વરણાવાડાના સુફી સંત બાબા દિનદરવેશ.
[વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની એવા સુફી સંત બાબા દિનદરવેશ વિશેની માહિતી વિવિધ સ્ત્રોતો માંથી એકઠી કરી અહીં મુકવામાં આવી છે માટે સૌ નામી અનામી લેખકો કે જેઓએ વંદનીય સંત દિનદરવેશની માહિતી ઉપલબ્ધ કરાવી છે તેઓનો આભાર માનું છું. સુફી સંત બાબા દિનદરવેશની રચનાઓ “વંદનીય મુસ્લિમ સંત-કવિઓ” પુસ્તકમાંથી સાભાર અહીં મુકવામાં આવી છે તે બદલ પુસ્તક્ના લેખક માન. શ્રી નૌતમભાઈ કે. દવેનો પણ આભારી છું.]
હિંદુ સૂફી સંત દિન દરવેશ કુંડલિયા ઉત્તર ગુજરાતના વડગામ તાલુકાના વરણાવાડા ગામના નિવાસી હતા. ૧૮મી સદીના મઘ્યભાગમાં તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સિપાઇ હતા. જોકે લુહાર પણ ખમીરવંતા. એક યુદ્ધમાં હાથ કપાઇ ગયો. તેથી નોકરી છોડી દીધી. સૂફી ફકીરો, ઓલિયાઓના સંગમાં રહેવા લાગ્યા અને પાક્કા સૂફી બની ગયા. તેઓએ પોતાની રચનાઓમાં હિંદુ-મુસ્લિમ એકતાને પ્રાધાન્ય આપ્યું છે.
આ પાલણપુરી બોલીમાંના પ્રાચીન અલિખિત કવનનો જશ ‘દીન દરવેશ’ કૃત ‘કુંડલિયો’ને ફાળે જાય છે. નવાબી રાજ્યકાળમાં વડગામ તાલુકાના વરણાવાડા ગામના ગરીબ લુહારના એ દીકરાએ સંસારત્યાગ કરીને ‘દીન દરવેશ’ નામ ધારણ કર્યું હતું અને પાલણપુરી બોલીમાં ‘કુંડલિયો’ની રચના કરી હતી. આજે પણ રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં કંઠસ્થ થઈ ગએલી એ ‘કુંડલિયો’ને લોકો હોંશભેર ગાય છે.
કહે દીન દરવેશ અતિજળ ઊંડો ડૂબો
રંગ રાજેમન તોય ધરણ મેં રાખી ઢૂબો
‘કુણ જ્યાદા કુણ કમ કભી કરના નહીં કજિયાએક ભકત હો રામ દુજા રહેમાન સો રજિયા ’
તેમણે ગુજરાતીમાં ‘દિન પ્રકાશ’ અને ‘ભજન ભડાકા’ નામે બે પુસ્તકો લખ્યાં હતાં. જોકે આજે તે ઉપલબ્ધ નથી. પણ તેમની રચનાઓ આજે પણ ઉત્તર ગુજરાતનાં ગામડાઓમાં લોક જીભે જીવંત છે. બાબા દિનદરવેશ સુફી સંત હતા તેઓ રામાયણ, મહાભારત, પુરાણ, વેદ, વેદાન્તના અભ્યાસી હતા. તેમની દરગાહ કવિઓની પાઠશાળા હતી. તેમાં સુફી સંતો કવિઓ વગેરે રહેતા. કવિ મુરાદ, ભેરૂનાથ, દેવપુરી, પાલનપુરની મીરાં મદનાવતી પણ રહેતી. પાલનપુરના નવાબ શેરખાન તેમના શિષ્ય હતા. તેમનો મોભો મોટો હતો. અત્યારના દિલ્હી દરવાજા બહાર કંથેરીયા જવાના રસ્તે દરગાહ હતી.
