ઉત્તમભાઈ મહેતા - જીવન ચરિત્ર, વ્યક્તિ-વિશેષ

મેમદપુર ના સાહસિક ઉદ્યોગપતિ ઉત્તમભાઈ મહેતા.

વડગામ તાલુકા ના નાનકડા ગામ મેમદપુર મા જન્મી ફાર્માસ્યુટિકલ અને ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રે મહત્વનુ યોગદાન આપી મેમદપુર ને વિશ્વભરમા પ્રસિધ્ધ કરી જનાર યુ.એન.મહેતા એટલે કે ઉત્તમભાઈ નાથાલાલ મહેતા કોઈ પરિચય ના મહોતાજ નથી.કારકિર્દી ની શરૂઆત માં  માત્ર ૧૨૫ રૂપિયા ના માસિક પગાર થી નોકરી નો પ્રારંભ કરનાર આ વ્યક્તિ ટોરેન્ટ લિમિટેડ નામના બિઝનેસ અમ્પાયર ની માલિક કેવી રીતે બની ગઈ ,એ કથા ઘણી રોચક છે.

વિક્રમ સવંત ૧૯૮૦,પોષ સુદ–આઠમ , ૧૪ મી જાન્યુઆરી ના દિને પિતા નાથાલાલભાઈ લવજીભાઈ મહેતા અને માતા કંકુબેન નાથાલાલભાઈ મહેતાના ઘરે જન્મ લેનાર ઉત્તમભાઈ એ પ્રાથમિક શિક્ષણ મેમદપુર ના આંટાવાસ મા આવેલી પ્રાથમિક શાળા મા મેળવ્યુ હતુ.ઉત્તમભાઈ એ દોઢ વર્ષ ની માસુમ વયે માતાની વાસ્તલ્યભરી હૂંફ ગુમાવી હતી.ઉત્તમભાઈ ભણવામા પહેલેથી જ તેજસ્વી હતા.ઉત્તમભાઈ ને પહેલા ધોરણ મા શિક્ષક ભીખાલાલ મહેતા એ એકડો ઘૂંટાવ્યો હતો.એ જમાનાની રસમ પ્રમાણે સોટી રાખતા ભીખાલાલ માસ્તર તોફાની વિધાર્થી ઓ ને સોટી નો સ્વાદ ચખાડતા પણ ઉત્તમભાઈ એમાંથી બાકાત રહેતા હતા.મેમદપુરની ધુળિયા નિશાળ મા ચાર ધોરણ સુધી ભણ્યા બાદ સમગ્ર પાલણપુર સ્ટેટ મા એકમાત્ર પાલણપુર મા જ હાઈસ્કુલ હોવાથી ઉત્તમભાઈ ને પાંચમા ધોરણ મા દાખલ થઈ ને અભ્યાસ ધપાવવા માટે પાલણપુર જવુ પડ્યુ.પાલણપુર મા તેઓ પોતાની મોટી બહેન ચંદન બહેન ના ઘરે રહી ભણ્યા.

