વ્યક્તિ-વિશેષ

બનાસકાંઠા નો ચાર્લી ચેપલીન છગન રોમીયો…….

નામ સ્મરણ સાથે યાદોની વણજાર ચાલુ થઈ જાય છે.અભિનવ એક વિશિષ્ટ શૈલી અને લાક્ષણિક્તાનો લઢાવ અને એજ ભાંગવાડી (મુંબઈ)નો વૈભવશાળી વિસ્તાર શ્રીમંતો અને સંસ્કાર સિધ્ધિઓથી શોભતો ભદ્ર ગુજરાતી સમાજ. આ બધાની વચ્ચે ઓપતુ રંગભૂમિનું  પ્રાણપ્યારુ ઉત્કૃષ્ટ  મનોરંજન પુરૂ પાડતુ રંગમંચ પ્રિન્સેસ  થીએટર શ્રી દેશી નાટક સમાજ એક સુખદ સંભારણુ.

નાટક મા કોમીક (પ્રહસન) નો પડદો આવેને દેશીના તખ્તા પર એક નાનાશા દુબળા માણસનો પ્રવેશ થતા જ, પ્રેક્ષકવૃંદ મા હાસ્યનું  મોજુ ફરી વળે. જાણે પ્રેક્ષકો સાથે મન મુકીને વાતો કરે, જિગર નો જામ છલકાવી દે , સંવાદો બોલે, પ્રતિક્ષણ માં  પોતાના કરી દે અને નાટ્યગૃહ  માં  અજબનો માહોલ પેદા કરી નાખે એ જ……નાટક સંપતિ માટે (૧૯૪૧) માં  નાદાર શેઠની વિશિષ્ટ ભૂમિકામા પ્રેક્ષકોને ઝુમતા કરી દે તે રંગીલો નટવર્ય અને બનાસકાંઠાનો પનોતો પુત્ર- માસ્ટર છગન રોમીયો (નાયક) તેનુ મૂળ વતન વડગામ તાલુકાનું  ગીડાસણ ગામ.

પ્રથમ અભિનય પ્રવેશ ૧૯૪૦, શ્રાવણ માસ દૈવીસંકત યાને ગંગા કીનારે. નાટક જગતનો એવો કોઈ નાટ્યપ્રેમી નહી હોય કે જે છગન રોમીયોના નામથી અજાણ હોય અને એજ એમના જીવનની સિધ્ધિ અને વિશિષ્ટતા છે.

અસરકારક સંવાદોનો સન્નાટો :-

માગો માગો માસ્ટર માગો, લાખ બે લાખ,પાંચ લાખ માગો,

પૈસા જોઈએ તેટલા માગો, પણ મને સુખેથી જીવવા દો.

એક ગર્ભશ્રીમંત ના એક જ સંતાન તરીકે ઉછરીને શ્રમ કર્યા વિના લાખોની દોલતના વારસદાર બની ગયેલા અમુક રીતે રહેવા ટેવાયેલા, શ્રીમંત ના નબીરાની એક આગવી ભૂમિકા એટલી જ ઉત્કૃષ્ટતાથી રજૂ કરતો એ કલાકાર, દરેક ને હસાવીને હસતો રહે તે ઉમદા કલાકાર એટલે મા.છગન રોમીયો. સંવાદો ની સરાહનીયતા અને અભિનય ના ઓજસ એકરૂપ કરવાનું  કામ  શ્રી દેશીનાટક સમાજ ના સનિષ્ટ અને દુરંદેશી  દિર્ગદર્શક મા.કાસમભાઈ મીર વિચક્ષણ બુધ્ધિપ્રતિભાથી કપરૂ કામ પાર પાડતા હતા. અને સાથે જ સંગીત નિયોજન ધ્વારા કર્ણપ્રિય તરજો બનાવીને મોહમયી મુંબઈ નગરી ને ઘેલુ લગાડ્યુ હતુ. મા.કાસમભાઈ અને મા.છગનભાઈ રોમીયો નો મિત્ર મહીમા રંગભૂમિ ના જાહોજલાલી ના ઇતિહાસનું  અમર સંભારણુ  બનવા  પામ્યુ છે.

