કોરોના અપડેટ

Date :- 05 Oct , 2020

Corona - 05.10.2020

 

૨૦૨૦ ની 22 જુલાઈ ના રોજ વડગામ તાલુકામાં કુલ ૨૨ લોકો કોરોના સંક્રમિત હતા જેમાં સતત વધારો થતો રહી પાંચ ઓક્ટોબર ના રોજ આ સંખ્યા ૧૨૮ સુધી પહોચી છે એટલે કે પાછલા ૭૪ દિવસો દરમિયાન વડગામ તાલુકામાં કોરોના સંક્રમણ લગભગ છ ગણું વધ્યું છે એમ કહી શકાય. રાહત ના સમાચાર એ છે કે ૧૨૮ પૈકી ૧૦૮ લોકો સાજા થઈ ગયા છે અને માત્ર ૧૭ પોઝીટીવ કેશ છે અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા અત્યાર સુધી સ્થિર છે એટલે કે આજ સુધી કોરોના ને કારણે ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. આંકડાકીય માયાજાળમાં ડૂબકી મારીએ તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યમેન્ટ (CSE) અને ડાઉન ટુ અર્થ (DTE) નું વિશ્લેષણ દર્શાવે છે કે ભારત માં કોરોના સંક્રમિત થયેલ દર ૫૧ વ્યક્તિએ એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને આ રીતે જોઈએ તો બનાસકાંઠા પણ રાષ્ટ્રીય સરેરાશ સાથે ચાલી રહ્યું છે એટલે કે જિલ્લામાં પણ ૫૧ વ્યક્તિએ એક વ્યક્તિનું મૃત્યુ થાય છે આની તુલનામાં વડગામ તાલુકાની સ્થિતી થોડી કમજોર છે અને એટલા માટે કે વડગામ તાલુકામાં કોરોના સંક્રમિત થયેલ પ્રત્યેક ૪૩ વ્યક્તિએ એક વ્યક્તિ મૃત્યુ પામી છે. આ આંકડાકીય માયાજાળને જોઈ મનમાં કોઈ ડર પેદા કરવાની જરૂર નથી કારણ કે મૃત્યુ પામેલ લોકો પૈકી અન્ય ગંભીર બીમારીને પરિણામે પણ કોરોના સંકારમિત થવાથી લોકો મૃત્યુ પામ્યા છે પણ ચિંતાનો વિષય એ ગણી શકાય કે કોરોના સંક્રમણ સ્થિર થવાનું કે ઘટવાનું નામ લેતું નથી એ આપ આ સાથે સામેલ ચાર્ટ જોઈને નક્કી કરી શકો છો જે સતત્ વધી રહ્યું છે. થોડીક સાવચેતી સાથે જીવન જીવવાની પધ્ધતિનો અમલ કરવામાં આવે તો કોરોના થી બચી શકાય છે અને એ કોરોનાની આગળ વધતી ચાલ ઉપરથી આપણે જ નક્કી કરવુ રહ્યું કે કોરોના ની ગતિને ધીમી પાડી એને નાબૂદ કરવો કે એને ગતિ આપવી……..
નિતીન એલ પટેલ (વડગામ )
www.vadgam.com

 —————————————————————————————————————————————

Date :- 14 August , 2020

Corona - Update - 14- August

 

ઉપરોક્ત  ચાર્ટમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે વડગામ તાલુકામાં ૨૨ જુલાઈ બાદ કોરોના કેશ સતત વધી રહ્યા છે અને કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિઓનો આંક ૫૭ સુધી પહોચ્યો છે તો સામે રાહત ના સમાચાર એ છે કે એક્ટિવ કેશ ઘટી રહ્યા છે જે ઘટીને ૦૪ થયા છે  અને રિકવરી વધી રહી છે. કોરોના સંક્રમણ માંથી સાજા થનાર લોકોની સંખ્યા ૫૧ થઈ છે. દરમિયાન કોરોના ને કારણે વડગામ તાલુકાના મોરિયા ગામે એક વધુ વ્યક્તિ નું મૃત્યુ નીપજતા તાલુકામાં કોરોના ને કારણે મરણ પામનાર ની સંખ્યા એક થી વધીને બે થઈ છે. જો કે વડગામ તાલુકાના મોરિયા ગામના મૃત્યુ પામનાર વ્યક્તિ ને જોડે બીજી બીમારી પણ હતી.

