તેજસ્વી વિધ્યાર્થી :શ્રી યુ.એન.મહેતા – કુમારપાળ દેસાઈ
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ મેમદપુરમાં જન્મ લઈને પ્રખ્યાત ટોરેન્ટ કંપનીની સ્થાપના કરીને વૈશ્વિક ફલક પર વડગામ તાલુકાનું નામ રોશન કરનાર અને આપણને સૌને ગૌરવ અપાવનાર શ્રી ઉત્તમભાઈ એન.મહેતાનું જીવનચરિત્ર પ્રખ્યાત લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા “આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર” પુસ્તક સ્વરૂપે લખ્યુ છે જે આભારસહ તે પુસ્તકમાંથી આ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કુલ ૨૫ અલગ અલગ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે,જે દરેક એક સાથે અને સમયે ટાઈપ કરીને વેબસાઈટ ઉપર મુકવા શકય ના હોવાથી સમયાનુસાર એક એક પ્રકરણ આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. ફરીથી આ લેખના લેખક માનનિય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને પુસ્તક પ્રકાશક ટોરેંટ લિમિટેડ,અમદાવાદનો આભારી છું.- તંત્રી : www.vadgam.com]
આજ્થી સાત દાયકા પહેલાંના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં યુ.એન. મહેતાનો જન્મ થયો. સુલતાન મહેમૂદની ઐતિહાસિક સ્મૃતિ ધરાવતા પાલનપુરના નવાબી રાજના હકૂમત હેઠળના આ ગામની વસ્તી બે હજારની હતી. ગામમાં રજપૂત, બારોટ, ઠાકોર, પટેલ, વણકર, ચમાર, સેંધમા, ઘાંચી, મોચી, બ્રાહ્મણ અને જૈન એમ જુદી જુદી કોમ સંપ અને એખલાસથી વસતી હતી. પાંચેક ઘર રાવણહથ્થા લઈને ઘૂમતા ઢાઢી મુસલમાનનાં હતાં.
આ મેમદપુર ગામ બે ભાગમાં વહેંચાયેલું હતું. એનો એક ભાગ આંટાવાસ તરીકે ઓળખાતો હતો. આ આંટાવાસમાં બારોટ, રજપૂત અને જૈનો રહેતા હતા. એના તળપોદના નામે ઓળખાતા બીજા ભાગમાં બ્રાહ્મણ, ઠાકોર અને હરિજનો વસતા હતા.
પંચોતેર વર્ષ પહેલાંના સમયમાં આવા નવાબી રાજના નાનકડા ગામમાં ઉદ્યોગ કે કારખાનાંની તો કલ્પના શી રીતે થાય ? મેમદપુરમાં વસતા જૈનો ધીરધારનો ધંધો કરતા અને ખાધેપીધે સુખી હતા. આ ધીરધારના ધંધામાં દરેકને અમુક આસામીની જરૂર પડતી. આ આસામી એટલે નિયમિત ગ્રાહક. ખેડૂતને અનાજ જોઈતું હોય, એના ઘરમાં લગ્નપ્રસંગ હોય અથવા તો એનો બળદ મરી ગયો હોય તો એવા આસામીને પૈસા ધીરવામાં આવતા હતા.
કેટલાક ખેડૂતો બીજાના ખેતરોમાં આંબા ઉગાડતા હતા. એ વાવેલા આંબા એમની પાસે રાખતા અથવા તો આંબા પર થયેલી કેરીને ઉચ્ચક વેચી દેતા. ખેડૂતો રકમ ધીરનારને ક્યારેક પૈસાના બદલે અમુક આંબા આપી દેતા. આંબા પર જે કેરી આવે તેના પર ધીરધાર કરનારનો હકક રહેતો. ખેડૂત અને દરજીને પૈસા ધીરવામાં આવતા અને એના બદલામાં તેઓ અનાજ કે કપડાં આપી જતા. આવી “બાર્ટર સિસ્ટમ” (વિનિમય પધ્ધતિ) પ્રમાણે વ્યહવાર ચાલતો હતો.
સમાજરચના એવી હતી કે ખેડૂત ધીરેલા પૈસાના બદલામાં અનાજ આપી જતો હતો. જો વધારે અનાજ પાક્યું હોય, તો આ ખેડૂતો પાલનપુર જઈને વેચતા હતા. મેમદપુરમાં વણકરે વણેલું કાપડ સહુ પહેરતા હતા. દવાની તો વાત જ શી ? લોકજીવન જ એવું હતું કે રોગોનું જ્ઞ્યાન નહીં અને દવાઓ પણ નહીં.
