આપણા-રિવાજો

કુંવારી-ચડી રે કમાડ…સુંદર વરને નિરખવા રે…

[જગાણા ગામના મૂળ વતની શ્રી ભાનુકુમાર ત્રિવેદી લિખીત પુસ્તક “ચાંદો ઉગ્યો ચોકમાં” થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. વડગામ વેબસાઈટ ઉપર આ લેખ લખવાની પરવાનગી આપવા બદલ શ્રી ભાનુભાઈ ત્રિવેદી નો ખૂબ ખૂબ આભાર.]

 

દિવાળીના દિવડા કર્યે બરા…બર એક મહિનો પૂરો થયો અને માનવંતા માગસરનાં પગરણ મંડાયા કે તરત જ હેમંતના હિમભર્યા અનીલની શીતળ પૂરવાઈ-લહેરો ભેળા શરણાયુંના સૂર પણ વહેવા માંડ્યા અને..આવ્યો રે લગનગાળો ઢૂકડો…!

પીપડામાં જુના માટીના ગોળામાં ચૂનો પલાડાયો છે, ગરમાટી કે સિમેન્ટથી પ્લાસ્ટર કરાયેલ દિવાલો ઉપર અને બીજે જુનાં રંગરોગાન હોય તો એને ઘસી-ઉખેડીને ત્યાં ધોળવાનું ચાલુ થયેલ જોઈને ઘર આગળથી નીકળતું કોઈ જણ ઉમંગથી પૂછી પણ લ્યે છે – ‘શું લગન પછી નક્કી જ રાખ્યાં ? સારૂ, સારૂ, સારો શોભાગ લ્યો !’

લીંપેલ, ગૂપેલ કે ‘છો’ કરેલી ઓસરીયું કે લીમડા તળે લીંપાયેલી આંગણવાઈમાં કુટુંબની સ્ત્રીઓ ભેળી થઈને ‘વીણવા’ કાઢે છે. લગનની રસોઈના ઘંઉ. દાળો, ચોખા વિગેરે વીણાંતાજાય અને અલક મલક્ની વાત્યું વહેતી રહે છે.ઘરના કે કુટુંબના પુરૂષો એમના પુરૂષોચિત કામે લાગ્યા છે. મગબાફણા (લગ્નમાં વપરાતા બળતણનું શુભ નામ) ફડાઈ રહ્યા છે અને રસોડાની સૂચિત જગ્યામાં ગોઠવાઈ રહ્યાં છે.પરણનારી કન્યાના તો પગ ધરતી પર ઠરતા નથી. સાસરેથી આવેલા શણગાર ભેળી આવેલી નવીનકોર તોડીયું, ઝાંજર કે સાજવડાં પહેરીને સખીઓ સાથે રૂમઝૂમ મ્હાલ્તી દિકરીને જોઈ માને શેર શેર લોહી ચઢે છે !

પણ એ બધા વાતાવરણમાં ઓલી અનાજ વીણતી બહેનોમાં એક હરખપદૂડી-ઉસ્તાહી બાઈ દરખાસ્ત મૂકે છે કે અલીઓ ! થોડાં ગાણા તો યાદ કરો ! અને પછી તો બહેનોને મનગમતો વિષય મળી જાય છે. છેક વર કે કન્યા પસંદ કરવાથી માંડીને દિકરીને વળાવવા સુધીનાં કે દિકરો પરણીને ઘરે આવી ગયા સુધીનાં ગાણાં એટલે કે લગ્નગીતોની રસલ્હાણ વહેવા માંડે છે અને એક પ્રકારનું રીહર્સલ શરૂ થાય છે.

