નવયુગ હાઈસ્કૂલ વડગામના વિદ્યાર્થીઓનું ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું.
અહેવાલ : નીતિન એલ. પટેલ (વડગામ)
ઈ.સ. ૧૯૭૧-૭૨ માં વડગામ નવયુગ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલનનું સુંદર આયોજન વડગામના આંગણે યોજાયું. ૧૯૭૧ માં મારો જન્મ અને એ વખતે આજના પ્રસંગે ઉપસ્થિત વડીલો વડગામ હાઇસ્કૂલના દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા એટલે સ્વાભાવિક રીતે મારાથી આયુમાં પંદર વર્ષ મોટા. અત્યારે ૭૦ વર્ષની આયુ એ પહોંચેલા એ સમયના વિદ્યાર્થીઓ પૈકી અમુક તો સ્વર્ગે સિધાવ્યા પણ જે પણ સાથી મિત્રો અને ગુરુજનો હયાત છે એમનું શાળા જીવનના ૫૪ વર્ષના વ્હાણા વહી ગયા હોવા છતાં એકબીજાને મળવું એ ક્ષણોને માણવાની મને તક મળવી એ મારુ અહોભાગ્ય હતું.
બાળપણ અને યુવાનીનો સમય એ જીવનનો ઉત્તમ સમય છે. એ સમયે બંધાયેલા સબંધો ક્યારેય પણ ભુલાતા નથી એ યાદો હંમેશા મનમાં સંગ્રહાયેલી રહે છે. ૫૪ વર્ષ પહેલા અને આજના યુગ વચ્ચે જમીન અસમાનનો ફરક જોવા મળે છે એટલે અભાવો વચ્ચે જીવેલી સહિયારી જિંદગીને સગવડોવાળી જિંદગી સાથે તુલના કરવા બેસીએ તો ચોક્કસ પણે દરેકને પોતાના બાલ્ય કે યુવાકાળ ની અભાવોવાળી જિંદગી ચોક્કસ ગમશે અને એટલે તો આટલા વર્ષો બાદ સહાધ્યાયીઓને એ પુરાની યાદોને તાજી કરવી ગમે છે. આજના ગેટ ટુ ગેધરના અમુલ્ય અને પ્રસંગ અને એની સાથે જોડાયેલી સુવર્ણ યાદોની વાતો વાગોળતા પહેલા આપણે વડગામ હાઈસ્કૂલ નો થોડોક ઇતિહાસ જાણી લઈએ.
૧૯૫૯ થી ૧૯૬૫ વચ્ચેનો સમય હશે જ્યારે વડગામના સ્વ.શ્રી ગલબાભાઈ હાથીભાઈ ઉપલાણા જેલની ૧૫ વર્ષની સજા કાપીને ગામમાં આવ્યા હતા એ વખતે મારા પિતા શ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા (નિવૃત આચાર્ય – સી.જે કોઠારી હાઈસ્કૂલ , ચિત્રાસણી , આદર્શ હાઈસ્કૂલ પાલનપુર , પૂર્વ માનદ નિયામક , આદર્શ હાઈસ્કૂલ વડગામ ) , શ્રી મહોતભાઈ જીતાભાઈ ગુર્જર , શ્રી મોઘજીભાઈ જીતાભાઈ પટેલ અન્ય અન્ય યુવાનો પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કરીને બેઠા હતા એ સમાયે ગલબાભાઈ એ આ છોકરાઓને કહ્યું કે તમે શું કરો છો તો મારા પિતાશ્રી અને એમના સાથી મિત્રોએ જણાવ્યું કે અમે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે પણ હવે આગળ ભણવા આપણા ગામમાં હાઈસ્કૂલ નથી. એ સમયે માટે વડગામા તાલુકાના મેમદ્પુર ગામમાં એક માત્ર હાઈસ્કૂલ ચાલતી હતી. આજુબાજુના ગામડાઓ માંથી છોકરાઓ મેમદ્પુર અપડાઉન કરતા તો કેટલાકને ત્યાં ન ફાવતા પાછા પણ આવતા એવા સમયે વડગામના ગલબાભાઈ હાથીભાઈ ઉપલાણાએ પાલનપુર ડીઓ કચેરીએ રૂબરૂ જઈ વડગામમાં હાઇસ્કૂલ ની જરૂરીયાત અંગે રજૂઆત કરી તો એમને જણાવવામાં આવ્યું કે પુરતી સંખ્યા થાય તો વડગામમાં હાઈસ્કૂલ શરૂ કરવાની મંજૂરી આપીએ. ત્યાર બાદ મારા પિતાશ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા. શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલ અને તેમણા સહાધ્યાયીઓ વડગામ આજુબાજુના ગામડાઓમાં પગે ચાલીને જે ગામડાઓમાં છોકરાઓ સાત ધોરણ પાસ થયા હોય એમની યાદી બનાવતા અને વડગામ હાઇસ્કૂલ માટે સંખ્યા થાય એવા પ્રયત્નો કરતા, બાદરગઢ માંથી આવા સાત છોકરાઓ મળ્યા એમના સતત પ્રયત્નો થકી હાઈસ્કૂલ માટે જરૂરી સંખ્યા થઇ અને વડગામમાં હાઈસ્કૂલ શરૂ કરવાની મંજૂરી મળી. વડગામના સ્વ. શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ કેળવણી મંડળના પ્રથમ પ્રમુખ બન્યા તો ડો. કાન્તીભાઈ (વૈધ) મંત્રી બન્યા અને વડગામમાં હાઈસ્કૂલની શરૂઆત વડગામ રાધા-કૃષ્ણ મંદિરની પતરાવાળી ધર્મશાળામાં થઇ, જે હાઈસ્કૂલમાં પ્રથમ શિક્ષક તરીકે શ્રી મદનેશભાઈ સાહેબ જોડાયા પછી જેમ જેમ વર્ગ વધતા ગયા તેમ તેમ જગ્યાની જરૂરીયાત વધતી ગઈ અને પછી વડગામના બારોટ વાસમાં આવેલ જાગીરદારો ના ડેલામાં નવયુગ હાઈસ્કૂલના મંડાણ થયા જ્યાં આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત વડીલોએ અભ્યાસ કર્યો હતો . નવયુગ વિદ્યાલયમાં આચાર્ય તરીકે બારોટ સાહેબ આવેલા જેઓ શિસ્તના અત્યંત આગ્રહી અને એમના કડક સ્વભાવને લઈને વિધાર્થીઓ –વાલીઓ આજે પણ બારોટ સાહેબને યાદ કરે છે. મારા પિતાશ્રી લક્ષ્મણભાઈ ઉપલાણા પ્રત્યે બારોટ સાહેબ ને વિશેષ માન એટલે એમને એ વખતે હાઈસ્કૂલની પ્રથમ બેચના વિદ્યાર્થી મંડળના પ્રમુખ પણ બનાવેલા. આ તબ્ક્કે વડગામના સ્વાતંત્ર સેનાની સ્વ. શ્રી કાલીદાસ ભોજકને પણ યાદ કરી લઈએ કારણકે તેઓએ એ સમયે વડગામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે જનજાગૃતિના નાટકો કરાવતા અને એના માધ્યમથી વિધાર્થીઓમાં પણ એની સ્કારાક્ત્મક અસર થતી. વડગામ હાઈસ્કૂલ પતરાવાળી પછી નેળીયા વાળી હાઈસ્કૂલ સંકુલ માંથી પાકા મકાનના શાળા સંકુલમાં પ્રવેશી. સ્વ. શ્રી વિરસંગભાઈ જીવાભાઈ પટેલ પરિવારના દાન થકી નવી હાઈસ્કૂલનું નામકારણ શ્રી વિ.જે પટેલ હાઈસ્કૂલ કરવામાં આવ્યું. ત્યારબાદ શેઠ શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ શાહ પરિવારે પણ જરૂરી આર્થિક સહયોગ આપ્યો. સ્વ. સમુબેન ગંગારામભાઈ રાવલ (તપોધન )ના સ્મરણાર્થે માધ્યમિક શાળાને ૨૨,૫૫૫ ચો.ફૂટ જગ્યા તેમના પરીવાર તરફથી દાનમાં મળી. તો સ્વ.શ્રી મયારામ બેચરભાઈ રાવલ (તપોધન)ના સ્મરણાર્થે ૪૬,૧૬૮ ચો.ફૂટ જગ્યા હાઇસ્કૂલને તેમના પરિવાર તરફથી દાનમાં મળી. આમ દાતાશ્રીઓ એન ગામલોકોના સહયોગયથી અત્યારે વી.જે પટેલ હાઇસ્કૂલ કાર્યરત છે.
હવે મૂળ વાત ઉપર આવીએ તો આજે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયુ એ મોટેભાગે નવયુગ હાઈસ્કૂલ નામે જે હાઈસ્કૂલ ચાલતી એમાં અભ્યાસ કરતા હતા. આટલા લાંબા સમયે એ સમયના સહાધ્યાયીઓનું મળવું એ ઐતિહાસિક ઘટના છે એમાંથી એમના ઘણા મિત્રો આજે હયાત નથી પણ એમની યાદો દરેકના સ્મરણમાં છે.
ઢળતી ઉંમરે શાળા જીવનના સ્મરણો દરેકને એક શુકુન આપે છે અને એમાં પણ જયારે વર્ષો બાદ સાથે ભણેલા મિત્રો એકઠા મળે એકબીજાના ખબર અંતર પૂછે અને એમના શાળા જીવન બાદની જીવન સફર વિશે જાણે તે એક રોમાંચકારી ઘટના ગણાવી શકાય. ભારતીય સંસ્કૃતિને દીપાવતા આજના પ્રસંગને સુંદર સફળ આયોજન થકી શ્રી પ્રમોદભાઈ મોદી ,સુબોધભાઈ મોદી , શ્રી દલસંગભાઈ ડેકલિયા અને એમના મિત્રોએ યાદગાર બનાવ્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવોએ જે પોતના સંસ્મરણો વ્યક્ત કર્યા એ આપ અત્રે આપેલ વિડીયો ના માધ્યમથી સાંભળી શકો છો.