અત્યારની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકામાં પાલનપુર અને ડીસા જેટલા કોરોના ના કેશો નથી અને જે પણ લોકો positive આવે છે તેમની પાલનપુર કે અમદાવાદની હિસ્ટ્રી હોય છે એટલે કે સ્થાનિક સંક્રમણ નહીવત છે  એ વડગામ તાલુકા માટે મોટા રાહતના સમાચાર ગણી શકાય.

વધુમાં વડગામ તાલુકા હેલ્થ ઓફીસ થી મેડિકલ અધિકારી ડૉ. પી.જી.ચૌધરી એ www.vadgam.com ને જણાવ્યું છે કે વડગામ તાલુકાના દરેક PHC ઉપર રેપીડ ટેસ્ટ કીટ આવી ગઈ છે જેના કારણે માત્ર પંદર મીનીટમાં કોરોનાનું positive/Negative પરિણામ મળી જાય છે અને તાલુકામાં આવા દિવસના અંદાજિત કુલ ૧૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે. આમ એ પણ સારા સમાચાર ગણી શકાય કે કોરોના ટેસ્ટ ની સંખ્યા પણ તાલુકમાં વધી રહી છે.

દરમિયાન વડગામ તાલુકા હેલ્થ અધિકારી ડૉ. પી.જી ચૌધરી અને તેમની ટીમ કોરોના સંક્રમણ માં તાલુકાના લોકોને ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે એ બદલ www.vadgam.com  ડૉ. પી.જી ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવે છે.

 

Date :- 30 March, 2020

Click Here for Latest Corona Case Update – District Wise – Gujarat

 

ધાણધાર બ્લોગ પોસ્ટ ઉપર જણાવવામાં આવ્યું છે કે ભિલોડા તરફ જવા વાળા મજુરો વડગામ તરફ આવી રહ્યા હતા ત્યારે વડગામ બસ-સ્ટેન્ડ ઉપર હાજર વડગામ પોલીસના સ્ટાફ દ્વારા નાસ્તો અને પાણીની બોટલ આપી વિસામો કરીને આગળ જવા મદદરૂપ થયેલ જે આવા સંકટમાં સતકર્મ કરતી વડગામા પોલીસની કામગીરી ઘણી સરાહનિય છે.
(રેફ લિંક – ધાણધાર બ્લોગ પોસ્ટ)

શ્રમીકો માટે ભોજ્નની વ્યવ્સ્થા આપણે કરવી જોઈએ એમ સુરત મુકામે યોજાયેલ વેબિનારમાં શહેરના જાણીતા હીરાઉદ્યોગકાર અને વડગામના મૂળ વતની એવા શ્રી સેવંતીભાઈ શાહે કહ્યુ હતું અત્રે ઉલ્લેખનિય છે કે ૨૬ માર્ચથી શ્રી સેવંતીભાઈ શાહે તેમની ફેક્ટરીમાં શ્રમિકો માટે ખાસ રસોડું ઊભુ કર્યુ છે જ્યાં તૈયાર થયેલી રસોઈ ૧૪ એપ્રિલ સુધી દરરોજ ૨૦૦ થી વધુ શ્રમિકો સુધી પહોંચાડાશે એમ નવગુજરાત સમયમાં પ્રશારિત એક અહેવાલમાં જણવવામાં આવ્યું છે.
(રેફ લિંક – નવગુજરાત સમય)

ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ ના પ્રમુખ કાનજીભાઈ ચૌધરી તથા સમાજ સેવક શ્રી ઘવલભાઈ બારોટ તેમજ ભોળાપુરી મહારાજ દ્વારા વડગામ તાલુકામાં આવેલ થુર પાસે વિચરતી જાતિમાં આવતા વાદી પરિવારોને રોજ નુ ખાવાનું મુશ્કેલ બની જતાં ૧૪૪ પેકેટ પારલે બિસ્કિટ, ૨૫ કિલો ચવાણું તથા આઠ કિલો જલેબી લઈને રાત્રે ભૂખ્યા લોકોને ભોજન પીરસ્યુ હતું.

વડગામ ચૌધરી યુવા પરિવાર તેમજ વડગામ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભગવાનસિંહ સોલંકી અને તેમની ટીમ દાતાઓશ્રીઓના સહયોગથી વડગામમાં જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

વડગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા વડગામ સ્થિત આર્યુવેદિક હોસ્પિટલના સહયોગથી વડગામ દૂધ મંડળી મુકામે ત્રણ દિવસ આર્યુવેદિક ઉકાળા વિતરણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો છે.

વડગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં ગ્રામપંચાયતોના માધ્યમથી ગામમાં સેનિટાઈઝેસનની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ વિવિધ ગામડાઓમાં યુવા સંગઠનો દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

આરોગ્ય વિભાગના તા. ૩૦ માર્ચ, ૨૦૨૦ ના રીપોર્ટ અનુસાર …..

વડગામ તાલુકામાં હજુ સુધી કોરોના વાઈરસથી સંક્રમિત કોઈ કેશ નોંધાયો નથી.

વડગામ તાલુકામાં હોમ કોરોન્ટાઈન માટે તાલુકાએ ૧ સ્કોડ બનાવેલ છે જે હોમ કોરોન્ટાઈન ના નિયમોનો ભંગા કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહેલ છે.

આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ ૫,૧૩,૩૩૦ લોકોનું સર્વે કરવામાં આવ્યું છે. વડગામ તાલુકામાં વિદેશથી આવેલ વ્યક્તિઓની કુલ સંખ્યા ૩૫ નોંધાઈ છે.

હેલ્થ વર્કર દ્વારા દરેક ગામમાં દૂધ મંડળીઓ પર ચોક દ્વારા કોરોના વાઈરસ સંદર્ભ શું કરવું અને શું ન કરવું તે લખવામાં આવેલ છે.

લોક ડાઉન ઉપર વડગામના વતની શ્રી સૂરસિંહ સોલંકી એ એક વિડીઓ રીલીઝ કર્યો છે જે સાંભળવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

લોક ડાઉન – કોરોના 

૨૭.૦૩.૨૦૨૦

Invisible Enemy’ સામે મહાસત્તાઓ પણ લાચાર

દેવેન્દ્ર પટેલ

કોરોના વાઇરસના કારણે આખું વિશ્વ એક નાજુક પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યું છે. કોરોના વાઇરસ એ સમગ્ર વિશ્વ પર કોરોનાનું આક્રમણ છે કે ચીનનું એક અલગ વિષય છે, પરંતુ આ વાઇરસને કારણે હજારો ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા અમેરિકા, બ્રિટન, ઇટાલી, સ્પેન, કેનેડા, બેલ્જિયમ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો પર ફફડી ઊઠયા છે. ચીનની વસતી ૧૪૦ કરોડ છે, પરંતુ ત્યાં માત્ર ૩,૫૦૦ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા, પરંતુ ઇટાલી જેવા માત્ર છ કરોડની વસતીવાળા દેશમાં 8000 લોકોનાં મોત નીપજ્યાં તે એક આૃર્યજનક ઘટના છે. અમેરિકામાં કોરોનાની સૌથી વધુ અસર કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને ન્યૂયોર્કના વિસ્તારોમાં છે. અમેરિકાની બધી જ યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. કહેવાય છે કે, અમેરિકામાં લોકો હાથ મિલાવવાનું તો ભૂલી જ ગયા છે, પરંતુ તેની સાથેસાથે એકબીજાને સ્મિત પણ આપતાં ડરે છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકા જેવા સુપરપાવર દેશની હેલ્થ સિસ્ટમ કેટલી નબળી છે તે વાત હવે ઉઘાડી થઈ ચૂકી છે. અમેરિકામાં ઇન્સ્યોરન્સ વિના જીવવું કઠિન છે. અમેરિકામાં બધાનું ખાનગીકરણ એટલી હદે થઈ ગયું છે કે ત્યાં સરકારી હોસ્પિટલ જેવી કોઈ સુવિધા જ નથી. નાની કે મોટી બધી જ હોસ્પિટલો પ્રાઇવેટ છે. તેની સામે ભારત કે ચીનમાં સરકારી હોસ્પિટલોનું એક મોટું નેટવર્ક છે. આ હોસ્પિટલો પાસે અનુભવી ડોક્ટરો પણ છે. ભારતની સિવિલ કે વી.એસ. હોસ્પિટલમાં એક ડોક્ટર દિવસમાં ૧૦૦ દર્દીને પણ ક્યારેક તપાસતા હોય છે. અમેરિકામાં એક ડોક્ટર એક દિવસમાં ૧૦૦ દર્દીને તપાસે એ અસંભવ છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ અમેરિકાના દરેક નાગરિક માટે ‘ઓબામા કેર’ યોજના હેઠળ એફોર્ડેબલ ઇન્સ્યોરન્સ બનાવવાની દિશામાં કામ કર્યું હતું, પરંતુ તે આગળ વધી ના શક્યું. જોકે કોરોનાના ઉપદ્રવ પછી હાલના પ્રેસિડેન્ટ ટ્રમ્પે કોરોનાના ટેસ્ટ અને સારવાર મફત કરવાની જાહેરાત કરી છે.

