જનરલ માહિતી, વડગામનો ચોતરો (ઓટલો), સામાજિક-ધાર્મિક પ્રસંગો

ગ્રામ દેવતા – ગ્રામદેવી

ગ્રામદેવતા – ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમુહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ દેવતાનું પણ સૂચન કરે છે.

ભારતના દરેક ગામને દેવ-દેવીઓ હોય છે. સામાન્ય રીતે ગામને પાદરે તેમનાં સ્થાનો હોય છે. ત્યાં તેમની પૂજા ઉપાસના, ઉત્સવો, યજ્ઞ-યાગાદિ થતાં હોય છે. તેમને નૈવેધ અને બલિ નિયમિત કે બાધા-આખડી માટે ચડાવવામાં આવે છે. ગ્રામદેવતા સમગ્ર ગામની જીવંત સૃષ્ટિનું સંક્ષણ કરતા હોવાની માન્યતા છે.ગ્રામદેવતામાં વિવિધ નામોથી દેવીની પૂજા થતી જોવામાં આવે છે. તેમાં ભવાની, અંબા , કાલી, મેલડી સિકોતરી આદિ અનેક નામો દેખાય છે. તે પ્રમાણે દેવીમાં વીર, ભૈરવ, શિવ, વિષ્ણુ સૂર્ય આદિ અનેક નામો હોય છે.

ગામ વસાવવામાં આવે ત્યારે ત્યાં પ્રથમ વસનારની માન્યતા પ્રમાણે ગ્રામદેવતાનું સ્થાપન થતું હોવાથી શરૂઆતમાં ગ્રામદેવતા અને કુળ કે ગૌત્રદેવતાની એકરૂપતા હોય છે; પરંતુ ગામની વસ્તી બહારથી આવેલાં કુટુંબોથી વધતાં તે ગામમાં જુદાં જુદાં દેવસ્થાનો થાય છે, તેમાં મૂળ સ્થાપેલા ગ્રામદેવતાનું સ્થાન મહત્વનું રહે છે અને તેની પૂજા ઉપાસનામાં સમસ્ત ગામ યથાશક્તિ ભાગ લે છે.

જેમ ગામમાં વસ્તીવધારો બહારથી આવતા લોકોથી થાય છે, તેમ ગામમાંથી સ્થળાંતર કરતા લોકો ગ્રામદેવતાને પોતાની સાથે અન્યત્ર લઈ જતા હોય છે. આવા દેવસ્થાનો સ્થળાંતર કરતી વસ્તીનાં સૂચક હોય છે. આવી સ્થળાંતરીત વસ્તી પણ તેમના મૂળસ્થાનના દેવતામાં વિશ્વાસ રાખતી હોવાથી તેની સગવડ અને શક્તિ પ્રમાણે મૂળસ્થાન પર પાછી ઉપાસના અર્થે આવતી અને તેના સ્થાનો સાચવતી જોવામાં આવે છે.

આવી પરિસ્થિતિમાં ગ્રામદેવતા, સ્થાનદેવતા અને ઇષ્ટદેવતાની એકરૂપતા ઘણી વાર જોવામાં આવે છે. આ તમામ માન્યતાઓની પાછળનો મૂળ ભાવ મનુષ્યતર જીવંત સૃષ્ટિનો છે. એ જીવંત સત્વો મનુષ્યનાં સુખદુખના હેતુ હોઇ તેમની સાથેના સંબંધોથી સુખની પ્રાપ્તિ અને દુઃખનો વિનાશ કરવા માટે વિવિધ પ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે.

ગામદેવતા દરેક ગામમાં હોય છે. તેનું દૈવત્વ સ્વીકારવામાં આવે છે; પરંતુ તેની પાછળની આખ્યયિકાઓ શોધવા જતાં દરેક જગ્યાએ સફળતા મળતી નથી, ગ્રામદેવતા, તેના સંબંધો, તેના ઉપાસકો આદિની તપાસ ઘણી સામાજિક, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી પૂરી પાડવાની ક્ષમતા રાખે છે.

( માહિતી સ્ત્રોત – ર.ના.મહેતા ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ- ૬ (ભાગ – ૨) માંથી સાભાર)