આપણા તિર્થસ્થળો

વડગામ પંથકનાં પેપોળ- મેગાળમાં આવેલ પ્રાચીન શિવલિંગ.

પેપોળના પાતળીયા મહાદેવ.

Pataliya Mahadev- Pepolપેપોળ નું પાતળીયા મહાદેવ નું પ્રાચીન મંદિર થોડેક જ દુર સરસ્વતી નદી ની પાસે પોતાની ઐતિહાસિક વિરાસત સાચવીને પ્રકૃતિની ગોદમાં દ્રષ્ટિગોચર થાય છે. જો કે આ જગ્યામાં સેવા સવલતો કોઈ ઉપલબ્ધ નથી ..ભૂગર્ભમાં બિરાજમાન શિવલિંગ અનોખી અનુભૂતિ નો અહેસાસ કરાવે છે. જો કે માળખાકીય સુવિધાઓથી વંચિત આ સ્થળ તેનો પ્રાકૃતિક દબદબો પણ પુરી રીતેજાળવી શક્યું નથી. આ સ્થળ સુધી જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. હજુ પણ ગાડા રસ્તો છે એ પણ પુરેપુરો મંદિર સુધી તો નથી જ  પહોંચતો .. આ મંદિર માં કોઈ ઐતિહાસિક લખાણ કે પુરવા મળતા ન હોવાથી વધુ માહિતી તો મળતી નથી પણ સરસ્વતી નદી ની નજીક માં આ ઐતિહાસિક મંદિર આવેલું હોવાથી જો તેની પ્રાકૃતિક સુંદરતા ને જાળવીને માળખાકીય સુવિધાઓ વિકસાવવા માં આવે તો વડગામ તાલુકાની એક ઐતિહાસિક ધરોહર  જરૂર બચી શકે.  હવે તો પ્રાકુતિક સ્થળો નું પણ માનવજાત નિકંદન કાઢવા બેઠી હોય તેવું ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે.

 

મેગાળનું ૭૦૦ વર્ષ પુરાણું મહાદેવનું મંદિર

5વડગામ તાલુકાના પેપોળથી મેગાળ જવાના રસ્તા પર ભગવાન ભોલેનાથનું મંદિર આવેલું છે. આ મહાદેવ વડગામ પંથકમાં બિલેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. અહી બિલેશ્વર મહાદેવના નામ પાછળ આ જગ્યામાં ઉભેલા બીલીના વ્રુક્ષો હોવાનું મનાય છે. મેગાળ ગામ નજીક વર્ષો પહેલા બિલીઓ નાં ઝાડનું ઘોર જંગલ હતું. અત્યારે આ જગ્યા બીલીયા તરીકે ઓળખાય છે. આ જગ્યામાં સ્વયભું પ્રગટ થયેલા શિવલિંગે ભક્તોને દર્શન આપ્યા હતા. જ્યાં શિવભક્તો દ્વારા એક શિવમંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવ મંદિર નું નામ બીલીઓના ઝાડ ઉપરથી બિલેશ્વર મહાદેવ પડ્યું હોવાની લોકવાયકા છે. જો કે આશરે ૭૦૦ વર્ષ પુરાનાં શિવાલય પર શિવાજીનું મંદિર  બ્રહ્મલિન સંત પૂજ્ય વાસુદેવગીરી દ્વારા બંધાવવામાં આવ્યું હતું જ્યાં હાલ છેલ્લા ૩૦ વર્ષથી લક્ષ્મણગીરી બાપુ પૂજા અર્ચના કરી રહ્યા છે. હાલમાં આ શિવમંદિરમાં પંચવટી યોજના હેઠળ બગીચો બનાવવામાં આવ્યો છે. અહિયા રોજ ભક્તો પૂજા પાઠ માટે આવે છે.

6શિવરાત્રિએ શિવાલય ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં તો બિલેશ્વર મહાદેવ નાં દર્શન કરવા ભક્તો ની ભારે ભીડ જામે છે કહેવાય છે કે બિલેશ્વર મહાદેવ નાં દર્શનમાત્ર થી ભક્તો સર્વ પાપો માંથી મુક્તિ મેળવે છે. આ જગ્યામાં હજુ પણ વગર ઉગાડે બીલીઓ નાં ઝાડ મોટી સંખ્યામાં ઉગી નીકળે છે. લોકો આસો મહિનાની એકમનાં દિવસે પ્રથમ નવરાત્રી નાં દિવસે બીલીયાની માટી લાવી દેવી દેવસ્થાનની સ્થાપના કરે છે. આ વિસ્તારમાં લોકોની માન્યતા હજુ પણ અકબંધ છે.

આ મંદિર વિષે એક એવી પણ લોકવાયકા છે કે પ્રાચીન સમયમાં જયારે આ જગ્યાએ ગાઢ જંગલ હતું ત્યારે ચોર લુટારાઓ પણ આ જગ્યાએ આવતા જતા. બીલીના પુષ્કળ ઝાડ ઉગતા હોવાથી આજુબાજુ નાં ગામડાઓ માંથી લોકો બીલી લેવા માટે અહી આવતા. અત્યારે બીલીઓ નાં ઝાડ પણ છે અને નવા બીલીઓ નાં ઝાડ એની રીતે ઉગતા રહે છે પરંતુ જે રીતે કુદરતી સૌદંર્ય જળવાવું જોઈએ તે જળવાયું હોય તેમ લાગતું નથી એક જ જગ્યાએ મૂળ જગ્યાએ જ્યાં શિવલિંગ હતું ત્યાં મંદિર બંધાયું છે તો ગામલોકો એ આ જ જગ્યામાં બીજા શિવમંદિર નું નિર્માણ પણ કર્યું છે. પંચવટી યોજના નો લાભ આ મંદિર ની જગ્યાને મળ્યો છે પણ જે રીતે બાગબગીચા અને જગ્યાની મરામત થવી જોઈએ તેનું અભાવ દેખાય છે. ધીમે ધીમે આધુનીકરણરૂપી  પવન આપણા પ્રાચીન અને કુદરતી સ્થળો ને ભરખી નાં જાય તો સારૂ.