ગુરૂ મહારાજ પાવન સ્થળ : શ્રી સંજયભાઇ જોષી
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણ નગરી’, હિરવાણી નગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના અવશેષો આજે પણ કરમાવાદ ગામની સીમમાં જોવા મળે છે. GAZETEER OF THE BOMBAY PRESIDENCY, VOLUME- V. 1880. PAGE NO. 282 માં આ ગામ હમણાં સુધી હતું તેનો ઉલ્લેખ છે.
આ નગર વૈદિક સમયમાં ‘સારસ્વત તીર્થ’ તરીકે જાણીતું હતું, ત્યારબાદ ઈ.સ. 1298 થી 1304 દરમિયાન અલ્લાઉદ્દીન ખીલજીની સેના દ્વારા તેનો વિધ્વંશ કરવામાં આવ્યો. છેલ્લે આ નગર ફરી એકવાર ત્રણસો વરસ પૂર્વે વસાવવામાં આવ્યું. નવાબ તાલેમહંમદખાન લિખિત ‘પાલનપુરનો ઈતિહાસ’ – આ પુસ્તકના ‘દીવાન કરીમદાદખાન’ નામના પ્રકરણમાં (પાન. 160) ઉપર જણાવ્યા મુજબ, ઈ.સ.1719 થી 1735 વચ્ચે થઈ ગયેલા પાલનપુરના દીવાન કરીમદાદખાન દ્વારા આ નગર વસાવવામાં આવ્યું હતું. જેમાં વડનગર, વિસનગર, વિજાપુર બાજુના બ્રાહ્મણો, શાહુકારો અને અન્ય લોકોનો વસવાટ હતો. ગામનું નામ કરીમાબાદ રાખવામાં આવ્યું હતું. દીવાનના એક દુષ્ટ હવાલદાર મહમ્મદ ઘોરીના ધર્માંધ અને વ્યભિચારી વર્તાવના લીધે લોકોએ આ ગામ છોડી દીધું હતું.
આ નગર એક સુંદર તળાવના કિનારે વસેલું હતું. જે ‘સારસ્વત તીર્થ’ કે ‘કરમાવાદ તળાવ’ તરીકે જાણીતું છે. આ કરમાવાદ ગામની સીમમાં અરવલ્લી પર્વતની વિશાળ પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળાની ટેકરીઓને જુદાજુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે ‘ગુરુનો ભોખરો’, ‘ટુંડાવનો ભોખરો’, ‘ધોરી પાવઠી નો ભોખરો’, ‘પાણિયારીનો ભોખરો’ વગેરે.
અહી સૌથી ઊંચા ‘ ગુરુના ભોખરા’ ઉપર ગુરુ મહારાજનું આસરે 700 વર્ષ જૂનું સમાધિ મંદિર આવેલું છે. ગુરુ મહારાજે આ સ્થાનક ઉપર બાર વર્ષ તપ કર્યું અને અહી જ સમાધિ લીધી હતી. ગુરુ મહારાજને જુદા જુદા સ્થાનકે અને સ્થળે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે જેમકે, ધૂંધળીનાથ મહારાજ, ધૂંધળીમલ મહારાજ, ધોરમનાથ મહારાજ, દૂધલીમલ મહારાજ, ધર્મનાથ મહારાજ, કંથરનાથ મહારાજ, ટીણધીણીનાથ (પ્રાકૃત ભાષામાં), ઉત્તરના દેવ વગેરે. અંબાજી જેમ ઉત્તર ગુજરાતની પ્રાચીન ‘શક્તિપીઠ’ છે તેમ ગુરુ મહારાજ તીર્થ ઉત્તર ગુજરાતની પ્રાચીન ‘સિદ્ધપીઠ’ છે.
ગુરૂ નો ભોખરો અને ગુરૂ શ્રી ધૂંધળીનાથ
જલોતરા-કરમાવાદ ગામની પૂર્વ દિશામાં આવેલી અરવલ્લીની ટેકરીઓમાં “ગુરૂનો પહાડ” સૌથી ઉંચો છે. જે “ ગુરૂના ભોખરા” તરીકે ઓળખાય છે. આ ભોખરા ઉપર ગુરુ શ્રી ધૂંધળીનાથની પ્રાચીન ગુફા આવેલી છે, જ્યાં ગુરુ બાર વર્ષ સુધી રોકાયા હતા. આ ગુફામાં એમણે તપ કર્યું હતું. ‘GUJARAT STATE GAZETTEERS ‘ BANASKANTHA DISTRICT ના જનરલ વિભાગ, CHEPTER – 01 ના, વડગામ તાલુકો પેજ નંબર 09 ઉપર, આ સ્થાનની વિસ્તૃત નોંધ છે. GAZETTEERS ના જણાવ્યા મુજબ:-
“ વડગામ તાલુકાના કાંઠાનો ભાગ ડુંગરાળ છે. તેમાં ધોરી – પાવઠી નજીક ધૂંધળીમલ, જોઈતા, પાંડવા, નવોવાસ, ટુંડાનો પહાડ જેવા પર્વતોનો સમવેશ થાય છે. આ તમામ પર્વતોમાં જલોત્રા ગામની પૂર્વ દિશામાં અરવલ્લી ટેકરીઓની શ્રેણી ઉલ્લેખને પાત્ર છે. આ શ્રેણીમાંના નાના ટેકરાઓને નીચેના નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ગુરુનો ભોખરો, ટુંડાનો ભોખરો, પાણીયારીનો ભોખરો વગેરે.
જલોત્રા ગામથી ૩ માઈલ ( ૪.૮ કી.મી.) દુરથી ડુંગરાળ પર્વતમાળાઓ શરુ થાય છે. તે તમામ ટેકરીઓમાંથી ‘ગુરુ નો પહાડ’ સૌથી ઉંચો; લગભગ ૪૦૦૦ ફીટ છે અને તેનો આકાર ઝુમ્મર જેવો છે. આ ટેકરીઓ પર ધૂંધળીમલની ગુફા આવેલી છે. જ્યાં ગુરુ બાર વર્ષ સુધી કઠીન તપશ્ચર્યા માટે રોકાયા હતા. આ જિલ્લામાંથી અને આસપાસના મહેસાણા અને સાબરકાંઠા જીલ્લાઓમાંથી લોકો ભૂતકાળમાં અને હાલમાં પણ ગુરુની મૂર્તિના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે.
ગુરુ મહેસાણા જીલ્લાના પાટણના રહેવાશી હતા. તેઓ સંત હતા અને સ્વભાવે કઇક ઉગ્ર હતા. તેઓ આ ગુફામાં રોકાયા હતા. તેમણે અનેક ચમત્કાર કર્યા હતા અને આ ડુંગરમાં સમાધિ લીધી હતી. આજે પણ લોકો તેમના માટે ઊંડો આદર ધરાવે છે. ગુરુ સંતાન પ્રાપ્તિ માટે પ્રસન્ન થાય છે. મોટી સંખ્યામાં લોકો ચોટી ઉતરાવવા અને બાધા પૂર્ણ કરવા આ સ્થાનની મુલાકાત લે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લાના અને આજુબાજુના લોકો અહી આવે છે અને મહા સુદ પાંચમના દિવસે મોટો મેળો ભરાય છે. ઉનાળામાં વાંસ અને કેસુડાંના ફૂલો ખીલી ઉઠે છે. ડુંગરમાં આખું વર્ષ પાણી રહેતું હોવાથી આ જગ્યાને પાણીયારી કહેવામાં આવે છે.
સિદ્ધપુરના બ્રાહ્મણો સમુહમાં સંઘ લઈને વસંત પંચમીના દિવસે આ પર્વત ઉપર ગુરુના દર્શને આવે છે. ધૂંધળીમલ ગુફામાં રહેવાની પણ સુવિધા છે. ધૂંધળીમલ પાસે બીજી ટેકરી રાકેશ્વરની છે. તેની પશ્ચિમ દિશામાં કર્માવતની ટેકરી આવેલી છે. જલોત્રા ગામથી લગભગ ૩.2 કિ.મી દૂર ટુંડાવની ટેકરી પણ છે.”
ગુરુ મહારાજના દર્શન કરવા અને બાધા પૂર્ણ કરવા શ્રદ્ધાળુઓ અહી પૌરાણિક સમયથી આવતા રહેતા હતા. સમગ્ર અર્બુદ અરણ્ય એ ઋષિ અને મુનીઓની તપોભૂમિ હતી.
આજથી લગભગ ૮૦ વરસ પહેલા ગુરુદેવના અનન્ય ભક્ત એવા સિદ્ધપુરના મોતીરામ મહારાજે અહી ગુરુની મૂર્તિની સ્થાપના કરી હતી. મૂળ મગરવાડા ગામના લેખક શ્રી કિશોરસિંહ સોલંકી દ્વારા લખાયેલ ‘અરવલ્લી’ પુસ્તકમાં આ સ્થળનું રળિયામણું વર્ણન કરેલું છે.
કરમાવાદ ગામમાં પ્રવેશ કરતા જ સામે સામે બે ટેકરીઓની ઉપર બે માંચડા બાંધેલા જોવા મળે છે. આ માંચડા ખુબ પ્રાચીન છે. રાજાના અને ત્યારબાદ નવાબના સૈનિકો અહી સશસ્ત્ર ચોકી પહેરો કરતા હતા, જેથી ગુરુ મહારાજના દર્શને જતા યાત્રાળુઓ નિર્વિઘ્ને યાત્રા કરી શકે.
પુસ્તક શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો – જીવન ચરિત્ર અને પરિચય માંથી સાભાર
લેખનકર્તા : શ્રી સંજયભાઇ જોષી
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ : કરમાવાદ – જલોતરા