એ જમાના મા સમગ્ર ગુજરાત મા મેટ્રિકની પરીક્ષાના ત્રણ કે ચાર જ કેન્દ્રો હતા.ઉત્તમભાઈ મેટ્રિકની પરીક્ષા આપવા માટે ભાવનગર ગયા હતા અને ત્યાં  બોર્ડિગમા રહી મેટ્રિક ની પરીક્ષા આપી બાસઠ ટકા ગુણ મેળવ્યા હતા.મેટ્રિક બાદ તેઓ ભાવનગર ની સાયંસ કોલેજ મા એડમિશન મેળવી બીજા સ્થાને ઉર્તિણ થયા અને ૧૯૪૧ ના જુન મા મુંબઈ ના શ્રી મહાવીર જૈન વિધ્યાલય મા લોન વિધાર્થી તરીકે દાખલ થયા.એ સમયે ટેકનોલોજી નો અભ્યાસ કરવાનુ ઉત્તમભાઈ ને આકર્ષણ હતુ.એટલે જ તેઓ એ વિધ્યાલય થી માત્ર દોઢેક કિલોમીટર ના અંતરે આવેલી મુંબઈ ની વિખ્યાત વિલ્સન કોલેજ મા પ્રવેશ મેળવ્યો તેઓ સંસ્થા મા રહી ને ત્રણ વર્ષ સુધી ભણ્યા અને કમાતા થયા કે તરત જ  એમણે લોન પરત કરી દીધી. બી.એસ.સી.મા તેજસ્વી ઉત્તમભાઈ એ સારા એવા ટકા મેળવ્યા પરંતુ ટેકનિકલ ખાતા મા પ્રવેશ મેળવવા માટે તે પુરતા ન હતા.વળી વિધ્યાલય મા ગ્રેજ્યુએશન થી આગળ અભ્યાસ કરનાર ને માટે નિવાસ ની વ્યવસ્થા ન હતી.વધુ આભ્યાસ માટે પૈસાની પણ વ્યવસ્થા કરવી પડે તેમ હતી,આથી નવા ક્ષેત્ર મા ઝંપલાવવાના હર્દય  મા કેટલાય અરમાન હોવા છતા એમને નોકરી કરવાનો નિર્ણય કરવો પડ્યો.

સને ૧૯૯૪ મા મુંબઈ મા રેશનીંગ કચેરીમા ૧૨૫ રૂપિયા મા મહિના ના પગારથી ઉત્તમભાઈ એ નોકરી નો પ્રારભ કર્યો.અને એ પછી ચાર-છ મહિના સુધી મહીને એકસો રૂપિયાના પગારે  “એશો કેમ કમ્પની” મા તેઓએ નોકરી કરી.પરંતુ મહત્વાકાન્ક્ષી ઉત્તમ્ભાઈ ને કશુ જુદુ જ કરવુ હતુ.તેઓ સારી નોકરી ની શોધ મા મુંબઈ ઠેર ઠેર ફરતા હતા. અને એકવાર તેઓ ફરતા ફરતા દવા ના ક્ષેત્ર ની વિખ્યાત સેન્ડોઝ કંપની  મા પહોંચી ગયા.

ઉત્તમભાઈ ના ઉત્સાહ ,અભ્યાસ અને સોજન્ય થી સેન્ડોઝ કંપની  ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિંઘલને સ્પર્શી જતા બે કલાક ના કપરા ઈન્ટરવ્યુંના અંતે શ્રી સિંઘલે ઉત્તમભાઈ ને અમદાવાદ માટે નોકરી મા રાખી લીધા.મહિને ૨૨૫ રૂપિયાનો પગાર અને રોજનુ અગિયાર રૂપિયા જેવુ ભથ્થુ નક્કી થયુ.
અમદાવાદ થી અજાણ ઉત્તમભાઈ શરૂઆતમા આમદાવાદ ની નારાયણ લોજ મા રહેવા લાગ્યા.આ નોકરી દરમ્યાન ઉત્તમભાઈ ને સૌરાષ્ટ્ર  ,રાજસ્થાન અને અન્ય જ્ગ્યા એ મુસાફરી કરવી પડતી. ઉત્તમભાઈ વિદેશી કંપની નુ પ્રતિનિધિત્વ કરતા હતા છતાય ક્યારેય એમણે ડોક્ટર પર છટા અને શિષ્ટાચાર થી પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો ન  હતો.તેઓ સેન્ડોઝ કંપનીએ ટી.બી.ના દર્દીઓ માટે બનાવેલ ઈંજેક્શન વિશે ડોક્ટરોને ઉંડાણ થી સમજાવતા.

સને ૧૯૪૭ ની ૨૭મી ફેબ્રુઆરી એ ઉત્તમભાઈ ના લગ્ન મેમદપુર ના જ વતની મણીભાઈ પ્રેમચન્દભાઈ દેસાઈની સુપુત્રી શારદાબેન સાથે થયા હતા.એમના લગ્ન વખતે ઉત્તમભાઈ એ સમાજ ની વર્ષોથી ચાલી આવતી એક રૂઢીનો વિરોધ કર્યો હતો.લગ્ન બાદ દસમા દિવસે ઉત્તમભાઈ શારદાબહેન અમદાવાદ આવ્યા અહી એમણે ધના સુથાર ની પોળ મા એક ભાડાની રૂમ મા પોતાના દામ્પત્ય જીવન ની શરૂઆત કરી હતી.આ દિવસો એમના સુખી દામ્પત્ય જીવન ના સોનેરી દિવસો હતા.