ઘરની સ્ત્રીઓ રોજ સવારે ચાર વાગે ઊઠી જતી. પ્રભાતિયાં ગાતાં-ગાતાં ઘરમાં રાખેલી ઘંટી પર લોટ દળતી હતી. વહેલી સવારના છ વાગે ગામની બહાર આવેલા કૂવા પર પાણી ભરવા જતી હતી. એ પછી ઘેર આવી ચૂલો સળગાવીને રસોઈ કરતી હતી. પુરુષો ખેડૂતો પાસે ઉઘરાણી માટે જાય. બે-ચાર કલાક ફરીને પાછા આવી જતા હતા. ચીજવસ્તુની ખરીદી કરવા પુરુષો બહાર જતા હતા. સાંજે ખાટલા ઢાળવા અને રાત્રે પથારી કરવી એ કામમાં પુરુષો મદદરૂપ બનતા હતા.
ગામના જૈનો ખેડૂતોને આઠ આના કે દસ આના વ્યાજે એટલે કે છ ટકાના દરે પૈસા ધીરતા હતા. વ્યાજમાં કોઈ ગોલમાલ નહીં. ખેડૂતોને છેતરવાના નહી. ચાંદા-સૂરજની શાખે તને ધીર્યા અને તારું મકાન મળ્યું છે એવું કાના-માત્ર વિનાનું લખાણ કરવામાં આવતું.
આજની માફક એ સમયે ગમે તે અજાણી વય્ક્તિને ધીરધાર કરવામાં આવતી નહીં. ધીરધાર કરનાર થોડા નક્કી કરેલા કુટુંબોને જ ધીરધાર કરતા હતા. પરિણામે ધીરધાર કરનાર અને રકમ લેનાર વચ્ચે આત્મીય સબંધ જળવાઈ રહેતો હતો. આવા ખેડૂતો ધીરધાર કરનારને ત્યાં લગ્નપ્રસંગ હોય તે એમાં ઉમંગભેર સામેલ થતા હતા. એ સમયે જરૂરી ચીજ-વસ્તુઓ લાવી આપતા હતા. એમના કોઈ સગા પાસેથી ચોખ્ખું ઘી મેળવી આપતા હતા. જરૂર પડે છેક પાલનપુર જઈને ગોળ અને ખાંડ લાવી આપતા હતા. બીજી બાજુ આ ધીરધાર કરનારે ખેડૂતને જરૂર પડે ત્યારે અવારનવાર પૈસા આપવા પડતા હતા. લગ્નપ્રસંગ કે અંતિમક્રિયા વખતે સારી રકમ ધીરવી પડતી હતી.
ખેડૂત ફસલ થાય એટલે ધીરધાર કરનારના ઘેર વર્ષનું અનાજ ભરાવી દેતા હતા. બીજી બાજુ આસામીને જાળવવા ધીરધાર કરનાર બીજા પાસેથી ઉધાર લઈને પણ પૈસા આપતા હતા. જો એ ન આપે તો ખેડૂતો અનાજ વેચીને રકમ ઉભી કરી લેતા. એનું લેણું ચૂકવતા નહી અને આસામી તરીકે બીજા ધીરધાર કરનારને ત્યાં વ્યહવાર શરૂ કરતા હતા. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે બધા હિસાબ ચોખ્ખા થાય. એ દિવસે ખેડૂતોના, વિઘોટોના, મોચીના, દરજીના બધા પૈસા આપવાના હોય. ગામના બેજા ધંધાઓના મુકાબલે ધીરધારનો ધંધો ‘ઠંડો ધંધો’ ગણાતો હતો.