ભારત માટે એ સારી વાત છે કે, ભારત સરકારે કોરોના વાઇરસથી લોકોને બચાવવા માટે ભરપૂર તૈયારીઓ કરી લીધી છે. આ અભિયાનમાં અન્ય પડોશી દેશોને પણ સાથે રાખવા નિર્ણય કર્યો છે. જેથી બધાને એકબીજાનાં સંસાધનોનો લાભ મળે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના સંદર્ભમાં સાર્ક દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી. તેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સિવાય સાર્ક દેશોના બધા જ રાષ્ટ્રપ્રમુખો સામેલ થયા. પાકિસ્તાનના વડા પ્રધાને તેમના પ્રતિનિધિને આ ચર્ચામાં સામેલ કર્યા. વડા પ્રધાન મોદીએ કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે એક ઇમરજન્સી ફંડ ઊભું કરવા સૂચન કર્યું. જેમાં સાર્કના બધા દેશો સ્વૈચ્છિક યોગદાન કરશે. આ ફંડ માટે ભારતે એક કરોડ ડોલરનો ફાળો આપ્યો.

હા, એક વાત સાચી છે કે, ચીનથી બહાર નીકળેલો આ વાઇરસ હવે આખી દુનિયા માટે ભારે સંકટ બની ગયો છે. ચીનમાં કોરોનાના જેટલા દર્દીઓ છે તેથી વધુ દર્દીઓ વિશ્વમાં છે. ઇટાલીનું લોમ્બાર્ડી શહેર ચીનનું વુહાન શહેર બની ગયું છે. બ્રિટનની ૮૦ ટકા વસતીને કોરોનાનું સંક્રમણ થવાની આશંકા છે. બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથે ર્બિંમગહામ પેલેસ છોડી દીધો છે અને હવે તેઓ વિન્ડસર કેસલમાં રહેવા જતાં રહ્યાં છે.

આ બધાં સમાચારોની વચ્ચે એક સારા સમાચાર પણ છે. વિશ્વમાં સૌથી ઝડપી સુપર કોમ્પ્યૂટરે કોરોના વાઇરસને અટકાવી શકે તેવાં ૭૭ રસાયણો ઓળખી કાઢયાં છે. સામાન્ય કોમ્પ્યૂટર્સને આ આ કામ કરતા મહિનાઓ લાગે. અમેરિકાએ કોરોના વાઇરસથી બચવા માટે એક વેક્સિન તૈયાર કરી તેના ટેસ્ટ શરૂ કર્યા છે. આ ટેસ્ટ અમેરિકાની સિએટલ ખાતે આવેલી ‘કેન્સર પરમેનન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’માં કરવામાં આવી રહ્યાં છે. અલબત્ત, આ સંભવિત રસીની પુષ્ટિ થવામાં એક વર્ષ કરતાં વધુ સમય લાગી શકે છે. આ પ્રાયોગિક રસીનું પરીક્ષણ ૪૫ જેટલા યુવકો-યુવતીઓ પર થઈ રહ્યું છે. વિશ્વની ૫૦થી વધુ વૈજ્ઞાનિક સંસ્થાઓ કોરોના પ્રતિરોધક રસી બનાવવાના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે.

બીજા સારા સમાચાર એ છે કે, કોરોના વાઇરસના ઉપદ્રવનું એપી સેન્ટર ગણાતા વુહાનમાં હવે કોરોના પર કાબૂ આવતો જાય છે. હવે દિવસ દરમિયાન માંડ એક જ પોઝિટિવ કેસ આવતો હોય છે. કોરોનાથી સાજા પણ થઈ શકાય છે. હોલિવૂડના અભિનેતા ટોમ હેંક્સ અને તેમનાં પત્ની રીટા વિલ્સનને કોરોના થયો હતો, પરંતુ હવે તેઓ એકદમ સાજાં થઈ ગયાં છે. આ દંપતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી. કોરોનાથી સાવચેત રહેવાની જરૂર છે, ડરી જવાની જરૂર નથી. કોરોના વાઇરસનું ઉપદ્રવ કેન્દ્ર ગણાતું ચીનું વુહાન હવે સ્વસ્થ થતું જાય છે. વુહાનમાં કોરોના સંક્રમિત રોગના નવા કેસો હવે થતાં નથી. વુહાનમાં કોરોનાના ઉપદ્રવને પહોંચી વળવા માટે બનાવેલી ૧૬ જેટલી અસ્થાયી હોસ્પિટલો હવે બંધ કરી દેવામાં આવી છે. વુહાનમાં ૧૦૩ વર્ષનાં દાદીમાને કોરોનાની બીમારીમાંથી સાજાં કરી દેવામાં આવ્યાં છે.