ઉત્તમભાઈ ને ફિલ્મો જોવાના શોખની સાથે વાંચનનો પણ ભારે શોખ હતો. ગાંધીજી ના તમામ પુસ્તકો તો એમણે અભ્યાસકાળ દરમિયાન જ વાંચી નાખ્યા હતા.જ્યરે લગ્ન પછી તેઓ વિશેષ કરીને અંગ્રેજી અને એમાય મેડિકલ ના પુસ્તકો નો ઉંડો અભ્યાસ કરવા લાગ્યા.ઉત્તમભાઈ એમના સ્વપ્નોને મનમા સાચવી રાખવાના બદલે એને સાકર કરવા માટે અથાક પ્રયત્નો કરતા અને એ બાબત એમના વ્યક્તિત્વ ની વિશેષતા હતી.

૧૯૪૯ ની ૨૧ મે મે ના દિવસે મેમદપુર માં ઉત્તમભાઈ ના પ્રથમ પુત્રીનો જન્મ થયો હતો.એ પછી થોડા સમય બાદ ઉત્તમભાઈ એ અમદાવાદ ના માણિનગર વિસ્તાર માં રહેવાનુ શરૂ કર્યુ. સેન્ડોઝ કંપની  ના રીપ્રેજંટેટીવ તરીકે ની કામગીરી ના રઝળપાટના કારણે એમના સ્વાસ્થય પર વિપરીત અસર થઈ હતી.મણિનગર અમદાવાદ થી દૂર પડતા રાયપુર દરવાજા પાસે કોટની રાંગે આવેલ ઝાટકણ ની પોળ મા મકાન ભાડે રાખ્યુ હતુ.

૧૯૫૨ની ૧૨ એપ્રિલ ઉત્તમભાઈ ને બીજી પુત્રી નયના બહેન નો જન્મ પાલણપુર ના પ્રસુતિ ગ્રુહ મા થયો હતો.તો ૧૯૫૪ ની ૧૦મી એપ્રિલે એમના સૌથી મોટા પુત્ર સુધીરભાઈનો જન્મ થયો હતો.આ જ અરસા મા એમણે પિતા નાથાલાલભાઈ ની છત્રછાયા ગુમાવી હતી. અને ૧૯૫૭મા સેન્ડોઝ કંપની  એ ઉત્તમભાઈ ના ઉપરી તરીકે એક નવા સુપરવાઈઝર ની નિમણુક કરતા ઉત્તમભાઈ ને આ વાત સહેજે પસંદ પડી નહી.અને આ સિવાય લાબી મુસાફરીની યાતના એમને સહન ન થતા તેઓએ મનોમન નોકરી છોડવાનો વિચાર કર્યો પરંતુ એમના મુંબઈ સ્થિત એક તબીબ મિત્ર એ એમને રાજીનામુ ધરી દેવાના બદલે યોગ્ય રજુઆત કરવાની સલાહ આપતા તેઓ એ સલાહ ને અનુસર્યા.પરંતુ કંપની એ તેમની અન્યત્ર બદલી કરતા એમણે ઉદાસીન અનુભવો સાથે સેન્ડોઝ ની નોકરી છોડી દીધી.

નોકરી છોડ્યા બાદ એમણે ભલે નાનકડો પણ પોતાનો ધંધો શરૂ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો અમદાવાદ છોડી મુંબઈ ગયા બાદ ઉત્તમભાઈ એ જાતે દવા બનાવવાનુ નક્કી કર્યુ.