તેઓની ખ્યાતી ગુજરાત ઉપરાંત રાજ્સ્થાન તેમજ ભારતના અન્ય ભાગોમાં પણ ફેલાયેલ હતી.તેઓમાં હિન્દુ-મુસ્લિમ કે કોઈ નાતજાતના ભેદ ન હોતા. રામ-રહીમ વગેરેનો ભેદ નહોતો. તેઓ કોમી એકતાના ચુસ્ત હિમાયતી હતા. દરવેશ થયા પછી તેઓ એકી સ્થળે ઝાઝા સમય રહેતા નહિ. “સાધુ તો ચલતા ભલા” તે મુજબ દેશાટન કરી સમાજને ભક્તિ, કોમી એકતા સદ્દભાવ, પ્રેમ વગેરેનો સંદેશો આપતા. તેઓના હિન્દુ-મુસ્લિમ અનેક શિષ્યો બન્યા છે. તેઓએ વૃજની કૃષ્ણલીલા અવતાર અંગે તેમજ રામ-રહીમ અંગેના અનેક કુંડલીયા વગેરે લખેલ છે તેમજ “દરવેશ-ગીતા” નામે ગ્રંથ પણ રચેલ છે.
કોમી એકતા અંગે તેઓએ ઘણી રચનાઓ કરી છે. જેમાની કેટલીક રચનઓ જોઈએ :
[૧]
હિન્દુ કહે, હમ બડે, મુસલમિન કહે હમ,
એક મુંગ દો ફાડ હે કુણ જ્યાદા કુણ કમ
કુણ જ્યાદા કુણ કમ, કભી કરના નહિ કજીયા
એક ભક્ત હે રામ, તો- દુજા રહેમાન સે રિજીયા
કહે ‘દિન દરવેશ’ દોય સરિતા મીલ સિન્ધુ
સબકા સાહેબ એક, એક મુસલમિન એક હિન્દુ.
ઉન્મત થયેલ સમાજને કહે છે :
[૨]
બંદા બહોત ન ફૂલિયો, ખુદા ખમંદા નાહિ
જોર જુલમ ના કીજીયે, મૃત્યુલોક કે માંહિ.
મૃત્યુ લોક કે માંહિ, તુજરબો તુર્ત દિખાવે,
જો નર કરે ગુમાન, સોઈ નર ખત્તા ખાવે
કહે ‘દીન દરવેશ’ ભૂલ મત ગાફિલ ગંદા
ખુદા ખમંદા નાહિ, બહોત મત ફૂલે બંદા.
નાત-જાત અભિમાન મીટાવવા કહે છે.
[૩]
જા કે ઉર અભિમાન નાહિ, ઉત્તમ કુલ અવતાર
જાતિ પાતિ, સબ ભેદકો, દિલસે દિયા નિવાર
દિલ સે દિયા નિવાર, માન, બડાઈ નહિ જાકો
દીન દેખ મન ઝુરે, રંગ હે તાહિ જીયાકો
કહત ‘દીન દરવેશ’ વો હિ નર સાંઈ બખાના
ઉત્તમ કુલ અવતાર નહિ જા કો અભિમાન
[૪]
બંદા બાજી જૂઠ હે મત સાચી કર માન
કહાં બીરબલ ગંગ હૈ, કહાં અકબરખાન
કહાં અકબરખાન, બડોકી રહે બડાઈ
ફતેહ સંગ મહારાજ દેખ ઉઠ ચલ ગયે ભાઈ
કહે ‘દીન દરવેશ’ સમર પેદાહિ કરંદા
મત સાચી કર માન જૂઠ હે બાજી બંદા
[૫]
રાજી રાવણ મર ગયે, કટ ગયે કુંભકરન
ઇન્દ્રજીત ભી ઉઠ ગયે, હરણાકંશ હરંન
હરણાકંસ હરેન બાણસરસા બીલાયા
ઐસે કોટિ અનંત, સબી રાક્ષસ સીધાયા
કહે ‘દીન દરવેશ’ પ્રગટ તુમ દેખો પરખા
માનવી કેતિક માન, રહા નહિ રાવણ સરખા
આવી તો અનેક રચનાઓ સાંઈ દિનદરવેશે કરી છે જે સમયાંતરે વડગામ વેબસાઈટ ઉપર મુકતા રહીશું.