કોરોના વાઇરસથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવી. અંધવિશ્વાસ પર ભરોસો કરવો નહીં. નિષ્ણાતો કહે છે કે, પ્રોટીનની માત્રા વધારવા માટે સોયાબીન, દાળ અથવા દૂધનું સેવન વધારવું. વિટામિન સીની માત્રા વધારવા લીંબુનો ઉપયોગ શ્રેષ્ઠ છે.

કોરોના વાઇરસ અંગે લોકોએ અખબારો કે ન્યૂઝ ચેનલ્સ પર જ ભરોસો મૂકવાની જરૂર છે, સોશિયલ મીડિયા પર નહીં. સોશિયલ મીડિયા પર કેટલાયે લોકો પોતે જ કોરોનાના તજજ્ઞા હોય તેવી સલાહો ફોરવર્ડ કરતા રહે છે. એમાંથી ઘણી વાતો ફેક અને બકવાસ હોય છે. કોરોના અંગે પ્રવર્તમાન કેટલીક અફવાઓ અને ભ્રાંતિઓથી દૂર રહેવાની જરૂર છે. કોરોનાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તેનાથી સાવચેત રહેવાનો. એટલે કે ‘ડોન્ટ ટચ’ની ટેવ પાડો. સ્વચ્છ રહો. સામાજિક મેળાવડાઓથી દૂર રહી સામાજિક અંતર જાળવો. સેલ્ફ આઇસોલેશન એટલે કે સ્વયં ઘરમાં જ એકાંતવાસમાં ચાલ્યા જાવ. માંસાહારી ભોજનનો ત્યાગ કરો. ઘરગથ્થું નુસખાઓનો પ્રયોગ કરવાના બદલે ડોક્ટર કહે તેમ કરો. બધી જ જવાબદારી સરકાર પર ઢોળી ના દો. યાદ રહે કે કોરોના વાઇરસ એ ‘Invisible Enemy’ એટલે કે અદૃશ્ય દુશ્મન છે. કોઈ તમારી પર તલવારથી હુમલો કરે છે તો તે જોઈ શકાય છે. કોઈ ચાકુથી હુમલો કરે છે તો ચાકુ જોઈ શકાય છે. કોઈ બંદૂકથી ગોળી છોડે છે તો બંદૂક જોઈ શકાય છે. કોઈ અણુબોમ્બ ફેંકે છે તો તે દૃશ્ય પણ જોઈ શકાય છે. પરંતુ કોરોના વાઇરસ ક્યાંથી અને કેવી રીતે હુમલો કરે છે તે જોઈ શકાતું નથી. કોરોનાનો વિષાણુ માથાના વાળ કરતાં ૮૦૦ ગણો સૂક્ષ્મ હોય છે. તેને મહાત કરવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ કામ કરી રહી છે. બની શકે કે તેમના સંશોધનો લોકો સુધી પહોંચે તે પહેલાં વિશ્વને ઘણું નુકસાન થાય. તેથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે, સ્વસ્થ રહો, સ્વચ્છ રહો, બને તો ઘરમાં જ રહો અને અન્ય લોકોને મળવાનું ટાળો.