મેમદપુરમાં જૈન કોમોની આબરૂ સારી. સુખી અને સંપીલી કોમ તરીકે ગામમાં એનું ઘણુ મોટું માન હતું. કોઈ કોમમાં અંદરોઅંદર ઝઘડો થાય ત્યારે જૈન વાણિયા(મહાજન)ને બોલાવતા અને માહાજન આગળ વાત મુકતા હતા. ગામના પટેલ અને બે-ત્રણ વાણિયા મળીને જે નિર્ણય કરે તે સહુ કોઈ માથે ચડાવતા હતા. મેમદપુરના જૈનોમાં ઊંડી ધર્મભાવના હતી. તેઓ રોજ પૂજા અને સામાયિક કરતા હતા. નાના બાળકો માટે પાઠશાળા ચાલતી હતી. પાંચેક વર્ષે એકાદ વર્ષ કોઈ સાધુ-મહારાજનું ગામમાં ચાતુર્માસ થતું. પર્યુષણ પર્વ દરમ્યાન ‘સાધર્મિક વાત્સલ્ય’ રૂપે ત્રણ જેટલા તો જમણવાર થતા હતા. પહેલું જમણ પર્યુષણના પ્રારંભના આગળના દેવસે, બીજુ મહાવીર જનકલ્યાણના આનંદમય દિવસે અને ત્રીજું જમણ સંવત્સરી પછીના પારણાના દિવસે થતું હતું.
મેમદપુરના લોકો બંડી, ધોતિયું, લાંબી બાંયનું ખમીસ, લાંબો ડગલો, પગમાં જોડા અને માથે ટોપી પહેરતા હતા. ઉઘાડા માથે ગામમાંથી નીકળાય નહી, જો કોઈ ટોપી પહેર્યા વિના મેમદપુર ગામની બજારમાંથી નીકળ્યું હોય તો તે વ્યક્તિને લોકો અપશુકનિયાળ ગણતા હતા. બહારગામ મુસાફરીએ જતી વ્યક્તિ ઉઘાડું માથું ધરાવતી વ્યક્તિના શુકન લે નહીં. મેમદપુર ગામનો મુખ્ય વ્યવસાય તો ખેતીનો હતો. આ ઉપરાંત કેટલાક લોકો બહારગામથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવીને ગામમાં નાની હાટડીમાં વેપાર કરતા હતા.
એ જમાનામાં બહારવટિયાઓનો ઘણો ભય રહેતો હતો. રાત્રે ચોરી-ખાતર પાડનારા પણ આવી ચડતા અને ચોરી કરીને સિફતથી જતા રહેતા. આથી વસવાટની રચના એવી કરવામાં આવતી કે શેરી કે મહોલ્લામાં પ્રવેશવાનો એક મુખ્ય દરવાજો કે ડેલો બંધ કરો એટલે એમં કોઈ દાખલ થઈ શકે નહીં.
આવા મેમદપુરમાં ઉત્તમભાઈના પૂર્વજો રહેતા હતા તે મહોલ્લાને ‘માઢિયાવાસ’ કહેવામાં આવતો હતો. જૈનોના દસ-પંદર ઘરનો આ નાનકડો માઢ હતો. આ માઢમાં સળંગ હારબંધ આવેલા ઘરની પરસાળ હતી, તેની આગળ પગથિયાં અને પછી આંગણું હોય. આ આંગણામાં ઢોર-ઢાંખર બાંધવામાં આવતાં. રાત્રે ખાટલો ઢાળીને બધા પરસાળમાં સૂતા હતા.
એ સમયે મેમદપુર ગામમાં એક સરસ દેરાસર હતું. જે આજે પણ વિધ્યમાન છે. આ દેરાસરમાં મૂળ નાયક રૂપે જૈન ધર્મના પ્રથમ તિર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની જિનપ્રતિમા છે. એની જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી ધર્મનાથ પ્રભુ તથા ડાબી બાજુએ શ્રી ચંન્દ્રપ્રભ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે. ગામના જૈન સમાજની ધર્માઆરાધનાના ધામ સમું શ્રી મેમદપુર જૈન દેરાસર ૧૦૫ વર્ષ જેટલું પ્રાચીન છે. વળી આ ગામમાં જ્યારે જ્યારે કોઈ સાધુ મહારાજ વિહાર કરતા આવે ત્યારે લોકો એમનાં દર્શન-વંદન કરતાં હતાં અને ધર્મજાગૃતિનો અનુભવ થતો હતો.
ઉત્તમભાઈના દાદાનું નામ હતુ લવજીભાઈ. તેઓ પરંપરાગત ચાલ્યો આવતો ધીરધારનો ધંધો કરતા હતા. ઉત્તમભાઈના પિતા નાથાલાલભાઈને પિતા લવજીભાઈ પાસેથી વારસામાં ધીરધારનો ધંધો મળ્યો. નાથાલાલભાઈ એટલે નમ્રતાની મૂર્તિ ! સરળ સ્વભાવના નાથાલાલભાઈ એટલે ભલમનસાઈનો અવતાર જ જોઈ લો ! જેવું શાંતિભર્યુ એમનું જીવન હતું એવું જ સમતાભર્યું એમનું મન હતું.
ધીરધારના ધંધામાં અને મેમદપુર ગામમાં એમની દુનિયા સીમિત હતી. ક્યારેય કશી ખટપટ કરવી નહીં એવો એમનો સ્વભાવ હતો. એમનો બાંધો એકવડિયો હતો. પહેરવેશમાં ધોતિયું અને અંગરખું હોય. માથે ફાળિયું બાંધ્યું હોય. સાડા પાંચ ફૂટની ઊંચાઈ, ધીમી ચાલ ને શાંત સ્વભાવ. અમુક નિશ્ચિત વ્યક્તિને જ ધીરધાર કરવામાં આવતી હોવાથી નાથાલાલભાઈ પાંચ રજપૂત, ચાર પટેલ અને બે તુવર (મુસલમાન ખેડૂત)ને ધીરધાર કરતા હતા. એ બધા એમની પાસેથી જરૂર પડે ત્યારે અવારનવાર પૈસા લઈ જતા હતા. આટલા જ આસામી સાથે કામ પાર પાડવાનું હોવાથી આખો દિવસ બહુ ઓછું કામ રહેતું. પરિણામે આંબાના વૃક્ષોથી આચ્છાદિત મેમદપુર ગામના જૈનો આંબા રાખતા અને એમાંથી મળતી કેરીનું વેચાણ કરીને વધારાની કમાણી કરતા હતા.
શાંતિથી જીવન જીવવું અને સંતોષથી રહેવું એ નાથાલાલભાઈનું જીવનધ્યેય હતું. આના કારણે એમના પત્ની કંકુબહેન વધુ હોશિયાર લાગતાં હતાં. આતિથ્ય એમના લોહીમાં વહેતું હતું. આવા કુટુંબમાં ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરી (વિ.સં. ૧૯૮૦, પોષ સુદ આઠમ)ને દિવસે ઉત્તમભાઈનો જન્મ થયો.
ઉત્તમભાઈની ઉંમર દોઢ વર્ષની હતી ત્યારે એક હડકાયું કુતરું એમને અને એમનાં માતા કંકુબહેનને કરડ્યું. દોઢ વર્ષના ઉત્તમભાઈને અમદાવાદ લઈ આવ્યા અને ઇંજેક્શન આપ્યાં, પરંતુ એમની માતા કંકુબહેને ઇંજેક્શન લીધાં નહિ. થોડા દિવસ બાદ એમને હડકવા લાગુ પડ્યો અને એમનું અવસાન થયું. માત્ર દોઢ વર્ષની વયે ઉત્તમભાઈએ માતાની છત્રછાયા ગુમાવી. વય એટલી નાની કે ઉત્તમભાઈના ચિત્ત પર માતાનું કોઈ સ્મરણ કે ઝાંખી છબી પણ અંકિત થયાં નહી. જીવનભર માતાના વાત્સલ્યનો અભાવ અને લાગણીના શીળા છાંયડાની ઊણપ સાલતાં રહ્યાં.
મેમદપુરમાં પાલનપુરનું નવાબી રાજ ચાલતું હતું. એ સમયે રાજમાં હિંદુ કે મુસલમાન વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નહોતો. સહુ સ્વધર્મનું પાલન કરતા અને અન્ય ધર્મોને આદર આપતા હતા, આથી પાલનપુર રાજના ઘણા મોટા મોટા હોદ્દાઓ હિંદુઓ ધરાવતા હતા. આ પાલનપુરના નવાબી રાજમાં ગાયકવાડી રાજ જેવી અને જેટલી કેળવણીની પ્રગતિ જોવા મળતી નહીં. આ વિસ્તારમાં એક એવો ખ્યાલ પ્રચલિત હતો કે ભણીને વળી કરવાનું છે શું ? આખરે તો દુકાને જ બેસવાનું ને ! અંતે તો ધીરધારનો જ ધંધો કરવાનો ને ! આથી કેળવણી મેળવવાની જરૂર લાગતી નહીં. બીજી બાજુ ધીરધારનો ધંધો આજીવિકા માટે પર્યાપ્ત થઈ રહેતો.
