ખેતીવાડી

દાડમની ખેતી – નગાણા ફાર્મહાઉસની મુલાકાત…

સમયના પરિવર્તનની સાથે અનેક ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવતું હોય છે,તેવું જ એક ક્રાંતિકારી કહી શકાય તેવું પરિવર્તન વડગામ તાલુકામાં ખેતીવાડી ક્ષેત્રે દેખાઈ રહ્યું છે.તાલુકાના અમુક પ્રગતિશીલ કહી શકાય તેવા ખેડૂતોએ નવી રાહ અપનાવતા પરંપરાગત ઘંઉ,બાજરી,એરંડા,રાયડો વગેરે પાકોની ખેતીની જગ્યાએ સમયને અનુરૂપ ફળફળાદીના પાકની ખેતીમાં હાથ અજમાવ્યો છે અને તેમાં ખાસ્સી એવી સફળતા હાંસલ કરી છે.

વડગામ તાલુકાના નાના એવા નગાણા ગામના પ્રતિષ્ઠિત આગેવાન સ્વ.અલીકાકાના પૌત્ર અને મારા યુવા મિત્ર સઈદખાન પઠાણ કે જેઓ હજુ કોલેજ માં અભ્યાસ કરે છે તેઓના આમંત્રણથી હું તા.૩૧.૦૩.૨૦૧૩ના રોજ તેમના નગાણામાં આવેલ ફાર્મહાઉસમાં દાડમની ખેતી વિશે માહિતી મેળવવા પહોંચ્યો…

૧૦ વિઘા જમીનમાં ફેલાયેલા એકસરખા દાડમના સુંદર ઝાડ  જોઈ કલ્પના ના આવે કે વડગામ તાલુકાની જમીનમાં આવો પણ પાક લહેરાઈ શકે છે.પણ એ વાસ્તવિક્તા હતી જે મારી નજરોની સામે હતી. કોલેજમાં અભ્યાસ કરતા મારા યુવા મિત્ર સઈદખાન પઠાણ પાસેથી  દાડમના પાક વિશેની ઉંડાણપૂર્વકની માહિતી જાણી વિશેષ આનંદ થયો કે યુવા મિત્રો પણ ધારે તો પોતાની જમીનનો કેવો ફાયદાકારી ઉપયોગ કરી શકે છે.તો ચાલો હવે આપણે સઈદખાન પઠાણના ફાર્મમાં વાવેતર કરેલ દાડમના આ પાક વિશે થોડી માહિતી મેળવીએ.

દાડમના રોપાઓની અનેક જાતો આવે છે,તેમાંની ઉચ્ચ જાત કહી શકાય તેવા ભગવા સિંદુરી જાતના ૨૫૦૦ રોપા નાસિકથી અહી લાવીને ૧૦ વિઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.એક રોપાની પડતર આશરે રૂ. ૧૦ થી ૨૦ સુધીની છે.વાવેતર કર્યાના બે વર્ષ બાદ આ રોપાઓ ફળ આપવાનું ચાલુ કરી દે છે તે ૧૫ વર્ષ સુધી ફળ આપે છે.શરૂઆતમાં બે વર્ષ સુધી અઠવાડીયે એક વખત પાણી આપવાનું હોય છે,જે તેઓ ટપક સિંચાઈથી આપે છે. ૧૦ વિઘા જમીનમાં ટપક સિંચાઈની સુંદર વ્યવસ્થા સઈદભાઈએ ગોઠવી છે,જે ઓછા પાણીએ રોપાના મૂળ સુધી જરૂરી પાણી પહોંચાડે છે. બે વર્ષ બાદ જ્યારે દાડમના ઝાડ  ઉપર ફૂલ બેસવાની શરૂઆત થાય છે ત્યારે એક નર અને એક માદા આમ બે પ્રકારના ફુલો બેસે છે,જેમાંથી નર ફૂલ ખરી જાય છે અને માદા ફૂલ માંથી દાડમના ફળ બેસવાની શરૂઆત થાય છે,આ વખતે દાડમના રોપાની ડાળીઓની કટીંગનું કામ ખૂબજ મહત્વનું બની જાય છે,પાતળી ડાળીઓનું કટીંગ કરી તેને દૂર કરવામાં આવે છે,જેથી તેના ઉપર ફળ બેસીને લચી ના જાય અને રોપાનો યોગ્ય ઉછેર થઈ શકે,આ કામ માટે દર વર્ષે મહારાષ્ટ્રથી આ કામના નિષ્ણાત લોકો આવીને કટિંગ કરી આપે છે,જેઓ અંદાજે બે વર્ષની ઉંમરના રોપા દિઠ પાંચ રૂપિયા કટિંગ ચાર્જ લેતા હોય છે અને જેમ જેમ રોપાની ઉંમર વધે તેમ તેમ આ ચાર્જ વધતો હોય છે. હવે જ્યારે રોપાને ફળ આવવાના ચાલુ થાય ત્યારે બે દિવસે એક વખત પાણી આપવું પડે છે. ભગવા સિંદુરી જાતના દાડમના એક ઝાડ  ઉપર આશરે ૫ થી ૧૫ કિલો ફળ બેસે છે જેની એવરેજ ઝાડ  દિઠ ૨૦ કિલો ઉત્પાદન સુધીની છે. આ ફળની કિંમત બજારમાં કિલો દિઠ ફળની ગુણવત્તા મુજબ કિલો દિઠ રૂ.૫૦ થી રૂ. ૧૨૦ વચ્ચે ઉપજે છે,જે વેપારીઓ ખેતરમાં આવીને લઈ જતાં હોય છે.

આ પાક માં મોટી મુશ્કેલી એ છે કે તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે નહી તો આ પાકમાં બિમારીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં આવી શકે છે,જીવાતો થી પાકનું રક્ષણ કરવું પડે છે આ ઉપરાંત ખાતર તેમજ અન્ય દવાઓનો ખર્ચો ૧૦ વિઘામા વાર્ષિક ૧ લાખ રૂપિયા જેટલો આવે છે તેમ સઈદભાઈએ જણાવ્યું.   

યોગ્ય કાળજી લેવામાં આવે સાચી માહિતી મળે અને નિયમિત દેખરેખ રાખવામાં આવે તો આ પાકના ઉત્પાદન થકી અઢળક કમાણી કરી શકાય છે,જે અન્ય ચીલા ચાલુ પાક કરતા સારુ વળતર ઓછી મહેનત અને ઓછા પાણીએ વર્ષો વર્ષ મેળવી શકાય છે તેમા કોઈ શંકાને સ્થાન નથી.આ ઉપરાંત આ પાકના વાવેતર વખતે દરેક રોપા વચ્ચે ૧૦ થી ૧૨ ફૂટનું અંતર રાખવામાં આવે છે, જેથી કરીને એ જ જમીનમાં પૂરક પાક તરીકે મગફળી, બટાકા વગેરે પાકો દાડમની સાથે સાથે લઈ શકાય છે.

વધુ ફોટોગ્રાફસ જોવા માટે અહીં ક્લિક કરો….

– નિતિન પટેલ (વડગામ)