આવા અદૃશ્ય દુશ્મન-કોરોના હવે સમગ્ર વિશ્વ માટે પડકાર છે. એણે વિશ્વની મહાસત્તાઓને પણ ઘૂંટણિયે પાડી દીધી છે ત્યારે માનવીએ સાવચેત રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નોંધપાત્ર વાત એ છે કે કોરોના મહામારીને કારણે ભારતમાં બધાં મોટાં મંદિરોનાં દ્વાર બંધ કરી દેવાયાં છે. મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર, મુંબાદેવી મંદિર, બાબુલનાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર, ગુજરાતનું અંબાજી માતાનું મંદિર, શામળાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે. રોમ-વેટિકન સિટી ખાતે આવેલું સેન્ટ પીટરનું ચર્ચ અને એવાં તમામ ચર્ચ તથા મક્કા-મદીના પણ હવે બંધ છે. મંદિરોનું સ્થાન હવે હોસ્પિટલોએ લીધું છે. હોસ્પિટલો જ હવે સાચાં મંદિરો છે. ડોક્ટરો જ સાચા દેવદૂત છે અને નર્સો તથા પેરામેડિકલ સ્ટાફ જ સાચાં એન્જલ્સ છે. રાત-દિવસ દર્દીઓની સેવા કરતાં તબીબો અને તેમના સ્ટાફનું સન્માન કરો.

Devendra Patel

૨૧.૦૩.૨૦૨૦

વાયરસજન્ય રોગો માં આર્યુવેદના આપણા પ્રાચીન ગ્રન્થ સુશ્રુત સંહિતા માં ઋતુચર્યા વિષે ખૂબ સરસ માહિતી અને રોગોથી બચવાના ઉપાય બતાવવામાં આવ્યા છે . વડગામ સ્થિત સરકારી આર્યુવેદ હોસ્પીટલ માંથી ડૉ. અલ્પેશભાઈ જોષી એ વડગામ.કોમ ને આ અંગે ખૂબ જ સરસ ઉપયોગી માહિતી જનજાગૃતિ અર્થે મોકલી આપી છે જે આજના કોરોના વાયરસના સંદર્ભ માં કામ લાગે એવી છે.. આભાર ડૉ. અલ્પેશભાઈ જોશીનો ….

*सुश्रुत संहिता*

सूत्र स्थान : – अध्याय ६ : ऋतूचर्या

*कदाचिदव्यापन्नेष्वपि ऋतुषु* – inappropriate seasons

*कृत्या*:- wrong karma
*अभिशाप* : – curse of animals and kinds
*राक्षस* :- demons ( viruses , bacteria )
*क्रोध* :- disrespectful for Nature
*अधर्म* :-nonreligiousy

*रुपध्वस्यन्ते जनपदाः*, breakdown living culture

*वायुनोपनीते तेनाक्रम्यते* :- vitiated air like substance and it creates effect to

*यो देशस्तत्र दोषप्रकृत्यविशेषेण* :- convert or mutant to nation by nation and produce….

*कास* -coughing
*श्वास* – breathlessness
*वमथु* vomiting
*प्रतिश्याय* – running nose
*शिरोरुग*- headache
*ज्वरै* fever
………… रुपतप्यन्ते |

*विविधरोगप्रादुर्भावो “मरको” वा भवेदिति* |
Various disease and epidemies are manifested .

*चिकित्सा* : – treatment

तत्र,….

*‌स्थानपरित्याग* :- return to home
*‌शान्तिकर्म* :- work and maintain peace
*‌प्रायश्चित्त* :- ready to pay for penalty
*‌मङ्गल* :- Being prosperous
*‌जप* :- keep mind Busy
*‌होम* :- ritual habits like hand wash
‌ *उपहारे* :- Gift right scene
*‌ईज्याञ्जलि* :- sacrifices
*‌नमस्कार* :- you know well
*‌तपो* :- Austerity
*‌नियम* :- make and follow rules
‌ *दया* :- kind towards living beings
*‌दान* :- contribution
*‌दीक्षा* :- purpose of purifying World
*‌अभ्युपगम* – acceptence

*देवताब्राह्मणगुरुपरैर्भवितव्यम्* :- pray together to god.

*…………..एवं साधु भवति |*

……. *You definitely get win*.✌️

*Ayurveda is not compulsory but its necessary*

*Think it’s older than any science but still most effective*

*Respect our proud*
*Respect our tradition*
*Respect our medicine*
*Respect our Ayurveda*

 ૨૦.૦૩.૨૦૨૦

કોરોના સાવચેતી

“જાગરૂકતા જીવન છે, ભય મૃત્યુ”

– ડૉ. કૌશિક ચૌધરી

 