બાપુલાલભાઈ નાયક અને જયશંકરસુંદરી ની શાળાના એ શિષ્ય દુર્બળ અને ઠિંગુજી જેવા દેખાતા આ માણસ પાછળ રેહેલો એક મહાન કલાકાર, કદાચ પહેલી નજરમાં  તો તમારા ધ્યાન મા જ ન આવે ,પણ વાતાવરણ જમાવવાની કલાએ ,સંવાદો બોલવાની અજબ છટા અને જાદુગરી એ તેને રંગભૂમિનો અત્યંત લોક્પ્રિય પ્રજાવત્સલ કલાકાર બનાવ્યો. લોકપ્રિયતામા શિરમોર, પ્રહસનનો રાજા ,નિષ્ટાવાન યુગસર્જક કલાકાર ,જ્યારે શ્રી દેશીનાયક સમાજ ગુજરાત કચ્છ, કાઠિયાવાડ ના પ્રવાસે નીકળી હોય ત્યારે આ અચ્છા કલાકારને શહેરે શહેરે ,ગામડે ગામડે નિહાળવા માટે એના દર્શન કરવા માટે પ્રેક્ષકોના ટોળા ઉમટી આવતા હતા. લોકો આ આનદસભર પ્રસંગ ને ઉત્સાહ થી વધાવી લેતા.

છગન રોમીયો એની મહાન લાક્ષણિક્તા સાથે કામ કરતો કલાકાર નવો હોય નાનો હોય કે નબળો હોય, છગન રોમીયો સદાયે તેને એનાથી ઉપર લઈ જવાનો ,સાથ સહકાર માં  કલાકારને ક્યાય પણ જરા સરખા ,નીચે ન પડવા દે અને પડતાને ટેકો આપી ઉગારી લે એ તેનો મહાન ગુણ હતો. છગન રોમિયોને જોવા માટે બસો –ચારસોની લાઈન માં  તેના ચાહકો રાહ જોતા ઉભા જ હોય. અને તે માટે તેમની ગુજરાતી ચલચિત્રોની ભૂમિકા પણ નિમિત્ત બની હશે, ગુણ સુંદરી, મંગળફેરા, વહુરાણી , રાખના રમકડા, ઘરવાળી વગેરે ચલચિત્રોમાં   તેમની ભૂમિકા પ્રશંસાપાત્ર બની છે. ભારતીય વિધ્યાભવન મુંબઈ (પ્રખર સાહિત્યકાર ક.મા.મુંનશી સ્થાપિત સંસ્થા ) માં  ઘરનો દીવો નાટક ભજવાતુ હતુ ને છગન રોમીયોને ગંભીર ભૂમિકા ભજવતા જોયા.અને નવાઈની વાત એ જ હતી કે આજે લોકો તેમને હસતા નહોતા ! આ ભૂમિકા નો દોર પણ જુદો હતો કેમકે એ ભૂમિક ધીરગંભીર હતી. વાતાવરણમા ખામોશી, સન્નાટો અને નિસ્તબ્ધતા છવાઈ ગઈ હતી.

માણસ ના જીવન માં  કરુણરસ આંતર કે બાહ્ય રીતે વહેતો જ હોય છે. છગન રોમીયો કહેતા કે ,અમને હાસ્યરસના કલાકારને જોઈને લોકો હસે છે પરંતુ દરેક પાછળ એક સતુત્ય કરુણા છુપાઈ છે. તમે જે ચેનચાળા કરતા કોમેડીયનને જોઈને હસો છો,પણ તેના જીવન નું  બીજુ પાસુ જુઓ તો તેના જીવન માં  ભારોભાર કરુણા ભરી હશે, કોઈ વ્યથાની કથાથી વ્યથિત થતો હશે અરે ! ઘેર બેન, દિકરી કે પત્નીની લાશ પડી હોય ,એક નો એક દિકરો કુળદિપક મરણપથારીએ છેલ્લા શ્વાસ લેતો હોય, ત્યારે પણ કોમેડીયનને તો લોકોને હસાવવાના હોય છે. આ નકરી વાસ્તવિક્તા અને જીવનદર્શન શાસ્ત્ર સિવાય બીજુ શુ હોઈ શકે ?

છગન રોમીયોની યાદ આવતા આજે પણ ચાર્લી ચેપ્લીનની જાંખી આવી જાય છે.

– સાભાર અજીજ મીર – અરમાન પાલનપુર

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)