પ્રથમ એમણે “ટ્રિનીપાયરીન” વા ની અને ટ્રિનિસ્પાજમીન નામની પેટના દુ:ખાવાનો ઈલાજ કરતી દવા બજાર મા મુકી.પરંતુ નાદુરસ્ત તબિયત ના કારણે એમા અવરોધ ઉભો થતા એમને સફળતા મળી નહી.જો કે સહુ એ એમની દવાની ગુણવતાની પ્રશંસા જરૂર કરી.દવા ના આ વ્યવ્સાય મા એકલા હાથે બધુ સભાળવું ઘણુ મુશ્કેલ હતુ.આ અરસા મા તેમને ડિપ્રેશન નો ભયંકર ઉથલો આવ્યો અને વ્યવસાયી જીવન ના પ્રારભ મા  જ તેમને હતાશાભરી પરિસ્થિતિ નો સામનો કરવાનો આવ્યો અને પરિસ્થિતી એવી આવી કે મુંબઈ ના દુ:સાહસ ના પરિણામે તેઓ એકલા અટુલા થઈ ગયા.ઉત્તમભાઈ ને આ અરસા મા એમ્ફેટેમિન ટેબ્લેટની આદત પડી હતી જે આદત નો એક દસકા સુધી તેઓ ભોગ બન્યા હતા. આ ટેબ્લેટ લીધા પછી તેમના મા ગજબ ને સ્ફુર્તિ આવતી અને  તેની અસર ઓછી થતા તેઓ  શાંત થઈ જતા.જીવનનો આ તબક્કો ઉત્તમભાઈ એ આર્થિક સંકડામણ મા પસાર કર્યો હતો.પરંતુ આવા કપરા સંજોગો મા પણ એમને એમના ધર્મપત્નિ શારદાબહેન નુ પીઠબળ હતુ. શારદાબહેને નક્કી કર્યુ હતુ કે,ભલે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પરંતુ સંતાનો ની  કેળવણી મા તેઓ સહેજે કચાસ રાખશે નહી.૧૯૬૩ની ૧૮મી સપ્ટેમ્બર ના રોજ ઉત્તમભાઈ ના બિજા પુત્ર સમીરભાઈ નો જન્મ થયો.ઉત્તમભાઈ ની અસ્વસ્થ તબિયત ના કારણે ૧૯૬૮ સુધી બાળકો ના ઉછેર અને અભ્યાસ ની જવાબદારી શારદાબહેને એકલે હાથે સંભાળી લઈ ખરા અર્થ મા સહધર્મચારિણીની ભૂમિકા ભજવી હતી.આ અરસામા ઉત્તમભાઈ સહ પરિવાર છાપી ખાતે વસવાટ કરતા હતા.આવી કપરી પરિસ્થિતિ મા જ્યારે ઉત્તમભાઈ તરફ કેટલાય સગાઓએ પીઠ કરી દીધી ત્યારે શારદાબહેન ના ભાઈ સુમિતભાઈ એ ઉત્તમભાઈ ની પડખે અડીખમ ઉભા રહી સાચા અર્થ મા સાથ આપ્યો હતો.

ઉત્તમભાઈએ કોઈ અગમ્ય આશાથી સફળતા મેળવવા જીવન યુધ્ધ ચાલુ રાખતા ઇ.સ.૧૯૫૯ ની ૩૦ મી જૂને “ટ્રિનિપાયરીન” ટેબ્લેટ નુ ઉત્પાદન કરી ને તેને વેચાણ માટે બજાર મા મુકી લાંબા સમય ના અભ્યાસ અને અનુભવ ને અંતે એમનો આ પ્રયાસ એમની કીર્તિ વધારનારો બન્યો.તેઓ પોતાની દવાઓ બે મોટી મોટી બેગ મા મુકી બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા ના ધુળિયા ગામો ખુંદવા નિકળી જાય.તેઓ બનાસકાંઠા ના વતની હોઈ દવા ના વેચાણ મા એમને આનો ખુબ લાભ મળ્યો.સંઘર્ષ ના આ તબ્બકે તેમને મેથાણ્ ના ડો. એમ.આર.શર્મા નો ખૂબ જ સહકાર મળ્યો.પહેલી વાર ઉત્તમભાઈ ડો.શર્મા ને મળવા છાપી થી મેથાણ વચ્ચેનુ ચાર ગાઉ જેટલુ અંતર ચાલીને બેગ મા દવા ,ઇંજેક્શન વગેરે ના સાતેક કીલો ના વજન સાથે ગયા ત્યારે ડો.શર્મા પાસેથી એમને એકસો રૂપિયાના ઓર્ડેર ની ધારણા હતી.પરંતુ ડો.શર્મા એ પહેલો જ ઓર્ડર એક હજાર રૂપિયાનો આપતા તેમનો પોતાનો આ પહેલો પ્રયાસ જવલંત સફળતા ભર્યો લાગ્યો હતો.તેઓ મેથાણ જતા ત્યારે ડો.શર્મા એમને જરૂર ઘરે જમવા લઈ જતા.ઉત્તમભાઈ એ એમની આબાદ કોઠાસૂજ્ થી દવાઓ નુ ઉત્પાદન કર્યુ કે જેમાંથી સારો એવો નફો થાય અને મોટી આવક મળી રહે.ઉત્તમભાઈ ની એક વિચારધારા હતી કે ,એક તો એવી દવા બનાવવી કે જે ડોક્ટર દર્દી ને લખી આપે અને બીજુ એ દવા એવી બનાવવી કે બીજુ કોઈ ન બનાવતુ હોય.

