના રોજ નોંઘાયેલા દોઢ ઇંચ વરસાદ થકી ચોમાસુ પાકને જીવતદાન મળ્યું છે તે રાહત ના સમાચાર છે પણ ભૂગર્ભ જળની સમસ્યામાં રાહત મળે તેવા વરસાદની હજુ રાહ જોવાઈ રહી છે. આમ પણ વડગામ પંથકમાં વરસાદ અનિયમિત બનતો જાય છે અને જળસરંક્ષણ માટે કોઈ નક્કર પગલા લેવયા નથી ત્યારે ભૂગર્ભ જળ એ કાયમી સમસ્યા બની રહી છે. તાલુકામાં છેલ્લા પાંચ વર્ષના વરસાદની સરેરાશ સ્થિતિ જોઈએ તો વર્ષ ૨૦૧૪માં ૮૬૫ મી.મી , વર્ષ ૨૦૧૫માં વર્ષ ૯૨૬ મી.મી, વર્ષ ૨૦૧૬માં ૫૮૬ મી.મી, વર્ષ ૨૦૧૭માં ૧૩૩૦ મી.મી અને વર્ષ ૨૦૧૮માં માત્ર ૩૭૧ મી.મી વરસાદ નોંધાયો હતો. આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર ૨૦૧૭નું વર્ષ જ એવું હતું કે તાલુકામાં થતાં સરેરાશ વરસાદ કરતા બે ગણો વરસાદ નોંધાયો હતો. જ્યારે ૨૦૧૮નું વર્ષ નબળુ પુરવાર થયું હતું જેમાં સરેરાશ વરસાદથી અડધો વરસાદ નોઘાયો હતો એટલે સરવાળે હતા ત્યાંને ત્યાં. ૨૦૧૪ થી ૨૦૧૬ સુધી સરેરાશ જળવાઈ રહી હતી. આંક્ડાકીય માયાજાળને સમજીએ તો આ સરેરાશથી અનેક ગણો વરસાદ દર વર્ષે નિયમિત રીતે વધતો રહે તો કંઈક ભૂગર્ભ જળની જાળવણી માટે આશા રાખી શકાય પણ એ આજના ગ્લોબલ વોર્મિંગની અસરોમાં શક્ય દેખાતું નથી ઉપાય એક જ બચે છે કે જે પણ સરેરાશ પાણી દર ચોમાસામાં પડે છે એને યોગ્ય રીતે જમીનમાં ઉતારવાની વ્યવસ્થાઓ ઊભી કરવી અને પાણીનો વેડફાટ અટકાવવો પણ કુદરત ઉપર આધારિત રહેવાની પરંપરાને લીધે એ પણ આપણે કરી શકીએ એમ નથી એટલે ખેંચાય ત્યાં સુધી ખેંચો પરિણામો આવનારી પેઢીઓ ભોગવશે…..!!
ગત વર્ષે ૨૦૧૮માં જુલાઈ ૨૨ સુધી વડગમ તાલુકામાં ૨૭૪ મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે ૨૦૧૯ ની ૨૨ જુલાઈ સુધી ૧૩૭ મી.મી વરસાદ નોંધાયો છે. અહી એ યાદ રાખવું જરૂરી છે કે ગયું વર્ષ નબળું હતું. ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હજુ માત્ર કુલ ૧૩૭ મી.મી (૫.૩૦ ઇંચ) વરસાદ નોંધાયો છે અને અષાઢ પુરો થવ જઈ રહ્યો છે તેવા સંજોગોમાં આગાહી સમય દરમિયાન જેટલ વધુ વરસાદ નોંધાય તે સૌ ના હિતમાં છે. જો આ વર્ષ નબળું રહ્યુ અથવા તો સરેરાશ રહ્યું તો પણ જળને લઈને મુશ્કેલીઓ તો વધવાની જ છે પછી અમુક લોકો માને છે તેમ એ તો કુદરત નભાવશે આપણે કશુ કરવાની જરૂર નથી તો પછી રામ જાણે….!!
૨૨.૦૬.૨૦૧૯
વડગામ તાલુકાના નદીશેરા વિસ્તારમાં વર્ષાઋતુના પ્રારંભમાં મુશળધાર વરસાદ ખાબ્યો છે. તાલુકા મથક વડગામથી મેપડા ગામ માત્ર ૧૪ કિ.મી હવાઈ અંતરે સ્થિત છે. આ મેપડા ગામના રહિશ હારૂનભાઇ વિહારી વડગામ.કોમને જણાવે છે તા.૨૨.૦૬.૨૦૧૯ના રોજ મેપડા ગામમાં રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના નાના-મોટા તળાવો ભરાઈ ગયા તો વ્હોળામાં પણ નવા પાણી આવ્યા જે તળાવો વ્હોળા નાળા જુલાઈના અંતમાં ભરાતા તે જુનમાં ભરાવા લાગ્યા છે. ગામમાં કોઈ વરસાદી માપક સાધન નથી એટલે ચોક્કસ કેટલો વરસાદ વરસ્યો એ જાણી શકાયુ નથી પણ વડગામ તાલુકાના આ વિસ્તારમાં શરૂઆતમાં જેટલ વરસાદ જોઈએ એનાથી વધુ વરસાદ થઈ ગયો છે. પણ વહેલા વરસાદથી ખેડૂતોને ખૂબ મોટુ નુકશાન થવા પામ્યું છે. હાથમાંથી નવાળા છીનવાઈ ગયા..બાજરી, મગફળી પાકીને તૈયાર કરેલી તે પાણીમાં બગડી ગઈ છે…..