આમ લોકો સંતોષી હતા, પરંતુ સાહસિક નહોતા. સુખથી જીવન જીવતા હતા, પરંતુ પોતાના સુખની ચાર દીવાલમાંથી બહાર નીકળીને પડકાર ઝીલવાનું કૌવત ખોઈ બેઠા હતા.
એક તરફ કેળવણી પ્રત્યે રુચિનો અભાવ અને બીજી બાજુ કેળવણીની સગવડનો પણ અભાવ. પરિણામે ગામઠી નિશાળમાં છોકરાઓ થોડું ભણે અને પછી બાપીકા ધંધા પર બેસી જતા હતા. આખા ગામમાં બહારગામ જઈને ભણીને આવ્યો હોય તેવો માણસ શોધ્યોય ન જડે. પરિણામે ભણવાનું વ્યર્થ લાગતુ. બ્રિટિશ સરકારના રાજ્યમાં અથવા તો વડોદરાના ગાયકવાડના રાજ્યોનાં ગામોમાં કેળવણીનો જે પ્રચાર અને પ્રસાર જોવા મળતો હતો તથા ઠેર ઠેર શાળાઓ અને પુસ્તકાલયો નજરે પડતાં હતાં, તેવું કશું પાલનપુર રાજ્યમાં જોવ મળતું નહી.
પાંચ વર્ષની વયના ઉત્તમભાઈને મેમદપુરના આંટાવાસમાં આવેલી પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યા. આ પ્રાથમિક શાળા તેમના ઘરની સાવ નજીક ભાડાના મકાનમાં ચાલતી હતી. ઉત્તમભાઈ અને એમના પડોશી ખૂબચંદભાઈ મહેતા બંને એક જ દિવસે નિશાળમાં પ્રવેશ પામ્યા. એ દિવસે બે થાળીમાં કિલો-કિલો ગોળ લઈને તે નિશાળના છોકરાઓને વહેંચવામાં આવ્યો. પહેલા દિવસે ઉત્તમભાઈને નિશાળે મૂકવા માટે નાથાલાલભાઈ ગયા અને ખૂબચંદભાઈની સાથે એમના પિતા હીરાચંદભાઈ ગયા. આ નિશાળ એટલે નીચે એક ઓસરી અને બે વર્ગખંડ અને મેડા ઉપર ઓસરી અને એક વર્ગખંડ હતો.
ઉત્તમભાઈને સૌથી પહેલો એકડો ઘૂંટાવ્યો એમના શિક્ષક ભીખાભાઈ વાલચંદ મહેતાએ. ઊંચો બાંધો અને સ્થૂળ કાયાવાળા ભીખાલાલ માસ્તર એ જમાનાની રસમ પ્રમાણે સોટી રાખતા અને વખત આવે ઉપયોગ પણ કરતા. નિશાળના આચાર્ય તરીકે પાલનપુર રાજ્યના જગાણા ગામના મણિલાલ કાળીદાસ જોશી હતા. તેઓ કોઈ વિધ્યાર્થી તોફાન કરતા પકડાય તો આંકણી હાથ ઉપર મૂકીને મારતા હતા. એ સમયે ઉત્તમભાઈ અન્ય વિધ્યાર્થીઓની જેમ ચડ્ડી, પહેરણ કસબાના તાર વાળી ટોપી પહેરતા હતા. બધા નિશાળિયા રિસેસ વખતે ભમરડા અને ગિલ્લીદંડાની રમત ખેલતા હતા.
નિશાળના શિક્ષકોની સોટી કે આંકણીનો વિધ્યાર્થીઓને ‘સ્વાદ’ મળતો હતો, પણ ઉત્તમભાઈ એમાંથી બાકાત રહેતા હતા. એક કારણ તો એ કે ઉત્તમભાઈ ભણવામાં પહેલેથી જ તેજસ્વી હતા અને બીજું એ એ કે એમનું ઘર ગામમાં માનવંતું ગણાતું હતું. આ સમયે બહારગામથી ભણાવવા આવેલા શિક્ષક ગામમાં એકલા વસતા હોય, તેથી મેમદપુરની નિશાળના વિધ્યાર્થીઓને વારાફરતી શિક્ષકોના કપડાં ધોવાનું કે એમના ઘરનાં વાસણ માંજવાનું કામ કરવું પડતું. વળી ક્યારેક એમના ઘરનો કચરો સાફ કરવો પડે તો ક્યારેક માસ્તરના ઘર માટે કોઈ ચીજવસ્તુ લાવવાની હોય.
આ રીતે ઉત્તમભાઈ મેમદપુરની ધૂળિયા નિશાળમાં ચાર ધોરણ સુધી ભણ્યા. એમની આસપાસ અભ્યાસનું કોઈ વાતાવરણ નહોતું. ભણવાની કશી અનુકૂળતા ન હતી. નાની વયે માતાની વિદાયને કારણે ઘરકામની થોડી જવાબદારી પણ બજાવવી પડતી હતી.
બીજુ બાજુ બાપીકો ધીરધારનો ધંધો તૈયાર જ હતો, પરંતુ ઉત્તમભાઈને પહેલેથી જ ભણવાની લગની. આથી બીજાની માફક એમને માટે ચાર ધોરણ સુધીનો મેમદપુરનો અભ્યાસ એ કેળબણીનું પૂર્ણવિરામ નહોતું.
પોતાના પ્રારંભિક કાળની એક સ્મૃતિ ઉત્તમભાઈના મનમાં જીવંત હતી. તેઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે દર વર્ષે એક વખત શણગારેલા સગરામમાં બેસીને ડેપ્યુટી સાહેબ આવતા હતા. આ ડેપ્યુટી સાહેબ શાળાની તપાસ કરનાર શિક્ષણાધિકારી હતા. તેઓ આવે ત્યારે શાળાનું વાતાવરણ જીવંત અને રોમાંચક બની જતું હતું. શાળામાં ચોખ્ખાઈ થઈ જતી. વર્ગો સાફ થતા. ઓસરી વળાઈ જતી. વિધ્યાર્થીઓને વર્ગમાં વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવતા. શિક્ષકો એમને વારંવાર સૂચનાઓ આપતા હતા.
નાનકડા ઉત્તમભાઈને એ જોઈને આશ્ચર્ય થતું કે સોટી કે આંકણીનો ‘ચમત્કાર’ બતાવનારા ડરામણા શિક્ષકો ડેપ્યુટીસાહેબને કેમ વારંવાર લળીલળીને નમસ્કાર કરે છે ! આ ડેપ્યુટીસાહેબ વિધ્યાર્થીઓને મૌખિક પ્રશ્નો પૂછતા અને દાખલા લખાવતા હતા. અમુક સમયમાં એ દાખલા ગણવાના હોય. ત્યારબાદ શિક્ષકોએ તૈયાર કરેલાં પત્રકોમાં તેઓ રુઆબથી ગુણ મુકતા હતા. આ ડેપ્યુટીસાહેબની વિદાય બાદ ત્રણેક દિવસે વિધ્યાર્થીઓનું પરિણામ જાહેર થતું. વળી પરીક્ષાના સમય પૂર્વે, શિક્ષકો વિધ્યાર્થીઓને વાંચવા માટે વહેલા બોલાવતા. ડેપ્યુટીસાહેબ વિધ્યાર્થીઓની પરીક્ષા લઈને સગરામમાં પાછા રવાના થાય, ત્યારે દોડધામ કરતા શિક્ષકોનો જીવ હેઠો બેસતો.
આમ ૧૯૨૯ થી ૧૯૩૩ સુધી ઉત્તમભાઈએ મેમદપુરની શાળામાં અભ્યાસ કર્યો. એમને પહેલા ધોરણમાં એકડો ધૂંટાવનાર શિક્ષક ભીખાલાલ મહેતા આજથી થોડા વર્ષો પૂર્વે અવસાન પામ્યા. એ પછીના ધોરણમાં ભણાવનારા શિક્ષકો પાલનપુરથી આવતા હતા. ચોથા ધોરણમાં પાસ થવું એટલે ઇડરિયો ગઢ જીત્યા ગણાય. આ માટે શિક્ષકો પણ વિધ્યાર્થીઓને ખૂબ મહેનત કરાવતા હતા. ઉત્તમભાઈ રોજ વહેલી સવારે ચાર વાગે ઉઠીને નિશાળમાં વાંચવા પહોંચી જતા, કારણ કે ચોથા ધોરણનો કોઠો ભેદીએ તો જ આગળ ભણી શકાય. આથી ઉત્તમભાઈ પૂરી લગનથી અભ્યાસ કરતા હતા.
(ક્રમશ..આવતા લેખમાં-પ્રકરણ-૨)
લેખક – શ્રી કુમારપાળ દેસાઈ