મારી ફેસબૂકની ટાઇમલાઇનને મેં હંમેશા મારા મેડિકલ ફિલ્ડથી અલગ રાખવાની કોશિશ કરી છે. કારણકે રૂટિન પ્રોફેશન સિવાયની મારી જે બૃહદ બાજુઓ અને કાર્યો છે તે હું અહિં કરું છું. છતાંય, ત્રણ વર્ષ પહેલા ગુજરાત સમાચારમાં ‘એન્ટીબાયોટીક પ્રલય’ વિશે મેં એક આર્ટીકલ લખ્યો હતો અને આજે ફરી એ સમય છે જ્યારે મારું બૃહદ કાર્ય અને મારું પ્રોફેશન એક લાઇનમાં છે. બિકોઝ, કોરોના ઇઝ ઍટ હોમ નાઉ. જેમ દરેક સિક્કાની ઍક બીજી બાજુ છે, તેમ ગ્લોબલાઇઝેશનની પણ છે. વિશ્વના કોઇપણ દેશમાં શરું થયેલી સમસ્યા હવે પારકી કહેવાની ભૂલ કરાય તેમ નથી, કારણકે તેને પોતાની થતાં મહિના નહી, અઠવાડિયા લાગે છે.

કોરોના વિશે અલગ વાત એ છે કે નોર્મલી કોઇપણ વાઇરસ હવામાં આવતાં જ ત્રણથી ચાર સેકંડમાં નાશ પામે છે. પણ કોરોના વાઇરસ પાણીની ડ્રોપલેટમાં જીવે છે. આથી, કોરોના પીડીતે છીંક ખાધી ત્યારે પાણીના જે નાના નાના છિન્ટા ઉડ્યા તેમાં કોરોના વાઇરસ છે. અને પાણીની તે બુન્દો જ્યાં પડી હોય ત્યાંથી જો તેને સાફ કરવામાં આવે તો વાઇરસ તેમાં એકથી ત્રણ દિવસ સુધી જીવી શકે છે. જો પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ જેવી કઠણ વસ્તુ હોય તો ત્રણ દિવસ સુધી અને કપડા કે પૂંઠા જેવી છિદ્રાળુ સપાટી હોય તો એકાદ દિવસ સુધી. અને આ કિસ્સામાં એક દિવસ એ બહુ મોટો સમય છે. કારણકે 24 ક્લાક સુધી એ સપાટી પર જેનો જેનો હાથ અડશે તે એ વાઇરસને પોતાના હાથમાં લઈને આગળ વધશે અને જો એ હાથ ધોયા પહેલા પોતાના કે બીજા કોઇના મોંઢા પર અડાડશે તો એ વાઇરસને પોતાના કે તે બીજા વ્યક્તિના શરીરમાં લઈને આગળ વધશે. અને હવે તેની છીંકમાંથી પણ બુંદો સ્વરૂપે એ વાઇરસ નિકળશે. તો આ રીતે આ સંક્રમણ ફેલાય છે. એકવાર એક ભાઇ કે બહેન એને લઈને આવ્યા પછી એ ખાલી પોતાના આજુબાજુના વ્યક્તિઓને જ નહીં, તેમના આજુબાજુની દરેક નિર્જીવ સપાટીને પણ એકથી ત્રણ દિવસ સુધી કોરોના વાઇરસથી સંક્રમિત કરી દે છે. આજ કારણ છે કે આ રોગ આટલી ઝડપથી ચારેબાજુ ફેલાઇ રહ્યો છે. આજ કારણ છે કે ભારતમાં કાલ સુધી જેટલા કેસ દિવસમાં વધતા હતા તે હવે કલાકોમાં વધી રહ્યા છે.

આ આખી ઇમરજન્સી છતાંય બહુ ગભરાવાની જરુર એટલા માટે નથી, કારણકે કોરોનાના લક્ષણો એટલા ભયાનક નથી જેટલા ઇબોલા અને ઝિકા વાઇરસના હતા. અહિં શરદી, ખાંસી અને તાવના શરુઆતી લક્ષણો દેખાય તે વખતથી જ તેની બેઝિક સારવાર શરું થઈ જાય તો એ મટી જાય છે. આજ કારણે ભારતમાં 19 લોકો તો કોરોના ઇન્ફેક્ટેડ થઈને પણ સાજા થઈ ગયા છે. પણ એકવાર ત્રીજા સ્ટેજમાં એ જતો રહે ત્યાં સુધી સામાન્ય શરદી, તાવ સમજીને અવગણવામાં આવે તો ન્યુમોનિયા અને કિડની ફેલ થવાની શક્યતા વધી જાય છે. એટલે વૃધ્ધ માણસો માટે આ રોગ વધુ ભયાનક છે. એટલે જ કોરોનાથી થયેલા મૃત્યુમાં મોટાભાગે વૃધ્ધ લોકો છે. છતાંય, બાળકો અને ફેફસાં કે શ્વાસની બિમારીવાળા અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા મધ્યવયના લોકો માટે પણ એ ઘાતક થઈ શકે છે. એટલે ટુંકમાં, પ્રલય આવી ગયો હોય એવી ગભરાઇ જવાની જરુર બિલકુલ નથી. પણ સભાન અને સતર્ક થઈ જવાની જરુર બિલકુલ છે.

તો, સાવચેતીઓમાં મુખ્ય જે છે એતો આપણે જાણીએ જ છીએ કે કોઇનાથી હાથ ન મિલાવાવો, જ્યાં ત્યાં હાથ અડાડવો નહી. હાથ વારંવાર ધોતા રહેવું અને ડીસેનેટાઇઝ કર્યા વિના મોઢા પર હાથ બિલકુલ ન લઈ જવો. પણ આ સિવાય હવે ઘરમાં ગેટ આગળ જ એક હેંડવોશ રાખવું, જેથી ઘરનો કે બહારનો કોઇપણ વ્યક્તિ જ્યારે આપણા ઘરે આવે ત્યારે પહેલા પોતાના હાથ ધોઇને જ ઘરમાં પ્રવેશે. જેથી ઘરની દિવાલોથી ફર્નિચર સુધીની સપાટીઓ તેના સ્પર્શથી સંક્રમિત ન થાય. આપણા ઘરમાં કામ કરવા માટે આવતા હેલ્પરોને ગેટ આગળ જ હાથ હેન્ડવોશથી ધોવડાવી, ડીસેનેટાઇઝ કરી એક ઍપ્રોન આપી દેવું વધુ હિતાવહ છે. તેમના કપડાં જો વાઇરસથી ઇન્ફેક્ટેડ હોય તો તેમનો હાથ તેમના કપડાંને અડતાં જ ફરી વાઇરસના વાહકનું કામ કરવા લાગશે. હોસ્પિટલોમાં પણ ક્લિનિકના મુખ્ય ગેટ આગળ જ હેન્ડવોશ અને ડીસેનેટાઇઝર રાખી દરેક પેશન્ટને હાથ સ્વચ્છ કરીને જ અંદર આવવા દેવું, જેથી એ હોસ્પિટલની દિવાલો અને જગ્યાઓને ઇન્ફેક્ટેડ ન કરે. બસ બે અઠવાડિયા કે એકાદ મહિના સુધી આટલુ જાળવવું જરુરી છે. પછી શિયાળામાં ફરી એ ઉભો થશે ત્યાં સુધીમાં તેની વેક્સીન શોધાઇ ચૂકી હશે અને આપણે પણ સ્વાઇન ફ્લુની જેમ એનાથી ટેવાઇ ચુક્યા હોઇશું.

તો, મૃત્યુથી ગભરાટ નહી પણ સભાનતા. આ આધ્યાત્મિકતાનું લક્ષ્ય છે. એજ કોરોના પણ આપણાથી કરાવી રહ્યો છે. રોજબરોજની આપણી બેફામ બનેલી આદતો પ્રત્યે તે આપણને સભાન બનવા કહી રહ્યો છે. તે આપણને એ યાદ કરાવીને વિનમ્ર બનવા કહી રહ્યો છે કે આ દુનિયા પર ખાલી આપણે માનવો જ નથી. એક ન દેખી શકાતો સૂક્ષ્મ વાઇરસ પણ આપણા જીવન, આપણી ઇકોનોમી અને આપણા રહેનસહેનને તહેસ નહેસ કરવા કાફી છે. રાજામોલિએ જ્યારે ‘મખ્ખી’ ફિલ્મ બનાવી ત્યારે તેમણે કલ્પના નહી કરી હોય કે અસલમાં મખ્ખી તો બહુ વિરાટ જીવ છે. અસલમાં તેના કરતાં કરોડો ઘણો નાનો એક વાઇરસ પણ માણસના નાકમાં દમ લાવવા કાફી છે.
So, stay healthy. Help to stay others healthy.

બોધ: મૌત સામે દેખાતા માણસ જેટલો સભાન બને છે એટલો જો જીવનની દરેક પળે બની રહે તો એજ જીવનમાં જીવન-મૃત્યુના આ ડરામણા ચક્રથી હમેશાં માટે મુક્ત થઈ