વરસાદને થોડીક ધાર્મિક માન્યતાઓને સંદર્ભે જોઈએ તો ૨૭ નક્ષત્ર માંથી ૧૧ નક્ષત્ર વરસાદના હોય છે જેની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે. સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાર પછી વરસાદી વાતાવરણનો અથવા તો વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. આજે એટલે કે શનિવારે તા.૨૨.૦૬.૨૦૧૯ના રોજ સાંજે ૫.૨૦ કલાકે સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિધિવત રીતે વર્ષાઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે વિજ્ઞાનની ભાષામાં હજુ પ્રિમોન્સુન એકટીવીટી ચાલી રહી છે..સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. વડગામાં વર્ષાઋતુની શરૂઆત પહેલા ૮૧ મી.મી (૩.૨૪ ઇંચ) પ્રિમોન્સુન નો વરસાદ બોનસરૂપે વરસી ચૂક્યો છે..જો કે આજે વડગામથી ખેરાલુ તરફ જવાના રોડ ઉપર અમુક અમુક જગ્યાએ પવન સાથે વરસાદી ઝાપટાને ના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા એવા સમાચાર મળી રહયા છે. ઇન્દુ એટલે વરસાદનું ટીપું અને ઇન્દ્ર એ વરસાદના દેવતા છે. હવે જ્યારે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે વાદળાના દળ ઉલટ પાલટ થઈ રહ્યા છે અને વર્ષાઋતુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઇન્દ્ર ભગવાન વરસાદની અખંડઘારા સ્વરૂપે જીવાત્માઓની જીવનધારા ને જીવંત રાખે તેવી વડગામ.કોમ ઇન્દ્ર દેવને પ્રાર્થના કરે છે…..
૧૮.૦૬.૨૦૧૯
આજે હવામાન અભ્યાસુ મિત્ર શ્રી એન.ડી.વડાવિયાની વડગામ.કોમ સાથે ચર્ચા થઈ તે મુજબ જાણવા મળ્યું કે હાલ સિસ્ટમ આધારિત પ્રિમોન્સુન વરસાદ કહેવાય..કર્ણાટકા,મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસે પછી આપણે ત્યાં ચોમાસુ બેસે પણ લગભગ તા. ૨૫ થી તા. ૩૦ જુન વચ્ચે વિધિવત ચોમાસા આપણે ત્યાં આવી જાય તેવી આશા છે. ત્રણ ચાર દિવસમાં બંગાળની ખાડીના વિસ્તારો તેમજ દક્ષિણ ભાગો તેમજ અરબ સાગરમાં ચોમાસું આગળ ચાલશે..ત્રણ ચાર દિવસમાં એક લો પ્રેસર પણ બી.ઓ.બીમાં થશે એટલે ચોમાસાને વેગ મળશે. આવતી કાલે એટલે કે ૧૯ જુન ના રોજ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી એક્ટીવીટી જોવા મળી શકે છે પણ આજ કરતા પ્રમાણમાં એક્ટીવીટી વિસ્તાર ઓછો હશે.
દરમિયાન વડગામ પંથકમાં સરકારી દફ્તરે આજે રાત્રે આઠ વાગ્યા સુધી ૬૦ મી.મી (૨.૧૦ ઇંચ) વરસાદ પડ્યો છે. પંથકમાં મોસમનો કુલ વરસાદી આંક ૭૭ મી.મી (૩ ઇંચ) સુધી પહોંચ્યો છે. અગાઉની પોસ્ટમાં જણાવ્યા મુજબ ગત વર્ષે એટલે કે ૨૦૧૮ના જુનમાં ૪૫ મી.મી ( ૨ ઇંચ) વરસાદ થયો હતો આ વર્ષે હજુ જુન મહિનાના ૧૩ દિવસ બાકી છે અને ૩ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને ચોમાસુ ૨૫ થી ૩૦ જુન વચ્ચે શરૂ થઈ શકે છે એટલે એ જોવુ રહ્યું કે આ વર્ષનો જુન મહિનો ચોમાસાની કેવી શરૂઆત આપે છે ??