ઉત્તમભાઈ ના સફળ વ્યવસાયી જીવન નુ આરભબિન્દુ  “ટ્રિનિકામ પ્લસ” નામની ટેબ્લેટ બની.સમગ્ર ભારત મા આ દવા નો જડપી પ્રચાર થાય તે માટે તેમણે અવિરત પ્રયાસ કર્યા.પરિણામ એ આવ્યુ કે “ટ્રિનિકામ પ્લસ”  ને  ભવ્ય સફળતા મળી.જો કે ઉત્તમભાઈ એ મોટી નિષ્ફળતાનો સામનો પણ હિંમતભેર કર્યો હતો.એમા બન્યુ એવુ હતુ કે ,મદ્રાસ ની એક કંપની એ એમની “ટ્રિનિટી” કંપની પર ટ્રેડ્માર્ક ભંગ માટે કેસ દાખલ કર્યો જેમા તેમને “ટ્રિનિટી” નામ બદલી ને ટોરેંન્ટ નામ રાખવુ પડ્યુ હતુ.શરૂઆતમા શારીરિક રીતે સ્વસ્થ રહેતા ઉત્તમભાઈનુ સને ૧૯૭૭ મા કેન્સર નુ નિદાન થયુ હતુ અને ડોક્ટરો એ તેમનુ હવે છ માસનુ જ આયુષ્ય હોવાની વાત કરી હતી.આમ તો ઉત્તમભાઈ એ ઘણા ગંભીર રોગો નો અનુભવ અને સામનો કર્યો હતો અને એમાંથી પાર પણ્ ઉતર્યા હતા.જેથી કેન્સર ની તેમને બહુ ફિકર ન હોતી. સને ૧૯૮૦ મા ઉત્તમભાઈ એ વટવા મા ટોરેંન્ટ ફાર્માસ્યુટિકલ કંપની ની ફેક્ટરી શરૂ કરી હતી.ઉત્તમભાઈ અને “ટોરેંન્ટે” પ્રગતિના શિખરો સર કર્યા તેમા શારદાબહેન નુ પ્રદાન ઘણુ મોટુ છે.૧૯૮૪-૮૫ મા ઉત્તમભાઈ એ કેમેક્ષીલ એક્સ્પોર્ટ એવોર્ડ મેળવ્યા બાદ પ્રતિષ્ઠિત પન્દરેક એવોર્ડ મેળવ્યા હતા.જેમા ૧૯૯૭ મા તેમને મળેલો બિઝનેસમેન ઓફ ધી યર એવોર્ડ મુખ્ય છે. “ટોરેંન્ટ” ફાર્માસ્યુટિકલ્સ થી શરૂ થયેલી સફર ગુજરાત ટોરેંન્ટ એનર્જી કોર્પોરેશન,સુરત ઇલેક્ટ્રીસિટી કંપની ની મેનેજમેન્ટ હસ્તકની સનોફી- ટોરેંન્ટને રચના , ટોરેંન્ટ પાવર પ્રાયવેટ લિમીટેડ અને ટોરેંન્ટ ઈલેક્ટ્રીસિટી સુધી પહોંચી છે.ઉત્તમભાઈ ને “ટોરેંન્ટ” ની પ્રગતિમા તેમના બન્ને પુત્રોનો સારો સધિયારો મળ્યો હતો.એક અર્થ મા સુધીરભાઈ અને સમીરભાઈ ની ત્વરિત નિર્ણય શક્તિ અને ત્વરિત વિચારણાનાપરિણામે એમના ઔદ્યોગિકગૃહ મા એક પ્રકાર નુ સમતોલન સધાયુ.ઉત્તમભાઈ પોતાના પાછલા વર્ષોમા “ટોરેંન્ટ” ની પ્રગતિ જોઈને સંતોષ નો ભાવ અનુભવતા હતા.તેઓ એ એક વખત બન્ને પુત્રો ને કહ્યુ હતુ કે જે મોટા ઉદ્યોગો સ્થાપવાની તેમેની ભાવના અપુર્ણ રહી તે એમણે પૂર્ણ કરી બતાવવી.એમા પણ પાવર સેક્ટર મા મેળવેલી સફળતાને તેઓ અભૂતપૂર્વ સિધ્ધી તરીકે બિરદાવતા હતા.