આપણા લગ્નગીતો એ આપણી લોક સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે. એના થકી આપણા અસલ સંસ્કાર અને જીવનરીતિનાં વિવિધ પાસાં ઉજાગર થતાં રહે છે. ટીવી-ફિલ્મ કલ્ચરના આ જમાનામાં ભૂલાતાં જતાં આવાં મીઠડાં-સોહાગી રસપ્રચુર લગ્નગીતો, લગન વીત્યા પછી ય મહીનાઓ સુધી મનમાં ઘુમરાયા કરે છે.અને એક મધુર સંભારણાનાં પ્રતિક બની રહે છે.

આંગણામાં બેઠીલી સ્ત્રીઓમાં ગયા વરસે કે આગલા વરસે પરણીને આવેલી નવી-નવેલી વહુઓ છે, તો ઠરેલ અને અનુભવી જેઠાણીઓ, કાકીઓ કે ભોજાઈઓ છે. તોવળી એમની જ આસપાસમાં બેઠેલી બે-ચાર ડોશીયું ય ઓલી જવાન બાઈઓને વારંવાર ‘હિન્ટ’ આપવાની કે અધૂરા શબ્દો પૂરા કરી આપવાની સેવા આપતી હોય. ઘરમાંથી ચા-પાણીની સર્વિસ ચાલુ હોય એવે ટાણે અવનવાં ગાણાંના ઉમંગ ઉછળવા માંડે છે. એમાં પરથમ પહેલું સગાઈનું ગાણું લેવાની ફરમાઈશ ઉપર એવું જ એક ગીત ઉમટી આવે છે – કયું છે એ ગીત ?

‘કુંવારી ચડી રે કમાડ સુંદર વરને નિરખવા રે….’

તો આવો આ ગીતના ભાવાર્થને સમજીએ.

કોઈ મોટા ગામમાં જ અથવા આસપાસના તદ્દન નજીક-નજીકના ગામોમાં એક જ જ્ઞાતિ સમાજનાં ઘણા બધા પરિવારો વસવાટ કરતા હોય, ત્યારે એ સમાજના યુવક-યુવતીઓ સામાજીક પ્રસંગોએ સ્વાભાવિક રીતે જ એકબીજાના પુર્વ પરિચયમાં હોય જ,અને આવા જ કોઈ યુવકને ઘરે બોલાવ્યો છે. બોલાવ્યો છે તો કોઈ બીજા બહાને પણ ઘરનાં વડીલોનો હેતુ તો બધાં એને ‘જોઈ લ્યે’ એવો જ હોય છે.

એ મિત્રો સાથે કે પછી કન્યાના જ કોઈ સગા સાથે આવીને ઓસરીમાં બેઠો છે.એ સમયે અલગ ઓરડામાં બેસીને કોઈ મુલાકાતો ગોઠવાતી ન હતી કે હોટલ-સિનેમામાં કે બગીચામાં મળવાનું ગોઠવાતું નહોતું ત્યારે સામાન્ય રીતે વડીલોની પસંદગી જ આખરી રહેતી. છતાં કોઈ મોકળા મનના પરિવારોમાં આડા કાને થોડુ ચલાવી ય લેવાતું હતું. અથવા તો પરિણિત બહેનો-ભાભીઓ કે સાહેલીઓને માધ્યમ બનાવાતી હતી અને થોડી-ઘણી પસંદ-નાપસંદને અવકાશ મળતો હતો. બસ આમ જ એ યુવાન ઓસરીમાં આવીને બેઠો છે. કન્યા ખાતરી કરવા માંગે છે કે આવનાર યુવાન ‘પેલો’ તો નથી ને ? તેથી ઘરના મોટા કમાડ પાછળ સંતાઈને કોઈને ખાસ ખ્યાલ ના આવે એ રીતે કમાડ પાછળ થોડી ઉંચી-નીચી થઈને એ પેલા મૂરતીયા (સુચિત વર)ને જોઈ લ્યે છે અને એનું હૈયું એક અજાણ્યા આવેગ થી ઉભરાઈ ઉઠે છે કે આ તો ‘એ’ જ ! અને એટલે જ લખાયું કે ગવાયું… ‘કુંવારી ચડી રે કમાડ !’

દાદા સાથે આમે ય આત્મીયતા વધારે હોય છે. જે વાત એ પિતાને કહી શક્તી નથી એ વાત ‘દાદા’ ને છૂટથી કરી શકે છે. એ મૂરતીયાને જોઈને સંતુષ્ટ થાય છે કે આ તો એનો જુનો સહાધ્યાયી જ છે. કદાચ બનેંના સગા સમાન હોય તો ક્યાંક ને ક્યાંક એ મળ્યા જ હોય. જ્ઞાતિ ના જમણવારમાં કે કોઈ સગાને ત્યાં પ્રસંગમાં એને જમતો જોયો હશે એથી જ એ દાદાને કહે છે –

‘દાદા મારા એ વર જોજો, એ વર છે વહેવારીયો રે…’ દાદા પૂછે છે- ‘દિકરી મારી ક્યાં એને જોયો,ને ક્યાં તમારા મન મોહ્યાં રે…’ એના જવાબમાં શું કહે છે ? જમતો’ તો સોનાના થાળે
કોળીડે મારાં મન મોહ્યાં રે….કુંવારી ચડી રે કમાડ….’

દાદા સાથે વાત કરવાની છે ને ! એમાં વરના વ્હ્યવહારૂ જ્ઞાનના પ્રમાણપત્રો જ રજૂ કરવાનાં હોય, બીજી કોઈ વાત થાય નહી. વળી જમવા વખતનું વર્ણન કરે છે. (અપરિણિત યુવા મિત્રો એ આ ખાસ વાંચવા જેવું છે) જમાય કેવી રીતે ? પધ્ધતિસર રીતે ખાવા બેસાય. બેસવા-ઉઠવાનું વિવેકપૂર્ણ હોવું જોઈએ. તમે ક્યાંક સહુક ભોજનમાં જોજો. ઘણા ‘નમૂના’ જોવા મળશે. ખાવા બેસે તો આજુબાજુવાળાને ખસવાનું કહ્યા વગર જ ધક્કાથી ખસેડીને બેસી જાય. થાળી-વાટકા લાવવા માટે કે પિરસણ લાવવા માટે મોટા અવાજે ઘાંટા પાડતા હોય. દાળવાળાને ‘એય દાળ !’ અને એય લાડુ’ કહીને બૂમ મારતા હોય. જમવાનું ચાલુ કરે ત્યારે ભેંસને પાડુ ધાવતું હોય એમ હાંફી જાય એટલી ઝડપે ખાવાનું પતાવે ! પછી મોટા અવાજે ઓડકાર, કોગળા કરતા આજુબાજુ વાળાની રૂચિનો જરાય ખ્યાલ રાખ્યા વગર પાછળ ફરી જોરથી નાક નસીટે. ખાનારાંના મન ઉઠી જાય એવું વર્તન કરી મુખવાસનો નાસ્તો જેવો બુકડો મારી હાલતા થાય. આ બધું જ અસભ્ય અને જંગલીપણું ગણાય. એની સામે શાંત રીતે કોઈને ય નડ્યા વગર વધારે પડતું માંગ માંગ કર્યા વગર. જરૂર પુરતું જમીને પરવારી લ્યે. કોઈને ખબરે ય ન પડે એનું નામ સંસ્કારીતા. હાથ મો ધુએ તો બાજુવાળાને છાંટો ય ન ઉડે એનો પૂરતો ખ્યાલ રાખે. ચાલતી વખતે કે પાણી પીતી વખતે ય પૂરી સભ્યતા….વાણીમાં સૌજન્ય, નમ્રતા અને સાથે બેઠેલા પણ જમી રહે ત્યાં સુધી બેસીને ‘કંપની’ આપવી વિગેરે શિષ્ટાચાર ગણાય છે. (આ બાબતમાં અંગ્રેજ પ્રજા થોડી આગળ ગણાય) કોઈ સગાને ત્યાં જમવા ગયા હોઈએ ત્યારે પણ સામેવાળાને વારંવાર તમને બોલાવવાનું અને તમને જમતા જોવાનું મન થાય એવું વર્તન એ જ તમારૂં વ્યહવાર જ્ઞાન !

એક કન્યા એ ‘જમતો’ તો સોનાને થાળે’ કહીને એક જ વાક્યમાં કેટલું બધું કહી નાખ્યું છે ? આ જ છે આપણા સંસ્કારનાં પ્રતિક લગ્નગીતોનું ગૌરવ.
પછી એ કન્યા આ કેસ ફાઈનલ થાય એ માટે પોતાના કાકાને વિનંતી કરે છે. સંયુક્ત કુટુંબની જીવનરીતીમાં, દાદા, કાકા, વીરા, માતા સાથેનું સહજીવન બાળકને એક જુદી જ રીતે ઘડે છે. દિકરી પણ એ વાતાવરણમાં કેવીક ઘડાઈ છે ? કાકા ઉમરમાં ખાસ વધારે મોટા ન હોય. એમને પણ નિખાલસતાથી કહે છે કે –

‘કાકા મારા એ વર જોજો એ વર છે વરણાગીયો રે…’ કાકા પૂછે છે- ‘દિકરી મારી ક્યાં એને જોયો ને ક્યાં તમારાં મન મોહ્યા રે…’ જવાબમાં કન્યા કહે છે- ’ભણતો’ તો ભટ્ટની નિશાળે અક્ષરે મારાં મન મોહ્યાં રે… ‘કુવારી ચડી રે કમાડ…

આવનાર મૂરતીયો એનો જુનો સહાધ્યાયી છે. બનેં સાથે ભણતા હશે. શાળામાં એની નોટબૂકો કે અન્ય લખાણોમાં એના સુઘડ, સ્વચ્છ મોતી જેવા અક્ષર જોયા હશે, એનું ચિત્રકામ જોયું હશે, શાળાની પ્રવૃત્તિઓમાં-શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવ્રુત્તિઓમાં અગ્રેસર રહેતા હશે, તેથી સ્વાભાવિક રીતે જ એ કન્યા એના તરફ મનોમન આકર્ષાઈ હશે. માણસમાં માણસ તરીકેની સભ્યતા, વ્યવહારશીલતા હોય એટલું જ પૂરતું નથી. સાથે સાથે કલાદ્રષ્ટિ, સાંસ્કૃતિક કૌશલ્ય, વકૃત્વ, સારા અક્ષર, સ્પષ્ટ વાણી, સુસ્પષ્ટ લખાણ, રજુઆતની શક્તિ, કેળવાયેલો મધુર, ગંભીર સ્વર, સભારંજની શક્તિ વિગેરેનો સમન્વય હોય તો સોનામાં સુગંધ ભળે.

માત્ર બોચીયા વ્યવહારુ માણસો ઘણા મળશે, નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર’ જેવી વૃતિવાળા અકાળે વૃધ્ધતાને યાદ કરતા અનુભવી ને ગંભીરપણે જીવતા યુવાનો કરતાં થોડા ઉત્સાહી, સ્વપ્નશીલ અને રસિક યુવાનો વધારે ગમવાના વધારે લોકપ્રિય થવાના જ. એટલે સ્તો આ બધાના સારરૂપ એક જ શબ્દ આ લગ્નગીતના રચનારાં એ મૂક્યો- અક્ષરે મારા મન મોહ્યા રે…!

પછી તો એ એના યુવાન વીરને પણ એ જ ભલામણ કરે છે

‘વીરા મારા એ વર જોજો… એ વર છે શુરવંતીયો રે… વીરો પણ પૂછે છે બહેન મારી ક્યાં એને જોયો ને ક્યાં તમારાં મન મોહિયા રે..

એના જવાબમાં કન્યા કહે છે. ‘રમતો’ તો સોનાની ગેડીએ દડૂલે મારાં મન મોહ્યાં રે… પોતાનો વીરો પણ એક યુવાન છે. ઉભરાતી જવાનીમાં વ્યવહાર, જ્ઞાન, કલાદ્રષ્ટિ અને વિશિષ્ટ પ્રતિભા સંપન્ન હોવા ઉપરાંત રમતગમતા અને શારીરિક કૌશલ્ય હોવું પણ એટલું જ જરૂરી છે. દુર્બળ દેહ અને મનોબળવાળા નમાલા કે સ્ત્રેણ યુવા વર્ગથી આ સમાજને શું અપેક્ષા હોઈ શકે ? વેદોમાં પણ યુવાન પુરૂષોની કેવી વ્યાખ્યા કરી છે ? ‘રથેષ્ઠા: સભેયો યુવાઅસ્ય યજમાનસ્ય વીરો જાયતામ’ રથો ચલાવવામાં કુશળ અને સભામાં બેસવા યોગ્ય અને વીર પુત્રોની કામના કરી છે.
કન્યાને પસંદ પડેલો આ મૂરતીયો પણ વ્યવહાર અને કલા, કૌશલ્ય-રસિકતા ઉપરાંત શરીર સૌષ્ઠવ-વીરત્વમાં-શૌર્યમાં અને આ બધાના મૂળ રૂપ રમતગમતમાં પણ અગ્રેસર છે. એને શાળાના કે ગામના કે અન્ય મેદાન ઉપર રમતો જોયો હશે ત્યારે જ એની પ્રતિભા અને વ્યક્તિત્વથી એ કન્યા પ્રભાવિત થઈ હશે. અને આમેય સૌરાષ્ટ્રની ભાષામાં કહેવાય છે કે, અમારો સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે ‘દરબાર ગઢના દરવાજા જેવી પીઢ અને ઢાલ જેવી છાતીવાળા નરબંકાઓ પ્રત્યે ઓળઘોળ થતી વિરાંગનાઓની ભૂમિ !”
આમ વીરત્વ અને શૌર્ય હમેંશા નારી જાતિને આકર્ષતાં રહ્યાં છે. (પ્રાણીઓમાં ય શક્તિશાળી નર જ માદાઓ ઉપર વર્ચસ્વ રાખી શકે છે) વળી કેટકેટલી જાણીતી સ્ત્રીઓ, જાણીતા નીવડેલા ખેલાડીઓ પાછળ ઘેલી બનતી રહી છે – પરણતી રહી છે ! આથી એ કન્યા એના ભાઈને પણ આ મૂરતીયા બાબતે એના લગતો અભિપ્રાય આપી આ પસંદગી ઉપર મ્હોર મારવાનું કહે છે – દડૂલે મારાં મન મોહ્યાં રે…
આમ ઓલી વીણવા આવેલી બાયુમાં મધુર કંઠે આ ગીત એટલું તો સરસ રીતે ગવયું છે કે સાંભળનારામાં પરણેલા ઘડીક એમના ભૂતકાળમાં સરી પડે છે, તો પરણનારા એમના ભવિષ્યમાં ! સૌ કોઈ રસભીનાં થઈ જાય છે. કન્યા પણ સોહાગી સ્વપ્નોમાં ખોવાતી જાય છે. પુરૂષો પણ કાન માંડીને આ ગીત સાંભળી ડોલી ઉઠે છે. અને આ લખનાર જેવા રસિક તો હજી આવાં આવાં બીજાં કેટલાં ગીત માણવા મળશે એની મધુર કલ્પનાઓ કરતાં રહે છે.
આ તો થયું શરૂઆતનું એક જ લગ્નગીત, પણ હજુ આપણે ઘણાં લગ્નગીતોની રસલ્હાણી માણવાની છે.

www.vadgam.com