વડગામ નાં આંગણે પ્રાથમિક શિક્ષા વર્ગ.
‘સમાજ ની રગેરગ માં રાષ્ટ્રીયતાની ઉત્કૃષ્ટ ભાવના ભરીને, એ ભાવના થી સંપૂર્ણ સમાજ ને અનુશાસિત કરીને દેશને દિગ્વિજયી રાષ્ટ્રરૂપે ઊભો કરવામાં આવે એવો મહામંગલકારી સંકલ્પ ડૉ.કેશવરામ બલિરામ હેડગવારેજી એ કર્યો હતો, એ જ સંકલ્પનું સાકાર સ્વરૂપ એટલે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.
વડગામનાં આંગણે સંઘ નાં સ્થાપનાકાળ ૧૯૨૫થી લઈને આજે ૨૦૧૪ એટલે કે ૯૦ વર્ષ બાદ સૌ પ્રથમ વાર મહેસાણા વિભાગના પ્રાથમિક શિક્ષા વર્ગનું આયોજન થઇ રહ્યું હતુ ત્યારે વડગામ પંથકનાં સૌ પ્રજાજનો અત્યંત હર્ષ ની લાગણી સાથે ઉચ્ચ વિચારોને વરેલા આ સ્વેચ્છિક સંગઠન પ્રત્યે સન્માન સાથે ડૉ.કેશવરામ બલિરામ હેડગવારેજી થી લઈને અસંખ્ય સ્વયંસેવકો જેમને આજીવન પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા કાજે સમર્પિત કર્યું છે એવા પ્રેરણાસ્ત્રોત સમા સ્વયંસેવકો ને યાદ કરી તેમનાં પ્રત્યે આદર સાથે અભાર વ્યક્ત કરતા અમે સૌ વડગામ વાસીઓ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા હતા.
તા. ૨૯.૧૦.૨૦૧૪ થી લઈને તા.૦૫.૧૧.૨૦૧૪ એમ કુલ ૭ દિવસ સુધી ચાલનારા પ્રાથમિક સંઘ શિક્ષા વર્ગનું આયોજન વડગામ સ્થિત યુ.એચ.ચૌધરી આર્ટસ કોલેજ તેમજ વી.જે.પટેલ શાળા સંકુલ ની જગ્યા માં આયોજિત કરવામાં આવ્યું. પાલનપુર જિલ્લા નાં આઠ તાલુકાઓ તેમજ મહેસાણા જિલ્લા નાં નવ તાલુકા મળીને કુલ બે જિલ્લા નાં ૧૭ તાલુકાઓ માંથી ૨૫૫ સ્વયંસેવકો પ્રાથમિક સંઘ શિક્ષા વર્ગ માં ગણવેશમાં ઉપસ્થિત રહી બૌદ્ધિક, શારિરિક તેમજ સાંસ્કૃતિક સાથે સાથે વ્યક્તિ ઘડતર ની તાલીમ મેળવી રહ્યા હતા જેને લઈને સમગ્ર પરિસરમાં અનેરા ઉત્સાહ અને આનંદ નુ વાતાવરણ નિર્માણ પામ્યું હતું. કોલેજ પરિસરમાં દૈનિક કાર્યક્રમોની તેમજ દરેક સ્વયંસેવકોને રહેઠાણ માટે રૂમની વિસ્તાર પ્રમાણે યાદી નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવી હતી. ચા-પાણી, નાસ્તા અને ભોજનની સુંદર વ્યવસ્થા પ્રબંધકો પુરી પાડી રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર સંકુલમાં સ્વચ્છતાની પુરતી જાણવણી કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું હતું વધુમાં સતત આઠ દિવસ સુધી તાલીમાર્થી સ્વયંસેવકોએ અન્ય ભૌતિક સુવિધાઓથી દૂર રહી કાર્યક્રમ સ્થળે જ પોતાનો કિમતી સમય નિર્ધારિત દૈનિક કાર્યક્રમો થકી પસાર કર્યો હતો. પ્રાથમિક વર્ગમાં ઉપસ્થિત રહેનારા સ્વયંસેવક ની ઓછા માં ઓછી ઉમર ૧૪ વર્ષ હોવી જરૂરી તેનાથી વધુ ઉમરનો કોઈ બાધ નથી તે અનુસાર આ કાર્યક્રમમાં નાનાથી મોટા સૌ સાથે પ્રશિક્ષણ મેળવી રહ્યા હતા જે એક રોમાંચકારી અનુભવ હતો. એક વિશેષ બાબત એ ધ્યાન ઉપર આવી અને ગમી કે જ્યારે અમે આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે અજાણી વ્યક્તિઓ પણ નમસ્કાર બોલીને પોતાનો પરિચય આપતા હતા આપણે પણ એ જ રીતે પરિચય આપવાનો હોય છે આનાથી એક પરિવાર જેવી સામુહિક ભાવના વિકસે છે અને આમ પણ સમૂહ માં થતી કોઈ પણ આદર્શરૂપ પ્રવૃત્તિમાં સહભાગી થવાનું નવા અનુભવો અને રોમાંચ પુરા પાડે છે
સંઘ સ્થાપના નાં પ્રારંભનાં વર્ષોમાં સભાસદોના (એ વખતે સંઘના સભ્યો માટે ‘સભાસદ’ શબ્દ વાપરવામાં આવતો હતો) રાજકીય વર્ગો યોજાતા હતા જેમાં મુખત્વે સભાસદોને દેશની વર્તમાન ઘટનાઓ તેમજ કર્તવ્યો નુ જ્ઞાન આપી સંગઠન ને કેવી રીતે મજબૂત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ વર્ગોમાં ડૉ. હેડગોવરજી થી માંડીને અનેક વક્તાઓ વિવિધ વિષયો ઉપર પ્રવચનો આપતા હતા. ધીમે ધીમે આગળ જતા આ પ્રકાર નાં રાજકીય વર્ગો બૌદ્ધિક વર્ગ રૂપે વિકાસ પામ્યા.