ઉત્તમભાઈએ એમના જીવનમા ક્યારેય પણ દાન આપવામા પાછુ વળી ને જોયુ નથી.પોતાનુ ગામ હોય કે સમાજ સંસ્થા હોય કે હોસ્પિટલ,ઉપાશ્રય હોય કે આરાધના ધામ –બધે જ  એમણે દાન ની સરવાણી વહાવી છે.અમદાવાદ ના સિવિલ હોસ્પિટલ ના પ્રાગણ મા ઉભેલી યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ એનુ જ પરિણામ છે.અહી ગરીબો ને રાહત દરે અને વિના મૂલ્યે સારવાર મળે છે એ ઉત્તમભાઈ ના માતબર દાન ના પ્રતાપે શક્ય બન્યુ છે.જીવન મા અનેક તડકી-છાયડી જોયા બાદ સફળતા ના સર્વોત્તમ શિખરો સર કરનાર,જીવન મા નાના મોટા અનેક રોગો સામે હિમતભેર બાથ ભીડી એમાંથી સાંગોપાંગ બહાર નીકળનાર અને પ્રબળ જિજીવિષાને કારણે ઘણી વખત મ્રુત્યુ ઉપર વિજય મેળવનાર ઉત્તમભાઈ મહેતા એ સને ૧૯૯૮ની એકત્રીસમી માર્ચે ડાયાલિસિસ પર હતા ત્યારે પોતાની જીવનલીલા સંકેલી હતી.પહેલી એપ્રીલે નીકળેલી એમની સ્મશાન યાત્રા મા ઉમટેલા અનેક ક્ષેત્ર ના આગેવાનો,નામાકિંત હસ્તીઓ,અનેક સંસ્થાઓ ના અગ્રણીઓ જૈન સમાજ ના મહાનુભાવો અને કેટલીય વ્યક્તીઓ ની આંખો મા આંસુઓ ઉભરાયા હતા. કેમ કે ,તેઓ એવા માનવીને વિદાય આપી રહ્યા હતા કે ,જેને માથે મોત હોવા છતા તેણી જીવન જીવી જાણ્યુ હતુ.પોતાની પાસે પૈસા કે પીઠબળ્ કશુય નહોતુ છતાય પુરૂષાર્થ થી સમૃદ્ધિ ના શિખરો સર્જ્યા હતા, પ્રારંભ મા જીવન મા કટુતા ,ઉપેક્ષા અને લાચારીનો અનુભવ કરનાર ઉત્તમભાઈના હદય માંથી તો સદૈવ સ્નેહ નુ અમીઝરણું વહેતુ રહ્યુ હતુ.જીવનનો જંગ બહાદારીપૂર્વક ખેલનાર એકલવીર યોધ્ધા ઉત્તમભાઈ મહેતા ને સો…સો…સલામ.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર)