લગન
[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક ‘સુગંધનો સ્વાદ’ માંથી લગન વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]
કાંચડો રંગ બદલે એમ સમય બદલાઈ રહ્યો છે એનો ખ્યાલ પણ આવતો નથી. અમારા ઘઈડિયા કે’તા કે, ભૈ લગન તો જીવનનો એક લહાવો સે. વાત પણ હોળ આની હાચી સે – જો એ લગન વોય તો. લગનનો એક આનંદ હોય છે. પૈણનારને તો ખરો જ પણ સાથે સાથે પૈણાવનારાઓનેય !
તમોને શ્યું વાત કરું ? વૈશાખ મઈનો એટલે લગનોની મોસમ જ જોઈ લ્યો. અતારે તમારે તો મન ફાવ્યું એટલે લગન. ચ્યાં જોવા રહો સો મુરત, મઈનો કે ઋતુ? અરે! તમારે લગન જેવું વોય સે શ્યું? ચપટી કુલેર ફાકી લગન પાકું!
અરે! તમોને નવાઈ લાગશે પણ અમારા કોઈ ભાયબંધનું લગન વોય તો ઇનું આઈ જ બને એ તો એક વરહથી હજતો વોય પણ અમેય બે-તૈણ મઈના પહેલાંથી તિયારી કરતા વોઈએ. ઇનં પૈણવા માટે.
મારી હાહરીનું, તમારે એટલું સુખ કે, પૈણ્યા પહેલાં છોડીનં જોઈ લ્યો, સિનેમા જુઓ, હરવા-ફરવા જાંવ, તોફાનમસ્તી કરો અને એકાદ અડપલુંય અનં પછંય જો ના ગાંઠ્યું તો ફાડો રે ભૈ ફચ્ચંફચ્ચા; આ ફાડ્યા ને પેલા લટકાયા! તું તારા ઘેર-મું મારા! અલ્યા, તમે છોડીઓનં શ્યું માંની બેઠા સો?
અમારા ગાંમડાંમાં ભેંસોના દલાલો વોય સે. કોઈને ભેંસ લેવી વોય તો ઇનં બે-ચાર ભેંસો બતાવવામાં આવે. એમાંથી એકાદ મનનં ગમે તો ઇનું બાંનું આલવામાં આવે. ભાવ-તાલ નક્કી થાય. પણ જો પાછળથી લેવાની ઇચ્છા ના થાય તો પછં અનેક પ્રકારના બહાનાં બતાવે: ઇનું તો પૂછડું બરાબર નથી, શેંગડા ભારે છે, આંચળ લાંબા-ટૂંકા છે,મારકાંણી સે – આમ, ન લેવાનાં નખરાં શરૂ થાય. ઈમ તમારી છોડીઓની હાલત પણ પેલી ભેંસો જેવી સે. ભૈ, એ તે કોઈ શોકેસમાં મૂકવાની પૂતળીઓ સે? કે નાનાં છોકરાંનં રમવાનું કોઈ રમકડું સે? તમે શ્યું સમજી બેઠા છો ઇયાંનં? હરવાનું-ફરવાનું, થોડો આનંદ કરી લેવાનો, થોડી લાળ પાડવાની અનં પછં પાડી દેવાની ના! આ તે કાંઈ માંણહાઈ કે’વાય આપણી? ભૈ માંણહનં વચનની કેંમત વોય સે, હમજ્યા?
ત્યારે અમારે એવું નઈ. અમારાં હગાં-વ્હાલા, ભાઈ-ભાંડુ, ઘરના, પાડોશના જે હોધી લાવે એ સઈ. ઈમાં હા-ના થાય જ નઈ. એ લોકો જે ડેરો ગળામાં ઘાલે ઇનં આખો જન્મારો તમારે પાળુંડવાની-હાચવવાની હોનાની લગડીની જ્યમ. તમારે તમારા જીવતરનું જે થવાનું વોય એ થાય પણ જે નક્કી થયું વોય એ જેવું વોય એવું હૈયાનો હાર કરીને લાવવાનું જ!
લગનનો ટેમ નજીક આવતો જાય. બાંભણ મુરત પણ વૈશાખ મહિનાનું જ કાઢી આલે. ઉનાળામાં બધાંને નવરાશ તો વોય. પૈણનાર મોટિયાઈડો તો મનમાં ને મનમાં ગડમથલ કરે. એકલો એકલો આનંદે. ઉનાળાની ધોમધખતી બપોરે ખેતરમાં લીલાછમ્મ લ્હેરાતા રજકાના ક્યારાઓમાં જ્યમ સસલાં દોડે ઇમ પૈણનાર મનોમન હડીઓ કાઢે. સેતરના સેઢેથી હેંડતો હેંડતો એકલો એકલો શરમાય! પાડો નાખો તો પાછો પડે એવી માથોડું જુવારના સેતર વચ્ચે એકલો એકલો આળોટે. ગલગલિયાં થાવા માંડે એને તો.
બધા ભાઈબંધ ભેગા મળીનં બરાબરનો ચડાવે ઇને તો: ભૈ, તું તો ન્યાલ થૈ જ્યો, હોં. મજાદરના મેળામાં તારા વાળીનં મી જોઈ’તી. શ્યું વાત કરું? વગડાની રોઝડી જોઈ લ્યો રોઝડી! શ્યું ઠસ્સો હતો એનો? જબરી લટકાળી. ઈની આંસ્યો તો જબરી મારકણી, હા. તું તો નસીબદાર કે’વાય, હોં કે. પણ હાચવજે લ્યો, નાથતાં નઈ આવડે તો તારા માથા ઉપર ચડી બેહશે. અમારા જેવાની સલાહ લેજે, નઈતર આખો જનમારો બાપડો થૈનં જીવવું પડશે, હા. પહેલો ઘા રાંણાનો, હમજ્યો નં ?
મોડી રાત હુધી ગાંમના ગાંદરાની રેતમાં ભાઈબંધોની રાવટી જાંમે. ઈમાં બીડીઓ ફૂંકાતી વોય. ગપ્પાં મરાતાં વોય. શિખામણોનાં પોટલા બંધાતા વોય. જો પહેલી રાતે માંચામાં તું પહેલો ના બહેતો, હાં. નઈતર જીવનભરનાં પાપ તને લાગશે. ઇનં જ પહેલી બેહાડવાની, એ જો ના બેહે તો ઉપાડીનેય માંચામાં નાંખવાની. હમજી ગયો આપણી વાતનં. પૈણનાર પોતાનો દૈશેરિયો હલાવતો મલકાયા કરે.
લગનના પહેલાં તો ઘરને ધોળાવવામાં આવે. રાતી ખડીથી દીવાલે ચીતરાય ઊડતા મોર કે ગદાવાળા હનુમાંન કે ભગવાંન! આંગણું સાફ કરવામાં આવે. એકાદ અઠવાડિયું બાકી હોય ત્યાં ઢોલી ઢોલ ઉપર જેડી મારે ધ્રબાંગ…ધ્રબાંગ…ધ્રબાંગ…ગામના બધા આગેવાનો, પાડોશીઓ, ભાઈભાંડુઓ આવીને ચપોચપ ગોઠવાઈ જાંય માંચા ઉપર, પહેલું તો લખાય લગન!
છોડીવાળાના ત્યાંથી આવે લગન. ઈમાંય પાછું એવું કે, એના કુટુંબીજનો ચાર-પાંચ આવે, એની હારે આવે બાંભણું અને વાળંદ! એ રાતે પૈણનારને પોંખવામાં આવે, માથે બાંધવાનો સાફો તો આવે સાસરિયાપક્ષેથી.
ભઈને, બાજોઠે બેહાડે ઓસરીમાં. એ પહેલાં તો એની પીઠી ચોળવામાં આવે: ‘ઘઉં રે મગોની પીઠડી રે..ચોળો ચોળો…ફલાણા ભૈને રે…’ બૈરાં ગાતાં વોય અને બીજાં એને ઝીલતાં વોય…
આખા વાસની, ગામની, સગાં-વહાલાંની કુંવાસી આ ગાણાંની રમઝટ ઉડાવે. આખું ગામ ભેગું થાય અને આનંદ લૂંટે-નાચે-કૂદે પણ તમારે તો આ બધું ચ્યાં કરવાનું વોય સે? ચિયી બુનો નવરી હોય તો ગાંણાં ગાવા આવે? હવં ગાંણા પણ ચ્યાં ર્યા સે? અરે ભૈ, તમારો ભાઈપો બધો જ નાશ પામ્યો સે. મારાપણાનો ભાવ હવં ચિયામાં ર્યો સે? હળવે હળવે બધું જ ઘસાઈ જ્યું સે. એટલે તો તમારે વગાડવા પડં સં રેડિયા. બુનો ભૂલી જૈ સં ગાંણાં. ચ્યાં વોય સે ઇયાંની પાહણ કોયલ જેવો કંઠ? ઇયાંનો કંઠ તો તમારા વેજિટેબલ ઘીથી ચીકટો થૈ જ્યો સે.
લગન વધાવાય. ઇની પહેલાં તો બધાંયે ભેગાં મળીને લસી વોય લાંબી લેખણે કંકોતરીઓ. ગામમાંથી બોલાવવામાં આવે કોઈ ભણેલાગણેલાને. ઇની પાહણ લખાવાય કંકોતરીઓ. કાગળમાં છાંટવામાં આવે કંકુના છાંટા. પછં એ કંકોતરીઓ લઈનં રવાના કરવામાં આવે ગોરમહારાજને.
તમારે તો અતારે છાપવાનાં મશીનો આયાં. મનમાં આયું એ છપાઈ દીધું. પછં કરી દીધી પોસ્ટ તે આવજો લગન ઢૂંકડું. આ તે કાંઈ બરાબર કે’વાય? ન માંણના કે ન તાંણના. કંકોતરીઓ લખાય, ઢોલ વગાડાય, ભાઈઓ ભેગા મળે, ચા-પાંણી કે કહુંબા-પાંણી થાંય. કાંક લગન જેવું તો લાગવું જોઈને?
બે દાડામાં તો આંગણું ભરાઈ જાય સગાં-વહાલાંથી. લગન લખાયાના બીજા દાડાથી ઘરની પછીતે ઊભેલી કોઠીએ ગણેશ ચીતરાય ! ઇની પૂજા થાય. વરરાજાના હાથે નાડાછડી બંધાય, કંકુચોખા ચોંટાડાય અને ગળામાં પહેરાવાય હોનાનો અછોડો. બસ, વરરાજા તિયાર. પછં પૈણે નઈ તાં લગણ સેતર-શેઢે જાવાની બંધી. ઘર-આંગણું ને ગામ. પાન-હોપારી કે દાળની વ્હેંચણી. કોઈના મ્હેણાં-ટોણાં, કોઈના મસ્કા કે મશ્કરી ! ‘છોરો કે, દાડાનો પૈણું પૈણું કરતો’તોની હારે આંસ્યોના ઉલાળા.
વાસન મોટિયાઈડાઓએ સગાં આવે એ પહેલાં તો સગવડ કરી દીધી વોય. ઇયાંનં ખાવા-પીવાની અને ઊંઘવાની. ઘેરઘેરથી એક-એક ખાટલો અને ગોદડાં ઉઘરાવવામાં આવે. આખા વાહને ઉમળકો વોય લગનનો. જાણે ઇયાંના ઘેર લગન વોય એવો તો બધાંનો ઉલાળો વોય, એવો તો બધાનો સહકાર. અનં અતારે તો? પાડોશીના ઘેર લગન વોય તોય કોઈ જાણતું પણ ના વોય. અરે! બીજાનું વધારેમાં વધારે ચેવી રીતે ઇની પેરવીઓ કરવામાં આવે. બીજાનો અવસર બગાડવાના નુસખા શોધાય. શ્યું હાળાં માંણહ થૈ જ્યાં સં? શ્યું જમાનો આયો સે આજે? હળહળ ઝેર વ્યાપી જ્યું સે માંણહોના મનમાં. કાળો કળજગ ફરી વળ્યો સે આખા જગતમાં. બીજાનું ભલું થતું વોય તો જોઈ શકે જ નઈ. ધત તારીની.
જાન જાવાની આગલી રાતે કાઢવામાં આવે વરઘોડો. ગામમાંથી કે આજુબાજુનાં ગામોમાંથી નાચતી-કૂદતી, શણગારેલી ઘોડી લાંવવામાં આવે મુરતિયાના માથે પાઘડી, પગમાં ચઈડચું..ચઈડચું થાતા જોડા, ધોળા બગલા જેવું પહેરણ અને લાંબા પનાનું ધોતિયું. ખભે નાખેલો વોય ખેસ. કમ્મરમાં બાંધેલો વોય પટ્ટો અને એમાં ઘાલવામાં આવે કટારી, ગળામાં હોનાનો અછોડો અને કાને લટકતાં વોય કુંડળ ! ખભે મૂકવામાં આવે તલવાર અને હાથમાં પકડવામાં આવે શ્રીફળ ! મરક મરક હસતો વોય વરરાજા.
વરઘોડામાં ફેરવવા માટે હજાર-બે હજાર બીડીઓના બંડલ, થોડું દારૂખાનું અને કર્યા વાય મેવડા ! ગામના બે તૂરી મહારાજાધિરાજના પોશાકમાં આવી ગયા વોય આંગણે. ઘૂમવા માંડે હાથમાં પતરાની તલવારોને ફેરવતા. ગાવા માંડે –
એ…મણિયારો તો આયો ઘરના આંગણે રે..
જાણે આયો રે અષાઢીવાળો મેહ
હુવ..હુવ..આયો રે અષાઢીવાળો મેહ..
હું તો તને વારુ રે જીયો મણિયારા..
એ પૂરું થતાંની સાથે જ બીંજુ ઉપાડે:
તારી બેઠકનો બાવળિયો ફૂલડે
છાયો રે સરકારી નોકરિયાત…
અથવા તો
હું તો ચંપે ચડું ને કેવડે ઊતરું રે
હું તો જોઉં રે વાલમિયાની વાટ..
ગામલોકો એની ચારેકોર ગોઠવાઈ જાય,મેવડા ચેવા રમે સે જોવા. તો બીજી બાજુ વરરાજા-
સ્ત્રી ઉંબરા બહાર પગ મૂકતા કુંવાસીઓ હરખમાં આવીને ગાતી વોય:
શકન જોઈનં સાંચરજો રે..
સામે મળિયો એ જોશીડો રે..
જોહલડા ચાલી પાછો વળિયો રે..
ત્યાંથી વરઘોડો વાસમાં રવાના થાય. આગળ જતાં વરરાજા પોતાના જોડા ઉતારીને કુળદેવીને પગે લાગે અને પછી સવારી કરે ઘોડી ઉપર. એની પાછળ ગામની વહુવારુઓ અને કુંવાસીઓ ગાણાંની ઠોરંમઠોર ચલાવતી વોય. આગળ મોટિયાઈડા હાથમાં ઉઘાડી તલવારો લઈને આવી જાય મેદાનમાં. ઢોલીઓ મશગૂલ બની જાય. શૂરવીરતા ચડાવતો ઢોલ વગાડવામાં અને પછી, પછી તો સામસામે ટકરાવા માંડે તલવારો, કોઈ મોટિયાડો તો બે હાથમાં બે તલવારો લઈને ફેરવતો વોય ઝપાટાબંધ !
પેટ્રોમેક્સ અને મશાલના અજવાળે વરઘોડો આખા ગામમાં ફરે. બાંભણોના વાહની પાસે વરઘોડો અટકી જાય. એક બાંભણ સલોકો બોલે:
સરસ્વતી માતાને નમું તે શીશ
અવિચળ જાણીને આયો જગંદીશ
અંબે તારા ને..ભલોમ
વાળંદ પાછળ બૂમ મારે ‘ભલોમ’ની !
વરઘોડો મોડી રાત્રે પાછો આવે ઘેર !
આખી રાત જુવાનડીઓ નાચ્યા કરે આંગણામાં.
અતારે તો તમારી જુવાનડીઓની જુવાની ઇયાંનાં ચંપલોમાં સંતાઈ જઈ સે ઇયાનં તો હવે સિનેમાનાં નખરાં ગમે સે. ઇના ડાન્સ ફાવે સે. એય ચેટલી ઘડી ! હુકાઈ ગયેલી હળી જેવી ફોગાઈ ગયેલા ધાંન જેવી લાગે સે. પીળીપચ્ચ ! લોઈ જ જાણ ઇયાંના શરીરમાં ના વોય એવા તો ઇયાંના ઢંગધડા વોય સે. પછં નાચવા-કૂદવાની વાત જ ચ્યાં રઈ? ભઈ, ધોળાં તો ગધેડાંય વોય સે તેથી શ્યું? ચાર દાડા છણક-
ભણક કરીને થાકી જાવાનાં.
એક અવળા મલકનો અવળો જોગીડો
અવળો જોગીડો
લેતો એ રામનું નામ…
ગાતાં ગાતાં આખી રાત કાધી નાખવાની ઇયાંની તાકાત વોય ખરી કે? બે ફૂંદડી ફરતાં ફરતાં તો ઇયાંના આંટા આઈ રે. એ તો માત્ર બોલવામાં જ. પછં આગળ તો મોટું બધું કૂંડાળું. હમજ્યા નં મારા ભૈ.
બીજા દાડે જાન જોડાય. ગામમાં જેના સારામાં સારા બળદ વોય ઇના માગી લાવવામાં આવે. પછં શણગારાય વેલડું. બળદો ઉપર નાખવામાં આવે ઝૂલો. એમને રંગબેરંગી પહેરવવામાં આવે માંયડીઓ. એમના શેંગડાને ઘી ચોપડવામાં આવે એટલે તડકામાં ઝગારા મારે.
વરરાજાને વાજતેગાજતે લઈ જવામં આવે મંદિરે. ત્યાં પગે લગાડીને પછં ગામના પાદરે આવેલા વડલા નીચે લાવવામાં આવે. જ્યાં જાનૈયા તિયાર થૈને આઈ જ્યાં વોય ટીહટીહાં. જાનડીઓ મોટે મોટે થી ગજાવતી વોય ગાંદરું. જાજમ પાથરીને બેઠા વોય ઘઈડિયા! રૂપેરી હુક્કાના ગડુડાટ અને ચલમોના સટાકા ચાલતા વોય વટભેર. ક્યાંક ઘોળાતું વોય અફણ અને ખવાતા વોય ખોંખારા. આખું ગામ આવીને છલકાતું વોય પાદરે. આ દ્રશ્ય જોઈને ખુલ્લા પાદરને પોરસ ચડતું વોય પોશ પોશ!
દાડો આથમણો ઢળ્યો વોય. પડછાયા લંબાતા વોય. બળદોની કોટે ઘૂઘરા ધણધણતા વોય. પછી વેલડામાં પાથરેલા ગોદડા ઉપર વરરાજા ગોઠવાય અને એની પાછળ લુણારી. જાનડીઓના કંઠે રેલાય:
વરનો દાડો થોડો ને જાવું વેગળે…
તમોનેં નથી લાગતું કે, ગાંણાની આ લીટી રોબર્ટ ફ્રોસ્ટની ‘ And Miles to go before I Sleep…’ કરતાં સહેજ પણ ઊણી ઊતરતી નથી, એ ?
તો, વળી
લાડલો પાન ચાવે ને રસ ઢોળે
લાડલો વળી વળી પાછું જુએ રે…
જાણે એમનાં માતા સાથે આવે
જાણે મારી જાનમાં રંગ રે’શે …લાડલો પાન…
પણ તમોને ચ્યાં આવો વખત વોય સે? અરે ! આવાં ગાણાં પણ તમોને ચ્યાંથી આવડે? તમે તો મૂળિયાં સમેત ઉખેડાઈ જેલાં ઝાડવાં જેવાં સો. પછં શી વાત કરવી તમારી? તમારે તો કલાકમાં તો લગનને ઉંચું મૂકવાનું વોય. પાદરની મોકળાશ તો તમારે વોય જ ચ્યાંથી? તમે તો તમારું બધું જ ખોઈ ચૂકેલાં જ સો ને? લગનમાં કોઈ આવે કે ન આવે, તમારે એમાં ચ્યાં ફરક પડવાનો અતો?
અરે! અમારે તો જો કુટુંબમાંથી એકાદ વ્યક્તિ કોઈ કારણસર ના અવે તો પછી કોઈ જ ના આવે, કોઈ એકલપેટું ના મળે. સમૂહભાવના ખૂબ મોટી. એ નઈ તો મું પણ નઈ એ પહેલો પછં મું. આવી તો લાગણી. એ જમાનો તો જાત્પ ર્યો, પાણીના રેલાની જ્યમ! હવં તો હંકડાવા માંડ્યું સે બધું જ.
જાન પાદરેથી રવાના થાય. વળાવા આવનારાં પાછાં જાય. જાનડીઓ અને જાનૈયા અરસપરસ ગાતાં ગાતાં વગડો ગજાવતાં જાતાં વોય:
સાંઢોની કોટે સાંકળાં રે ગોધલીયે ઘૂઘરમાળ..
નગરીના લોકે પૂછિયું રે ચિયો રાંણો પરણવા જાય..
નથ રાંણો નથ રાજવી રે..નથ દલ્લીનો દરબાર..
ફલાણા ભૈનો દીકરો રે ફલાણા ભૈ પરણવા જાય..
તો વળી,
નદી રે કિનારે રાઈવર પતંગ ઉડાડે
આયો પવનનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો…નદી રે..
લાડલાના મનની વાતોને પણ ગાંણાંમાં ભરીને જાનડીઓ આંસ્યોના ઉલાળા કરતી એકબીજીને કોણીઓ મારતી ગાતી વોય:
લાડા લાડડો તે લખિયા કાગળ મોકલે
સુંદરિયા વર વે’લો આવ કે મુખડાં જોઈ રહ્યાં લાગશી
હું કેમ આવું લાડી એકલો રે
ઘેર મારા બાપા દુભાય કે મુખડાં જોઈ રહ્યાં લાગશી
કે બાપા ન હારે હૂંડાલ (લાવ) કે
મુખડાં જોઈ રહ્યાં લાગશી.
અને ગાતાં ગાતાં ગમ્મતમાં ઘૂઘરીવાળા બળદોને દોડાવતા પહોંચી જાય દીકરીવાળાના દેશમાં. વેવાઈના ગામની સીમમાં આવતાંની હારે જ જાનડીઓનાં ગાણાંનો ટોન બદલાય. હવે તો કન્યાનો બાપ ગરજૂડો બનીને ઇયાંની આગતા-સ્વાગતા કરશે. એમાં થોડી ગાળોનો-અકડાશનો રણકો ભળવા માંડે:
વેવાણ કોરો ઘડો ભરી લાવં, તરસે મરીએ સીએ.
તારો ધણી અડોણો મેલ કે તરસે મરીએ સીએ
તારો દિયોર અડોણો મેલ કે તરસે મરીએ સીએ
વળી,
અમે ઓખલે ગોખલે નહીં ઊતરીયે, તરસે મરીએ સીએ.
અમે ઊતરીશું વેવાયોવાળી મેડિયે રે, તરસે મરીએ સીએ.
કન્યાપક્ષેથી સામૈયું કરવામાં આવે. વાજતે-ગાજતે સામસામે આવી જાય પછી તો બધા સગા હાથ લાંબા કરી કરીને એકબીજાને મળે. ખબર-અંતર પૂછે. ગોળનો શરબત ગ્લાસ ભરી ભરીને આલવામાં આવે. પણ જુવાનડીઓ સામસામે ગાંણાની રમઝટ બોલાવે.
કન્યાપક્ષેથી ગવાતું વોય:
કાળા રે કબૂતરજી તમે ભલે આયાજી
તમે ભલે આયાજી, વાંદરા ટોળું હારે ચ્યમ લાયાજી.
તો વળી વરપક્ષેથી તો ગાણાંમાં ગાળોની ઠોરંઠોર ચાલતી વોય:
વેવાણ તારા મોભીએ બેઠો મોર કે વેવાણ સાંભળે સે કે નઈ?
વેવાણ તારી ઘાઘારી લઈ જ્યાં ચોર કે…
જાનડીઓ બેફામ બનીને ગાતી વોય:
ઘરમાં ન’તી સોપારી ત્યારે
શીદને તેડ્યા વેપારી,મારા નવલા વેવાઈ
ઘરમાં ન’તા લોટા ત્યારે
શીદને તેડ્યા મોટા,
અથવા સહેજ ઠંડી પડીને પોતાનું વર્ચસ્વ બતાવતાં
ચિયા વેવાઈ વીનવું મારે ગાલેચા પથરાવો રે
ગાલેચાની પહોંચ નહોતી તો મોટા શીદને વોર્યા રે
આવડા મોટા મગરવાડિયા તમારી ભેંતે ભાલા મારશી રે
ભેંતો હાથીનો ભાર ઝીલશી છાપરાં ઊડી જાહે રે..
તમારે તો ચ્યાંક વાડી ભાડે રાસેલી વોય! એમાં ગાંમના ગાંદરા જેટલી મોકળાશ જ્યાંથી હોય! તમાર ત્પ પેટ્રોલના ધુમાડામાં બધું જ ઢંકાઈ જાય. એટલે તો બળદોને ઝૂલો નાખીને ઘૂઘરિયાળા અવાજ પણ તમારે ચ્યાંથી વોય? તમારે તો હાંમૈયું શ્યું ને વાત શી? આયા તો આયા અનં જ્યા તો જ્યા.
અરે! ઘઈડિયા હાંમહાંમે એકબીજાને ભેટે, તમારી જ્યમ બનાવટી મલવાનું નઈ, હાં હાચા મનથી. માંયના ઉમકળાથી મળવાનું. તમારે તો ચ્યાંથી વોય હાચાં મન! આંગળીના વેઢે ગણીનં લાવવાનાં વોય માંણહ અનં આવેનં તરત જ નાહવાનું વોય પછં ચ્યાંથી તમારો ભાઈપો ઊગે તમારા હિયામાં? બેઘડી હારે બેહાય. સુખ-દુ:ખની વાત થાય, તો જ એકબીજાના થવાય ને? તમારે તો હડકાયા કૂતરા જેવું. આયા કે ભાગ્યા. હાયવલૂરા ચ્યાં ઓછા વોય સે તમારે? ઉતાવળ ઉતાવળ ને ઉતાવળ! તમોને ચ્યાં બે ઘડી હાશ કરીનં બેહવાની નિરાંત વોય સે?
તમોને શ્યું કઉ? જાનનું સામૈયું થાય. વાજતે ગાજતે જાન ઉતારે જાય. ત્યાંથી પછી જમવાનું કહેણ આવે. વાળંદ બધાને ખમ્મા ખમ્મા કરતો તેડી જાય. થાળીઓ પથરાંય, શીરા લાપસી પીરસાંય અને એટલામાં તો ઓહરીની આડશે બેઠેલી જુવાનડીઓ ગાવા માંડે:
થાળીઓ લ્યો રે થાળીઓ લ્યો
પેલા કહારાંના સોકરો થાળીઓ લ્યો..
જ્યારે બરાબર પીરસાઈ જાય એટલે
આસન બાંધું, શાસન બાંધું, ખાનારાઓના હાથ જ બાંધુ,
પાંચ આંગળીઓનાં ટેરવાં બાંધું…
ગાંણામાં કોયડો આવે. એ કોયડો ના છૂટે ત્યાં સુધી તો જાન જમી શકે જ નહીં.
એકાદ ઘઈડિયો કોયડો ઉકેલે અને ખાવાની શરૂઆત થાય.
દાળ ખાશો, ભાત ખાશો, શાક ખાશો સઈ,
મોટાઓને માંડવડે કોઈ એઠવાડ પાડશો નઈ.
તો વળી,
ચિયા વેવાઈનું પેટ મોટું મારા નવલા વેવાઈઓ
ફલાંણા વેવાઈનું પેટ મોટું મારા નવલા વેવાઈઓ
માંય રબારણો છાશો કરે ધમાધમ ધમાધમ મારા નવલા વેવાઈઓ
આવું બધું વોય સે તમારે? ખાવા બેઠા પછં કોયડા! એનો ઉકેલ! તમારે તો જીવવું જ એક કોયડો વોય સે પછં આગળ વાત શી કરવાની ?
જાન જમીને પછં પોતાને ઉતારે જાય.
ઉનાળો દાડો. એમાંય હેંડતા આયા વોય. હસ્તમેળાપનું મુહૂર્ત વોય અડધી રાતે. એટલે બધા લપોલપ લાંબા થઈ જાંય પથારીમાં. ઉનાળાની રાત વોય, હળવો હળવો વાતો વોય પવંન. એમાંય થાચ્યાપાચ્યા બધા ઘસઘસાટ ઊંઘવા માંડે. એક ઊંઘ ના વોય પૈણનારાને. ઇને થાતો વોય સળવળાટ! ફેરા ફરતી વખતે ઇના પહેલાં બેહવાની પળોજણ ચાલતી વોય ઇના મનમાં. હસ્તમેળાપ વખતે બરાબર હાથ દાબવાની પેરવી કરતો વોય એકલો એકલો.
ચોરીમાં બાંભણ જે હસ્તમેળાપ કરાવે એ જ એમનો પહેલો સ્પર્શ. પછં ઇયાંનં રોમાંચ ના થાય? પણ તમારે તો પૈણ્યા પહેલાં બધું પતી જ્યું વોય પછં ચ્યાંથી પૈણવાનો આનંદ? એટલે જ તમોનં ઊભેલી ખો રમતા વોય એવું જ લાગે ને? ચોરીમાં બેસી હાંમહાંમે જોવાય, દાંત કઢાય, આંસ્ય મચકોડાય! એ તમોનં શોભે અમોનં નઈ, હમજ્યાં નં?
મોડેથી ફરી વાળંદ બૂમ પાડવા આવે. બધા ટપોટપ તિયાર થૈ જાંય. અણવર વરરાજાનં બરાબર તિયાર કરે. વાજતે ગાજતે ગાણાં ગવાતાં વોય, લૂણ ઊતરતું વોય અનં ચોરી તરફ જવાતું વોય. ચોરીમાં સામસામે ગોઠવાયેલા વોય બાજઠ. આમથી તેમ હડીઓ કાઢતો વોય મા’રાજ વરરાજા ગોઠવાય. પછં કન્યાનો મામો એને તેડીને લાવે ચોરીમાં.
કન્યાપક્ષની જુવાનડીઓ જમાઈને પોરસ ચડાવતી હોય:
જમાઈશા ભલે રે પધાર્યા સમદર સાસરે
જમાઈશા વેંટીઓ વસાવો સવા લાખની
એમાં પોતાની બુન જેવાં તેવાં નથી એની યાદ અપાવતી વોય:
બંગલામાં બેઠા બેની રેડિયો વગાડે…
રેડિયોના સૂરો તો ફલાણાએ હાંભળ્યા..
તો વળી બેનીને મંડપમાં લાવતી વખતે ગવાયું વોય:
ધીરે ધીરે આવો બેની મંડપમાં… મંડપમાં બેની મંડપમાં
બાપાની મમતા છોડી દો બેની બાપાની મમતા છોડી દો
સસરાની ઝડપી લ્યો, ઝડપી લ્યો બેની ઝડપી લ્યો.
આગળ ગાણાં ગવાય:
જેવી લેમડાની છાયા એવી માતપિતાની માયા,
માયા છોડવી પડશે, હાહરે જાવું પડશે.
જેવાં મોટરનાં ટાયર એવા સસરાજીના પાવર
પાવર વેઠવા પડશી, હાહરે જાવું પસશે…
તો સાથે શિખામણ આપતી વોય:
આવજો બેની આવજો કાગળપત્તર લખશો
ભૂલી ના જાશો અમને કે હામે કિનારે હાહરું
હાહરિયાં હાહુ તમને નીત પદાવે આંહુ….
બેન તો પિયર છોડીનં હાલ્યાં હાહરે રે લોલ
માબાપને છોડ્યાં એવાં હાહુ-હહરાને જોડ્યાં
હે નાની નાની નણંદબાનાં ભાભી તમો બન્યાં.
વરપક્ષેથી પણ ગાણાં ગવાતાં વોય:
કૂકડા તારી લાંબી ચાંચ કે કૂકડો ચક બોલે સે
***
નદીને કિનારે સરોવરની પાળે સીટી વગાડે મારો ભાઈ,
હે ભાભી તમને બોલાવે મારો ભાઈ.
***
એક ભર રે જોબનિયામાં બેઠા ફલાણા ભૈ
હસીને બાપાએ બોલાવિયા
કેમ રે દીકરા તમારાં દિલડાં દુભાણાં
કેમ રે આંસ્યોમાં આંહુ આવિયાં.
***
અમદાવાદથી પાન મંગાવો, સોપારી સવા લાખની
ભાઈના હાથમાં સે છાપુ, પરણાવે ભાઈના બાપુ…
સોપારી સવા….
ગાણાં ગવાતાં વોય અને પછં ચોરીમાં ફેરા ફેરવવામાં આવે; સપ્તપદીનાં સાતેય પગલાં સમજી લ્યો સંસારી…
પહેલા તૈણ ફેરા વખતે વરરાજા આગળ વોય. એના ભાઈબંધ ઇંન સૂચનાઓ આલતા વોય તો હાંમેની બાજુ કન્યાની સઈયરો પણ એનાં કપડાં વ્યવસ્થિત કરતી વોય- શિખામણ આલતી વોય. વળી કોઈ મોટિયાઈડો ઇની હાંમે ત્રાંસી નજરે જોઈનં હસી લેતો હોય આવતી કાલ્ય માટે..
ચોથા ફેરાએ કન્યાનં આગળ કરવામાં આવે. ઈની બેનપણીઓ ઇનં કાંનમાં કે’તી વોય: હાચવીને ઇયાંના પહેલા લપ દૈનં બેહી જાજે, હમજીનં? ચોથા ફેરા વખતે તો એવી હડી કાઢે કે ના પૂછો વાત. બધાં ઇમ કહે કે, જે પહેલુ બેહે ઇનું જ ઘરમાં ચલણ ચાલે.
ચોરીના ચાર ફેરા પછં વરરાજાના ઉતારે કન્યાનં લઈ જવામાં આવે. ઇયાં વેંટિયો રમાડાય. આ જો તમોનં એકદમ નવાઈ લાગશે. વેંટિયો રમવાનું એટલે શ્યું? હા, ભૈ હા. તમે તો આ બધાથી પર સોનં એટલે. તમોનં આ બધાની ગતામત પણ શી પડવાની અતી? જ્યારે વરરાજા આવે તાણં પૂંખવામાં આવે સે. ઇમાં ઘૂહરી, રવૈયો વગેરે વોય,પણ ઇનો અરથ તમે ની જાણંતા વોય. હવં તમે સંસારમાં જોડાંવ સો તો તમારી ધૂહરી હારી પેઠે રે એ રીતે રે’જો. તમારે સંસારમાં દહીંની જ્યમ વલોવાવું પડશે પછં ઇમાંથી માંખણ પેદા કરતાં આવડવું પડશે. એવા તો ઇના અરથ થાંય. પણ તમારા માટે આ બધું ચ્યાં ર્યુ સે ? તમારે તો જીવન કે સંસાર જેવુંય ર્યુ સે ખરું?
વેંટિયો રમાડવાની એટલે ખબર સેં કે, કાંહાની થાળીમાં પાંણી નાંખવામાં આવે ઇમાં નાંખવામાં આવે દહીં અનં પછં કંકુ, એમાં રોકડા હાત રૂપિયા, થોડી હોપારી અનં ખારેક અને એમાં નાંખવામાં આવે ચાંદીની વેંટી. એ અરસપરસ નાંખીને હોધવાની તમારે. કુણ વધારે વખત હોધી કાઢે એ ચતુર ગણાય. પછં તો છેડાની ગાંઠગાંઠ છૂટે. વરરાજા છેડો બાંધે, કન્યા છોડે. આવી તો અરસપરસ વોય સે છેડાબંધી. પણ તમારે તો ચ્યાંથી વોય આવી છેડાબંધી? તમોને તો આ બધું હસવું આવતું અશે. આવે જ ને ? આ બધુ તો તમોને રમૂજ ઉપજાવે પણ જે કાંઈ આગળથી ચાલ્યું આવતું હશે ઇનો કાંક અરથ તો અશે કે નઈ? જુઓ ભૈ, આ દનિયામાં દરેકની પાછળ એક આખું વિશ્વ વોય સે. પણ તમે ઇનાથી ઉછેટાઈ જ્યા એટલે તમોનેં ઇની મજાક હૂજે નં!
આ બધી વિધિ પતાવતાં પતાવતાં તો ભડભાંખળું થૈ જ જ્યું વોય. લગન પતી જાય પછં પતાહાની વહેચણી થાય. ઘરદીઠ અનં માણહદીઠ પાંચ પાંચ પતાહાં અને ખારેકો આલવાની વોય.
પરણેતરની હારે આવનારી જુવાનડીઓ ઠિઠિયારા કરતી હોય. બીજા મોટિયાઈડાઓની મશ્કરી કરતી જાય અનં આંસ્યોના ઉલાળા પણ. તમોનં શ્યું વાત કરું મારા ભૈ, મારકાંણી ભેંસો જેવી લાગે એ વખતે તો. તમારા મનમાં પણ હાપોલિયાં રમવા માંડે એવું સ્તો. તમે પણ મનમાં ને મનમાં વચારતા વોય કે, ચ્યાંક ભાઠામાં એકલી મળે ત્પ પછં તારી વલા કરું એ જો. અરે ! ભીડમાં આઘાપાછા થતાં એકાદ કૂણીનો ઠાંસો તો મારી જ લ્યો, પણ એ પહેલાં તો ઇનં તમારા પહડાવામાં એવી તો ચૂંટી ભરી વોય કે બધું લોહી જામી જાય. તમે ઇનો બદલો લેવા આઘાપાછા થયા જ કરો. પણ એ બધું જ મોભામાં મર્યાદામાં. કોઈ લક્ષ્મણરેખા ઓળંગવાની હેંમત ના કર, હા તમારે તો છોકરા કે છોડિયું ઇ હમજણ જ નઈ પડે. એક જેવા જ ચૂંથણા અનં એક જેવી જાત-ભાત ! ભૈ, કાંક તો ભેદ રાખો.
તમોનં અમે આવું કઈએ એટલે જુનવાંણી લાગશં. પણ ના, અમે એવાય નથ. છોકરા-છોડીઓ હળે-મળે, વાતચીતો ગમ્મત કરે, ત્યાં લગણ તો હમજ્યા મારા ભૈ. અમોનં ઇનો વાંધો નથ. પણ અતારે જે હાંભળીએ સીએ એ તો તોબા મારા ભૈ. અરે! અમારા ગાંમના વાંણિયાની છોડીનં લઈનં ઇનો થનારો ધણી કાશમીર ફરવા જ્યો. જુઓનં, હગપણ નતું કર્યુ તોય. અઠવાડિયું ફરી પછં પાછાં આયાં અનં આઈનં મુરતિયે કીધું કે મન નથ ગમતું. પતી જ્યું. અલ્યા, તમે હાત દાડા અમનચમન કર્યું ઇનું શ્યું ? એટલા દાડામાં તમે પૈણવામાં બાકી શ્યું રાસ્યું અશે ? ભૈ, અમોનં જે વાંધો સે ને અમે ઈની હાંમે સે. અમારે તો, ખબરદાર સે કે, કોઈ મોટિયાઈડો કોઈ છોડીની હાંમે ખોટી નજરથી જુએ તો ઇનું આઈ જ બને. છોડીઓ તે કાંઈ ઢેંગલીઓ સે કે જ્યમ ફાવે ઇમ ફેરવાંય ? ચ્યાં જઈનં આ બધું અટકશે ? અનં તોય તમોનં તો ઇનું કાંય જ નઈ, ઈનો અમોનં વસવસો થાય છે, હમજ્યા નં? અમે એટલા બધા મૂરખ નથ કે તમારું ભલું જોઈનં બળીએ. પણ અમોનં અમારું જે અસલી અતુંનં એ નાશ પામતું જાય સે ઇનો બળાપો સે.
તમે ઇમ કો સો કે , અમે સુધર્યા. નવા જમાંના પરમાણે રે’વું પડે નં? તમારી વાત હોળ આંની હાચી સે. અમે ઇની ના નથ પાડતા પણ આપણું ખોઇનં બીજું અપનાવવું? ભૈ, હમજણ વગર બીજા પાહણથી લીધેલું લાંબો ટેમ ની ચાલે. પણ આપણું જે અસલી વોય ઇમાં કાંય ખામી વોય તો સુધારો કરોનં. એ ઇની ચ્યાં ના પાડીએ સીએ? જે જૂનું સે ઇનં સુધારવાની જરૂર સે ખરી પણ ઇનં કાયમ માટે ખોવાની જરૂર નથ. બીજાના બંગલા જોઈનં આપણા ઝૂંપડા હળગાવી ના દેવાય. થોડી મે’નત કરીનં જૂંપડામાંથી ઘર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બીજા દાડે હવારે આખું ગાંમ કન્યાના બાપાના ઘેર ભેગું થાય. ચા-પાણી, અફણ-કહૂંબા કર. બપોરે જાનં અનં ગાંમ જમે. હાંજના ટાઢા પોરના દે’જ ભરાય. અતારે તો મુરતિયા પહેલેથી જ દે’જ નક્કી કરે પછં કન્યાનું. તમે ચેટલું આલશો? ચેટલા તોલા હોનું? ફ્રીઝ, સ્કૂટર મળશે? ઓત્તારીની! મે’નત કરવાનું છાણં ના વોય તો શ્યું જખ મારવા પૈણો સો? ભગવાંને બે હાથ આલ્યા સે. ઇયાંન કાપીનં ચૂલામાં અડવવાના સં? મારું હાળું. બધાંનં મફતિયું ખાવું સે. શ્યું છોડીઓ જણીનં કાંઈ ગુનો કર્યો સે? ઇયાંના બાપ કાંઈ વેચવા જવાના અતાં? દહેજ પૂરેપૂરું ના મળે તો લગન ફોફ! ભૈ પૈણા પછં પણ ચ્યાં ઓછા બળાપા વોય સે? દહેજના કારણે તો આપઘાત કર્યા વણ્યાનો એકેય દાડો ખાલી જાય સે? અતારે આ તમે સુધર્યા. શું તમારી માનું તરહાળું સુધર્યા સો હાળા માયકાંગલાઓ? અમોનં રીહ ના આવે તો થાય શ્યું? છોડીવાળાનં બચારાનં ગરજ વોય એટલે દેવું કરીનં કે, એકાદ સેતર ગીરવે મેલીનં પણ કરવું પડે સે. આંમ તો કો સો કે , અમે સુધર્યા સીએ, તો આ બધું કાઢોનં, ચ્યમ કાઢતા નથ? પણ ના, દહેજ તો લેવાનું જ.
અમારે તો બાપ રાજી થૈનં. જે આલ તે લેવાનું. એ પણ કહેવાનું કે, તમે તમારી છોડીનં આલો સો, તમારી શક્તિ વોય એટલી જ ભક્તિ કરજો. સમાજમાં હારા દેખાવા માટે તૂટી ના જાતા, હાં કે. અમોનં કંકુ ને કન્યા આલશો એ પૂરતું સે. આવું તો મુરતિયાનો બાપ કહે. કરો વચાર. અતારે આવી ભાવના સે કોઈ વેવાઈમાં? અતારે તો જ્યાંથી વધારે મળે એ પહેલું. શ્યું હાહરીની ભૂખડીબારશ ભરી સે આ દેશમાં?
કન્યાનો બાપ બે-ચાર જોડી લૂગડાં, તાંબાનું બેડું, ડોલ, તરહોટ અનં બીજાં કોહાનાં વાહણ આલે. પતી જ્યું એટલામાં. હાહરવાહો પૂરો તોય કોઈના નાકનું ટેરવું ચડી ના જાય, હમજ્યા નં મારા ભૈ, એટલે જ અમે કઈએ છીએ કે, જે અસલી અતું એ અસલી અતું.
આથમણી દિશે ઢળતા સૂરજની સાક્ષીએ કન્યાવિદાયનો ઊભો થાય પ્રસંગ. માબાપ, ભાઈભાંડુ, આડોશીપાડોશી અનં સઈયરોની આંશ્યોમાં ચોધાર આંસુ નીકળતા વોય. આખું ગામ ઊમટે ગાંદરે. ગામનું કોઈ બૈરું એવું ની વોય જેની આંસ્યો ભીની ના થૈ વોય. કન્યા તો ધ્રુસકે ધ્રુસકે રોતી વોય. મોટેરા ઇનં આલતાં વોય હૈયારો. એક પછં એક બૈરા આઇનં ઈનં ભેટે અને આલે ટકો. ઈની સઈયરોનં તો એવી બાઝી પડે કે છોડાવવી પણ મુશ્કેલ થઈ જાય અનં પછં મહાપરાણે વેલડામાં બેહાડવામાં આવે. કન્યાનં વરની પાહણ વેલડાની ઘૂહરીએ બેઠેલો છેલછોગાળો મોટિયાઈડો બળદોને બુચકારે અને હળવે રઈને રાશનં મૂકે ઢીલી તો આવજો ગાંમ ઢૂંકડું. આખું પાદર ગમગીન થઈનં ભીની આંસ્યે વેલડાની પાછળ ઊડતી ધૂળનં જોઈ રહે પછં નેંહાકો નાંસીનં વળી જાય પાછું !
વર્ષોથી ઢબૂરીને રાખેલું અંધારું સૂરજ થવા નીકળી પડે ગોધલિયાના ઘૂઘરાના અવાજે. માદરેવતનના સેંમડા હુધી કન્યાનું બાળપણ આઈનં આંસ્યોમાં કાંટા ઉગાડતું જાય- ભોંકાતું જાય. અને તે હીબકાં ભરતી ભરતી છેલ્લું છેલ્લું જોઈનં પાછળ મૂકતી જાય, ઇનો ડચૂરો ભરાઈ રહે ઇનો હિયામાં.
ત્યાં સાંભળવા મળે:
નગરીના લોકો પૂછિયું રે
ચિયો રાંણો પરણીનં જાંય…..
(પુસ્તક :- ‘સુગંધનો સ્વાદ’, લેખક:- શ્રી કિશોરસિંહ સોલંકી, કિમંત :- રૂ.૧૦૦/- ,પ્રાપ્તિસ્થાન :- ઇમેજ પબ્લિકેશન પ્રા.લિ.,૧-૨,અપર લેવલ, સેન્ચુરી બજાર આંબાવાડી સર્કલ આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૦૬, ફોન-૦૭૯-૨૬૫૬૦૫૦૪, )
Nice article.
Kishorsihaji, have aavaa lagan mahalava kyan male chhe ? Are jovaa pan kyan male chhe ? Shu aapne bahu ghumaavi daishu ? Aapano vaaraso, parampara , sanskruti….