આ કાર્યક્રમ માં સ્વયંસેવકોની સાથે સાથે શુભેચ્છકો, આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનોની સતત હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ જીવંત લાગતો હતો. એક પછી એક શિસ્તબદ્ધ રીતે મેળવાતી તાલીમ ખરા અર્થમાં આદર્શ વ્યક્તી અને સંસ્કાર ઘડતરની અનોખી મિશાલ બની રહી હતી. રાષ્ટ્ર સેવાને કાજે સમર્પિત થવા અનોખો ઉત્સાહ અને સંકલ્પ સ્વયંસેવકોમાં વ્યક્ત થઇ રહ્યો હતો.
ડોક્ટરજીએ સંઘનાં નામકરણવિધિ વખતે કહ્યું હતું કે “સ્વપ્રેરણાથી અને સ્વયંસ્ફૂર્તિથી રાષ્ટ્રની સેવાનું બીડું ઉઠાવનાર વ્યક્તિઓના રાષ્ટ્રકાર્ય નિર્મિત સંઘ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. પ્રત્યેક રાષ્ટ્રમાં તે રાષ્ટ્રની વ્યક્તિ પોતાના દેશની સેવા કરવા માટે એવા જ સંઘનુ નિર્માણ કરે છે. હિન્દુસ્તાન અમારું કાર્યક્ષેત્ર હોવાના કારણે તેમના હિતને રક્ષા માટે આ દેશ માં સંઘની સ્થાપના કરી છે અને આ સંઘનો આધાર લઈને જ અમે રાષ્ટ્ર ની સર્વાગીણ ઉન્નતી કરવાનો નિશ્ચય કર્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યવિસ્તાર નાં પાયાની ઈંટ એટલે દૈનિક શાખા છે. રોજની શાખા એ સંઘનો સૌથી મોટો કાર્યક્રમ છે. વડગામમાં પણ એક સમયે નિયમિત રાધા-કૃષ્ણ મંદિર પરિસર માં શાખા ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોની દૈનિક શાખા લાગતી હતી જેનું સ્મરણ આજે પણ થાય છે ત્યારે અનુભવાય છે કે કેટલું મોટું સંસ્કાર ઘડતર તેમજ રાષ્ટ્રવાદની ભાવનાઓ આવી શાખાઓ માં વિકસી રહી હતી. ગામે ગામ મહોલ્લા સુધી વિસ્તરેલી આવી દૈનિક શાખાઓમાં બાળકો થી માંડીને મોટેરાઓ નિયમિત ભાગ લેતા હતા…સમયપાલન ની ટેવ અને સંસ્કારોનું ઘડતર આવી શાખાઓ થકી થતું હતું. આજે પણ વડગામ પંથકમાં દૈનિક શાખાઓ તો ચાલે જ છે પરંતુ હજુ સુધી તેનો જોઈએ તેવો વિસ્તાર થતો નથી કારણ ગમે તે હોય…આજે પણ મોટી સંખ્યા માં માત્ર સંઘના આદર્શોને વરેલા સ્વયંસેવકો ઘરબાર છોડીને સાદગીપૂર્ણ અને રાષ્ટ્ર સમર્પિત ઉચ્ચ મૂલ્યો સાથે જીવન વિતાવી રહ્યા છે જે સંઘની આન-બાન અને શાન છે અને સંઘ ને વૈશ્વિક લેવલે આજે છે એટલો મજબૂત કરવામાં આવા સ્વયંસેવકો નો અહમ ફાળો છે.
ડૉ. હેડગોવરજી માનતા હતા કે ‘સંઘ એ પાવરહાઉસ છે. પાવરહાઉસમાં ઉત્પન થયેલી વીજળી ત્યાં રહેતી નથી. તેવી જ રીતે સંઘ શાખામાંથી ઉત્પન્ન થયેલા સંસ્કારો પણ બધે જ પહોંચી જાય છે.
કોઈ પણ સંસ્થા કે સંગઠન ત્યારે જ વિકસી શકે જ્યારે તેના પાયામાં કર્મનિષ્ઠ, પ્રમાણિક અને ચારિત્ર્યવાન સ્થાપક ની સાથે સાથે વફાદાર લોકોને ટીમ હોય. આર.એસ.એસ. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વિશેષ માં તેનું જીવંત રૂપ આજરોજ વડગામ મુકામે આયોજિત પ્રાથમિક વર્ગ શિક્ષા વર્ગ માં અનુભવવામાં આવ્યું. આર.એસ.એસ. એ કોઈ સરકારી સગંઠન નથી કે નથી કોઈ સરકારી અનુદાન ઉપર ચાલતી સંસ્થા પણ સ્વયંસેવકો થકી ચાલતું એક સ્વૈચ્છિક સંગઠન છે. વ્યક્તિ પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સમજી સ્વૈચ્છિક રીતે આ સંગઠનમાં જોડાઈને તન મન ધન થકી રાષ્ટ્ર સેવા બજાવે છે. અનેક એવા રાષ્ટ્રને સમર્પિત પ્રભાવી અને પ્રતિભાશાળી શિક્ષિત સ્વયંસેવકો આ સંગઠનમાં છે જેઓ આજે પણ માર્યાદિત સાધનો થકી કોઈપણ સ્વાર્થ વગર સાદગીપૂર્ણ જીવન પોતાના દેશ માટે સમર્પિત કરી ચૂક્યા છે.
– નિતિન પટેલ (વડગામ)