મુખ્ય સમાચાર : સપ્ટેમ્બર – ૨૦૧૬
[ સપ્ટેમ્બર મહિના દરમિયાન વડગામ તાલુકાના રોજબરોજનાં મહત્વના સમાચાર અહી મુકવામાં આવશે. તો નિયમિત વડગામ તાલુકાના સમાચાર વાંચવા આ પેજ ની મુલાકાત લેતા રહો. ]
૨૬ , સપ્ટેમ્બર , ૨૦૧૬
તાલુકા મથક વડગામ મુકામે તા. ૨૪.૦૯.૨૦૧૬ ની સાંજે દેશભક્તિ નો જુવાળ જોવા મળ્યો. પ્રસંગ હતો તાજેતર માં ઉરી મુકામે શહીદ થયેલા હિન્દુસ્તાનનાં વીર જવાનો ને શ્રધાંજલી અર્પવાનો. એક શામ શહીદો ને નામ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ નાં ગીતો વડગામ પંથક માં પ્રખ્યાત એવી નિક્કી બીટ્સ તેમજ એ. કુમાર મ્યુઝીકલ ગ્રુપ પાલનપુર દ્વારા રજૂ કરવામાં આવ્યા. શહીદો ની વીરગતિ ને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત વડગામ પંથકના ગ્રામજનો દ્વારા મીણબત્તિ પેટાવીને ભાવપૂર્વક શ્રધાંજલી અર્પવામાં આવી.
શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડગામ પંથક નાં અન્ય સંગઠનો પણ સહભાગી થયા.
આ ઉપરાંત વડગામ તાલુકાનાં પાંચડા ગામ માં આવેલ રામેશ્વર મંદિર માં પણ પાંચડા ગ્રામજનો દ્વારા વીર શહીદો ને યાદ કરી શ્રધાંજલી આપવામાં આવી હતી.
૨૩, સપ્ટેમ્બર , ૨૦૧૬
[ 1 નંબર ઉપર ગોલ્ડ મેડલ સાથે કલ્પેશભાઈ ચૌધરી.]
વડગામ તાલુકા નાં મગરવાડા ગામ નાં વતની શ્રી કલ્પેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી એ તા. ૨૧ થી ૨૩ સપ્ટેમ્બર-૨૦૧૬ નાં રોજ પંજાબ નાં લુધિયાણામાં ઓલ ઇન્ડીયા પોસ્ટલ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટ સ્પર્ધા માં બે મેડલ મેળવી વડગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં કલ્પેશભાઈ ચૌધરી એ લાંબી કૂદ માં ૬.૮૦ મીટર લોંગ જમ્પ લગાવી ગોલ્ડ મેડલ મેળવ્યો તો ટ્રિપલ લોંગ જમ્પ માં ૧૩.૬૦ મીટર લોંગ જમ્પ લગાવી સિલ્વર મેડલ મેળવ્યો.
રમત ગમત ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી વડગામ પંથક નું નામ રાષ્ટ્રીય કક્ષા એ ગુંજતું કરવા બદલ શ્રી કલ્પેશભાઈ ચૌધરી ને www.vadgam.com સોશિયલ મિડીયા ગ્રુપ અભિનંદન પાઠવે છે .
૨૧ સપ્ટેમ્બર , ૨૦૧૬
૨૦૧૫ ના વર્ષ ની ૨૧ મી સપ્ટેમ્બર સુધી મોસમ નો કુલ વરસાદ ૯૦૮મી.મી ( ૩૬ ઇંચ ) થઇ ચૂક્યો હતો આજે ૨૦૧૬ ની ૨૧ મી સપ્ટેમ્બ સુધી મોસમનો કુલ વરસાદ ૫૬૮ મી.મી (૨૨.૫ ઇંચ ) થયો છે ચોમાસું વિદાય લઇ રહ્યું છે તેવા સંજોગો માં આ વર્ષનાં વરસાદી આંકડા માં હવે ઝાઝો કોઈ ફેરફાર થાય તેવી શક્યતા બહુ ઓછી છે. વડગામ પંથક માં મોસમનો સરેરાશ વરસાદ ૭૦૬ મી.મી (૨૮ ઇંચ ) છે.
ઉપરોક્ત આંકડા ઉપરથી અનુમાન કરવું સહેલું છે કે આ ચોમાસું વડગામ પંથક માટે કેવું રહ્યું છે. ૨૦૧૫ ના વર્ષમાં સરેરાશ વરસાદમાં પણ જે ઘટ જોવા મળી રહી છે એ ભૂગર્ભ જળ ની પરિસ્થિતિ માં આવનાર સમય માં ચોક્કસ નકારાત્મક અસર કરશે એવો ભય સતાવી રહયો છે . આમ પણ વર્ષો થી વડગામ તાલુકા માં જળ સંગ્રહ વિષે કોઈ વિશેષ જનજાગૃતિ જોવા મળી નથી.
આ વર્ષે અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લા માં વડગામ તાલુકો વરસાદી હરીફાઈ માં ચોથા ક્રમે છે .
૨0 સપ્ટેમ્બર , ૨૦૧૬
વડગામ તાલુકા નાં એદ્રાણા ગામ નાં સરપંચ ગલબાભાઈ ચૌધરીનું હર્દયરોગનાં હુમલા થી દુ:ખદ નિધન થયું. સ્વર્ગસ્થ શ્રી ધર્મપરાયણ વ્યક્તિ હતા તેમજ પોતાના ગામ માં અનેક લોકો ને મદદરૂપ થતા હતા. સેવાકીય કાર્યો સાથે સંકળાએલા શ્રી ગલબાભાઈ ની પંથક માં સારી એવી લોકચાહના હતી. સદગતનું બેસણું તા.૨૩.૦૯.૨૦૧૬ ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન એદ્રાણા મુકામે રાખવામાં આવેલ છે.
શ્રી ગલબાભાઈ સાચા લોકસેવક હતા. તેમના જવા થી એદ્રાણા ગામને મોટી ખોટ પડી છે.
પરમાત્મા સ્વ. નાં આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના.