રૂપાલનું શીતળામાતાનું પુરાતન મંદિર
વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો મોટો મેળો ભરાય છે. જેમાં પચીસ હજાર જેટલા શ્રદ્રાળુ ભાવિકો એકઠા થાય છે.
અહીં શીતળા માતાનું આઠસો વર્ષ પુરાણું પુરાતન મંદિર અનેક શ્રદ્રાળુઓને આશીર્વાદરૂપ બનતાં, દિન પ્રતિદિન ભાવિકોની શ્રદ્રા વધતી રહે છે.
આમ જોઈએ તો, ધર્મ પરાયણ લોક્જીવનમાં શીતળામાતાની પૂજા ઘણી પ્રાચિન છે.શીતળા માતા એ હિંદુઓની લોકમાતા હોવાં છતાં, પરધર્મીઓ પણ એની બાધા આખડી રાખે છે. શીતળા માતાની પૂજા ગુજરાત જેટલી જ બંગાળમાં જાણીતી છે.
જુના જમાનામાં બાળક જન્મે તેના થોડા દિવસ બાદ હાથ ઉપર શીતળા ટંકાવવામાં આવતા હતા. એ સમયે ઘણા ઘરમાં બાળક્ને શીતળા નીકળતા. ત્યારે બાળકની માતા વિવિધ પ્રકારની બાધાઓ લેતી અને પાંચ, સાત કે નવ દિવસે જ્યારે બાળક્ને નમાડે ત્યારે આ બાધા છોડતી.
અન્ય રોગોમાં દવાથી સારૂં થશે એવી શ્રદ્રા સાથે દવા લેવાય છે. ત્યારે શીતળામાં દવાના બદલે માતાની દુવાની પ્રાર્થના કરાય છે.
આવી પ્રાર્થના કરતી માતા કહે છે “ હે શીતળા માતા મારો દિકરો હેમખેમ રહેશે તો ત્રણ શીતળા સાતમે એકટાંણા કરીશ ને એ માટે સાત ઘેર માગીશ” એ રીતે શીતળા સાતમને દિવસે સાત ઘરેથી ટાઢું ખાવાનું માગી લાવી શીતળા માતા આગળ પોતાની ભક્તિ દર્શાવે છે.
જે બાળક્ને શીતળા ભારે નિકળે તેના ચહેરા પર સંખ્યાબંધ ચાઠાં પડી જાય કે આંખ, હાથ પગે ખોડ રહે છે. એ માટે શીતળા માને આંખ, હાથ-પગ ચઢાવવાની માનતા કરવામાં આવે છે. અને બાળકને નમાવવા જતી વખતે માતાના માનેલા લાકડાના કે ચાંદીના હાથ-પગ, આંખો વગેરે ચઢાવવામાં આવે છે.
રૂપાલ ગામના આ પુરાતન મંદિરે શીતળા માતા સમક્ષ અનેક હાથ-પગ અને આંખો ભાવિકો દ્વારા ચઢાવેલી જોવા મળે છે.
આશ્ચર્યજનક ઘટના તો આ મંદિરે એ છે કે માતાના મંદિરની પાસે ઓસરી ઉપર ટાઈલ્સના વચ્ચે એક પથ્થર ખૂલ્લો રાખ્યો છે. તેના ઉપર અનેક ટંકાયેલા ટપકા નજરે પડે છે. આ માટે એવું કહેવાય છે કે જે બાળકને શીતળા નીકળ્યા પછી માતાની બાધા-માનતા દર્શન આદિ ફળતાં, શીતળાના રોગમાંથી મુક્તિ મળે છે તેમ તેમ આ પથ્થર ઉપર એક એક શીતળા જેવું ટપકું ટંકાઈ જાય છે.
શ્રાવણ વદ સાતમને શીતળા સાતમ કહેવાય છે. આ દિવસે શ્રદ્રાળુ સ્ત્રીઓ બાજરા કે ઘંઉના લોટની કુલેર, નાળિયેર, કંકુ, ચોખા, રૂના નાગલા અને દીવો લઈ શીતળા માની વાતો કહે છે. શીતળાનો વાસો બોરડીમાં હોઈ સ્ત્રીઓ આ દિવસે બોરડીને બાળતી નથી.
શીતળા માની પૂજા પોતાના છૈયાં-છોકરાંને રોગથી બચવવા માટે જ થાય છે તેવું નથી. આ દેવી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારી પણ ગણાય છે. તેથી આ માતાને પુરૂષો કરતા સ્ત્રીઓ વધુ પૂજ્ય ભાવથી પૂજે છે. શીતળાનો અર્થ ઠંડક આપનાર દેવી પણ થાય છે. તેથી શીતળાના રોગી પાસે લીમડાનું તોરણ બાંધવામાં આવે છે. લીમડાની આંતરછાલનું પાણી છાંટવામાં આવે છે અને દર્દીની પથારીમાં લીમડાના પાંદડાં મૂકવામાં આવે છે.
રૂપાલ ગામે આવેલા શીતળા માતાના મંદિરે જે બાળકને માતા નીકળ્યા હોય તે સિવાયના રોગી માટે બાધા-માનતા કરવામાં આવે છે. બાબરી પણ ઉતારવામાં આવે છે. આ માટે મંદિર પાસે એક ત્રાજવું રાખવામાં આવે છે. જ્યાં ગોળ-સાકર અને મીઠા ભારોભાર તોળવાની પણ બાધા રાખવામાં આવે છે.
માતાજીના મંદિરની પાસે હનુમાનજીની બે દેરી છે. જેમાં હનુમાનજીની એક મોટી પ્રતિમા પ્રભાવશાળી છે. એ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.
અહીં નજીકમાં એક વાવ હતી. તેનું પાણી પીએ તો બે સગા ભાઈઓ ઝઘડે, એક બીજા ઉપર હુમલો કરે એ શાપરૂપ લાગતાં વાવ પૂરી કઢાઈ અને ઘાત કાઢવા તેના પ્રથમ પગથિયે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાઈ.
શીતળા માતાના મંદિરની બાજુમાં ઓરી માતાનું મહાદેવ તેમજ લક્ષ્મીજીનું પણ મંદિર આવેલું છે.
અહીં રહેવા માટે ધર્મશાળા અને વાસણોની વ્યવસ્થા છે. એસ.ટી. બસ અને અન્ય વાહન દ્વારા રૂપાલ આવી શકાય છે.
લેખ :-સ્વરાજ્ય દિપોત્સવી અંક-૨૦૦૭ માંથી સાભાર,લેખક:- શ્રી જીતેન્દ્ર સી.મહેતા
આરતી:-રામદેવપીર મંદિર,મજાદર સાભાર.